સંપાદનો
Gujarati

ફેશનની દુનિયામાં દેશી રંગ પૂરતા પાબીબેન રબારી, રબારી ભરતકામને પાબીબેન.કૉમ દ્વારા બનાવ્યું ગ્લોબલ

Khushbu Majithia
21st May 2016
Add to
Shares
11
Comments
Share This
Add to
Shares
11
Comments
Share

આપણે ઘણી મહિલા ઉદ્યોગસાહસિકોની સફળતા અને સંઘર્ષની વાત કરીએ છીએ. કોઈ પણ મુશ્કેલી કે પરિસ્થિતિને આજની મહિલા પાર કરીને વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી રહી છે. પણ આજે હું જે સફળ મહિલા ઉદ્યોગસાહસિક વિશે વાત કરવાની છું તેમને જેટલી દાદ આપીએ તેટલી ઓછી. તેમની કલાના જોરે આજે તેમણે દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી છે. ન તો તેમની પાસે કોઈ ડીગ્રી છે, ન તો કોઈ મોટા શહેરનું એક્સપોઝર. છતાં આજે તેમણે બનાવેલી પ્રોડક્ટ્સ બોલિવૂડ તેમજ હોલિવૂડ મૂવીઝમાં દર્શાવાય છે. 

image


હું વાત કરી રહી છે પાબીબેન રબારીની. જેમની બ્રાન્ડ પાબીબેન.કૉમ આજે દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવી રહી છે. પાબીબેન રબારી સમાજના છે. અને માત્ર ચાર ચોપડી ભણેલા છે. ગુજરાતી સિવાય અન્ય કોઈ ભાષા નથી આવડતી. પણ તેમની કલાના માધ્યમથી તેઓ આજે વિદેશી લોકો સાથે સરળતાથી વાતચીત કરી શકે છે અને બિઝનેસ પણ! 

પાબીબેનનું 'હરી જરી' વર્ક લોકોને ઘણું પસંદ પડી રહ્યું છે. અને આ જ ટ્રેડીશનલ વર્કની સાથે મોડર્ન કલર્સ અને ડીઝાઈન્સનો મેળ કરી પાબીબેન 19 પ્રકારની બેગ્સ બનાવે છે. પાબીબેનની બેગ્સ યંગ છોકરીઓથી લઇ કોઈ પણ ઉંમરની મહિલાઓને પસંદ પડી રહી છે. દેશ-વિદેશની તમામ ઉંમરની મહિલાઓને આ બેગ્સ પસંદ પડે છે. બેગ્સ તેમની ખાસિયત છે, તે સિવાય ટ્રેડીશનલ વર્ક ધરાવતા કવર્સ, બટવા, કેડિયા વગેરે જેવી ઘણી પ્રોડક્ટ્સ ડીઝાઈન કરે છે. 

image


કેવી રીતે શરૂઆત થઇ પાબીબેગ્સની?

પાબીબેનનો જન્મ મુન્દ્રા તાલુકાના એક નાનકડા ગામ કુકડસર ગામે થયો હતો જ્યાં પાબીબેને શિક્ષણ લેવાની શરૂઆત કરી અને તેમના ઘરના મોભી, તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું. આખરે પરિવારનું ગુજરાન ચલાવવા સૌથી મોટા પાબીબેને અભ્યાસ છોડી માતાને આર્થિક ટેકો આપવા લાગ્યો. અને એ જ સમયે પાબીબેને ભરતકામ કરવાનું શરૂ કર્યું. અને 18માં વર્ષે પાબીબેનના લગ્ન કરી દેવાયા. રબારી સમાજના આગેવાનોએ કેટલાંક કારણોસર વર્ષ 1990ના દાયકામાં ભરતકામ પર પ્રતિબંધ મૂકી દીધો. અને આ સમયે પોતાની ભરતકામની પરંપરા સંપૂર્ણપણે બંધ ન થઇ જાય તે માટે રબારી મહિલાઓએ વિવિધ લેસનો ઉપયોગ કરી પોતાના કપડાં બનાવવાનું શરૂ કર્યું. જે કળા 'હરી જરી' તરીકે ઓળખાવા લાગી. અને આજ સમય હતો કે જ્યારે પાબીબેને 'હરી જરી'નો ઉપયોગ કરી પોતાના માટે બેગ બનાવી. જોકે તેમણે બનાવેલી બેગ પાબીબેન ખુદને જ આકર્ષક ન લાગી. ત્યારે પાબીબેન ખુદ માર્કેટમાં ગયા અને વિવિધ લેસ અને જરી ખરીદીને એક નવી બેગ તૈયાર કરી. પાબીબેન તે વખતે પણ મૂંઝવણમાં તો હતાં જ કે લોકોને આ બેગ ગમશે કે નહીં. પણ કચ્છ આવેલા વિદેશી મહેમાનોને આ બેગ પસંદ પડી. અને તે બેગને નામ અપાયું 'પાબીબેગ'. વર્ષ 2003થી પાબીબેગ્સ પ્રચલિત બની. 

image


આ અંગે પાબીબેન કહે છે,

"રબારી ભરતકલા જીવંત રહે તે માટે હું ઘણાં પ્રયાસો કરું છું. સાથે જ દેશ વિદેશના લોકો આ કલા વિશે જાણે અને લોકપ્રિયતા મેળવે એ મારા જીવનનો ધ્યેય છે. સાથે જ સમય પ્રમાણે પોતાનામાં બદલાવ લાવવો પણ એટલો જ જરૂરી છે. આજે ઈન્ટરનેટના માધ્યમથી હું ઘણી બેગ્સના કેટલાંયે ઓર્ડર્સ લઉં છું."

પાબીબેનની બેગ્સ પહોંચી હોલિવૂડ સુધી

હોલિવૂડની ફિલ્મ 'ધ અધર એન્ડ ઓફ લાઈન'માં એક્ટ્રેસને પાબીબેનની બેગ્સ સાથે જ બતાવવામાં આવી. અને ત્યારબાદ બોલિવૂડની ફિલ્મ્સ માટે પણ પાબીબેનની બેગ્સનો ઓર્ડર મળવા લાગ્યો. જેમ જેમ પાબીબેન સફળ થતાં ગયા તેમ તેમ પાબીબેન રબારી સમાજની અન્ય બહેનોને પણ સાથે જોડતા ગયા. રબારી સમાજની અન્ય મહિલાઓ જેઓ ભરતકામ જાણતી હતી તેમણે સાથે જોડીને એક કંપની બનાવવાનો નિર્ણય કર્યો. 

image


જ્યારે પાબીબેનને કોઈના સહકારની જરૂર હતી ત્યારે તેમના પતિએ તેમની નોકરી છોડી પાબીબેનને મદદ કરવા લાગ્યા. તેમના ઓળખીતા સાથે વાત કરી તેમણે 'પાબીબેન.કૉમ' નામ પસંદ કર્યું. ગામની એક એવી મહીલા, જે ભણી નથી, તેણે ટેકનોલોજીનો ઉપયોગ કરી સમાજનું એક આગવું ઉદાહરણ બની. 

image


કારીગરોને પૂરતું વેતન અપાવવા પ્રયત્નશીલ

પાબીબેન પોતે તો એક સફળ ઉદ્યોગસાહસિક બન્યાં છે. તેમની કલાની કદર આજે દેશ-દુનિયાએ કરી છે. પણ પાબીબેન માત્ર પોતાની સફળતાથી જ ખુશ થવામાં નથી માનતા. તે આજે અન્ય કારીગરોને પૂરતું વેતન મળી રહે તે માટે ઘણાં પ્રયાસો કરે છે. તેમણે કારીગરોને એક મંચ પર ભેગા લાવવાનું પણ નક્કી કર્યું છે. અને આ કારીગરો જ પોતાની વસ્તુના ભાવ નક્કી કરે છે. સાથે જ મહિલા કારીગરો તેમના આ સાહસમાંથી પ્રેરણા લે તે માટે પ્રયત્નશીલ રહે છે. 

પોતાની આ બેનમૂન કલા માટે પાબીબેન અત્યાર સુધી ઘણાં એવોર્ડ્સ મેળવી ચૂક્યા છે. તો વિદેશોમાં યોજાતા ક્રાફ્ટ મેળામાં ઘણી વખત ભાગ લઇ ચૂક્યા છે અને આપણા દેશનું નામ રોશન કરી ચૂક્યા છે.

image


ખરેખર, માનવામાં ન આવે, કે એવા ગામની મહિલા કે જ્યાં પાકા મકાનો પણ ન હોય, ના હોય કોઈ ડીગ્રી કે ટેકનોલોજી સાથેનો તાલમેલ, તેવા ગામની એક મહિલા આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી રહી છે એક સફળ ઉદ્યોગસાહસિક તરીકે. સાથે જ એવા ધ્યેય સાથે કે અન્ય કારીગરોને પણ સફળતા મળે અને તેઓ આગળ આવે. પાબીબેન પોતે તો ભણી ન શક્યા પણ પોતાના દીકરાને આજે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણાવી રહ્યાં છે જેથી તેમની આવનારી પેઢીને તેમના જેવો સંઘર્ષ ન કરવો પડે. ખરેખર, આવી મહિલા આજે સમાજની કેટલીયે મહિલાનો પ્રેરણાસ્ત્રોત બની રહી છે.

Website

Facebook Page

વધુ પ્રેરણાત્મક અને હકારાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

વિશ્વને કેવી રીતે જીતશો શબાના આઝમીની જેમ!

'પાટણના પટોળા'ની બેનમૂન કલાની વિરાસત જાળવવા 3 સાલ્વી પરિવારોનો અથાગ પ્રયાસ

10મું પાસ કાશ્મીરી યુવકે બનાવ્યું અખરોટ તોડવાનું મશીન, વેપારને લાગી પાંખો!Add to
Shares
11
Comments
Share This
Add to
Shares
11
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો