આ ડૉક્ટર, બાળકીનો જન્મ થવા પર કોઈ પણ પ્રકારની ફી નથી લેતા!
અહીં વધુ પ્રેરણાદાયી વાત તો એ છે કે તેમના આ કાર્યએ એક સામાજીક ચળવળનું રૂપ ધારણ કરી લીધું છે જે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું!
ડૉ. ગણેશ રાખનાં પિતા એક શ્રમજીવી હતાં. ડૉક્ટર બનવાની તેમની યાત્રા તો પ્રેરણાદાયી છે જ પણ, ડૉક્ટર બન્યાં પછી તેમણે જે કાર્ય હાથમાં લીધું છે, તે એના કરતાં પણ વધું પ્રેરણાદાયી છે. વર્ષ 2007માં, પૂણેનાં ઉપનગર હડપસરમાં 25 પલંગવાળી એક મૅડિકેર જનરલ અને મૅટરનિટી હૉસ્પિટલ શરૂ કરી. ગરીબ દર્દીઓની સારવાર કરવાનાં આશય સાથે, આ હૉસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી. આજે, હૉસ્પિટલની સાથે-સાથે તેમના કાર્યમાં પણ ઘણી વૃદ્ધી થઈ છે.
આ વિસ્તારમાં સ્ત્રીભૃણ હત્યા સામે લડવા માટેના પ્રયાસરૂપે, તેમણે પોતાની હૉસ્પિટલમાં બાળકીનો જન્મ થવા પર કોઈ પણ પ્રકારની ફી ન લેવાનો નિર્ણય કર્યો. આજ સુધી, ઘણી (નોર્મલ તથા સીઝેરિયન) પ્રસૂતિઓની ફી નથી લેવામાં આવી. ખરેખર તો, બાળકીના જન્મ પર આખી હૉસ્પિટલમાં મિઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવે છે. ડૅક્કન હેરાલ્ડને આપેલાં ઇન્ટરવ્યૂમાં, ડૉ. રાખે જણાવ્યું હતું,
"સ્ત્રીભૃણ હત્યાનું પ્રમાણ એટલે વધારે છે કારણ કે, કેટલાંક સામાજીક માપદંડ સ્ત્રી વિરોધી તો છે જ પણ, તેઓ બાળકીઓ વિરોધી પણ છે. એક મૅડિકલ પ્રોફેશનલ હોવાનાં લીધે, બાળકીને જન્મ આપ્યાનું જાણીને માતા પર ગુજારવામાં આવતાં ત્રાસને મેં જોયો છે."
આમાં વધુ પ્રેરણાદાયી વાત તો એ છે કે, તેમના આ કાર્યએ એક સામાજીક ચળવળનું રૂપ ધારણ કરી લીધું છે જે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું. ડૉ. રાખે ડી.એન.એ ને જણાવ્યું,
“મીડિયામાં મારા કાર્ય પ્રત્યેના રિપોર્ટ્સ વાંચીને લગભગ 17-18 ગ્રામ પંચાયતો તથા ઘણાંયે ડૉક્ટર્સે મારો સંપર્ક સાધ્યો, જેઓએ લિંગ પરિક્ષણ કરીને અબોર્શન ન કરવાની સાથે-સાથે પરિવારોને પ્રોત્સાહન આપીને બાળકીના જન્મને વધાવી લેવાનું વચન આપ્યું હતું."
અત્યાર સુધી, મહારાષ્ટ્રનાં આંતરિક પ્રદેશનાં આશરે 3,000 ડૉક્ટર્સ, બાળકીઓ સાથે થતાં સામાજીક પક્ષપાત તથા પૂર્વગ્રહો સામે લડવાનાં કાર્યમાં જોડાયાં છે.
લેખક- Think change India
અનુવાદક- નિશિતા ચૌધરી