સરખી રીતે બોલી ન શકવાના કારણે, 40 કંપનીઓએ કર્યો રિજેક્ટ, ન મળી નોકરી, તો શરૂ કરી દીધું એક અનોખું સ્ટાર્ટઅપ!

સરખી રીતે બોલી ન શકવાના કારણે, 40 કંપનીઓએ કર્યો રિજેક્ટ, ન મળી નોકરી, તો શરૂ કરી દીધું એક અનોખું સ્ટાર્ટઅપ!

Saturday August 12, 2017,

4 min Read

દેશના એક મોટા શહેર એટલે કે બેંગલુરુથી મિકેનિકલ એન્જીનિયરીંગ અને દિલ્હીની એક પ્રતિષ્ઠિત કોલેજથી એમબીએ કર્યા બાદ પણ એક યુવકને ક્યાંય નોકરી ન મળી કારણ કે તે સામાન્ય લોકોની જેમ વાત નથી કરી શકતો. પણ તેણે હાર ના માણી અને શરૂ કરી દીધું પર્યાવરણ બચાવવાનું એક એવું કામ કે જેના કારણે પસ્તીમાં રાખેલી ચોપડીઓ પણ તેનો આભાર માન્યા વિના ન રહી શકે! 

image


સુશાંત ઝા પોતાની ધૂનના પાક્કા છે. કેટલીયે વાર અસ્વીકાર થયા બાદ પણ તેમણે હિંમત ન હારી અને પોતાનું કંઇક એવું કામ શરૂ કરવાનો નિર્ણય લીધો કે જેનાથી ન માત્ર પૈસા કમાવાય પણ જેના થકી સમાજ માટે પણ કંઇક કરી શકાય.

પોતાના ભાઈના સાથે સુશાંતને હિંમત આપી અને શરૂ કરી દીધો જૂની ચોપડીઓ સાથે એક પ્રયોગ!

બેંગલુરુની એક પ્રતિષ્ઠિત કોલેજમાંથી મિકેનિકલ એન્જીનિયરીંગમાં બી.ટેક કર્યા બાદ પણ સુશાંત ઝા નોકરી માટે ભટકતા રહ્યાં. કોલેજમાં પ્લેસમેન્ટ વખતે ઘણી સારી કંપનીઓ આવી પણ સુશાંતને કોઈએ પસંદ ના કર્યો. કારણ? સુશાંતના કહેવા પ્રમાણે કપાયેલા તાળવાના કારણે તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ બોલવા અસમર્થ છે અને એટલે તેમને નોકરી ન મળી. આ અંગે વધુમાં સુશાંત કહે છે,

"કેમ્પસ પ્લેસમેન્ટ બાદ પણ હું નોકરી શોધવાનો પ્રયાસ કરતો રહ્યો પરંતુ મારી સાથે વાતચીત કર્યા બાદ કંપનીઓ મને રિજેક્ટ કરી દેતી. મને કોઈ ટેક્નિકલ સવાલ જ નહતો પૂછાતો. માત્ર જનરલ સવાલ પૂછીને જ મને રિજેક્ટ કરી દેવાતો હતો." 
image


એક વર્ષ સુધી નોકરી શોધ્યા બાદ પણ જ્યારે નોકરી ન મળી ત્યારે સુશાંતે પોતાની સ્કિલ વધારવાનો નિર્ણય કર્યો. તેમણે મેનેજમેન્ટ કોર્સના એડમિશન માટે થનારી MATની પરીક્ષાની તૈયારી શરૂ કરી. MATમાં સારો સ્કોર મળ્યો હોવા છતાં પણ કોઈ કોલેજથી તેમને કૉલ ન આવ્યો. અને એટલે કોઈ ટોપ બિઝનેસ સ્કૂલમાં સુશાંત ભણી ન શક્યા. ઘણાં પ્રયાસો બાદ સુશાંતને દિલ્હીની એક પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ મળ્યો.

સુશાંત એમબીએમાં સારો દેખાવ કરી રહ્યાં હતાં. જોકે તેમને આ ડીગ્રીથી કંઈ ખાસ ફાયદો ન થયો અને ફરીથી તેમને નોકરી માટે ભટકવું પડ્યું. સુશાંતના કહેવા પ્રમાણે લગભગ 40 કંપનીઓએ તેમને રિજેક્ટ કર્યા. એ સમય બાદ તેઓ ઘણાં હતાશ અને નિરાશ થઇ ગયા. એમબીએ કર્યા પછીના 2 વર્ષ સુધી સુશાંત ઘરે બેસીને બસ વિચારતા જ રહ્યાં કે તેમના મધ્યમવર્ગીય પરિવારને તેમની પાસેથી કેટલી આશા-અપેક્ષા હતી અને તેમને એક નોકરી સુદ્ધાં ન મળી. સુશાંત પોતાની ધૂનના પાક્કા હતાં. તેમણે હિંમત ન હારી અને કંઇક શરૂ કરવાનો નિર્ણય લીધો. પણ આ વખતે સુશાંતનો વિચાર માત્ર પૈસા કમાવાનો નહીં પરંતુ સમાજ માટે પણ કંઇક સારું કરવાનો હતો.

સુશાંતે પોતાના મોટા ભાઈ પ્રશાંત સાથે આ અંગે વાત કરી. સુશાંત પુસ્તકોને લાગતું કોઈકામ કરવા માગતા હતાં. તેમણે વિચાર્યું કે એન્જીનિયરીંગ દરમિયાન લોકો મોંઘી ચોપડીઓ તો ખરીદે છે અને પછી સાવ નજીવી કિંમતે તેને પસ્તીમાં આપી દે છે. ત્યારબાદ બંને ભાઈઓએ સાથે મળીને 'બોધિ ટ્રી નોલેજ સર્વિસ' નામની એક કંપની બનાવી અને વર્ષ 2014માં 'પઢેગા ઇન્ડિયા'નામથી એક પહેલ શરૂ કરી.

image


સુશાંતના ઘણાં મિત્રોએ તેમના પર વિશ્વાસ ન કર્યો, પણ કેટલાંક મિત્રો એવા પણ હતાં કે જેમણે સુશાંતને દરેક રીતે સહકાર આપ્યો અને તે સફળ થાય તેવી પ્રાર્થના પણ કરી!

'પઢેગા ઇન્ડિયા' પહેલ થકી સૌથી પહેલાં તેમણે સાઉથ દિલ્હી વિસ્તારમાં સેકન્ડહેન્ડ પુસ્તકોને ફરતા કરવાનું શરૂ કર્યું. તેમનો ઈરાદો એ લોકો સુધી પુસ્તકો પહોંચાડવાનો હતો જે કોઈ કારણોસર મોંઘા પુસ્તકો નથી લઇ શકતા. સુશાંત જણાવે છે કે બાળપણમાં રજાઓ દરમિયાન ગરીબ બાળકો માટે લાઈબ્રેરી બનાવતા અને કોમિક્સ, વાર્તાઓની ચોપડીઓ ભેગી કરતા. આ કામથી તેમને તેમના બાળપણની યાદ આવી ગઈ. સુશાંતે પોતાનું કામ 2 બેડરૂમવાળા ઘરેથી શરૂ કર્યું અને આગળ ચાલીને આ કામ સાઉથ દિલ્હીમાં ખસેડી લીધું. શરૂઆતમાં બંને બાઈઓએ આખા દિલ્હીમાં એવી દુકાનોની ઓળખ કરી જ્યાં જૂના પુસ્તકો વેચવામાં આવતા. તેઓ આ દુકાનોમાંથી પુસ્તકો ખરીદતા અને જેને પણ આ પુસ્તકોની જરૂર રહેતી તેના સુધી પહોંચાડી દેતા. સુશાંત પહેલા તો આ કામ જાતે જ કરતા જેથી કંપનીનો પ્રચાર થઇ શકે અને તેમનો વિશ્વાસ જીતી શકાય.

સુશાંતના આ આઈડિયાને સરકારે સ્ટાર્ટઅપ તરીકે ઓળખ આપી છે અને હાલ તેઓ ઇન્વેસ્ટર્સની શોધમાં છે. સુશાંતની વેબસાઈટ પર જઈને કોઈ પણ પુસ્તક ખરીદી કે વેચી શકે છે. જે લોકો પુસ્તકનું દાન કરવા માગે છે તેઓ વેબસાઈટ દ્વારા આ કામ કરી શકે છે.

સુશાંતની કંપની સેલર્સ પાસેથી પુસ્તકો ફ્રીમાં પિકઅપ કરે છે. સુશાંત કહે છે કે તમે ભલે ખુશી ન ખરીદી શકો, પરંતુ પુસ્તકો તો ખરીદી જ શકો છો. તેમને પોતાની આ પહેલ પર ગર્વ છે. હાલ તેઓ માત્ર દિલ્હી અને NCRમાં પોતાની સર્વિસ આપી રહ્યાં છે પરંતુ સુશાંતની ઈચ્છા છે કે સમગ્ર દેશમાં આ પહેલનો ફેલાવો થાય જેથી વધુ સરળતાથી લોકો સુધી પુસ્તકો પહોંચી શકે.

સુશાંતનું માનવું છે કે જે થાય છે તે સારા માટે થાય છે. તેમને પોતાના જીવનથી કોઈ ફરિયાદ નથી. તેઓ તો ખુશ થઈને સમાજ અને પર્યાવરણ માટે કંઇક કરી રહ્યાં છે. સુશાંત કહે છે,

"મને ખુશી છે કે મને લોકોએ રિજેક્ટ કર્યો અને મને આ કામ કરવાનો મોકો મળ્યો."

'પઢેગા ઇન્ડિયા'થી જૂના પુસ્તકો મગાવવા માટે Padhegaindia.in પર જઇ, ત્યાંથી ઓર્ડર કરવાનો રહેશે.


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...