વૃક્ષારોપણ કરાવવું છે? ‘સંકલ્પતરુ.org’ પર જાઓ અને મેળવો નિષ્ણાતો પાસેથી મદદ!

વૃક્ષારોપણ કરાવવું છે? ‘સંકલ્પતરુ.org’ પર જાઓ અને મેળવો નિષ્ણાતો પાસેથી મદદ!

Saturday March 12, 2016,

6 min Read

ધોમધખતા તડકામાં જ્યારે કોઈ વડના ઝાડનો શીતળ છાંયો મળી જાય ત્યારે આપણને અનુભવાય છે કે વૃક્ષો આપણા માટે કેટલા મહત્વના છે. તે સમયે આપણે વિચાર કરીએ છીએ કે કેવી રીતે એક બીજા વિશાળ વૃક્ષમાં પરિણમે છે અને આપણને છાંયો આપવાની સાથે સાથે આ ધરતી પરના વાતાવરણને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આવા સમયે તમને વૃક્ષારોપણનું નક્કી કરો છો પણ તેમાં નિષ્ફળ જાઓ છો. કેમ? કારણ કે, આપણી પાસે આયોજન નથી હોતું કે ક્યાં અને કેવી રીતે વૃક્ષારોપણ કરવું.

મોટા કોર્પોરેટ હોય કે વૈયક્તિક ધોરણે કરાતા કાર્યક્રમ હોય, આપણી પાસે યોગ્ય માર્ગદર્શન ન હોવાથી આપણે યોગ્ય રીતે સફળ થઈ શકતા નથી. હવે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી.

સંકલ્પતરુ તમને વૃક્ષારોપણમાં મદદ કરવાની સાથે સાથે ગ્રામ્ય ભારતમાં નોકરીની તકો સર્જવાનું પણ કામ કરશે.

સંકલ્પતરુ

સંકલ્પતરુ માત્ર વૃક્ષારોપણ જ નથી કરાવતું પણ તે વૃક્ષોનું જનત કરીને તેને ગ્રામ્ય વિસ્તારોના લાભ માટે ઉછેરે છે. હિન્દુ ધાર્મિક માન્યતા પ્રમાણે અને જૂના સંસ્કૃત ગ્રંથોમાં કરાયેલા વર્ણન પ્રમાણે ઈચ્છા પૂરી કરનારા કલ્પતરુ વૃક્ષના નામ પરથી જ તેનું નામ સંકલ્પતરુ રાખવામાં આવ્યું છે. સંકલ્પતરુ માત્ર મદદ કરવાની સાથે લોકોને પણ લેવડાવે છે કે, તેઓ પર્યાવરણનું જતન કરશે.

image


અપૂર્વ ભંડારી દ્વારા 2013માં સંકલ્પતરુની સ્થાપના કરવામાં આવી હતી. અપૂર્વએ ઓઈલ એન્ડ ગેસ મેનેજમેન્ટમાં એમબીએ કર્યું છે અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. ઉત્તરાખંડના હિમાલયી વિસ્તારોમાં જન્મેલા અને ઉછરેલા અપૂર્વને મોટા શહેરોમાં કોંક્રિટના જંગલો અકળાવતા હતા. આ પર્યાવરણમાં થઈ રહેલા ફરેફાર અને તેમાં પરિવર્તન લાવવા અંગે અપૂર્વ વિચારી રહ્યો હતો. એક વખત કેફેટેરિયામાં બેઠા બેઠા અપૂર્વ અને તેના મિત્ર ભાલચન્દ્ર ભટને વિચાર આવ્યો કે એક ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે જેના દ્વારા દુનિયાના કોઈપણ સ્થળે વૃક્ષારોપણ કરી શકાય. ભાલચન્દ્ર આઈઆઈએમ અમદાવાદનો પૂર્વ વિદ્યાર્થી હતો જે અપૂર્વના મનની વાત જાણી ગયો અને બંનેએ પોતાના વિચારોને આકાર આપવાનું શરૂ કર્યું. તેઓ દરરોજ સાંજે ભેગા થઈને તેના પર કામ કરતા હતા. એક અઠવાડિયામાં તેમણે પોતાનો કોન્સેપ્ટ તૈયાર કરી નાખ્યો. ભાલચન્દ્ર સંકલ્પતરુનો ચીફ ટેક્નોલોજી ઓફિસર છે.

ભારતમાં વાત કરીએ તો વૃક્ષારોપણ ખૂબ પારદર્શકતા માગે છે, દૂરદર્શિતા માગે છે પણ તેના અસ્તિત્વની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે. સંકલ્પતરુ એક સામાજિક સાહસ છે, ટેક્નોલોજી સાથે સંકળાયેલું એનજીઓ કે જે પડકારોનો સામનો કરવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. સંક્લપતરુ પ્લાન્ટેશન સાઈટ હાલમાં અનંતપુરના સૂકા વિસ્તારોમાં હરિયાળી લાવવા ઉપરાંત આસપાસના ગામડાંઓમાં આંબાવાડીઓ બનાવીને જીવંતતા લાવે છે. ઉત્તરાખંડ અને લેહ-લદાખમાં સંકલ્પતરુ ભૂસ્ખલન થતું હોય તેવા વિસ્તારોમાં અલગ રીતે વાવણી કરે છે.

આ એનજીઓ પંચાયત, ખેડૂતો અને સ્કૂલ સાથે સંકળેયાલો સમુદાયો સાથે મળીને કામ કરે છે.

તેમના માટે ટાર્ગેટ ઓડિયન્સ વૈયક્તિક કે કોર્પોરેટ કરતાં પણ એવા લોકો છે જે આ ધરતીને હરિયાળી બનાવવા માગે છે.

image


કામગીરી, અસર અને નાણાકીય માળખું

તેમની કામગીરી ખૂબ જ સરળ છે. તમે દુનિયામાં ગમે ત્યાં હોવ, તમારે માત્ર તેમના વેબપોર્ટલ પર લોગ ઈન કરવાનું છે. તેમનું પોર્ટલ ગુગલ અર્થ અને મેપિંગ સાથે જોડાયેલું હોવાથી જીપીએસને સપોર્ટ કરે છે. તેના દ્વારા યૂઝર તેમની કામગીરીને જોઈ શકે છે અને પારદર્શક રીતે નિર્ણય કરી શકે છે. એપ્લિકેશન યુઝર્સને તક આપે છે કે તેઓ તેમના કાર્બન ફૂટપ્રિન્ટ તપાસે અને તેને ન્યૂટ્રલ કરે.

જ્યારે યોરસ્ટોરી ટીમ અને અપૂર્વ 2013માં મળ્યા ત્યારે સંકલ્પતરુ શરૂઆતના તબક્કામાં હતું. આજે આ એનજીઓએ 12 રાજ્યોના અનેક વિસ્તારોમાં વૃક્ષારોપણ કર્યું છે. તેમાં લેહલદાખ, ઉત્તરાખંડ, થાર રણ (રાજસ્થાન), સાંગલી (મહારાષ્ટ્ર), તાલુપુલા (આંધ્ર પ્રદેશ), પ્લિપટ્ટુ (તમિલનાડુ), બાંકુરા (પશ્ચિમ બંગાળ) વગેરે મહત્વના સ્થળો છે.

image


સંકલ્પતરુ એવા જ વિસ્તારોમાં વૃક્ષો વાવે છે જ્યાં આર્થિક રીતે પછાત વિસ્તાર હોય અને ખાસ વિકાસ પણ ન થયો હતો. આવકની તક ઉભી થતાં તેના સામાજિક લાભમાં પણ સખત વધારો થતો ગયો, વધારાની આવક અને ખાસ કરીને ગામડાંની શાળાઓને આર્થિક મદદ કરીને શિક્ષણ વ્યવસ્થા યોગ્ય રીતે ચલાવવામાં આવતી.

અપૂર્વએ અમને કેટલાક આંકડા આપતા જણાવ્યું કે, અમે 100 પ્રત્યક્ષ અને 500 પરોક્ષ રોજગારીની તકો ઉભી કરી. 25,000 લોકોને લાભ આપ્યો, 500 ગ્રીન સ્કૂલ શરૂ કરી તથા 10,000 વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ સાથે જોડ્યા. પર્યાવરણ પર તેની અસર અંગે તે કહે છે, 

"35 જાતના 3,45,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું, 300 એકર જમીનને હરિયાળી બનાવવામાં આવી અને દર વર્ષે કાર્બનના ઉત્પાદનમાં 40,000 ટન ઘટાડો કરાય છે. સંકલ્પતરુને સાવ સૂકા અને બંજર વિસ્તારોમાં જંગલ ઉગાડવામાં સફળતા મળી છે. તેમણે થાર ખાતે કરેલી દાડમડીની વાવણી આજે ફળ આપતી થઈ ગઈ છે."

અપૂર્વ વધુમાં જણાવે છે, 

"અમે જોઈએ છીએ કે એક સમયે બંજર જમીનના કારણે ખેડૂતો પાસે જે મર્યાદિત તક હતી તેમાં વધારો થયો છે અને તેમને લાભ મળવા સાથે સ્મૃદ્ધિ પણ આવતી ગઈ છે."
image


તેમણે અંદાજે 30 કોર્પોરેટ સાથે જોડાણ કરીને તેને હરિયાળા બનાવવાનું શરૂ કર્યું છે અને તેમના કર્મચારીઓને પણ વાવેતરમાં તેઓ સાથે રાખે છે. તેમનું એનજીઓ વન્ય બાબતો પર થતાં સંશોધનો કરતી સંસ્થાઓ સાથે પણ જોડાયેલું છે. સંકલ્પતરુ યુનાઈટેડ નેશન્સ ડેકેડ ઓન બાયોડાયવર્સીટી કાર્યક્રમ સાથે પણ જોડાણ ધરાવે છે.

એનજીઓ પાસે હાઈબ્રિડ ફંડિગ મોડલ છે. વૈયક્તિક લોકો તેમની વેબસાઈટ પર રજિસ્ટર થઈને વૃક્ષારોપણ કરાવે છે તેના દ્વારા તેમને આવક મળે છે. બીજો રસ્તો છે કોર્પોરેટ કંપનીઓ કે જેઓ તેમની ગ્રીન અને સીએસઆર એક્ટિવિટી માટે તેમની સાથે જોડાણ કરે છે.

પડકારો

સામાજિક સાહસોમાં રહેલા પડકારો અંગે અપૂર્વ જણાવે છે, 

"સામાજિક ક્ષેત્રમાં હજી ઘણું થવાનું અને કરવાનું બાકી છે. આ ક્ષેત્રમાં કામ કરવા દરમિયાન એક જ બાબત જરૂરી છે કે, દાતાઓ સાથે પારદર્શકતા જળવાઈ રહે અને પાયાગત ધોરણે તેની અસર દેખાય."

તમે નફાકારક કામો માટે રોકાણકારોને સરળતાથી આકર્ષી શકો છો પણ બિનનફાકારક સાહસો માટે તેમને આકર્ષવા અને આત્મનિર્ભર બનવું અત્યંત કપરું કામ છે.

image


સંકલ્પતરુ સામેના પડકારો

જ્યારે સંકલ્પતરુ મોટા પાયે વૃક્ષારોપણ કરે છે ત્યારે દરેક વૃક્ષોને સાચવવા અને ઉછેરવાનો સૌથી મોટો પડકાર હોય છે. પ્રતિકુળ સ્થિતિ અને વિસ્તાર હોવા છતાં સ્થળ પર થતા કામ અને જાળવણી અમારા વૃક્ષોની બચવાની ક્ષમતા વધારી દે છે. (લગભગ 95 ટકાથી વધારે) ટેક્નોલોજી દ્વારા અમે અમારી કામગીરીની માપણી કરીએ છીએ અને ગ્રીન એન્વાર્યન્મેન્ટ માટે ઉત્સાહિત લોકોમાં વધારો કરીએ છીએ.

અનેક પડકારો છતાં સંકલ્પતરુ આગળ વધી રહ્યું છે. તેઓ એક્શન ફોર ઈન્ડિયાઝ 2015 એડિશનના વિજેતા બન્યા હતા. તે ઉપરાંત તેમને એમબિલિયોન્થ સાઉથ એશિયા મોબાઈલ ઈનોવેશન એવોર્ડ 2014, ઈએનજીઓ ચેલેન્જ 2014, મંથન એવોર્ડ 2015 જેવા ઘણા એવોર્ડ મળ્યા છે. તેમને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ એફેર્સ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

image


અપૂર્વ એક જ વાત માને છે, 

"સામાજિક સાહસના ક્ષેત્રમાં કોઈ પ્રતિસ્પર્ધી નથી. કોઈપણ વ્યક્તિ કે જે ક્લાઈમેટ ચેન્જ અને તેના જેવી જ ખરાબ સ્થિતિને બદલવા મહેનત કરે છે તે મહત્વની જ સાબિત થાય છે."

દસ લાખ વૃક્ષો

અપૂર્વ જણાવે છે, 

"આપણા પોતાના મિસાઈલ મેન, સ્વ. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પહેલી વ્યક્તિ હતા જેમણે અમારા માધ્યમથી ઉત્તરાખંડની અંતરિયાળ સ્કૂલમાં વૃક્ષારોપણ કર્યું હતું. સંકલ્પતરુની અમારી ટીમ માટે તે સૌથી વધુ પ્રેરણાદાયક હતું."

અપૂર્વ વધુમાં જણાવે છે કે, તેઓ આગામી ત્રણ વર્ષમાં દસ લાખ વૃક્ષોનું સફળ વાવેતર કરવા માગે છે. તેમણે વૈશ્વિક સ્તરે તેમના આ મોડલને કાર્યાન્વિત કર્યું છે.

લેખક- સ્નિગ્ધા સિંહા

અનુવાદક- રવિ ઈલા ભટ્ટ

વિવિધ પહેલ અને સ્ટાર્ટઅપ્સને લગતી અન્ય સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત અન્ય વધુ સ્ટોરીઝ વાંચો:

ભારતનાં 3 બાઇકર્સે વિશ્વનું સૌથી ફાસ્ટ બાઇક ધોતું મશીન શોધ્યું

બાળકોને કુદરતની ઓળખ કરાવવા અમ્રિતા કનવાલે ગાંધીનગરમાં બનાવ્યો 6 એકરનો માળો 'kuku's nest' 

કૅબ, ગ્રોસરી કે શાકભાજીની જેમ લોન્ડ્રી સર્વિસ પણ કરાવો ઑનલાઈન બુક, laundrynow.inની અમદાવાદથી શરૂઆત