‘ધ જંગલ બુક’ મૂવીમાં જોવા મળશે એક અમદાવાદીના પતંગ

21 CLAPS
0

જંગલ જંગલ બાત ચલી હૈ..પતા ચલા હૈ..આ પંક્તિ વાંચતા જ દરેકને પોતાનું બાળપણ યાદ આવી જાય છે. કારણ કે દરેક વ્યક્તિએ પોતાના બાળપણમાં બીજું કોઇ કાર્ટૂન જોયું હોય કે ન હોય ‘જંગલ બુક’ મોગલી કેરેક્ટરનું કાર્ટૂન જરૂર જોયું જ હશે. હા, આજની આપણી વાત છે જંગલબુક વિશેની.. પણ આ વાત કાર્ટૂનની નહીં, પણ ભારતમાં હિન્દી અને અંગ્રેજી વર્ઝનની રીલીઝ થઇ રહેલી જંગલ બુક મૂવીની છે.


આ પતંગ જોવા મળશે 'ધ જંગલ બુક' મૂવીમાં...

દેશ-દુનિયામાં ગુજરાતીઓનો ડંકો વાગી રહ્યો છે અને દરેક ક્ષેત્રે ગુજરાતીઓ પોતાનું યોગદાન નોંધાવી રહ્યાં છે. હાલના સમયમાં બોલિવૂડમાં ઘણા ગુજરાતીઓ કામ કરી રહ્યાં છે પણ કોઇ ગુજરાતીએે હોલિવૂડમાં યોગદાન આપ્યું હોય તેવું ખૂબ ઓછું સાંભળવા મળે છે. જોકે એ ખોટને પણ અમદાવાદના યુવાને પૂરી કરી છે અને હોલિવૂડની ‘ધ જંગલ બુક’ મૂવીમાં પોતાનું યોગદાન આપ્યું છે.


'ધ જંગલ બુક' મૂવી માટે પતંગ બનાવનાર, પતંગદોરી.કૉમના ફાઉન્ડર હેમંત દવે

અમદાવાદમાં રહેતા અને પતંગદોરીનો ઓનલાઇન બિઝનેસ કરતા હેમંત દવે ભારતની સાથે વિદેશમાં પણ ઘણો સારો પતંગ-દોરીનો વ્યવસાય ધરાવે છે. હેમંતભાઇના પતંગ-દોરીની માગ ભારત કરતા વધારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, યુ.કે, યુ.એસ.એ.માં હોય છે અને દરેક દેશની જરૂરિયાત મુજગ તેઓ પતંગ એક્સપોર્ટ કરે છે. હેમંતભાઈનું પતંગદોરી.કૉમ વિદેશમાં ખૂબ જાણીતું નામ છે. ઓગસ્ટ 2014ની આસપાસ હોલિવૂડના રોક લોક ફિલ્મસ લિમિટેડના પ્રોડક્શન હાઉસ દ્વારા હેમંતભાઇનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને 18મી સદીમાં ભારતમાં કેવા પ્રકારના પતંગનો ઉપયોગ થતો હતો તેની ડિઝાઇન અને કોટેશન મગાવવામાં આવ્યા હતા. જ્યારબાદ થોડા સમય બાદ ખાસ પ્રકારના પતંગનો ઓર્ડર હેમંતભાઇને આપવામાં આવ્યો હતો. એક ગુજરાતી તરીકે હોલિવૂડની અને એ પણ જંગલબુક જેવી મૂવીમાં ભાગીદાર બનવાનો મોકો મળવો એ એક ખુશીની વાત તો હતી જ પણ ગર્વની પણ વાત હતી.

જંગલબુક મૂવીમાં દેખાનાર પતંગને કેવી રીતે બનાવાયા?

સામાન્ય રીતે હાલમાં બટરપેપરથી પતંગ બનાવવામાં આવે છે, પણ આ મૂવી માટે 18મી સદીમાં વપરાતા ખાસ પ્રકારના રાઇસ પેપરમાંથી આ પતંગ બનાવવામાં આવ્યા હતા, સાથે જ તમામ પ્રકારના પતંગનું પ્રોડક્શન અમદાવાદમાં જ કરવામાં આવ્યું છે. જોકે પતંગ તો માત્ર 20 જ મોકલવામાં આવ્યા હતા પણ તે તમામ અલગ-અલગ ડિઝાઇનની સાથે કેસરી તેમજ પીળા કલરના હતા. પ્રોડક્શન હાઉસ દ્વારા પતંગની સાથે ફિરકીની પણ માગ કરવામાં આવી હતી. ડિમાન્ડ પ્રમાણેની ફિરકી અમદાવાદમાં બનાવી શક્ય ન હોવાથી ખાસ કરીને જયપુરમાં બનાવડાવવામાં આવી હતી. ડિઝાઇનર પતંગની સાથે 8 ટ્રેડિશનલ ફિરકી પણ એક્સપોર્ટ કરવામાં આવી હતી. આ ફિરકી અને પતંગની ડિલિવરી યુનાઇટેડ કિંગડમના રોકલોક ફિલ્મસ લિમિટેડના વોર્નર બ્રધર સ્ટુડિયોમાં કરવામાં આવી હતી.


આ પતંગ જોવા મળશે 'ધ જંગલ બુક' મૂવીમાં...

18મી સદીના પતંગ બનાવવા મુશ્કેલ હતા!

જંગલબુકના પ્રોડક્શન હાઉસની માગ પ્રમાણે પતંગ 18મી સદીની ડિઝાઇનના જોઇતા હતા, જેના માટે હેમંતભાઇ જે તે સમયે કેવા પ્રકારના પતંગ અને કેવા કાગળથી પતંગ બનતા તે અંગે રિસર્ચ કરવું પડ્યું હતું. જોકે જૂના કારીગરોનો સંપર્ક સાધતા થોડો ખ્યાલ તો આવી ગયો હતો પરંતુ 18મી સદીની બુક્સ અને ફોટોના આધારે વધુ ખ્યાલ આવ્યો હતો. જોકે તે સમયમાં પણ ભારતમાં સામાન્ય સાઇઝ જે હાલમાં વપરાય છે તેવા જ પતંગ વપરાતા હતા.


આ પતંગ જોવા મળશે 'ધ જંગલ બુક' મૂવીમાં...

મૂવી માટે બોલિવૂડ સ્ટાર્સે વોઈસ આપ્યો છે!

જંગલબુક મૂવી મૂળે તો અંગ્રેજી ભાષામાં બની છે, જોકે ભારત અને એશિયામાં હોલિવૂડ મૂવીઝનો મોટો દર્શકવર્ગ છે એટલે દરેક હોલિવૂડ પ્રોડ્યુસર મૂવીને હિન્દી વર્ઝનમાં રીલીઝ કરવાનું પસંદ કરતા હોય છે. આ વખતે જંગલબુક મૂવીનું હિન્દી વર્ઝનનું લેખન મયુર પુરી દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં પ્રિયંકા ચોપરા, ઓમ પુરી, નાના પાટેકર, ઇરફાન ખાન, દિલ ધડકને દો ફેમ શેફાલી શાહે પોતાનો અવાજ આ ફિલ્મના જુદા જુદા પાત્રોને આપ્યો છે.

જંગલબુક વિશે થોડું...

જંગલ બુક શબ્દમાં જ ‘બુક’ શબ્દ આવી જાય છે. આ મૂવી 1890ના અરસામાં રૂડયાર્ડ કિપલિંગ દ્વારા લખાયેલી જંગલ બુક નોવેલ પરથી બનાવવામાં આવી છે. જોકે લેખક રૂડયાર્ડનો જન્મ ભારતમાં થયો હતો અને બાળપણના થોડા વર્ષ વિતાવ્યા બાદ તેઓ યુ.કે. જતા રહ્યાં હતા. જ્યારબાદ યુવાનીમાં ભારત આવીને સાડા છ વર્ષ સુધી કામ કર્યું હતું. જોકે આ નોવેલ લેખકે યુ.એસ.ના વર્મોન્ટમાં લખી હતી. ભારતના વસવાટ દરમિયાન રૂડયાર્ડે અનેક સ્થળોએ પ્રવાસ કર્યો હતો અને તેમને જંગલો વિશેની જાણકરી હતી, જેને પગલે આ નોવેલ લખતી વખતે ભારતના જંગલો અને પ્રાણીઓને ધ્યાનમાં રાખ્યા હતું. જોકે તેનું સૌથી મહત્વનું અને એકમાત્ર માનવ પાત્ર મોગલી જે તે સમયમાં ખૂબ પ્રચલિત બન્યું હતું જેની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. જોકે આ નોવેલ પરથી 1960ના અરસામાં એનીમેટેડ મૂવી પણ બનાવવામાં આવી હતી, જેને વિશ્વભરના બાળકોમાં ખાસ્સું પ્રચલિત મૂવી અને કાર્ટૂન બન્યું હતું. જ્યારબાદ 21મી સદીમાં પહેલીવાર હોલિવૂડના ડિરેક્ટર જોન ફેરવ્યુ દ્વારા જંગલ બુક નોવેલ પરથી મૂવી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. 

વેબસાઈટ Facebook Page 

ગુજરાતીઓની આવી જ અન્ય સિદ્ધિઓ વિશે માહિતી મેળવવા અમારું Facebook Page લાઈક કરો

હવે વાંચો આ સંબંધિત સ્ટોરીઝ:

ગુજરાતી યુવાનના પતંગ-દોરાના પેચ લડે છે પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં!! Patangdori.comના દિવાના બન્યાં પાડોશી દેશના પતંગરસિયાઓ!

રાજકોટના દંપત્તિની 'સ્વસ્થ' પહેલ, બનાવટી પીણાંને ટક્કર આપવા માર્કેટમાં લાવ્યા 'નેચરલ ફ્લેવર્ડ મિલ્ક'

અમદાવાદમાં રહેતો ૧૪ વર્ષનો હર્ષવર્ધન છે એક ટેક કંપનીનો CEO! 

Latest

Updates from around the world