સંપાદનો
Gujarati

22 કિલો વજન અને સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધાં બાદ પણ અડગ રહી નંદિતા, આજે છે શ્રેષ્ઠ નૃત્યકાર અને લેખક

11th Jan 2016
Add to
Shares
7
Comments
Share This
Add to
Shares
7
Comments
Share

26 વર્ષીય નંદિતા વેંકટેશનું જીવન, તેનાં 24મા જન્મદિવસના બે દિવસ બાદ જ વર્ષ નવેમ્બર 2013માં થંભી ગયું. જ્યારે વધારે પડતી દવાઓની આડઅસરને કારણે તે પોતાની સાંભળવાની ક્ષમતા લગભગ 70 ટકા સુધી ગુમાવી ચૂકી હતી.

તેને ઘણા સમયથી ક્ષય રોગ (ટીબી) હતો. ઓગસ્ટ 2007માં સ્નાતકનું શિક્ષણ શરૂ કર્યાના માત્ર એક મહિના બાદ તેને આંતરડાનો ટીબી (એબ્ડોમિનલ કોચ) લાગુ પડ્યો. તે વખતે તેનાં અન્ય મિત્રો ફિલ્મો જોવા જઈ રહ્યા હતા. કોલેજમાં સારો સમય પસાર કરી રહ્યા હતા. પોતાનાં સપનાંઓ સજાવી રહ્યાં હતાં ત્યારે નંદિતાનો સમય ટીબી સામે લડવામાં પસાર થતો હતો. જોકે, તે આઘાતમાંથી બહાર આવવામાં સફળ રહી હતી પરંતુ તેણે 2013માં ફરીથી તેનો સામનો કરવો પડ્યો હતો.

image


આ જીવલેણ બીમારી સામે ઝઝૂમવું અને સાંભળવાની મોટાભાગની ક્ષમતા ગુમાવી દીધી હોવાને કારણે અન્ય લોકો માટે તેમાંથી બહાર આવવું અશક્ય બની જાય છે પરંતુ નંદિતા તેમાંથી સતત બહાર આવતી રહી અને અનેક વખત હિંમત હાર્યા છતાં પણ તે લડવા માટે મેદાનમાં પોતાનો પગ જમાવીને ઊભી રહી હતી. આવામાં તેણે પોતાની પસંદગી તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને તે હતી નૃત્ય. જોકે, તે સંગીત અને અન્ય અવાજો સાંભળવા અક્ષમ હતી પરંતુ તેણે સ્ટેજ ઉપર પોતાનું પરફોર્મન્સ આપવાનું ચાલુ રાખ્યું.

નંદિતાની કથા માત્ર પ્રેરણાના સ્રોતથી સભર છે એટલું જ નહીં, પરંતુ એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કે માણસ મનમાં કંઈક કરવાનું નક્કી કરી લે તો તેના માટે કશું જ અશક્ય નથી.

મુંબઈમાં ઉછેર

મુંબઈમાં જન્મેલી નંદિતાએ વર્ષ 2010માં રામનારાયણ રુઇઆ કોલેજમાંથી પોતાનું સ્નાતક કક્ષાનું શિક્ષણ પૂરૂં કર્યું હતું. વર્ષ 2011માં ભારતીય જનસંચાર સંસ્થાન (આઈઆઈએમસી)માંથી અનુસ્નાતક કર્યા બાદ નંદિતાએ તે વર્ષે જ દિલ્હીમાં ધ ઇકોનોમિક ટાઇમ્સમાં કામ કરવાનું શરૂ કર્યું. એક આર્થિક પત્રકાર તરીકે પોતાની ઓળખ ઊભી કરવાની ઇચ્છા ધરાવતી હોવાને કારણે તેણે નાણાકીય વિશેષજ્ઞ તરીકેનો અભ્યાસ કરવા માટે મુંબઈની વાટ પકડી. તેમજ નવેમ્બર 2012માં દિલ્હીની નોકરીને અલવિદા કહીને વધુ અભ્યાસ માટે તેમજ કામ કરવા માટે મુંબઈ પરત ફરી.

ગતિમાં કવિતા

પોતાની કારકીર્દિને આગળ વધારતા નંદિતાએ પ્રસન્નતા સાથે ફરી એક વખત નૃત્યની દુનિયામાં ડગ માંડ્યાં. તે સાત વર્ષની ઉંમરથી જ મુંબઈની નતનપ્રિયા ડાન્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી ભરતનાટ્યમની તાલિમ લેતી હતી. તે કહે છે કે મને નૃત્યમાં સામેલ ગતિવિધિ, ગતિ અને તેની લાવણ્યતા ખૂબ જ ગમે છે. નૃત્યનું વર્ણન ગતિમાં કવિતાનાં રૂપે ખૂબ જ યોગ્ય કરવામાં આવ્યું છે. મારા માટે તે શોખ કરતાં વધારે મારી પહેલી પસંદ અને અભિવ્યક્તિનું એક માધ્યમ બની ગયું છે.

પરંતુ નૃત્યમાંથી મળનારો આનંદ તેમનાં માટે વધારે લાંબો સમય ન ટકી શક્યો.

ટીબીએ ફરીથી ઉથલો માર્યો

મે, 2013માં છ વર્ષ અગાઉનાં ચેપે નંદિતાનાં શરીરમાં ફરીથી પગપેસારો કર્યો. આંતરડાંનાં ક્ષયથી પીડાયા બાદ તેમણે સારવારની ખૂબ જ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું.

ટીબી સાથેની પોતાની લડાઈ દરમિયાન તેમણે 14 મહિનાની કઠિન સારવારમાંથી પસાર થવું પડ્યું હતું.

image


નંદિતા જણાવે છે,

"જે પણ વ્યક્તિએ ટીબીની સારવાર લીધી હોય તેને ખબર હોય છે કે આ બીમારી સામે ઝઝૂમવું કેટલું કપરું કામ છે. તેના ઉપચાર દરમિયાન દર્દીએ રોજની 10થી 15 ગોળીઓ ખાવી પડે છે. તેના કારણે ઉલટી સહિતની અનેક આડઅસરો થાય છે. આ રોગની સૌથી ખરાબ બાબત તેનો ઉથલો મારવો છે."

બીમારીનાં બીજા રાઉન્ડમાં દવાઓ એકદમ નિષ્ક્રિય સાબિત થઈ રહી હતી. પેટમાં અતિશય દુઃખાવો, ભૂખ ન લાગવી અને ઝડપથી ઘટી રહેલાં વજનને કારણે તેમની સ્થિતિ ખૂબ જ કથળી રહી હતી. અંતે ડૉક્ટર્સે ઓપરેશન કરીને ચેપ લાગેલા આંતરડાનો ભાગ કાઢી નાખવા માટેનો નિર્ણય લીધો. તેણે નંદિતાને આશ્વાસન આપ્યું કે ઓપરેશન બાદ તે સામાન્ય જીવન જીવવા માટે અને પોતાનું ભણવાનું ફરીથી શરૂ કરવા માટે સક્ષમ બનશે.

નંદિતા તે દિવસને યાદ કરતાં જણાવે છે,

"માતા-પિતા અને ભાઈ સાથે હું પહેલી વખત કોઈ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. મેં પોતાની જાતને સમજાવી કે સ્થિતિ વધારે ગંભીર નહીં બને અને હું ઝડપથી અહીંથી નીકળવામાં સફળ રહીશ. આ ઉપરાંત મેં મારી જાતને દિલાસો આપ્યો કે થોડા દિવસ હોસ્પિટલમાં વીતાવવા મારા માટે એક નવો જ અનુભવ રહેશે અને હું ઓપરેશન થિયેટર તરફ ચાલવા લાગી."

જોકે, ડૉક્ટર્સે ઓપરેશન સફળ ગણાવ્યું અને નંદિતાને 10 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. પરંતુ સ્થિતિ ઝડપથી બગડવા માંડી હતી.

આકાશમાં કાળાં વાદળો છવાયાં

માત્ર એક સપ્તાહમાં તેમની હાલત વધારે ખરાબ થઈ ગઈ. તેમને એક મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. જ્યાં ડૉક્ટર્સે તેમનાં માતા-પિતાને સ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું.

નંદિતા જણાવે છે,

"ડૉક્ટર્સે જણાવ્યું હતું કે મને વધુ એક ઓપરેશનની જરૂર છે કારણ કે ચેપ મારાં પાચનતંત્ર સુધી ફેલાવા લાગ્યો હતો. તેમનો ઉદ્દેશ કોઈ પણ ભોગે મારો જીવ બચાવવાનો હતો. દિવસો મહિનાઓમાં બદલાઈ ગયા અને સર્જરીની સંખ્યા એકથી વધીને ચારની થઈ ગઈ. હું બિછાને બંધાઈ ગઈ હતી અને મારી સ્વતંત્રતાને કઠોરતાપૂર્વક મારી પાસેથી આંચકી લેવામાં આવી હતી. મારાં વાળ ઉતરવા લાગ્યાં હતાં."

વધુમાં તે જણાવે છે,

"મને એ પળ હજીયે યાદ છે કે હું જ્યારે હોસ્પિટલમાં જ ફરવા નીકળી હતી અને મેં મારી જાતને અરીસામાં જોઈ હતી. મારાં માથાંમાં ઠેકઠેકાણે ટાલ પડી ગઈ હતી અને હું મારી જાતને ઓળખી જ નહોતી શકી. સાચું કહું તો તે વખતે મને અંદાજ નહોતો કે હું બચીશ કે નહીં. મેં માત્ર એટલું જ નક્કી કર્યું હતું કે હું હાર નહીં માનું."

દરમિયાન તેમણે પોતાની પાસે રહેલા સમયનો સદુપયોગ ભણવામાં કરવાનું નક્કી કર્યું અને પોતાની સ્થિતિ અંગે પોતાની માહિતી વધારે મેળવવાનું નક્કી કરી લીધું. તેમની આ મહેનત રંગ લાવી, તેમનો આત્મવિશ્વાસ વધ્યો અને જેમ જેમ તેમની જાણકારી વધતી ગઈ તેમ તેમ તેમણે ડૉક્ટર્સને યોગ્ય સવાલો પૂછવાનાં શરૂ કર્યાં.

image


તે વખતથી જ નંદિતાને સકારાત્મકતા અને સંગીતની તાકાતનું ભાન થયું. હોસ્પિટલમાં બે મહિના રહ્યાં બાદ તેમને એવી સલાહ સાથે રજા આપવામાં આવી કે તેઓ આઠ મહિના બાદ અંતિમ સર્જરી કરાવવા માટે હોસ્પિટલમાં આવશે.

તેઓ જણાવે છે,

"મારો રંગ એકદમ પીળો પડી ગયો હતો. અને 22 કિલો વજન ગુમાવ્યા બાદ હું એકદમ બીમાર લાગી રહી હતી. તે દવાઓને કારણે મારામાં ચોક્કસપણે ફેર પડ્યો હતો તેમ છતાં પણ ઘરે આવીને હું ખૂબ જ ખુશ હતી."

મૌનનો આઘાત

હોસ્પિટલમાંથી છૂટકારો મેળવ્યા બાદ એક મહિનામાં જ નવેમ્બરમાં જ્યારે નંદિતા ઊંઘીને ઉઠી તો તેને ચારેય તરફ સન્નાટા જેવું લાગ્યું. તે પોતાની 70 ટકા શ્રવણ ક્ષમતા ખોઈ ચૂકી હતી.

તે દિવસોને યાદ કરતાં નંદિતા જણાવે છે, "મેં મારી માતાને કશુંક કહેતા સાંભળી પરંતુ તે શું કહેવા માગે છે તે હું સમજી શકવામાં નિષ્ફળ રહી. આ બધું જ ભ્રમિત કરનારું હતું. હું એક પછી એક થયેલાં ચાર ઓપરેશન બાદના ગંભીર દર્દમાંથી પસાર થઈ રહી હતી. તેવામાં શરૂઆતના દિવસોમાં મને સાંભળવાની ક્ષમતા ગુમાવવાનું સાચું ન લાગ્યું. હું એટલાં શારીરિક કષ્ટમાંથી પસાર થઈ રહી હતી કે સાંભળવાની ક્ષમતા ગુમાવવી મારા માટે નવી વાત નહોતી. આગામી થોડા દિવસોમાં હું સ્થિતિની ગંભીરતાનો અંદાજ લગાવવામાં સફળ રહી કે આ એક લાંબા ગાળાની સમસ્યા છે. હું ગંભીર અને ઉદાસ થવાની સાથે ગુસ્સાવાળી પણ થઈ ગઈ જવા લાગી હતી. હું મારા પરિવાર સાથે પણ વાતચીત નહોતી કરી શકતી અને તે મારા માટે વધારે ખરાબ સ્થિતિ હતી. હું સંગીત, પરસ્પર વાતચીત, ટીવી, ફિલ્મો વગેરે જેવી વસ્તુઓથી દૂર થઈ રહી હતી. કે જે હું મારી પોતાની સમજતી હતી. હું આત્મકરુણાના દુષ્ચક્રમાં ફસાઈને પોતાનાં જ કોચલામાં સંકોચાઈને રહી ગઈ હતી. હું મારાં સમગ્ર જીવનમાં એક સામાજિક પતંગિયાં જેવી હતી અને મને આ સત્યની સામે આવવામાં થોડો સમય લાગ્યો હતો."

આંશિક અપરિવર્તનીય બહેરાશને કારણે નંદિતાએ પોતાની જાત ઉપર દયા ન ખાવાનો નિર્ણય લીધો. તેમના માટે આ સ્થિતિનો સ્વીકાર કરવો ખૂબ જ અઘરું હતું પરંતુ તેમણે તેમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો.

તેમને વિશ્વાસ છે કે

બની શકે છે કે સમયની સાથે બધુ યોગ્ય થઈ જાય અને ન પણ થાય પરંતુ સ્વીકૃતિ દર્દને ઓછું કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

જુસ્સાને ફરી વાર શોધવો

આવા કાળે નૃત્ય નંદિતા માટે જીવનરેખા સમાન સાબિત થયું. તેમણે ઓક્ટોબર મહિનામાં જ નટનપ્રિયા દ્વારા આયોજિત થનારાં એક નૃત્ય કાર્યક્રમમાં ભાગ લેવામાં રસ દાખવ્યો. તેઓ કહે છે,

"હું આ સ્થિતિમાંથી બહાર નીકળવા માગતી હતી અને નૃત્ય તેને પામવા માટેનું યોગ્ય માધ્યમ હતું."

image


પરંતુ તેમનો સંઘર્ષ હજી પૂરો નહોતો થયો. કોઈ પણ પ્રકારનો અવાજ સાંભળવામાં અક્ષમ નંદિતાએ સાથી નૃત્યકારો સાથે કદમ મિલાવવાના હતાં. આ ઉપરાંત છ સર્જરીનો સામનો કરવો અને એક વર્ષ કરતાં પણ વધારે સમય સુધી પલંગમાં રહ્યા બાદ નબળાઈમાંથી બહાર આવવું તે પણ એક મોટો પડકાર હતો.

તેઓ કહે છે કે પહેલા પહેલા તો આ સત્યને સાંભળીને ગભરાઈ કે છ મહિના પહેલાં જ મેં મંચ ઉપર સફળતાપૂર્વક સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપ્યું હતું અને હવે ટેકા વિના ચાલી પણ નથી શકતી. તેમ છતાં પણ મેં ટકી રહેવાનો નિર્ણય લીધો. અને ઝડપથી સ્થિતિ બદલાવા લાગી.

તેમણે દિનચર્યાને યાદ કરવાની શરૂ કરી. એકલાં જ વધારાના અભ્યાસમાં ભાગ લેવાં લાગ્યાં. નંદિતા આગળ જણાવે છે,

"મેં સાંભળવામાં અક્ષમ અન્ય નૃત્યકારો વિશે જાણીને પોતાની જાતને ઘડવાની શરૂ કરી. ઉદાહરણ તરીકે લંડનની એક સાંભળવામાં અક્ષમ બેલે ડાન્સર. તેણે મારી અંદર આત્મવિશ્વાસનો સંચાર કર્યો. અને મારી મનોસ્થિતિ યોગ્ય કરવામાં મદદ કરી."

પરફોર્મન્સના દિવસે સંગીતને નહતી સમજી શકતી પરંતુ સાંભળવાનાં મશિનને કારણે ધ્વનિનાં કંપનોને સમજવામાં સફળ થઈ રહી હતી.

નંદિતા જણાવે છે કે સાંભળવાની અક્ષમતા ઉપર જીતની દિશામાં નૃત્ય મારું પ્રથમ ડગલું હતું.

અંતે ઇન્દ્રધનુષ્ય ચમક્યું

નંદિતાએ સફળતાપૂર્વક પોતાનું પ્રથમ પ્રદર્શન કર્યું.

"જેવો મંચ ઉપર મેં પ્રથમ પગ મૂક્યો મેં મારી અંદર ભાવનાઓના સમુદ્રને ઘૂઘવતો જોય. ખરેખરતો સંગીતની ઉણપને કારણે કોઈ ફેર ન પડ્યો. મને ખબર હતી કે મારે નૃત્ય કરવાનું છે અને હું તેની સાથે જ આગળ વધી. તે પરફોર્મન્સ ખૂબ જ અવિશ્વસનીય રહ્યું. નૃત્યએ મને જીવનનાં આ નવાં તબક્કાને આત્મવિશ્વાસ તેમજ સુંદરતા સાથે અપનાવવામાં મદદ કરી."

જોકે, સાંભળવાની અક્ષમતાના કારણે નંદિતાએ પોતાના રોજિંદા જીવનમાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે.

એક શ્રેષ્ઠ ભવિષ્ય માટે મહેનત

નંદિતાએ પોતાનાં શરીરને ફરીથી સ્વસ્થ કરવા માટે એક વર્ષ સુધી ધીમેધીમે આગળ વધવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તેમનો ઇરાદો આગામી વર્ષ સુધી સંપૂર્ણપણે કામનો પ્રારંભ કરવાનો છે. હાલમાં તેઓ ફ્રીલાન્સર તરીકે નાણાકીય અને ભારતીય અર્થતંત્ર અંગે લેખો લખે છે.

એક શ્રેષ્ઠ અને સોનેરી આવતીકાલની આશા એવી વસ્તુ છે કે જે તેમને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે.

"મને લાગે છે કે કોઈએ પણ સપનાં જોવાનું ન છોડવું જોઇએ. પોતાનાં સપનાંઓની પસંદગી વર્તમાન સ્થિતિના આધારે કરો. પરંતુ ઇચ્છાઓ પૂરી થવા અંગે સપનાં જોવાનું ન છોડશો. તમારાં નાનામાં નાનાં સપનાં પણ ઇચ્છા પૂરી કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. હોસ્પિટલમાં મારી ઇચ્છા માત્ર સાજાં થવા અને ખાવાનું અને ચાલવાનું શરૂ કરવા સુધીની મૂળ જરૂરીયાતો પૂરતી જ સિમિત હતી. આ વર્ષે મેં સારી રીતે સ્વસ્થ થવા અંગે, નૃત્ય કરવા અને કામની શરૂઆત કરવા બાબતે પગલાં ભરવાની શરૂઆત કરી છે."

વર્ષ 2016માં નૃત્યની નવી શૈલીઓ અપનાવવાનો ઇરાદો ધરાવતી નંદિતા જણાવે છે કે

"મને એમ લાગી રહ્યું છે કે હું મારા ખરાબ સમયમાંથી પસાર થઈ ચૂકી છું. તેણે મને એટલો આત્મવિશ્વાસ આપ્યો છે કે હવે હું કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છું. આજે મારા માટે દરેક ક્ષણ અગત્યની છે. હું તેનો જેમ બને તેમ વધારે ઉપયોગ કરવા માગું છું. હું મારા દરેક અનુભવમાંથી કંઈક શીખવાનો પ્રયાસ કરું છું. તેનો પ્રયોગ એક તક તરીકે કરું છું. અને તેને પોતાની તાકાત બનાવું છું."


લેખિકા – તન્વી દુબે

અનુવાદક – YS ટીમ ગુજરાતી

Add to
Shares
7
Comments
Share This
Add to
Shares
7
Comments
Share
Report an issue
Authors

Related Tags