સંપાદનો
Gujarati

સેલ્ફી લો અને 'MyDermacy' પાસેથી મેળવો વાળ અને ત્વચા અંગે ઘરેબેઠા સલાહ

MyDermacy (માયડર્મસી) પર ચેટ થકી તસવીર મોકલો અને ત્વચા નિષ્ણાતો સાથે સલાહ મેળવો. હાલમાં તેમની પાસે 150થી વધારે ડર્મેટોલોજિસ્ટ ઉપલબ્ધ છે, જે સમસ્યાગ્રસ્તોને સલાહ આપી રહ્યા છે. આ વર્ચ્યુઅલ ક્લીનિક છેલ્લા ત્રણ મહિનામાં દર મહિને લગભગ 1 લાખ લોકોના સવાલોના જવાબ આપી ચૂક્યા છે

YS TeamGujarati
28th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

વાત જાણીને તમને વિશ્વાસ નહીં બેસે પરંતુ એક સામાન્ય લાગે એવી ખંજવાળને કારણે અંકિત ખુરાનાએ MyDermacy (માયડર્મસી)નો પાયો નાંખેલો.

અંકિત જણાવે છે,

"હું પ્રવાસનો બહુ મોટો શોખીન હતો અને એટલો આળસુ હતો કે કોઈ સમસ્યા થાય તોપણ ત્વચા નિષ્ણાત (Dermatologist) પાસે જવાનું ટાળતો રહેતો. એક ટૂર દરમિયાન મેં જોયું કે મારા મારા પગમાં મોજા પહેરવાથી ચકામા (Dermatitis) થઈ ગયા છે. એ વખતે મને લાગ્યું કે કાશ, એવું થઈ શકે કે હું આની તસવીર ખેંચીને ડૉક્ટરને મોકલું અને તેમનું માર્ગદર્શન મેળવી શકું."

આજે અંકિત આ જ આઇડિયા પર કામ કરીને દિલ્હી સ્થિત સ્ટાર્ટઅપ MyDermacy (માયડર્મસી) થકી એક એવું મંચ સ્થાપિત કરી રહ્યા છે જ્યાં લોકો પોતાની ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓ માટેનું માર્ગદર્શન માત્ર એક સેલ્ફી ખેંચીને મેળવી શકે છે.

image


આ સ્ટાર્ટઅપના સ્થાપકોએ ત્વચા વિજ્ઞાન (Dermatology)ની પસંદગી કરી તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ઓહિયોની વિખ્યાત કેસ વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી જૈવ ચિકિત્સામાં સ્નાતક થયેલા અંકિત પાસે ત્વચાની સંભાળ-દેખરેખ અંગેના ક્ષેત્રમાં લગભગ એક દાયકા કરતાં વધારે સમયનો અનુભવ છે અને આ કારણે જ તે ત્વચા રોગના નિષ્ણાતોના સંપર્કમાં હતો. વળી, બીજી તરફ કોલંબિયા બિઝનેસ સ્કૂલમાંથી સ્નાતક થયેલા કુબેર બિઝનેસ મેનેજમેન્ટ માટે જરૂરી કૌશલ્યો ધરાવતા હતા.

image


વર્ષ 2013માં અંકિત અને તેમના સહસ્થાપક અને સીઈઓ કુબેર શર્માએ 'માયડર્મસી'ને શરૂ કરવાનો નિર્ણય કર્યો એ વખતે શરૂઆતમાં તેમનો ઈરાદો આને એક એવી ઈ-કોમર્સ વેબસાઇટ તરીકે તૈયાર કરવાનો હતો, જ્યાં ત્વચા, વાળ અને જાતિય બાબતોને લગતી હાઇક્લાસ પ્રોડક્ટ ઉપલબ્ધ હોય.

સંજોગો જોતાં અન્ય સ્ટાર્ટઅપની જેમ જ તેમણે પણ સમય સાથે પોતાના દૃષ્ટિકોણમાં પરિવર્તન કર્યું અને તેને એક ઓનલાઇન ત્વચારોગ અંગેના ક્લીનિકનું સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો.

અંકિત કહે છે,

“અમે શરૂઆતમાં ઈ-કોમર્સ વેબસાઇટ બાબતે બહુ ઉત્સાહિત હતા, પરંતુ પછી અમને લાગ્યું કે ત્વચા અંગેની સલાહનું એક મોટું માર્કેટ છે અને અમે વહેલામાં વહેલી તકે શરૂ કરી શકીશું તો અમે ભારતમાં આવું કરનારા સૌથી પહેલા લોકો હોઈશું.”

અને આ રીતે મે-2015માં થોડા લાખ રૂપિયાના રોકાણ સાથે તેમણે પોતાના આ ચેટ આધારિત સલાહકાર મંચનો પ્રારંભ કર્યો.

image


સ્કિન કેર ઉદ્યોગ સાથે જોડાયેલ ફ્રોસ્ટ એન્ડ સુલિવનનો વર્ષ 2014માં પ્રકાશિત રિપોર્ટમાં એવો અંદાજ માંડવામાં આવ્યો હતો કે વર્ષ 2015ના અંત સુધીમાં ભારતમાં આશરે 19 કરોડ લોકોને ત્વચા સંબંધિત વિકાર થઈ શકે છે. આ અહેવાલમાં એવું પણ જણાવાયું હતું કે સ્કિન કેરના ક્ષેત્રમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે અને આવનારાં વર્ષોમાં આ ક્ષેત્ર નવા ખેલાડીઓ માટે સંભવિત રોકાણનું એક સારું ક્ષેત્ર બનીને ઊભરી આવે એવું અનુમાન છે.

આ ઉપરાંત આ અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરાયું છે કે સમગ્ર ભારતમાં માત્ર 7 હજાર ડર્મેટોલૉજિસ્ટ કાર્યરત છે. આનો સીધો અર્થ એ છે કે અમેરિકામાં દર એક લાખ લોકોએ 3.2 ડર્મેટોલૉજિસ્ટ ઉપલબ્ધ છે, જ્યારે બીજી તરફ ભારતમાં આનું પ્રમાણ માત્ર 0.49 જ છે.

ભારતમાં માયડર્મસી આ અંતરને પાટવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. આ અનોખું વર્ચ્યુઅલ સ્કિન ક્લીનિક, જેના નેટવર્કમાં હવે 150થી પણ વધારે ડર્મેટોલૉજિસ્ટ ઉપલબ્ધ છે અને ચેટ થકી ત્વચા, વાળ અને જાતિય આરોગ્ય સંબંધિત પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે.

આ મંચ પર હયાત ડર્મેટોલૉજિસ્ટ પોતાના અનુભવના આધારે 300 રૂપિયાથીલઈને 1000 રૂપિયા સુધી ફી વસૂલે છે. વર્લ્ડ બિઝનેસ એક્સલરેટરના સહભાગી બનેલા આ મંચ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં દર મહિને આશરે એક લાખ લોકોને પ્રશ્નોના જવાબ આપી રહ્યું છે અને આમાંથી આશરે 90 ટકા ભારતીય છે.

image


અંકિત કહે છે,

“આ મંચ પર કોઈ પણ પ્રશ્ન અજીબ ગણાતો નથી, કારણ કે આ મંચ માત્ર એટલા માટે જ છે કે લોકો પોતાની બીમારીઓ અંગે ખુલીને વાત કરી શકે, પરંતુ ઘણી વાર એવા સવાલો પણ આવી જાય છે, જેને વાંચીને અમે હસ્યા વિના રહી શકતા નથી. અમે વારંવાર અજીબોગરીબ પ્રકારના પ્રશ્નોનો સામનો કરીએ છીએ, જેમકે, કાલે મારાં લગ્ન છે અને મારા ચહેરા પર એક ડાઘ છે, મારે શું કરવું જોઈએ? કે પછી હું ટૂંક સમયમાં પરણવાનો છું અને મારા જનનાંગ પર એક મસો છે, શું હું આની તસવીર તમને મોકલી શકું છું? કૃપા કરીને મદદ કરજો.”

અન્ય વર્ચ્યુઅલ ક્લીનિક વિડિયો ઓપીડી પણ ચલાવે છે, પરંતુ અંકિતને એનાથી કોઈ બહુ મોટો ફરક પડે, એવું લાગતું નથી.

અંકિત આગળ જણાવે છે,

“અમને વિડિયોની કોઈ જરૂર નથી પડતી, કારણ કે ત્વચા સંબંધિત ડૉક્ટરોએ ત્વચાની સ્થિતિઓની તસવીરો સાથે તાલીમ મેળવી હોય છે. માત્ર ટેલી-રેડિયોલૉજ અને ટેલી-ડર્મેટોલૉજી આસાનીથી સ્ટોર એન્ડ ફોરવર્ડ પ્રણાલીને અપનાવી શકે છે, જ્યારે અન્ય ક્ષેત્રોમાં સેકન્ડ ઓપિનિયન માટે ટેલી-મેડિસિનનો ઉપયોગ કરાતો હોય છે.”

‘સ્ટોર એન્ડ ફોરવર્ડ’ સિસ્ટમમાં ચિકિત્સા માહિતી માટે ડિજિટલ તસવીરો, દસ્તાવેજો અને પહેલેથી રેકોર્ડ કરાયેલા વિડિયોની જરૂર હોય છે, જેને ઈ-મેલ, એસએમએસ કે અન્ય ચેટ એપ્લીકેશનોની મદદથી તેમના સુધી પહોંચી શકાય છે.

ત્વચા નિષ્ણાતો સાથે પરામર્શન ઉપલબ્ધ કરાવવા ઉપરાંત માયડર્મસી ડૉક્ટર્સને મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં નીત-નવી થઈ રહેલી પ્રગતિથી અવગત કરાવે છે અને જો કોઈ દર્દી ત્વચા વિજ્ઞાન સંબંધિત હોસ્પિટલ્સ અંગે માહિતી માગે તો તેને ક્લીનિક્સની આખી યાદી પહોંચાડવામાં આવે છે.

અંકિત કહે છે,

“ભારતમાં કાર્યરત ડઝનબંધ વર્ચ્યુઅલ ક્લીનિક્સ અને માયડર્મસી વચ્ચેનો સૌથી પાયાનો ફરક એ છે કે અમારું સમગ્ર તંત્ર ત્વચા વિજ્ઞાન અને સૌંદર્યની સંભાળને માટે સમર્પિત છે. અમારું મંચ ડૉક્ટર અને દર્દીઓ વચ્ચે સંવાદ ઊભો કરવા ઉપરાંત ડૉક્ટર્સ અને ટેક્નોલોજી પૂરી પાડનારા વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરવા અને સેવા આપનારા અને જુદી જુદી બ્રાંડ્સ વચ્ચે વાતચીતની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવાનો છે.”

આ મંચ જુદાં જુદાં કાર્યક્ષેત્રો સાથે સંબંધિત ડૉક્ટર્સ સાથે સલાહમસલતની સુવિધા ઉપલબ્ધ કરાવનારા મંચો સાથે સ્પર્ધા કરી રહ્યો છે, જેમાં મુખ્ય Lybrate, iCliniq, HealthcareMagic, AskADoctor, HealthEMinds, MediAngels, HelpingDoc અને Practo છે.

જોકે, માયડર્મસીને માત્ર અડધો ડઝનની આસપાસ વૈશ્વિક સ્પર્ધકો સાથે પણ સ્પર્ધામાં ઊતરવું પડી રહ્યું છે, જેમાં મુખ્યપણે FirstDerm, Klara, Dermatologistoncall.com અને RealSelf સામેલ છે.

ભાવિ આયોજનની વાત કરીએ તો અંકિત અને કુબેરનો ઈરાદો આવનારા સમયમાં ત્વચા વિજ્ઞાન અને જાતિય સ્વાસ્થ્ય બાબતે સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવીને આ મંચના માધ્યમથી દેશનાં નાનાં શહેરોના લોકો સુધી પણ ઓનલાઇન સોલ્યુશન પૂરું પાડવાનો છે.

image


અંકિત કહે છે,

“નાનાં શહેરોના લોકો જ્યારે પોતાની આજુબાજુમાં ઉપલબ્ધ ડર્મેટોલૉજિસ્ટ અંગે જાણકારી માગે છે ત્યારે અમને તેમના શહેરથી 150 કિમી. દૂરની ક્લીનિક અંગે જણાવતાં બહુ સંકોચ થતો હોય છે અને આવી સ્થિતિમાં અમે તેમને જે તે ક્લીનિક કે ડૉક્ટરનો ફોન નંબર આપી દઈએ છીએ. અમારો પ્રયાસ ટૂંક સમયમાં આ લોકો સુધી ડૉક્ટર્સ ઉપલબ્ધ કરાવવાનો છે.”

લેખક- નિશાંત ગોયેલ

અનુવાદક- સપના બારૈયા વ્યાસ

અવનવા સ્ટાર્ટઅપ્સને લગતી સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

ગુજરાતની કિંજલનું ફૂડ સ્ટાર્ટઅપ ItsPotluck.com, US અને ઇન્ડિયાના ફૂડ બ્લોગર્સ, હોમ કૂક્સમાં બન્યું લોકપ્રિય

દેશનું સૌપ્રથમ 'Social Classifieds' પ્લેટફોર્મ એટલે Fxchng

અમદાવાદના CA પિતા-પુત્રીનું સ્ટાર્ટઅપ 'બિગગડ્ડી.કૉમ' ધૂમ મચાવી રહ્યું છે દેશભરમાં!

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો