સંપાદનો
Gujarati

"બિઝનેસ એ નફો નહીં, પણ એક પ્રોડક્ટ છે"

30th Nov 2015
Add to
Shares
16
Comments
Share This
Add to
Shares
16
Comments
Share

"સામાન્ય રીતે હું લોકોની આંખોમાં જોઉં ત્યારે મને તેમની આત્મા, ચેતનાનો અનુભવ થાય છે, પણ હું જ્યારે તારી આંખોમાં જોઉં છું ત્યારે મને ખાલી કુવો, ખાલી પડેલો ખાડો અને સાવ નિર્જિવ ક્ષેત્ર દેખાય છે." આ વાત કોણે અને કોના માટે કહી તેનો અંદાજ તમે કદાચ નહીં લાગવી શકો. આ વાત એપલના સીઈઓ જોન સ્કલીની પત્નીને સ્ટીવ જૉબ્સે કહી હતી જેને તેઓ અનેક આશાઓ સાથે કંપનીમાં લાવ્યા હતા. સ્કલીને વિશ્વાસ હતો કે કંપનીમાં જૉબ્સની હાજરી જ કંપનીના વિકાસ માટે નડતરરૂપ છે અને તે મેનેજિંગ ડાયરેક્ટર્સને આ વાત સમજાવવામાં સફળ રહ્યા અને આખરે જોબ્સને નોકરી છોડવાનો વારો આવ્યો.

image


સ્કલી અને જૉબ્સ બંને આ મિટિંગ બાદ આંતરિક રીતે તૂટી ગયા હતા અને અંતે એકબીજાની સામે રડ્યા પણ હતા. સ્કલીએ પોતાની જીત છતાં રાજીનામુ આપવાનું નક્કી કરી લીધું. સ્કલીની પત્ની જૉબ્સથી દુઃખી હતી કારણ કે તેને કાઢવામાં જૉબ્સે ઘણી ભૂમિકા નિભાવી હતી. આવા સંજોગોમાં તેણે જૉબ્સ સાથે વાત કરવાનું નક્કી કર્યું. તેણે જૉબ્સને પાર્કિંગમાં મળવાનું નક્કી કર્યું પણ જૉબ્સ તેની સામે આંખોમાં આંખો પરોવીને વાત નહોતા કરી શકતા. તેણે જૉબ્સને કહ્યું, "હું તમારી સાથે વાત કરી રહી છું ત્યારે તમે મારી સામે પણ જોઈ નથી શકતા." છેવટે તેણે સ્કલીની પત્નીની સામે જોયું અને તેણે જૉબ્સને આ વાક્યો કહ્યા.

કોઈ ભલે એમ કહે કે સફળતાના શિખરો સર કરનારા જૉબ્સ એક ક્રુર, નિર્દયી, અસભ્ય, અપ્રિય અને નિષ્ઠુર વ્યક્તિ હતા. કદાચ તેમના વિશે આ વાત સત્ય પણ છે. સહકર્મી તરીકે તેમની સાથે કામ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. કોઈ પણ પ્રોડક્ટનું એનાલિસિસ કરવા સમયે તે એકલા હોય કે જાહેરમાં બેઠા હોય તેઓ જે શબ્દપ્રયોગ કરે તે સાંભળી શકાય તેવા પણ ન હોય. તે પોતાના સાથીઓમાં પણ અપ્રિય હતા. ટીને રીડ્સ વિશે જૉબ્સે કબૂલ્યું હતું કે તે પહેલી વ્યક્તિ હતી જેના માટે જૉબ્સને સાચો પ્રેમ થયો હતો અને તેમણે ટીના સામે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો જેને ટીનાએ ફગાવી દીધો હતો. ટીનાએ જણાવ્યું હતું કે, "હું એક આઈકન સમાન સ્ટીવ જોબ્સ માટે સારી પત્ની સાબિત નહીં થઈ શકું. મેં આ પ્રસ્તાવને કોઈપણ સ્તરે ફગાવી દીધો હોત. ત્યાં સુધી કે અંગત વાતચીતમાં પણ હું તેમની કઠોરતા સહન કરી શકતી નહોતી. હું તેમને દુઃખી કરવા માગતી નહોતી અને તેમની સાથે રહીને તેઓ અન્યને દુઃખી કરે તે પણ જોઈ શકતી નહોતી. તે ખૂબ જ પીડાદાયક અને થકવી નાખનાર હતું." ટીનાને વિશ્વાસ હતો કે જોબ્સ 'નાર્સિસિસ્ટ પર્સનાલિટી ડિસઓર્ડર'થી પીડાતા હતા.

આ બધું જ હોવા છતાં તે એક જિનિયસ હતા અને એક જિનિયસ ક્યારેય સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવતા નથી. જૉબ્સ સિવાય કોણ રસ્તા પર ખુલ્લા પગે ફરી શકે. તેમણે પોતાની જીવનના અંતિમ પીડાદાયક દિવસોમાં પણ પોતાની ખાવાની આદત છોડી નહીં. તેઓ માત્ર ફળો અને શાકભાજી પર જ જીવતા હતા અને ઘણી વખત તો અઠવાડિયાઓ સુધી ભોજન નહોતા કરતા. તે પોતાની કાર પણ વિકલાંગો માટે અનામત રખાયેલા સ્થાને પાર્ક કરતા હતા. તેમને પહેલી નોકરીમાં દિવસ પાલીમાંથી ખસેડીને રાતપાલીમાં મૂકવામાં આવ્યા હતા કારણ કે તે નહાતા જ નહોતા અને તેમને ડિયોડ્રન્ટ પણ પસંદ નહોતા. જૉબ્સ અનેક મહિનાઓ સુધી શાંતિ અને પવિત્રતાની શોધમાં ભારતમાં રખડ્યા હતા. તેમની આત્મકથા લખનાર વોલ્ટર આઈસેક્સને તેમના જ શબ્દોમાં જણાવ્યું કે, તે એવા કોઈ ભગવાનની પૂજા સાથે લેવાદેવા નથી રાખવા માગતા અને પછી તેમણે ચર્ચ જવાનું પણ છોડી દીધું હતું. મૃત્યુશૈયા પર હોવા છતાં તેમણે આઈસેક્સનને કહ્યું હતું કે, આજે પણ હું ભગવાનમાં માનવાના મુદ્દે દ્વિધામાં છું.

એક વાતે તે નિશ્ચિંત હતા કે દુનિયાને બદલવા માટે તેમનો જન્મ થયો છે અને તેઓ તે કરીને રહેશે. તે એક એવા સીઈઓ હતા જેમણે ક્યારેય બિલ ગેટ્સની જેમ પોતાના નફાનો વિચાર નહોતો કર્યો. તેમને બિલ ગેટ્સ માટે નહીવત જેવું માન હતું કારણ કે તેઓ માનતા કે ગેટ્સે તેનું જીવન ધન ભેગું કરવામાં જ પસાર કરી નાખ્યું છે. એવું નહોતું કે જૉબ્સ કંગાળ હતા, તેમની પાસે પણ અખૂટ ધન હતું છતાં વ્યાપાર માટે તેમના વિચારો ખૂબ જ ક્રાંતિકારી હતા. તેમણે એવી પ્રોડક્ટનું નિર્માણ કર્યું જેણે દુનિયાને જ બદલી નાખી. બોબ ડાઈલોન તેમનો પ્રેરણાસ્ત્રોત હતા અને તેઓ તેમનામાં સંપૂર્ણ રીતે વિશ્વાસ કરતા હતા. તે કહેતા કે જો તમે જન્મથી જ વ્યસ્ત નથી તો તમે માત્ર મૃત્યુ માટે વ્યસ્ત છો. જૉબ્સને પોતાના સહકર્મીઓ સાથે પણ આમનેસામને થઈ જવું પડતું અને તેઓ જોબ્સને કહેતા કે તમે એવી જ પ્રોડક્ટ વિકસાવવા માગો છો જે તમારી પહેલાની પ્રોડક્ટનું જ ભક્ષણ કરી જાય. જૉબ્સ ત્યારે કહેતા કે તમે સ્વભક્ષણ નહીં કરો તો અન્ય કોઈ તમારું ભક્ષણ કરી જશે. જૉબ્સનો બિઝનેસ માટે એક નિયમ હતો કે, ક્યારેય સ્વભક્ષણથી ડરવું જોઈએ નહીં.

એ વાતમાં સહેજપણ આશ્ચર્ય કરવા જેવું નથી કે આઈપોડ દ્વારા સંગીત જગતમાં ક્રાંતિ લાવ્યા બાદ આઈફોન અને આઈપેડનું નિર્માણ કરીને તેમણે ઈન્ટરનેટ જગતને જ નવું સ્વરૂપ આપ્યું. 1997માં તેમણે એપલની કમાન એ સમયે સંભાળી જ્યારે કંપની દેવાળીયું કાઢવા બેઠી હતી અને 2010 સુધીમાં તો તેઓ રેવન્યૂની બાબતમાં બે દાયકા સુધી માર્કેટમાં રાજ કરનાર માઈક્રોસોફ્ટની પ્રતિસ્પર્ધામાં આવી ગયા. આજે એપલ ઈતિહાસની સૌથી કિંમતી બ્રાન્ડ છે. આઈસેક્સન જણાવે છે કે આજથી હજારો વર્ષો બાદ જ્યારે આ શતાબ્દીની ચર્ચા થશે ત્યારે જૉબ્સનું નામ એડિસન અને ફોર્ડ સાથે લેવામાં આવશે. હંમેશા કંઈક નવું કરવાનો વિચાર તથા અન્ય કરતા આગળનું વિચારવાની ક્ષમતા જ તેમની સફળતાની નિશાની છએ. તેમનો એક જ જીવનમંત્ર હતો, ઈનોવેશન, ઈનોવેશન અને ઈનોવેશન.

એવો સમય જ્યારે સમગ્ર વિશ્વ એક ઓપન સિસ્ટમની વાત કરતું હતું તથા માઈક્રોસોફ્ટ પોતાના વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા બીજી કંપનીઓ સાથે કરાર કરીને નફો રળતી હતી ત્યારે જૉબ્સ હાર્ડવેરથી સોફ્ટવેરમાં કન્ટેન્ટને એન્ડ-ટૂ-એન્ડ ઈન્ટિગ્રેશનમાં વિશ્વાસ કરતા હતા. તે સંપૂર્ણ રીતે પ્રોડક્ટિવ હતા. તેમના માટે પ્રોડક્ટનું નિર્માણ વિજ્ઞાનની સાથે સાથે કળાનું પણ માધ્યમ હતું અને એક બિઝનેસ પણ હતું. તેમના મતે એક પ્રોડક્ટનું નિર્માણ કરવું તે પિકાસોની જેમ એક પેઈન્ટિંગ બનાવવા જેવું જટિલ પણ તેના પર વિજય મેળવવાનું ઝનુન પણ હતું. આઈફોન અને આઈપેડ ઉપયોગમાં સૌથી સરળ હોવાની સાથે યુઝર ફ્રેન્ડલી પણ છે.

વર્તમાન સમયના આધુનિક વ્યાપારમાં સેલ્સ સાથે જોડાયેલા લોકોને વધુ માન મળે છે. તે ઉદ્યોગજગત પર રાજ કરે છે. જૉબ્સને તેમનાથી નફરત હતી. તેઓ જણાવતા કે, જ્યારે સેલ્સ સાથે જોડાયેલા લોકો કંપની ચલાવવા લાગે ત્યારે પ્રોડક્ટ સાથે જોડાયેલા લોકો બેઈમાની કરવી લાગે છે અને તેમાંથી મોટાભાગના શાંત થઈ જાય છે. આઈબીએમ અને માઈક્રોસોફ્ટના પતન માટે તેઓ આવા લોકોને જ જવાબદાર માને છે. તેમણે વર્તમાન સ્થિતિ સામે જંગ છેડ્યો અને સમગ્ર વ્યાપરજગતમાં એક એક નવી પ્રથા પાડવાનો પ્રયાસ કર્યો જેમાં જણાવ્યું કે, લોકોને જે જોઈએ છે તે આપો. ફોર્ડની જેમ જ જૉબ્સ પણ દુરંદેશી હતા. તે જણાવતા કે લોકોને ત્યાં સુધી એ ખબર નથી હોતી કે તેમને શું જોઈએ છે જ્યાં સુધી તમે તેમને તે આપતા નથી. તેઓ પોતાની રીતે એક ઉત્તમ સેલ્સમેન હતા. મેકિન્ટોશથી માંડીને આઈપેડ સુધીના દરેક પ્રોડક્ટ કે જેને તેમણે તૈયાર કર્યા હતા તેને તેમણે એક જાદુગરની જેમ એવી રીતે વેચ્યા જે પહેલાં ક્યારેય બજારમાં હતા જ નહીં. તે બજારમાં ઉથલપાથલ મચાવી દેતા. આ સેલ્સમેન કંઈક અલગ હતા. તેમનું નામ હતું સ્ટિવ જૉબ્સ. સાવ પાગલ અને વિચિત્ર, કારણ કે જે લોકો એમ વિચારતા હોય છે કે તેઓ દુનિયાને બદલી શકે છે તે અંતે તેવું કરવામાં સફળ પણ થાય છે. આવા સંજોગોમાં હું સ્કલીની પત્ની સાથે અસહમત છું. જૉબ્સ એવા લોકોમાના નહોતા જેને તેઓ ટાર્ગેટ કરી રહી હતી. તે સ્ટીવ હતા, સ્ટીવ જૉબ્સ. એક એવી વ્યક્તિ માત્ર એક પલકારામાં પોતાના સહકર્મીને જોઈ લેવાની સાથે તેની પૂર્ણતા અને પવિત્રતાને પામી શકતા હતા.

આ લેખ મૂળ અંગ્રેજીમાં લખાયો છે જેનો અહીંયા ગુજરાતીમાં ભાવાનુવાદ કરાયો છે. તેના મૂળ લેખક વરિષ્ઠ પત્રકાર અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા આશુતોષ છે.

અનુવાદક- રવિ ઈલા ભટ્ટ

Add to
Shares
16
Comments
Share This
Add to
Shares
16
Comments
Share
Report an issue
Authors

Related Tags