સંપાદનો
Gujarati

"મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર - તમારે વધારે વ્યવહારિક બનવું પડશે"

23rd Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ચીનની કટોકટીને પગલે વૈશ્વિક બજારો ડામાડોળ થઈ ગયા છે, ત્યારે ભારતે મંદી સામે લડવા ઝડપથી આર્થિક સુધારણા હાથ ધરવા સાહસિક પગલા લેવા પડશે!

પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી એનાશલી કાઇલાસ્કીએ વર્ષ 2010માં આગાહી કરી હતી કે નવા અર્થતંત્રનો ઉદય થઈ રહ્યો છે, જે ન તો સંપૂર્ણપણે રૂઢિચુસ્ત બજાર દ્વારા સંચાલિત હશે, ન તો સંપૂર્ણપણે સરકારી સંસ્થાઓ દ્વારા સંચાલિત હશે. તે સમયે વિશ્વ વર્ષ 2008ની મંદીમાં સપડાયેલું હતું. તેમણે એવી આગાહી પણ કરી હતી કે આર્થિક વિકાસના ત્રણ તબક્કા પસાર થઈ ગયા છે અને ચોથો તબક્કો હજુ શરૂ થયો છે. તેમણે લખ્યું હતું કે - 

image


"19મી સદીના પ્રારંભથી 1930 સુધી મુક્ત બજાર અને ઉદાર અર્થતંત્રનો યુગ હતો અને સરકારને વેપારવાણિજ્યમાં હસ્તક્ષેપ કરવાની છૂટ નહોતી. પછી મહામંદી આવી હતી અને સોવિયત સંઘમાં સામ્યવાદી પ્રયોગથી પશ્ચિમી જગતની માનસિકતા બદલાઈ હતી. તેમાંથી નવો વિચાર પેદા થયો હતો કે બજારને છૂટો દોર આપી ન શકાય અને સરકારે વધારે જવાબદારી લેવી જોઈએ. તેમાંથી કલ્યાણકારી રાષ્ટ્રની વિભાવના જન્મી હતી."

આ મુશ્કેલ ગાળામાં અમેરિકા અને વિશ્વને મહામંદીમાંથી ઉગારવા તેના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ફ્રેન્કલિન રુઝવેલ્ટે 'ન્યૂ ડીલ થિયરી'ની ભેટ ધરી હતી. સરકારે એકાએક અર્થતંત્રની લગામ પોતાના હાથમાં લઈ લીધી હતી. પણ 1970ના દાયકામાં ઓઇલ કટોકટી સર્જાઈ હતી, જેના પગલે અર્થશાસ્ત્રીઓ અને નીતિનિર્માતાઓને બજારના મૂળ તર્કને ફરી અજમાવવાની ફરજ પડી હતી. રોનાલ્ડ રિગન અને માર્ગારેટ થેચર અર્થતંત્રના નવા સ્વરૂપના મસીહા બની ગયા હતા. એક સમયે સરકારે બજારમાં પોતાનું મહત્ત્વ ગુમાવી દીધું હતું. પણ ઉદારીકરણ કે ઉદાર મૂડીવાદ નવા સ્વરૂપે દેખાયો હતો. આર્થિક વિકાસના બીજા તબક્કાથી વિપરીત હવે સરકારે વધારે 'બિહામણું' સ્વરૂપ ધારણ કર્યું હતું, સરકારી નીતિનિયમો વિચિત્ર હતા અને સરકારે પોતાની અનુકૂળતા મુજબ બજારને છૂટો દોર આપ્યો હતો. આ સ્થિતિ સુધારવા એવી દલીલ કરવામાં આવી હતી કે જેમ રાજ્ય અને ચર્ચને અલગ કરવામાં આવ્યાં હતાં, તેમ વ્યાપક, જોખમમુક્ત આર્થિક વૃદ્ધિ માટે રાજ્ય અને અર્થતંત્રને અલગ કરવા જોઈએ. પણ વર્ષ 2008ની મંદીએ ફરી આ દલીલને નબળી પાડી હતી અને નીતિનિર્માતાઓને ભવિષ્યમાં નવો માર્ગ શોધવાની જરૂર હોવાનો સંકેત આપ્યો હતો.

21મી સદીમાં હજુ સુધી કોઈ નવા વિચારે આકાર લીધો ન હોવાથી વર્તમાન કટોકટી વધુ વકરે અને વધારે ખતરનાક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. આ સ્થિતિ આપણા ભારતીયોને વધારે ગભરાવે તેવી છે, કારણ કે વિશ્વના ઇતિહાસમાં વૈશ્વિક અર્થતંત્ર સાથે ભારત પહેલી વખત આટલી ગાઢ રીતે સંકળાયેલું છે અને આર્થિક સુધારણાનો ઘણો બધો આધાર આપણા પર છે. પણ ભારત સરકારના આક્રમક અને બિનસમાધાનકારક અભિગમને કારણે આર્થિક સુધારાને જરાં પણ વેગ મળે તેવું લાગતું નથી, જે સૌથી વધુ ચિંતાજનક બાબત છે. દેશની જનતાએ મોદીની વડાપ્રધાન તરીકે પસંદગી કરી હતી, ત્યારે બહુ મોટી અપેક્ષાઓ હતી. તેઓ દેશમાં પરિવર્તનનો પવન ફૂંકશે અને મનમોહનસિંઘની સરકારના છેલ્લાં વર્ષોમાં આર્થિક ક્ષેત્રે આવી સ્થગિતતાને દૂર કરીને અર્થતંત્રમાં નવો પ્રાણ ફૂંકશે, નવો વેગ કે નવજીવન આપશે તેવું માનવામાં આવતું હતું. પણ કમનસીબે એવું કશું થયું નથી.

"દેશના અર્થતંત્રનું બેરોમીટર ગણાતો સેન્સેક્સ ઝડપથી ઘટી રહ્યો છે. જ્યારે મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા, ત્યારે સેન્સેક્સ 27,000ની આસપાસ હતો. પણ અત્યારે 24,000ની સપાટીની નીચે છે, જે નાણાંપ્રધાન માટે નકારાત્મક સંકેત છે. રૂપિયો 70 ડોલરને સ્પર્શવાની તૈયારી છે. તે દરરોજ નબળો પડી રહ્યો છે. દેશના અગ્રણી અંગ્રેજી દૈનિક હિંદુનો રિપોર્ટ જણાવે છે - નવેમ્બરમાં અર્થતંત્રના આઠ મુખ્ય ક્ષેત્રોની કામગીરી ચિંતાજનક હતી અને તેમનું ઉત્પાદન ઘટીને 1.3 ટકા થયું હતું, જે દાયકામાં સૌથી નબળું છે. છેલ્લાં થોડા વર્ષમાં ઉત્પાદન સતત થોડું વધતું હતું, પણ નવેમ્બરમાં ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ ઘટીને 4.4 ટકા થઈ હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં વધીને 9.8 ટકા થયા પછી ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (આઇઆઇપી) નવેમ્બરમાં ઘટીને 3.2 ટકા થઈ ગયો હતો, જે વર્ષ 2011 પછીની સૌથી નબળી કામગીરી છે." 

ઇકોનોમિક ટાઇમ્સ લખે છે કે, 'ભારતમાં ચાલુ વર્ષે વૃદ્ધિ 7થી 7.5 ટકા થવાનો અંદાજ છે, તેમ છતાં જંગી ઋણ, બેંકિંગ ક્ષેત્રમાં ચિંતા અને સતત બે ચોમાસા નબળા રહેવાથી ગ્રામીણ બજારોમાં માગ ઘટવાથી કોર્પોરેટ ઇન્ડિયાની વૃદ્ધિને ફટકો પડ્યો છે.'

ભારત નસીબદાર છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવમાં નાટ્યાત્મક ઘટાડો થયો છે. જ્યારે મોદી વડાપ્રધાન બન્યાં હતાં, ત્યારે ઓઇલનો ભાવ બેરલ દીઠ 133 ડોલર હતો અને અત્યારે બેરલ દીઠ 30 ડોલરથી ઓછો છે. તેનાથી મોંઘવારી સામે લડવામાં અને વિદેશી ભંડોળને જાળવવામાં મદદ મળી છે. પણ ચીનની કટોકટીના કારણે બજારમાં નવેસરથી અસ્થિરતા પેદા થઈ છે અને બજારમાં ગભરાટ ફેલાયો છે. ચીને છેલ્લાં 25 વર્ષની સૌથી ખરાબ આર્થિક કામગીરી કરી છે. ચીનની કટોકટીના પગલે ચાલુ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં જે પાયમાલી સર્જાઈ છે, તે દાયકામાં સૌથી ખરાબ ખાનાખરાબીઓમાંની એક છે. બેંક ઓફ અમેરિકા લીન્ચના જણાવ્યા મુજબ, 'જાન્યુઆરીના ત્રણ અઠવાડિયામાં વૈશ્વિક શેરબજારોના મૂલ્યમાં 7.8 ટ્રિલિયન ખરબ ડોલરનું ધોવાણ થયું છે.' અમેરિકન અર્થશાસ્ત્રીઓએ ધારણા વ્યક્ત કરી છે કે 'આગામી વર્ષમાં વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર (અમેરિકા)ની મંદીના ગાળામાં પ્રવેશવાની શક્યતા 15 ટકાથી વધીને 20 થઈ છે.' આ આગાહી વૈશ્વિક બજાર માટે ખતરનાક સંકેત છે.

પણ ભારત સરકાર આ કટોકટીમાંથી બહાર નીકળવા સજ્જ અને આશ્વસ્ત હોય તેવું લાગતું નથી. 1985 પછી દેશને પહેલી બહુમતી સરકાર તરીકે મોદી સરકાર શરૂઆતના મહિનાઓમાં સુધારા માટે જરૂરી પગલાં લઈ શકી નથી. આ સરકારને એવી ધારણા હતી કે લોકસભામાં બહુમતીને જોરે તે કોઈ પણ અવરોધ પાર થઈ જશે, પણ આવી ધારણા સાથે સરકારે એક પછી એક ભૂલો જ કરી છે. જો સરકાર વધારે નરમ પડી હોત, ઓછો અહંકાર રાખ્યો હતો, તો અત્યાર સુધીમાં અર્થતંત્રને નવી દિશા આપવા મહત્ત્વપૂર્ણ ગણતા જીએસટી કાયદાનો અમલ શરૂ થઈ ગયો હોત. પણ અત્યારે આ કાયદો સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચેની લડાઈનો ભોગ બની ગયો છે. દિલ્હી અને બિહારમાં ભાજપના શરમજનક પરાજયથી વડાપ્રધાન નબળા પડ્યાં છે. વિપક્ષને નવું જોમ મળ્યું છે અને હવે તે મોદી સરકારને જરાં પણ ઢીલ આપવાના મૂડમાં નથી.

જ્યારે બજાર પોતાના બળે આગળ વધી શકતું ન હોય, ત્યારે સરકારે દરમિયાનગીરી કરવી પડે છે. તેણે ઉદ્યોગજગતમાં વિશ્વાસનું વાતાવરણ પેદા કરવું જોઈએ અને કેટલાંક સાહસિક પગલાં લેવા જોઈએ. પણ આ માટે સંસ્થાકીય સાથસહકાર અને કાયદાકીય પીઠબળની જરૂર છે. પણ આ વાતનો અહેસાસ અતિ આત્મવિશ્વાસમાં રાચતી આ સરકારને હોય તેવું લાગતું નથી. નવા આર્થિક મોડેલ માટે સરકાર અને બજારનું સંકલન કે જોડાણ મજબૂત થાય એ જરૂરી છે. બંને સંસ્થાઓ એકબીજાની વિપરીત દિશાઓમાં ચાલતી હતી એ દિવસો વીતી ગયા છે. અર્થતંત્રને મજબૂત કરવા એક રાષ્ટ્ર તરીકે ભારતે વધારે નમ્ર બનવું પડશે, તેણે સમાજના તમામ ભાગીદારોને સાથે લઈને ચાલવું પડશે, તમામ લોકશાહી સંસ્થાઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે અને વિપક્ષ આર્થિક સુધારણામાં મહત્ત્વપૂર્ણ પરિબળ છે તેવો અહેસાસ તેને કરાવવા અતિ ગંભીર પ્રયાસો કરવા પડશે. પણ સરકાર આ દિશામાં નિષ્ફળ નિવડી છે.

હું ભારતીય નીતનિર્માતાઓ માટે કાઇલાસ્કીને ટાંકવા ઇચ્છું છું - 'મૂડીવાદ 4.0 આ રીતે ઓળખાશે - સરકારો અને બજારો ભૂલો કરે છે, પણ તે માટે રાજકારણીઓનો ભ્રષ્ટાચાર, બેંકરોનો લોભ, ઉદ્યોગપતિઓની અક્ષમતા અને મતાદારોની મૂર્ખતા જેવા પરિબળોની સાથે વિશ્વની અતિ જટિલતા અને કોઈ પણ નિર્ણય લેવા માટે તેનો અનપેક્ષિત અભિગમ જવાબદાર હશે. એટલે સરકારનો ઉદ્દેશ નીતિઓને વ્યવહારિક બનાવવાનો હોવો જોઈએ." એટલે મિસ્ટર મોદી, તમારે વધુ વ્યવહારિક બનવાની જરૂર છે અને તમારે સમજવું પડશે કે નવી દુનિયામાં જૂનાં સાધનો અસરકારક નીવડતાં નથી.


આ લેખ મૂળ અંગ્રેજીમાં લખાયો છે જેનો અહીંયા ગુજરાતીમાં ભાવાનુવાદ કરાયો છે. તેના મૂળ લેખક વરિષ્ઠ પત્રકાર અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા આશુતોષ છે. અહીં દર્શાવેલ વિચારો લેખકના અંગત વિચારો છે.

અનુવાદકઃ કેયૂર કોટક

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags