સંપાદનો
Gujarati

અમેરિકામાં ઉંચા પગારની નોકરી છોડી ભારતમાં કચરાના નીકાલની કામગીરીમાં જોતરાયા ૨ ભારતીયો

YS TeamGujarati
14th Oct 2015
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

બનયન કંપની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી દેશમાં રીસાઇકલ વેલ્યુ ચેઇનને વધુ સક્ષમ બનાવવાનું કાર્ય કરી રહી છે. રીસાઈકલ વેલ્યુ ચેઈનમાં રહેલી ખામીઓને ઓળખી, તેના વિવિધ પાસાઓ પર રીસર્ચ કરી ભારતમાં રીસાઈકલિંગ પ્રોસેસમાં નવીનતા લાવવાની શરૂઆત આ સ્ટાર્ટઅપ દ્વારા થઇ છે. આ સ્ટાર્ટઅપ કચરો ભેગો કરવાથી લઇ તેના રીસાઇકલ અને તેના ઉપયોગને લગતી ચેઇનને વધુ ચોક્કસ અને પરિણામલક્ષી બનાવવાનું કાર્ય કરે છે અને એ પણ વધુ ડેવલોપમેન્ટ અને આવકની વધુ શક્યતાઓ સાથે.

image


શરૂઆત

બનયનના કો-ફાઉન્ડર અને CEO મણી વાજપેયીની એક ઇન્ડિયા વિઝીટથી આ સ્ટાર્ટ અપની વૈચારિક શરૂઆત થઇ ગઈ. ભારતમાં ચારે તરફ ગંદકી જોઇને મણી ઘણાં જ નિરાશ થયા. લેટેસ્ટ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરી કચરાનો નિકાલ કરવાની પ્રેરણા મણીને ભારત આવીને મળી.

ત્યારબાદ મણીએ ‘Steve Blank’s Lean Launch Pad Program’ તેમજ ‘Columbia Business School’s Greenhouse Incubator’ની મદદથી બનયનનું બિઝનેસ મોડેલ તૈયાર કર્યું. જેમાં ટેક્નોલોજીસ્ટ રાજ મદનગોપાલ પણ 6 મહિના બાદ જોડાયા. રાજનું પેશન હતું કે ટેકનોલોજીની મદદથી સમાજમાં પ્રવર્તતી સમસ્યાઓનું નિરાકરણ લાવવું. અને બનયનનો ઉદ્દેશ્ય પણ એ જ હતો.

“વર્ષ 2002માં ડેલવર યુનિવર્સિટીમાં સાથે ભણતી વખતે મેં અને રાજે કેટલાય ક્લાસીસ બંક કર્યા હશે જેમાંથી અમારી મૈત્રી ઘણી ગાઢ બની.” મણીએ કહ્યું. ત્યારબાદ મણી ડેલવર યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રીકલ એન્જીનિયરીંગ (વાયરલેસ કોમ્યુનીકેશન્સ)માં PhD કરવામાં લાગી ગયા જ્યારે રાજે મીકેનીકલ એન્જિયરીંગ (રોબોટિક્સ)માં માસ્ટર્સ કર્યુ.

કોલેજ બાદ મણીએ સેન ડિઆગોની કંપની ક્વોલકોમમાં નોકરી લીધી જ્યારે રાજે સીઆટલમાં એક નવી મોબાઇલ કંપનીમાં જોડાયા. અને ત્યારબાદ લગભગ 10 વર્ષ બાદ તે બંને વચ્ચેની ફોન પરની વાતચીતમાં મણીએ તેના બનયન વિશેના પ્લાનની વિસ્તારથી ચર્ચા કરી.

હવે સમય આવ્યો કે બનયન બિઝનેસ પ્લાન પ્રેક્ટિકલી કેટલો શક્ય છે તે ચકાસવાનો. આ પ્લાનને અમલી બનાવી શકાય કે નહિં તેના માટે મણી અને રાજ હૈદરાબાદની મુલાકાતે આવ્યા. આ અંગે મણીનું કહેવું છે કે, “અમે ઘણી કંપનીઓ સાથે વાતચીત કરી. એટલુ જ નહીં, હૈદરાબાદની કેટલીક સ્થાનિક ટાઉનશિપ્સ, પ્રાઇવેટ વેસ્ટ મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટર્સ, કચરો ઉઠાવનાર, પસ્તીવાળા, કબાડીઓ તેમજ મ્યુનિસિપલ કમિશ્નરની પણ મુલાકાત લીધી”.

આખરે ૩ મહિનાના માર્કેટ રીસર્ચ અને કેટલાય લોકો સાથે કરેલી મુલાકાતો બાદ મણી અને રાજને લાગ્યું કે ભારત દેશમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કંપનીની ખાસ્સી જરૂરિયાત છે. કચરો એકઠો કરવો, તેને યોગ્ય જગ્યાએ લઇ જવો, તેને રિસાઇકલ કરવો અને તેમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાની સમગ્ર ચેઇન માટે યોગ્ય મેનેજમેન્ટનો અભાવ તેમને ભારતમાં વર્તાયો.

આ પ્રકારની કોઇ જ સવિર્સનો તેમને અનુભવ નહોતો. અને એટલે જ અમેરિકા પાછા ફરીને ત્યાં લોકો કઇ રીતે કચરાનો નિકાલ કરે છે સાથે જ કેવા પ્રકારની ટેક્નિકનો ઉપયોગ કરે છે તે જાણ્યું. અને લગભગ 3 મહિના સુધી આ અભ્યાસ કર્યા બાદ ફાઉન્ડર્સે નોકરી છોડી દીધી અને ભારત આવી વર્ષ 2013ના જુલાઇ મહિનામાં બનયન કંપનીની સ્થાપના કરી.

શરૂઆતમાં તો તેમણે મ્યુનિ. દ્વારા સોલિડ વેસ્ટના નિકાલ પર સૌથી વધારે ધ્યાન આપ્યુ. બનયનની શરૂઆતની કામગીરી વિશે જણાવતા કહે છે કે, “અમે દેશભરમાં ઘણાં ટેન્ડર્સનો અભ્યાસ કર્યો અને પછી રૌરકેલા સ્ટીલ પ્લાન્ટ સાથે કચરાથી વિજળી ઉત્પાદન માટેનો એક કોન્ટ્રાક્ટ કર્યો.”

ભારતમાં સ્ટાર્ટઅપ્સ માટે સરકારના સહકારનો અભાવ ઘણો અડચણરૂપ

“ભારતમાં સરકારી ખાતાઓમાં કાર્ય કરતા અધિકારીઓ દ્વારા કરવામાં આવતા કાર્યવિલંબને કારણે વાતચીતમાં અને ભાવતાલમાં જ લગભગ 5 મહિના જેટલો સમય નીકળી ગયો. જોકે આના કારણે અમને ઘણું શીખવા મળ્યુ. અને એક વસ્તુ સ્પષ્ટ થઇ ગઇ કે સરકારી ખાતાઓ નવીનીકરણને વેગ આપવાનું તેમજ જોખમ લેવાનું ટાળે છે જે અમારા બિઝનેસ મોડલને અનુરૂપ નહોતું.” તેમ મણીએ જણાવ્યું.

કેમ ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સ સરકારથી દૂર રહેવાનું પસંદ કરે છે?

તે ઘટનાને પગલે હવે સરકારી ખાતાઓ પર આધિન ન હોય તેવુ મોડલ બનાવવાની જરૂરિયાત વર્તાઇ. “ભારત માટે રિસાઇકલિંગ એ શ્રેષ્ઠ ઉપાય છે. દર વર્ષે, સમગ્ર દેશમાં 6.7 મિલિયન ટન્સ જેટલું રીસાઈકલ કરી શકાય તેવું મટેરિયલ (આશરે રૂ.19 કરોડની કિમતનું), તેવો કચરો લેન્ડફિલ્સમાં ઠલવાય છે જે પર્યાવરણ માટે ઘણું નુકસાનકર્તા સાબિત થઇ શકે.” મણીએ જણાવ્યું.

દેશમાં અનૌપચારીક વેસ્ટ મેનેજમેન્ટ બિઝનેસનું માળખું દેશના સમગ્ર રિસાઇકલિંગ બિઝનેસની કરોડરજ્જુ સમાન છે. અને તે જ કારણ છે કે દુનિયામાં રિસાઈકલિંગના સૌથી વધુ રેટ્સ ભારતમાં જોવા મળે છે જે લગભગ 70% જેટલા ઉંચા છે. કચરો એકઠો કરનાર લોકો પાસેથી ભંગાર ભેગો કરનાર (નાના ટ્રેડર્સ) માલ લે છે જેઓ મિડલમેનને (મોટા ટ્રેડર્સ) માલ સપ્લાય કરે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે આ મિડલમેન કચરો કે ભંગાર ભેગો કરનાર લોકોને તેમના જીવનનિર્વાહ માટે લોન ધીરી તેમને મજબૂર કરી માર્કેટ રેટ કરતા ઓછા ભાવે માલ ખરીદે છે.

આ પ્રકારની કાર્યપ્રણાલી જોઇને મણી અને રાજને આ પ્રકારની ચેઇનને સારી રીતે મેનેજ કરવા માટેનું અને બધાને ફાયદો પહોંચાડે તેવું મોડલ બનાવવાની જરૂરિયાત હતી. તેમણે ટૂંકસમયમાં જ આ ક્ષેત્રે મિત્રો તથા સંબંધીઓ પાસેથી લગભગ $1 લાખ જેટલું ભંડોળ મેળવી કાર્ય શરૂ કર્યુ.

બનયનના મૂળમાં જ ટેકનોલોજી

બનયન દ્વારા એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર એક એપ્લિકેશન બનાવવામાં આવી તેમજ SMS પર ચાલતા ટ્રેડિંગ પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરાયો. આ સિવાય ટ્રાન્સપોર્ટેશન માટે GPSનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેના થકી સંપૂર્ણ રીતે દરેક પગલે યોગ્ય ધ્યાન રાખી શકાય.

આ સિવાય કંપની દ્વારા જે માહિતી ભેગી કરવામાં આવે છે તેનું યોગ્ય વિશ્લેષણ કરી સામાન્ય જનતા તેમજ સરકારી ખાતાઓને માહિતી પૂરી પાડવામાં આવે છે. એટલુ જ નહીં, પરંતુ સાથે સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને પાવર પોલિસીમાં ફેરફાર કરવા માટેના સલાહ સૂચનો પણ આપવામાં આવે છે.

આવકનું માળખુ

બનયન દ્વારા સોલિડ વેસ્ટ મટેરિયલને મોટા પેકેજીંગ, પેલેટ્સ અને ચીપ્સ જેવા રિપ્રોસેસ થઇ શકે તેવા ફોર્મમાં કોમોડિટી બજારમાં કાર્યરત હોય તેવી સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને વેચી આવક મેળવવામાં આવે છે.

ખાસિયતો અને USPs

બનયન કંપની શરૂઆતમાં કચરો એકઠો કરવાથી લઇને તેના અંતિમ ઉપયોગ સુધીની ખૂબ સારી પ્રોફેશનલ સેવા પૂરી પાડતુ હોવાને કારણે આ ક્ષેત્રે તેઓ બાકીની કંપનીઓ કરતા અલગ તરી આવે છે. હાલ તેઓ લગભગ 1500 થી વધુ કબાડીવાળાઓના સંપર્કમાં છે અને તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ કાર્યરત છે.

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો