ગરીબ અને અસહાય વિદ્યાર્થીઓનો સહારો ‘સુપર 30’ આનંદકુમાર

ગરીબ અને અસહાય વિદ્યાર્થીઓનો સહારો ‘સુપર 30’ આનંદકુમાર

Wednesday October 14, 2015,

6 min Read

સામાન્ય રીતે પોતાના માતા–પિતાના સપના તો દરેક બાળક સાકાર કરવાની ઇચ્છા રાખે. પરંતુ એવા લોકો બહું ઓછા જોવા મળશે જે ગરીબ અને અસહાય બાળકોના સપનાં પૂરા કરવાને જ પોતાના જીવનનું લક્ષ બનાવી દે.

પટનામાં જન્મેલા અને ત્યાં જ ભણેલા આનંદકુમાર પણ કંઇક આવું જ એક ઉદાહરણ પૂરું પાડે છે. આજે દુનિયાભરના લોકો આનંદકુમારને ‘સુપર 30’ સંસ્થાના સ્થાપકના રૂપમાં ઓળખે છે. દર વર્ષે IIT રીઝલ્ટ સમયે તેમના ‘સુપર 30’ની ચર્ચા ન્યૂઝપેપરમાં ખૂબ જ થતી હોય છે. 2014માં પણ ‘સુપર 30’ના 30 વિદ્યાર્થીઓમાંથી 27 વિદ્યાર્થીઓને IITમાં પ્રવેશ મળ્યો હતો. 2003થી દર વર્ષે IITમાં સુપર 30માંથી આવેલા વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરે જ છે. આટલી મોટી સફળતા પ્રાપ્ત કરવા માટે આનંદકુમારે પોતાના જીવનમાં ઘણો જ સંઘર્ષ અને મહેનત કરી છે.

image


આનંદકુમારની સંઘર્ષયાત્રા

આનંદકુમારનો પરિવાર ખૂબ જ સાધારણ અને મધ્યમવર્ગીય હતો. તેમના પિતા પોસ્ટલ વિભાગમાં ક્લાર્ક હતાં. બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ખર્ચ કાઢવો તેમના માટે ઘણો મુશ્કેલ હતો, અને માટે જ તેમના બાળકો હિન્દી માધ્યમની સરકારી સ્કૂલમાં ભણતા હતાં. આનંદ પણ એ વાત જાણતા હતા કે તેમણે પોતાની પાસે જરૂરિયાત પ્રમાણેના જેટલા સાધનો છે તેમાંજ તેમણે પોતાનું ભણતર સારી રીતે પૂરું કરવાનું છે. ગણિત વિષયમાં તેમની માસ્ટરી નાનપણથી જ હતી. તેઓ નાનપણથી જ એન્જિનિયર કે વૈજ્ઞાનિક બનવા માંગતા હતાં. લોકોના સલાહ સૂચનને ધ્યાનમાં રાખીને આનંદે વધુ અભ્યાસ માટે પટનાના વિશ્વવિદ્યાલયમાં એડમિશન લીધું. જ્યાં તેમણે ગણિતના કેટલાક નવા ફોર્મ્યુલાની શોધ કરી. આ ફોર્મ્યુલાને જોયા બાદ આનંદના પ્રોફેસર દેવીપ્રસાદ વર્માએ તેમને આ ફોર્મ્યુલા ઇંગ્લેન્ડ મોકલવાની અને ત્યાં પબ્લિશ કરવાની સલાહ અપી. આ પેપર ઇગ્લેન્ડમાં પબ્લિશ થયા અને ત્યાંની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વધું અભ્યાસ કરવા માટેનું આમંત્રણ પણ તેમને મળ્યું. આનંદને ત્યાંની કોલેજમાં અભ્યાસ માટે ફી પણ માફ કરી દેવામાં આવી હતી. હવે આનંદકુમાર સામે માત્રને માત્ર એક જ ચેલેન્જ હતી કે ત્યાં રહેવાનો અને ખાવાપીવાનો ખર્ચો કાઢવો. પણ એ કેવી રીતે એ પણ એક ચિંતાનો વિષય હતો. કેમ્બ્રિજ જવા અને રહેવા માટે લગભગ 50,000 રૂપિયાની જરૂરત હતી. પરંતુ આ અંગે તેમના પિતાએ પોતાની ઓફીસમાં દીકરાના ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની જરૂરીયાત હોવાનું જણાવ્યું. અને તેમણે તેમની દિલ્હી ઓફીસ સુધી પત્રવ્યવહાર કરીને પચાસ હજાર રૂપિયાની મદદ માંગી હતી. અને આનંદની કાબેલિયત જોઇને મદદની મંજૂરી પણ મળી ગઇ હતી.

image


પરંતુ કહેવાય છે ને કે વિધીના વિધાનને કોઇ બદલી શકતું નથી. 1 ઓક્ટોબર, 1994ના દિવસે આનંદકુમારને કેમ્બ્રિજ જવાનું હતું અને 23 ઓગસ્ટ, 1994ના દિવસે તેમના પિતાજીનું મુત્યું થયું. આ ઘટનાથી માત્ર આનંદની જિંદગીમાં જ નહિં પરંતુ પૂરા પરિવાર પર આભ તૂટી પડ્યું. કારણ કે તેમના ઘરમાં તેમના પિતાજી એકલા નોકરી કરનાર વ્યક્તિ હતા. તેમના કાકા વિકલાંગ હતા અને સમગ્ર પરિવારની જવાબદારી હવે આનંદના માથા પર આવી પડી. જેથી આનંદકુમારે કેમ્બ્રિજ જવાનો વિચાર માંડી વાળ્યો અને પટનામાં જ રહીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનો નિર્ણય લીધો. આમ કરતાં કરતાં સમય પસાર થતો ગયો અને આનંદકુમારનું ગ્રેજ્યુઅશન પણ પૂરું થઇ ગયું.

ગણિત વિષયને બનાવ્યો જિદંગીનો પાયો

ઘરમાં એક વ્યક્તિ કમાવવાવાળી હોય અને દસ ખાનાર તો સ્વભાવિક છે કે ઘરખર્ચ ચલાવવો ઘણો મુશ્કેલ બની જાય. આનંદ તેમના પિતાની બદલીમાં મળેલી કર્લાકની નોકરી કરવા નહોતા માંગતા. અને તેમણે ગણિતના ટ્યુશન લેવાની શરૂઆત કરી. પરંતુ ઘરખર્ચ માટે માત્ર ટ્યુશન કરવા પૂરતા ન હતાં. તેથી તેમની માતા પાપડ બનાવતા અને રોજ સાંજે આનંદ તેમની માતા સાથે પાપડ વેચવા નીકળતા. પરંતુ જિદંગી આ રીતે પસાર થાય તે તેમને મંજૂર નહોતું. આ માટે તેમણે ગણિતને એક માધ્યમ બનાવ્યું અને ‘રામાનુજમ સ્કૂલ ઓફ મેથેમેટિક્સ’ની શરૂઆત કરી. આ સ્કૂલમાં દરેક પ્રકારની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાતા વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવતું. દરેક વિદ્યાર્થીઓ તેમની યથાશક્તિ પ્રમાણે ફી અપતા. પરંતુ ફીને લઇને આનંદકુમારે ક્યારેય પણ વિદ્યાર્થીઓ સાથે કોઇ ચર્ચા કરી નહોતી. બે વિદ્યાર્થીઓથી શરૂ થયેલા કોચિંગ સેન્ટરમાં ધીરે ધીરે વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી. ત્યાર બાદ કોચિંગ સેન્ટરની જગ્યા પણ મોટી થઇ ને વાર્ષિક રૂપિયા 500ની ફી પણ નક્કી કરી દેવામાં આવી.

image


કેવી રીતે થઇ સુપર 30 ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત?

રામાનુજમ સ્કૂલ ઓફ મેથેમેટિક્સમાં એક વખત અભિષેક નામનો એક વિદ્યાર્થી આવ્યો તેણે આનંદકુમારને કહ્યું કે, “સાહેબ, હું એક સાથે ફીના પૈસા નથી ભરી શકતો. હપ્તેથી ભરી શકીશ, જ્યારે મારા પિતાજી ખેતરમાંથી બટાકાનો પાક લેશે અને તે વેચાશે ત્યારે તમારી ફી હું ભરી શકીશ.” જોકે હવે પ્રશ્ન તે વિદ્યાર્થીનો પટનામાં રહેવાનો હતો. તેને કોઇ મોટા વકીલના ઘરની સીડી નીચે રહેવા માટે જગ્યા મળી હતી. આ ઘટનાના બે ત્રણ દિવસ પછી જ્યારે આનંદકુમાર તે રસ્તા પરથી નીકળ્યા તો તેમણે જોયું કે તે અભિષેક નામનો વિદ્યાર્થી ભરતાપમાં સીડી નીચે બેસીને ગણિતનું પુસ્તક વાંચી રહ્યો છે. આ જોઇ આનંદને થયું કે જે વિદ્યાર્થીઓ ગરીબ છે પણ ખરેખર ભણવામાં તેમની રૂચિ છે તેવા વિદ્યાર્થીઓ માટે પણ મારે કંઇક કરવું જોઇએ.

image


તેમણે આ વાત તેમની માતા અને ભાઈને પણ જણાવી. માતાએ સહમતિ આપી પણ સવાલ એ ઉભો થયો કે વર્ષમાં આવા ૩૦ ગરીબ બાળકોની પસંદગી કરવામાં આવે તો તેઓ રહેશે ક્યાં અને જમશે ક્યાં? તેથી આનંદે એક મકાન ખરીદવાની યોજના બનાવી જેથી કરીને બાળકો ત્યાં રહી શકે અને 30 બાળકો માટે ભોજન બનાવવાની જવાબદારી આનંદની માતાએ ઉપાડી લીધી. આમ વર્ષ 2002માં ‘સુપર 30’ ઇન્સ્ટિટ્યૂટ ખોલવાનું આનંદનું સપનું સાકાર થયું અને તે સંસ્થામાં આનંદકુમારે 30 વિદ્યાર્થીઓને IITની નિ:શુલ્ક કોચિંગ આપવાની શરૂઆત કરી.

પ્રથમ વર્ષ એટલે કે વર્ષ 2003માં IITની પ્રવેશ પરીક્ષામાં ‘સુપર 30’ના 30માંથી 18 વિદ્યાર્થીઓને સફળતા મળી. ત્યારબાદ વર્ષ 2004 અને 2005માં ક્રમશ: 22 અને 26 બાળકો સફળ થયા. આમ સફળતાનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો હતો. વર્ષ 2008થી 2010 દરમિયાન ‘સુપર 30’ નું પરિણામ 100 ટકા રહ્યું.

‘સુપર 30’ને મળી રહેલી સફળતાને જોઇ ત્યાંના કોચિંગ માફિયા પણ નાસીપાસ થઇ ગયા. IIT એન્ટ્રન્સની કોચિંગ મફતમાં ન આપવા માટે આનંદ પર દબાણ કરવામાં આવ્યું. તેમને ધમકાવવામાં આવ્યા, તેમના પર ફાયરિંગ પણ થયુ અને બોમ્બ પણ ફેંકવામાં આવ્યા. એક વખત આનંદ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો પણ તે હથિયાર આનંદની જગ્યાએ એક વિદ્યાર્થીને વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો. હુમલામાં ઘવાયેલો વિદ્યાર્થીએ 3 મહિના સુધી હોસ્પિટલમાં સારવાર માટે રહેવું પડ્યું જ્યાં અન્ય વિદ્યાર્થીઓએ તેની ખૂબ સેવા કરી. અને અંતે તે સ્વસ્થ થઇ શક્યો.

image


કોચિંગ ક્ષેત્રે આનંદની નિ:સ્વાર્થ સેવા જોઇને તેમની મદદ માટે ઘણા ઉદ્યોગપતિઓ આગળ આવ્યા, પ્રધાનમંત્રીએ પણ આર્થિક મદદ માટે આનંદ સમક્ષ પ્રસ્તાવ મૂકયો પરંતુ ‘સુપર 30’ના સંચાલન માટે કોઇ પણ પ્રકારની આર્થિક મદદ સ્વીકારવાની આનંદકુમારે ના પાડી દીધી. કારણ કે આ કામ તેઓ પોતે કોઇની મદદ વગર કરવા માંગતા હતા. ‘સુપર 30’નો ખર્ચ આનંદકુમાર પોતાના કોચિંગ સેન્ટર ‘રામાનુજમ સ્ટડી સેન્ટર’ની મદદથી કરતા હતા.

આજે આનંદકુમાર રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય મંચને સંબોધન કરતા હોય છે. એમના ‘સુપર 30’ની ચર્ચા દેશ-વિદેશમાં ફેલાઇ ચૂકી છે. ઘણા વિદેશી વિદ્વાનો તેમના ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે આવે છે. અને આનંદકુમારની કાર્યશૈલીને સમજવાની કોશિષ કરે છે.

આનંદ પોતાની સફળતાનો શ્રેય એમના વિદ્યાર્થીઓને આપે છે. જ્યારે IITમાં પસંદગી પામનાર એમના વિદ્યાર્થીઓ સંપૂર્ણ શ્રેય આનંદકુમારને આપે છે. ‘સુપર 30’ આનંદકુમાર જેવા ગુરૂ અને શિષ્યોની લગન અને કઠોર પરિશ્રમનું પરિણામ છે. આનંદકુમારને સંખ્યાબંધ પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

આનંદકુમારનું સપનું છે કે, એક એવી સ્કૂલ ખોલવામાં આવે જેમાં ધોરણ 6થી વિદ્યાર્થીઓને ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું શિક્ષણ આપવામાં આવે. સૌ કોઈને વિશ્વાસ અને ખાતરી છે કે આનંદકુમાર પોતાની આ અનોખી સ્કૂલનું સપનું પણ નજીકના ભવિષ્યમાં સાકાર કરી બતાવશે.