સંપાદનો
Gujarati

સ્ટાર્ટઅપનાં આઈડિયા લેવલ પર ફંડ કેવી રીતે મેળવશો?

તમારું સ્ટાર્ટઅપ આઈડિયા લેવલ પર હોય, તો પણ ફંડિંગ મેળવવાનાં કેટલાક ઉપાયો અહીં આપ્યાં છે.

Nishita Chaudhary
24th Nov 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

અબજો રૂપિયા કમાઈને અમીર બનવા માટે, સ્ટાર્ટઅપ ઘણો આકર્ષક અને સરળ રસ્તો છે. જ્યારે તમારા મનમાં કોઈ જબરદસ્ત આઈડિયા આવે, તો તેને તરત જ એક પેપર પર લખી લો. પછી એક ઉત્તમ બિઝનેસ પ્લાન તૈયાર કરો, નાણાંકીય પ્રોજેક્શન્સ તૈયાર કરો, અને અબજો રૂપિયાનાં માર્કેટને કેવી રીતે દસ્તક આપશો, તેની કલ્પના કરો. ત્યારબાદ, તમારા રોકાણકારોને તમારો પ્લાન સમજાવો અને તેઓ તરત જ તમને ફંડ આપી દેશે. 

તમારા સપનામાંથી જાગી જાઓ! રિઆલિટી ચેકનો સમય આવી ગયો છે, મારા દોસ્ત.

સ્ટાર્ટઅપ કમ્યૂનિટીમાં એક ખૂબ જ કૉમન સવાલ પૂછવામાં આવે છે કે, ‘અમે ફંડિગ કેવી રીતે મેળવી શકીએ?’ ઘણાં લોકો તેમનો કૉન્સેપ્ટ સાબિત કરી દે છે પછી જ તેમને ફંડિંગની જરૂર પડતી હોય છે, જ્યારે અન્ય લોકો શરૂઆત કરતાં પહેલાં જ ફંડિંગનાં સપના જોતા હોય છે.

image


ફંડ ઉભું કરવાનો ખરો સમય તો ત્યારે છે, જ્યારે તમને પ્રોડક્ટ/માર્કેટ ફિટ મળી જાય, જેનો મતલબ છે કે, તમારી પાસે કેટલાક ગ્રાહકો છે અને તેઓ તમારી પ્રોડક્ટને પસંદ કરી રહ્યાં છે. પણ લોકો વિચાર આવે ત્યારે જ ફંડિંગને શોધવા માંડે છે. આ મુશ્કેલ છે, પ્રથમવારનાં ઉદ્યોગસાહસિક માટે તો સાવ અશક્ય વાત છે.

તમારું સ્ટાર્ટઅપ આઈડિયા લેવલ પર હોય, તો પણ ફંડિંગ મેળવવાનાં કેટલાક ઉપાયો અહીં આપ્યાં છે.

1. પૂર્વ સ્ટાર્ટઅપની સફળતા

જો તમે ભૂતકાળમાં સ્ટાર્ટઅપની શરૂઆત કરી હોય, અને તમે તમારા રોકાણકારોને અમીર બનાવ્યાં હોય, તો તમને આઈડિયા લેવલ પર જ ફંડિંગ મળી રહેવાની ઘણી ઉજળી શક્યતાઓ છે. હું ધારું છું કે એવી કોઈ પણ વ્યક્તિ આ આર્ટિકલ નથી વાંચી રહી. તેમને કોઈ પણ જાતની સલાહની જરૂર નથી અને તેમણે પહેલેથી જ ફંડ ઊભું કરી લીધું છે.

2. તમારા ક્ષેત્રમાં કાર્યનો સારો અનુભવ

રોકાણકારો એ બાબતનું ખૂબ ઝીણવટપૂર્વક ધ્યાન રાખશે કે તમે શેમાં રુચિ ધરાવો છો, અભ્યાસુ છો, ઍક્સપર્ટ છો, PhD છો અને તમારા નામ હેઠળ રિસર્ચ વર્કના પબ્લિકેશનનો ઢગલો છે. નવીનતા તમારા લોહીમાં વસવી જોઈએ અને તમારા ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરવાનો પ્રમાણિત રેકોર્ડ હોવો જોઈએ. તમે રાઘવ કે.કે ની જેમ ફંડ ઊભું કરી શકશો.

3. મિત્રો તથા પરિવારજનોનું વર્તૂળ

ચોક્કસ, તમારા સ્નેહીજનો તમારું ખૂબ ધ્યાન રાખે છે. તમે તમારા મિત્ર વર્તૂળમાં બધાંને તમારો આઈડિયા સમજાવી શકો છો, અને તમે તેમના પૈસા નહીં ડુબવા દો તેવી ખાતરી આપીને, તેમને તમારા રોકાણકારો બનાવી શકો છો. તમે ઉધાર પૈસા લઈ શકો છો અથવા, કેટલીક ઈક્વિટી ઑફર કરીને તેમને તમારા પાર્ટનર બનાવી શકો છો.

4. કોઈ નિષ્કપટ રોકાણકાર શોધો

આ ખરેખર એક રસપ્રદ વાત છે અને વાસ્તવમાં કામ પણ કરે છે. લોકોએ પરંપરાગત વ્યવસસાયો તથા રિઅલ ઍસ્ટેટમાં મૂડીરોકાણ કરીને ઢગલો રૂપિયા કમાયા છે. હવે, તેઓ WhatsApp ઍક્વિઝિશનની સ્ટોરી સાંભળીને, ઈન્ટરનૅટ કંપનીઓ પ્રતિ આકર્ષાયા છે, જ્યાં રોકાણકારો ફેસબૂક દ્વારા આપવામાં આવેલા $ 19 અબજનાં મૂલ્ય-નિર્ધારણમાં, હજી પણ શૂન્યોની ગણતરી કરી રહ્યાં છે. તમે આવા કોઈ રોકાણકાર પાસે જાઓ અને તેમને કહો કે તમે WhatsApp જેવી કોઈ ઍપ બનાવીને વેચી શકો છો, તો શક્ય છે કે તે રાજી થઈ જાય.

પણ એ વાત યાદ રાખો કે, જો તમે લોકોને મૂર્ખ બનાવશો, તો તમારે ભવિષ્યમાં તેમના પૈસા પાછા આપવા પડશે. ભારતીય લોકો કર્મમાં ઘણો વિશ્વાસ રાખે છે, માટે, આવું કંઈક કરતાં પહેલાં બે વાર વિચારજો. એવાં રોકાણકારો શોધજો, જે તમારા માર્કેટને સમજી શકે. આઈડિયા લેવલ પર પૈસા ભેગા કરવા માટે બીજો કોઈ રસ્તો નથી.

પણ, એનો મતલબ એ નથી કે તમે ફંડ ઊભું નહી કરી શકો. તમે કરી શકો છો, પણ આઈડિયા લેવલ પર નહીં. તમારે તમારા આઈડિયા પર અમલ કરવો પડશે. પ્રોડક્ટ બનાવીને શરૂઆતમાં ગ્રાહકો મેળવવા પડશે.

જ્યારે પણ તમે પૈસા ભેગા કરવાનું વિચારી રહ્યાં હોવ ત્યારે, પોતાને આ સવાલ જરૂર પૂછજો.

• શું તમે ગ્રાહકોની સમસ્યા ઉકેલવા માટે તમારી કંપનીની શરૂઆત કરી રહ્યાં છો, કે પછી પૈસા ભેગા કરવા માટે? જબાવ હોવો જોઈએ ‘બન્ને માટે’.

• તમારા માટે મહત્વપૂર્ણ કોણ છે- ગ્રાહક કે તમારો રોકાણકાર? શું તમે 50 ગ્રાહકો સાથે વાત કરી છે?

• શું તમે ઉકેલ અથવા minimum viable product (MVP) આપ્યું છે?

• તમે તમારા પ્લેટફોર્મ પર ગ્રાહકો કેવી રીતે લાવશો? ગ્રાહકો મેળવવા માટે તમે કેવા પ્રયત્નો કર્યા છે, તથા શું પુરવાર કર્યું છે? તમારી પ્રમોશનલ સ્ટ્રેટેજી જેમ કે, સોશિયલ મીડિયા, SEO, વગેરે પર ફોકસ કરો નહીં તો તેઓ માત્ર પેપર પર જ સારી લાગશે.

• તમે તમારા બિઝનેસને નફાકારક કેવી રીતે બનાવશો? એવું ના ધારી લેતા કે તમે પછી બધું કરી લેશો. 1000x વૃદ્ધિ, અથવા મોનિટાઈઝેશન વિશે પ્લાન કરજો. કોઈ ફ્રી પ્લેટફોર્મ ત્યારે જ કામ કરશે જ્યારે, તમારી પાસે હજાર ગ્રાહકો હોય જે તમારી ઍપ દરરોજ ઈનસ્ટોલ કરતાં હોય. અંતમાં, કોઈ પણ બિઝનેસ પ્રોફિટ પર જ ચાલે છે.

થોડી વાર માટે ધારી લો, કે તમે રોકાણકાર છો. તમે કોઈ અજાણ્યાની કંપનીમાં કેમ રોકાણ કરશો? રોકાણકારોને દરરોજ અઢળક બિઝનેસ પ્રપોઝલ મળતાં હોય છે. સ્ટાર્ટઅપ બિઝનેસ પ્લાનનાં ઢગલાં વચ્ચે તમે કેવી રીતે અલગ તરાઈ આવશો?

હું સલાહ આપીશ કે, તમે કામની શરૂઆત કરી દો. કંઈક એવું બનાવો જે ગ્રાહકોને પસંદ આવે. માનવ જીવનમાં કંઈક નોંધપાત્ર સકારાત્મક બદલાવ લાવો. એ સાબિત કરો કે, તમારી પ્રોડક્ટ વર્તમાન માર્કેટ માટે એકદમ યોગ્ય છે.

અગર માર્કેટ મોટું છે, અને ગ્રાહકોને સેવા આપવા માટે, તમારી પાસે બ્રિલિયન્ટ પ્રોડક્ટ (માત્ર આઈડિયા જ નહીં) છે, તો ફંડિંગ તમારી પાછળ આવશે. એક ખરો ઉદ્યોગસાહસિક, સૂઝ ધરાવનાર હોય છે. તે ઓછા સાધનો સાથે પણ કામ ચલાવી જાણે છે.

લેખક- પ્રદીપ ગોયલ

અનુવાદક- નિશિતા ચૌધરી

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો