કેન્સરપીડિતોની સહાય માટે મુંબઈની લોકલ ટ્રેનોમાં ગિટાર વગાડતા સૌરભ નિંબકર

કેન્સરપીડિતોની સહાય માટે મુંબઈની લોકલ ટ્રેનોમાં ગિટાર વગાડતા સૌરભ નિંબકર

Thursday November 26, 2015,

5 min Read

કેટલાક લોકો એવા હોય છે જેમને અન્યોના ચહેરા પર સ્મિત કે હાસ્ય જોઇને સંતોષ થતો હોય છે. હેરાન-પરેશાન લોકોના જીવનમાં થોડો મલકાટ લાવીને તેમને શાંતિ મળતી હોય છે. સ્પષ્ટ છે કે આ કામ મુશ્કેલ છે પણ અહીં બધુ જ શક્ય છે. બીજાના ચહેરા પર મલકાટ લાવવાનું એક નામ છે સૌરભ નિંબકર. મુંબઈનાં ડોંબીવલીમાં રહેનારા સૌરભ નિંબકર પોતાની ગિટાર સાથે હંમેશા અંબરનાથથી દાદરની વચ્ચે ચાલતી લોકલ ટ્રેનમાં જોવા મળે છે. સૌરભ લોકોને તેમની પસંદના ગીતો સંભળાવે છે અને તેના બદલામાં મુસાફરો તેમને પૈસા આપે છે. જે પૈસા સૌરભને મળે છે તે પૈસાથી તેઓ કેન્સરના ગરીબ પીડિતો અને તેમના પરિવારની સહાયતા કરે છે.

નાનપણથી જ લોકોનું મનોરંજન કરવાનો શોખ રહ્યો છે

૨૩ વર્ષીય સૌરભના જણાવે છે, “મને નાનપણથી જ લોકોનું મનોરંજન કરવું સારું લાગતું હતું. કોલેજના દિવસોમાં હું અને મારા મિત્ર લોકલ ટ્રેનમાં ગિટાર વગાડતા હતા અને ગીતો ગાતા જતાં. ઘણી વાર તો સામાન્ય લોકો પણ અમારી સાથે ગીતો ગાતા હતા.” સૌરભે બાયોટેકથી સ્નાતક અને બાયો-એનાલિટિકલ સાયન્સિસમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ કર્યું છે અને હાલ તેઓ એક ફાર્મા કંપની ઇવેન્ટિયા હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરી રહ્યાં છે. પોતાની કારકિર્દીનાં આ નાજુક વળાંક છતાં સૌરભ ઘણાં મહીનાઓથી સતત અઠવાડિયામાં ત્રણ દિવસ લોકલ ટ્રેનમાં ભીડની વચ્ચે ગીતો ગાય છે.

કોલેજના દિવસોમાં સૌરભે ગિટારની કેટલીક નોટ્સ શીખી હતી પણ સંગીત પ્રત્યે તેમના પ્રેમે તેમને એક ગુરૂ સુધી પણ પહોંચાડી દીધા હતા. જોકે, તેમનો અવાજ એટલો સારો નહતો રહ્યો કે તેમને સ્ટેજ પર ગાવાની તક મળત. વર્ષ ૨૦૧૩માં સૌરભની માતાને કેન્સરના કારણે કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. સૌરભના જણાવ્યા પ્રમાણે, “જ્યારે મારી માતા હોસ્પિટલમાં હતાં, ત્યારે હું એક દિવસ મારું ગિટાર લઇને ત્યાં ગયો હતો. જ્યારે મેં ત્યાં ગિટાર વગાડવાનું શરૂ કર્યુ હતું ત્યારે દર્દીઓના આપ્તજનોને ઘણી રાહત અને શાંતિ મળી હોય તેવી લાગણી થઇ હતી. તે શાંતિપૂર્ણ અનુભૂતિએ મને આગળ પણ લોકો માટે ગિટાર વગાડવાની પ્રેરણા આપી હતી. તે બાદ હું છાશવારે ત્યાં જતો હતો અને લોકો માટે ગિટાર વગાડતો હતો. આ વિશે મેં જ્યારે મારા માતાને કહ્યું હતું ત્યારે તેઓ પણ ખૂબ ખુશ થયા હતા.”

image


નવો વળાંક

હોસ્પિટલમાં દાખલ કરાવ્યાના એક વર્ષ બાદ સૌરભની માતાનું અવસાન થઇ ગયું હતું અને તેમણે હોસ્પિટલ જવાનું બંધ કરી દીધુ હતું, પણ તે દરમિયાન તેઓ કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનોને થતી તકલીફોને સારી પેઠે જાણી ચુક્યા હતાં.

સૌરભ કહે છે, “આપણો સમાજ તમામ જગ્યાએ ગરીબ અને અમીર વચ્ચે ભેદભાવ કરે છે. પણ દુર્ભાગ્યે કેન્સરના દર્દીઓની સારવારના બિલની વખતે આ ભેદભાવ નથી થતો જ્યારે અહીં તેની સૌથી વધારે જરૂર હોય છે. દર્દીની સારવારમાં લાગતી તગડી રકમના કારણે આ ગરીબ પરિવારોનું જીવન નર્ક સમાન થઇ જાય છે. જોકે, ઘણી સંસ્થાઓ કેન્સરના દર્દીઓની સારવારનો ખર્ચ ભોગવે છે પણ પરિવારની અન્ય જરૂરિયાતો તેમને તોડી નાખે છે. કેન્સરના દર્દીની સારવારમાં સ્વાભાવિક રીતે ૩થી ૪ લાખ જેટલો ખર્ચ થાય છે પણ પરિવારના લોકો સાથે રહેવાને કારણે આ ખર્ચ ૨થી ૩ લાખ રૂપિયા વધી જાય છે. મોટો સવાલ આ છે કે આવા પરિવારોની મદદ કોણ કરે?”

સારા કપડાં અને ગિટારની સાથે ભિખારી

સૌરભ કહે છે, “મેં નિર્ણય કર્યો હતો કે મારે તે કામ જ કરવું જોઇએ જે હું કોલેજના દિવસોમાં કરતો હતો, લોકલ ટ્રેનમાં ગિટાર વડે લોકોનું મનોરંજન કરવું. આ વખતે તેમની પાસેથી દાન પણ લઇશ. મને ખબર હતી કે હું મદદ કરવા ઈચ્છું છું પણ મારી સામે ઘણાં સવાલો હતા. લોકો મારી ઉપર વિશ્વાસ કરશે? હું કઇ રીતે તેમની સામે મારી સચ્ચાઇ સાબિત કરીશ? આ તમામ તકલીફોનો અંદાજ લગાવતા સૌરભે એક બિનસરકારી સંગઠન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો. આ એનજીઓના નામની સાથે સૌરભે લોકલ ટ્રેનમાં લોકોનું મનોરંજન કરવાનું શરૂ કર્યુ હતું.

ધીમે-ધીમે સૌરભના આ પ્રયાસ સાથે લોકો પણ જોડાવા લાગ્યા હતા. કેટલાક યાત્રીઓ તો તેમની સામે પોતાની પસંદગીના ગીતો ગાવાની માગ પણ કરવા લાગ્યા હતા. જોકે કેટલાક તેમની ટીકા પણ કરતા હતા. સૌરભના જણાવ્યા પ્રમાણે ઘણાં બધા લોકો માટે તો હું સારા કપડાં પહેરીને ગિટાર વગાડનારો ભિખારી છું પણ મોટાભાગના લોકોને હું પસંદ પડું છું. ઘણી વાર જ્યારે કોઇ મુસાફર મને ગીત ગાવાનું બંધ કરવા કહે છે, ત્યારે બીજા મુસાફરો તેને આમ કરતા રોકવાની સાથે જ મને ગીત ગાવાનું કહે છે.

સૌરભે વધુમાં કહ્યું હતું કે સારો દિવસ હોય ત્યારે મને ૮૦૦થી ૧૦૦૦ રૂપિયા સુધી દાન મળી જાય છે. લોકો મને ૧૦થી લઈને ૫૦૦ રૂપિયા સુધી દાનમાં આપે છે. આ પૈસાથી કેન્સરપીડિત પરિવારોની મદદ કરવામાં આવે છે. સૌરભ અનુસાર તેઓ લોકલ ટ્રેન જોઇને ચઢે છે. વધારે ભીડ હોય તેવી ટ્રેનમાં નથી ચઢતા કારણ કે તેમને ગિટાર વગાડવા માટે જગ્યાની જરૂર હોય છે. તે ઉપરાંત બિલકુલ ખાલી ટ્રેનમાં પણ યાત્રા કરવી તેમને પસંદ નથી કારણ કે ત્યાં દાન આપનારા લોકો ઓછા હોય છે.

સૌ કોઇ સાથે મળીને કાંઇક કરી શકીએ છીએ

સૌરભ અનુસાર દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ ગુણ કે કૌશલ્ય ચોક્કસપણે હોય છે. જોકે, મને સંગીતનું જ્ઞાન ખૂબ જ ઓછું છે પણ તેના પ્રયોગે જ મને ઓળખ આપી છે. જરા વિચારો, જો લોકો આવા ઘણાં બધા આઇડિયા સાથે સામે આવે તો કેવી સ્થિતિ ઉદભવશે? શું આ યોગ્ય નહીં રહે? જો ના, તો મને લાગે છે કે દરેક વ્યક્તિએ પોતાના પગારનો એક ટકા ભાગ પોતાના વિસ્તારની એવી સંસ્થાને આપવો જોઇએ જે સમાજ માટે કાંઇ કામ કરી રહી હોય. આ કામને અમલમાં મૂકવું મુશ્કેલ છે પણ તે અશક્ય નથી. સૌરભના કામ પર લોકો ધ્યાન આપી રહ્યાં છે અને તેની સાથે-સાથે જ તેમને ભાત-ભાતનાં સલાહ-સૂચનો પણ આપી રહ્યાં છે. અમુકનું કહેવુ છે કે તેમણે પૈસા એકત્ર કરવા માટે બેન્ડ શરૂ કરી દેવું જોઇએ. પણ હું લોકોને એક વ્યક્તિની શક્તિનું જ્ઞાન કરાવવા માગું છું. મારા કામને જોઇને લોકો વિચારવા લાગ્યા છે કે તેઓ પણ કાંઇ કરી શકે છે.

લેખક- બિંજલ શાહ