નાના સ્ટોર્સ-બુટિક્સને ઓનલાઈન પ્લેટફોર્મ આપતું Lazyshopr.com
lazyshopr.comના સ્થાપક હિતેશ અગ્રવાલ પોતાના વ્યવસાયને 'પ્રીમિયમ કપડાંના વિન્ડો શોપિંગ'ના રૂપમાં પરિભાષિત કરે છે. તેમની વેબસાઈટ નાના સ્તરના બુટિક્સ અને દુકાનો માટે ઓનલાઈન મંચ પૂરું પાડે છે. હિતેશ જણાવે છે,
lazyshopr.com મેડ-ટૂ-ઓર્ડર શ્રેણીના કપડાંના કલેક્શનને વિસ્તૃત રીતે રજૂ કરે છે.
હિતેશ કોલકાતામાં રહે છે. જૂન 2014માં પોતાનો બિઝનેસ શરૂ કરતા પહેલાં તે બેંક વિશ્લેષક તરીકે કામ કરતા હતા. તેઓ જણાવે છે,
"નવા વિચારો હંમેશા મારા મગજમાં ચાલતા જ રહે છે પણ મેં ક્યારેય પોતાની કોર્પોરેટ જોબ છોડવાનું જોખમ ઉઠાવ્યું નહોતું."
પરિવર્તન ત્યારે આવ્યું જ્યારે તેમના મિત્ર ગૌરવ ઝુનઝુનવાલાએ (સહસ્થાપક) પોતાની નોકરી છોડી દીધી. તે સમયે યાદ કરતા હિતેશ જણાવે છે, "તે દરમિયાન મેં ગૌરવ પાસેથી lazyshopr.com અંગેના વિચારો જાણ્યા, તેની ક્ષમતા તથા તે કામમાં આવનારા ટેક્નિકલ પડકારો અંગે પણ અમે ચર્ચા કરી. ત્યારબાદ ગૌરવ અને હિતેશે સાથે કામ કરવાનું શરૂ કરી દીધું. કેટલાક મહિના પછી બંનેએ સાથે કામ કરવાની અનૂકુળતાનો અનુભવ થયો ત્યારે તેઓ એક ટીમ તરીકે પરસ્પર જોડાઈ ગયા હતા.
થોડા જ સમયમાં તેમણે પોતાના પહેલાં કર્મચારી દેબધર્યાને નોકરી પર રાખ્યા જે હવે યુએક્સ ડેવલપમેન્ટ અને ગ્રાફિક ડિઝાઈનિંગ જૂએ છે. હિતેશ ગ્રાહક, માર્કેટિંગ અને ફાઈનાન્સ તથા ગૌરવ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ગુણવત્તા વધારવા પર ધ્યાન આપે છે. lazyshopr.comનું મૂળ લક્ષ્ય ખરીદીનું કામ સરળ બનાવવાનું છે. પોતાની બહેનને લગ્નનાં કપડાં ખરીદવા માટે થતી મુશ્કેલી જોઈને હિતેશે તેને ઓનલાઈન શોપિંગના વિકલ્પ અંગે પૂછ્યું. અનેક લોકોની જેમ તેની બહેને પણ જણાવ્યું કે, તે ટ્રાયલ લીધા વગર કપડાં ખરીદવાથી ડરે છે. આ બાબત હિતેશને અસર કરી ગઈ અને તે ઈ-કોમર્સ અને ઓફલાઈન ખરીદી વચ્ચેના તફાવતને ઘટાડવા વિચારવા લાગ્યા. બજાર ઝડપથી વિકસી રહ્યું છે. ભારતમાં ડિઝાઈનર કપડાંનો બિઝનેસ વર્ષે 40 ટકાના દરે વધી રહ્યો છે જે આગામી ત્રણ વર્ષમાં 66 અબજ ડૉલર સુધી પહોંચવાની આશા છે. અનેક ડિઝાઈનર વેપારીઓએ પોતાની બ્રાન્ડ શરૂ કરી દીધી છે અને અનેક શરૂ કરવાની ફિરાકમાં છે.
અત્યાર સુધી lazyshopr.com કોલકાતામાં 10 બુટિક સાથે જોડાણ કરી ચૂકી છે. પોતાનો વિસ્તાર કરવા માટે આગામી કેટલાક મહિનામાં અન્ય શહેરોમાં બુટિક સાથે ભાગીદારી વધારવાની કંપનીની યોજના છે. શરૂઆતમાં દુકાનોને lazyshopr.comનું મહત્વ સમજાવવું મુશ્કેલ હતું. હિતેશ જણાવે છે,
"અનેક લોકોને તો એ સમજવામાં મુશ્કેલી થતી હતી કે અમે ઈ-કોમર્સ પ્લેટફોર્મ નથી. ડિઝાઈનર્સને એ બાબત સમજાવવામાં ઘણી મુશ્કેલી થઈ."
જ્યારે તેમની ટીમ ગ્રાહકોને મળતા તો તેમને ફોટોશૂટ અને વેબસાઈટ જોવા માટે ત્રિમાસિક અથવા વાર્ષિક સબ્સસ્ક્રિપ્શનનો વિકલ્પ આપતા. lazyshopr.com સ્ટોર વિશ્લેષણ કરવાની સેવા પણ આપે છે જેનાથી દુકાનદારોને ગ્રાહકોની ઈચ્છા, સૂચનો અંગે પણ જાણ થાય.
ટીમની વાત માનીએ તો આ સમયે તેમની સાથે કોઈની સ્પર્ધા નથી. જેમણે આ પ્રકારના સાહસ શરૂ કર્યા હતા તે હવે ઈ-કોમર્સ તરફ વળી ગયા છે. તેઓ જણાવે છે કે ઓનલાઈન સામાન વેચવો સ્ટોર ખોલવા કરતા વધારે ફાયદાકારક છે. આ ટીમ માટે પડકાર છે પણ lazyshopr.comને પોતાના પર વિશ્વાસ છે. હિતેશ ભવિષ્યની યોજનાઓ અંગે જણાવે છે,
"અમારા વધતા વ્યાપની સાથે અમે આ વર્ષના અંત સુધીમાં કરોડોની આવક પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. આવતા વર્ષની શરૂઆતમાં રેડીમેડ કપડાંના એક મોડલને ટેસ્ટ કરવાની યોજના છે. જો તેમાં સફળતા મળી તો અમારા વિસ્તારનું ક્ષેત્ર ઘણું મોટું થઈ જશે."
lazyshopr.comએ શરૂઆતના તબક્કામાં મફત સેવા આપી હતી. જોકે તેના કારણે આર્થિક મુશ્કેલીઓ વધી ગઈ હતી. હિતેશ જણાવે છે,
"અમારા માટે સૌથી મોટો પડકાર પોતાના વિચારોનું અમલીકરણ હતો અને અમે વધારે પડતા ડિફેન્સિવ હતા. અમે સાહસ કરીને મોડલ બદલ્યું. નવા મોડલ દ્વારા સ્ટોરને સબ્સસ્ક્રિપ્શન લેવા માટે સામાન્ય મૂડી રોકાણની જ જરૂર હતી. આ મોડલ કારગત સાબિત થયું. અમે જોયું કે સ્ટોર અમારી સાથે ભાગીદારી કરવામાં વધારે રસ દાખવે છે, અને અમારી ઓર્ડર બૂક ભરાવા લાગી."
હિતેશની એક કોર્પોરેટ સ્થાપક તરીકેની યાત્રા ઘણાં બધા બોધ આપે છે. તે જણાવે છે, "મારા મતે કોઈ સ્ટાર્ટઅપની સૌથી મોટી મૂર્ખામી મફત સેવા આપવાની છે. વ્યવસાયમાં પૈસાને પ્રાથમિકતા આપવી જોઈએ. તે તમારા પક્ષે જ ઉપયોગી સાબિત થશે."
લેખક-ફ્રાન્સેકા ફરારીઓ
અનુવાદક- એકતા ભટ્ટ