ગર્ભાવસ્થાની રજા લેવાના સમયે શ્રદ્ધા સૂદે કદમ માંડ્યો ઉદ્યોગસાહસિકતા તરફ
માતૃત્વનો આનંદ માણવા માટે જ્યાં મહિલાઓ મૅટરનિટી લીવ, એટલે કે રજા લેતી હોય છે, એવા સમયમાં શ્રદ્ધા સૂદ બે સ્ટાર્ટઅપ્સનું સુકાન સંભાળી રહ્યાં હતાં.
એક નાની બાળકીની માતા તરીકે તથા બીજું, ઑર્ડર પ્રમાણે બનાવી આપવામાં આવતાં હાઈ-ફૅશન મૅટરનિટી વેયરનાં લેબલ હેઠળ તેમણે Mamacouture ની શરૂઆત કરીને, બિઝનેસની દુનિયામાં પોતાનાં બેબીસ્ટેપ્સ ભર્યા.
પણ તેઓ આને અન્ય કોઈ સમયે અથવા અન્ય કોઈ રીતે ન કરી શક્યાં હોત. તેઓ નહોતા ઈચ્છતાં કે તેમની ગર્ભાવસ્થા દરમિયાન તેમણે જે લાગણી અનુભવી તે અન્ય કોઈ મહિલાઓ પણ અનુભવે. શ્રદ્ધાના કહેવા પ્રમાણે, ગર્ભાવસ્થા દરમિયાન માં બનવાની ખુશીની લાગણી તો હોય જ, પણ સુંદર દેખાવાના વિકલ્પો અચાનક જ નહીંવત બની જાય. આ અંગે શ્રદ્ધા જણાવે છે, “આઠમાં મહિને હું ઑફિસમાં પહેરી શકાય એવાં મૅટરનિટી વેયરની શોધમાં હતી, પણ મને એ જાણીને નિરાશા થઈ કે માર્કેટમાં મારી સ્ટાઈલને શોભે તેવાં તથા આજનાં જમાનામાં વ્યવસ્થિત તથા સુંદર દેખાવા માંગતી મહિલાઓની સ્ટાઈલ અનુસાર કપડાં જ ન મળ્યાં."
તેથી આ ફૉર્મર વકિલે નક્કી કર્યું કે, આજ સમય છે આ ક્ષેત્રને બદલવાનો અને તેમાં જરૂરી બદલાવો લાવવાનો. “આપણે ગર્ભાવસ્થા માટેનાં અભિગમમાં બદલાવ લાવવાની જરૂર છે. કોઈ પણ સ્ત્રીએ તેની ગર્ભાવસ્થા છુપાવવાની અથવા તેના શરીરમાં આવતાં ફેરફારને લઈને સંકોચ અનુભવવાની જરૂર નહીં પડે. તમેં સુંદર ન લાગો તેવા કપડાં ન પહેરવા જોઈએ તથા હંમેશા આત્મવિશ્વાસથી ભરપૂર તથા સુંદર દેખાવું જોઈએ”.
તેઓ એવી ઘણી મહિલાઓને ઓળખતા હતાં, જેમણે પોતાના શરીરમાં થતાં ફેરફારને લઈને સંકોચ તથા અગવડતાં અનુભવવાનાં લીધે, ગર્ભાવસ્થાનાં મધ્ય ભાગમાં તેમની નોકરી છોડી દીધી હતી. "મારી ગર્ભાવસ્થા દરમિયાન, જ્યારે હું શૉપિંગ કરતી હતી ત્યારે મને સાવ બેડોળ, માપ વગરનાં, અવ્યવસ્થિત અને વિચાર્યા વગર બનાવી દીધેલાં કપડાં જોવાં મળ્યાં. ગર્ભાવસ્થા એક અત્યંત આનંદદાયી અનુભવ હોય છે, જ્યારે તમને ખૂબ લાડ લડાવવામાં આવે છે, પણ મેં મારો મોટા ભાગનો સમય વિદેશથી સારા કપડાં ઑર્ડર કરવામાં જ પસાર કરી દીધો. અને એની પાછળ મેં જે પૈસા, મહેનત અને સમય વેડફ્યા હતો, તે મને યોગ્ય લાગ્યું."
એક નવી શરૂઆત
તેથી શ્રદ્ધાએ માર્કેટનું રિસર્ચ કરવાનું નક્કી કર્યું, અને તેનાં પરિણામો ચોંકાવનારા હતાં. ભારતમાં દર મિનિટે થતી 51 પ્રસૂતિમાંથી, જો 20% ને પણ ટીઅર-1 અને ટીઅર-2 શહેરોની મહિલાઓનું અનુમાન લગાવવામાં આવે, તો આનું માર્કેટ રૂપિયા 2,500 કરોડનું છે, જેના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે.
શ્રદ્ધાએ નક્કી કર્યું કે, તેમનાં બ્રાન્ડની શરૂઆત કરવા માટે આ જ ખરો સમય હતો. અને તેમને આઠમો મહિનો ચાલતો હોવાં છતાં, એ વાત ક્યારેય અવરોધ ઊભો કરનારી ન બની.
“તે મુશ્કેલ તો હતું અને ખરેખર એક મોટો નિર્ણય હતો. પણ એનો વિચાર મારા મનમાં એવો બેસી ગયો હતો, કે હું જાણતી હતી કે તે પ્રયાસ કરવા તથા દુનિયામાં લઈ જવા યોગ્ય છે."
જોકે, ઘણાં લોકોએ તેમના આશય પર નહીં, પણ તેમના સમય-નિર્ધારણ પર સવાલ ઉઠાવ્યાં હતાં. શ્રદ્ધા જણાવે છે કે, તેમની પ્રેરણાનું સ્તર એટલું ઉચું હતું કે તેના પર કામ ન કરવું અને પોતાની ઊર્જાને સકારાત્મક ક્રિયામાં ઉપયોગ ન કરવો તે અયોગ્ય ગણાતું.
“ના, હું રાહ નથી જોઈ શકતી, હું બધાને આવું મક્કમપણે કહેતી હતી! હું ઉદ્યોગસાહસિકતા વિશે ઘણાં સમયથી વિચારી રહી હતી, પણ વિચોરોની મક્કમતા તથા પૂરતી એનર્જી હોવી તે એક અસામાન્ય સંયોજન હોય છે, અને મને જ્યારે આ વાતનો અનુભવ થયો ત્યારે, હું એ તકને ખોવા નહોતી માગતી. ઘણાં લોકો પોતાને ઘણાં બધાં કારણો આપી બેસે છે કારણ કે સત્ય તો એ છે કે, કંઈ ન કરવા પાછળ ઘણાં કારણો હોય છે, પણ જ્યારે તમારે કંઈક કરવું હોય ત્યારે તમારે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે."
‘ટ્વિન્સ’ની સારસંભાળ
કોઈ એવું વિચારશે કે, એક પ્રૅગનૅન્ટ સ્ત્રીએ ઓછા પડકારોનો સામનો કર્યો હશે, પણ તેમનો ઉત્સાહ તેમને પ્રૅગનૅન્ટ સ્ત્રીઓનો સર્વે કરવાથી લઈને, એક ડિઝાઈનર શોધવા, તથા પ્રિલૉન્ચ લાઈન તૈયાર કરવા સુધી બધે જ ખેંચી લઈ ગયો. તેમણે એક દિવસની પણ રજા નહોતી લીધી.
પણ તેમની સામે ખરો પડકાર તો ત્યારે આવ્યો, જ્યારે એમની પુત્રીનો જન્મ થયો.
“તેના જન્મ સાથે જોડીયાં બાળકોને સાચવવા જેવો અહેસાસ થવા લાગ્યો. તેમને સ્ટાર્ટઅપનો વિચાર તથા માતૃત્વનો સમય એકસાથે જ આવ્યો હતો. આ ટાઈમ મેનેજમૅન્ટની એક જટીલ કેસ સ્ટડી હતી. તમે ગમે તે કરો, પણ તમે બેમાંથી કોઈની માટે પણ સમય ન ફાળવી શકો."
“આ બધું એકલા હાથે કરવા માટે સુપર પાવરની જરૂર પડે. આવી પરિસ્થિતિમાં પરિવાર જેવો ટેકો કોઈ ન આપી શકે, અને મારે તેમને યોગ્ય શ્રેય આપવો જ રહ્યો. બધાં લોકોએ આગળ આવીને મદદ કરી. તેમણે ઘર તથા મારી દિકરીને સાચવી, તેમણે મારા સમય અનુસાર તેમનાં શેડ્યૂઅલમાં ફેરફાર કર્યા. જો મને તેમની મદદ ન મળી હોત તો હું પાગલ જ થઈ ગઈ હોત."
તેઓ માને છે કે, એક સ્ત્રીના પરિપ્રેક્ષ્ય મુજબ, અમે ક્યારેય મદદ માગતા નથી, અને ઘણું ખરું કામ પોતાના માથે જ લઈ લઈએ છીએ. “અમારે મદદ માગવી જોઈએ. બાળક હોવું જ એક અગ્નિ પરીક્ષા જેવું હોય છે, એટલે જ્યારે તમે કારકિર્દીમાં આગળ વધી રહયાં હોવ ત્યારે, તમારે પોતાના સ્નેહીજન પાસેથી મદદ માંગવામાં સંકોચ રાખવો જોઈએ નહી."
આ વ્યવસાય વિકાસ કરી રહ્યો છે. તેની શરૂઆતનાં માત્ર ત્રણ મહિનામાં જ Mamacouture ઍમેઝૉન, ફ્લિપકાર્ટ, જબોંગ, લાઈમરોડ અને ફર્સ્ટક્રાય જેવાં મોટા પોર્ટલ્સ પર 30-60%નું મૅટરનિટી કલેક્શન ધરાવે છે.
શ્રદ્ધા કહે છે કે, “આ સેગમૅન્ટને લઈને ઘણો જ રસ અને ઉત્સાહ છે. લોકો આની તરફ કપડાનાં એક ફૂલ-ફ્લેજેડ સેક્શનની જેમ ધ્યાન આપી રહ્યાં છે."
તમે ‘એક્સપૅક્ટ’ કરી રહ્યાં હોવ, ત્યારે શું એક્સપૅક્ટ કરવું?
ઘણાં જ ઓછા સમયમાં કંપની મહિને 1 લાખ રૂપિયા સુધીના ટર્નઓવર સુધી પહોંચી ગઈ છે.
જોકે, તેમનાં ‘ટ્વિન્સ’ સ્વસ્થ અને તંદુરસ્ત છે છતાંય એવો પ્રશ્ન થાય કે, તેઓ જે પામવા જઈ રહ્યાં હતાં, તેમાં તેઓ ક્યારેય અચકાયા છે ખરા?
તેઓ કહે છે કે, “બાળકની જેમ નાના પગલે ચાલો."
લેખક- બિંજલ શાહ
અનુવાદક- નિશિતા ચૌધરી