સંપાદનો
Gujarati

‘હિંડન’ નદી હવે નાળું છે, આ દર્દને દૂર કરવાની કોશિશનું નામ છે ‘વિક્રાંત શર્મા’

20th Oct 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

છેલ્લા ઘણાં સમયથી ગંગા નદીને બચાવવા, પ્રદૂષણમુક્ત બનાવવા અને તેના માટે ખર્ચવામાં આવી રહેલા કરોડો રૂપિયાથી આપણે સહુ પરિચિત છીએ. આવામાં દરેક લોકોનાં મનમાં એવો સવાલ ઉઠે કે નાની નદીઓનું શું થશે કે જેના ઉપર ઓછા લોકોની નજર જાય છે? તેને કેવી રીતે બચાવવામાં આવે? તેના વિશે કોણ વિચારશે?

image


“મારા માટે નદી માત્ર વહેતાં પાણીનો સ્રોત નથી, મારી દૃષ્ટિએ કોઈ પણ નદીનું મહત્વ તેના કરતાં ઘણું વધારે છે. મારું માનવું છે કે આ નદીઓ આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. અને જો આપણે અત્યારે તેના પુનર્વસન માટે આગળ નહીં આવીએ તો આપણાં કરતાં બીજું અભાગિયું કદાચ કોઈ નહીં હોય.” આ શબ્દો છે ગાઝિયાબાદના વિક્રાંત શર્માના. વિક્રાંત શર્મા વ્યવસાયે વકીલ છે અને આસપાસનાં વિસ્તારોમાં તેઓ નદી અને પ્રકૃતિ પ્રત્યે પોતાના પ્રેમ માટે પ્રખ્યાત છે. તેઓ મેગ્સેસે એવોર્ડ વિજેતા અને દુનિયામાં જળપુરુષ તરીકે ઓળખાતા રાજેન્દ્ર સિંહની જળ બિરાદરી સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ જળ, જંગલ અને પ્રકૃતિ વચ્ચે રહેવાનું વધારે પસંદ કરે છે.

image


ખેતીની દૃષ્ટિએ સૌથી સમૃદ્ધ માનવામાં આવતો ભારતનો એક વિસ્તાર એટલે પશ્ચિમી ઉત્તરપ્રદેશ. અહીંની જીવાદોરી કહેવાતી હિંડન અથવા હરનંદી નદીને પ્રદૂષણમાંથી મુક્ત કરવાનું અભિયાન ચલાવી રહેલા વિક્રાંત શર્મા હિંડન જળ બિરાદરીના માધ્યમથી પોતાની લડાઈ એક અલગ જ અંદાજમાં આગળ વધારી રહ્યા છે. આજે આ હાઇટેક યુગમાં ગાંધીજીને પોતાનો આદર્શ માનનારા આ યુવાન તેમનાં નક્શેકદમ ઉપર ચાલીને સામાન્ય જનતા વચ્ચે નદી અંગે જાગરૂકતા પેદા કરવા માટે પદયાત્રાઓ અને યાત્રાઓનું આયોજન કરતા રહ્યા છે. અને તેમની વચ્ચે નદી બચાવી રાખવાની ધૂણી ધખાવી રાખે છે.

સીઆરપીએફમાં મોટા હોદ્દા ઉપરથી નિવૃત્ત થયેલા પિતાના સંતાન વિક્રાંતે દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં ઓનર્સ કર્યા બાદ એલએલબીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને વર્ષ 2002માં ગાઝિયાબાદ અદાલતમાં વકીલાત કરવાનું ચાલુ કરી દીધું. વિક્રાંત કહે છે, “હું નાનપણથી જ પ્રકૃતિપ્રેમી છું. અને સમય સાથે મારો નદીઓ પ્રત્યેનો પ્રેમ વધતો ગયો. વર્ષ 2004માં વકીલાત શરૂ કરી તે દરમિયાન મેં જોયું કે ગાઝિયાબાદમાંથી પસાર થનારી હિંડન નદી દિન પ્રતિદિન પોતાનું સ્વરૂપ ગુમાવી રહી છે. અને ધીમે ધીમે એક નાળામાં ફેરવાઈ રહી છે. બસ ત્યારબાદ મેં આ નદીને બચાવવાનું બીડું ઝડપ્યું. કેટલાક સમય સુધી એકલા પ્રયાસ કર્યા બાદ વર્ષ 2004માં મારા જેવા કેટલાક યુવાનો અને અન્ય પ્રકૃતિપ્રેમીના સહયોગથી હિંડન જળ બિરાદરીની સ્થાપના કરી.”

image


પ્રારંભિક સમયગાળામાં જ તેમને સમજાઈ ગયું કે જો નદીને પ્રદૂષણથી મુક્ત કરવી હોય કે બચાવવી હોય તો તેમણે આ નદી કાંઠે રહેતા ગ્રામીણ લોકોને તેનાં મહત્વ વિશે સમજાવવું જોઇએ. અને તેમને નદીનાં રક્ષણ માટે જાગરૂક કરવા પડશે. વિક્રાંતે અનુભવ્યું કે નદીમાં વધી રહેલા પ્રદૂષણની સૌથી વધારે અસર નદી કિનારે રહેતા ગ્રામીણોનાં જીવન ઉપર પડે છે. અને તેમને જાગરૂક કરવા માટે તેમની પાસે જવા તેમજ તેમને સમજાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

image


વિક્રાંત કહે છે, “હિંડનની દુર્દશા જોઇને મારું મન વ્યગ્ર બની ગયું. તેવામાં મેં નદીને નજીકથી ઓળખવા માટે પગપાળા યાત્રા કરવાની શરૂ કરી. મને લાગે છે કે નદીને જાણવા અને સમજવા માટે પદયાત્રા કરતાં વધારે સારો બીજો કોઈ વિકલ્પ નથી. પદયાત્રા દરમિયાન મને નદી સાથે રહેવા, ચાલવા અને તેને નજીકથી ઓળખવાનો વિકલ્પ મળે છે. આ ઉપરાંત પદયાત્રા દરમિયાન નદીની આસપાસની વનસ્પતિઓ, વન્ય જીવોને જાણવા ઉપરાંત તેની સાથે જોડાયેલી સંસ્કૃતિ અને જીવન સાથે મુલાકાત કરું છું. તેમજ કુદરતને નજીકથી જોવાની સાથે સાથે તેની સાથે સંવાદ સાધવા માટે આના કરતાં વધારે સારું કોઈ માધ્યમ નથી.”

વિક્રાંત અત્યાર સુધી પોતાના સાથીઓ સાથે હિંડન નદીનાં ઉદગમ સ્થાન સહારનપુર જિલ્લાના પુરકાટાંડા ગામથી માંડીને તેના અંત:સ્થળ નોઇડાના ગામ મોમનાથપુર સુધી લગભગ 201 કિ.મિ.ની પદયાત્રા અનેક વખત કરી ચૂક્યા છે. આ પદયાત્રા દરમિયાન તે લોકો નદીના કિનારે સ્થિત લગભગ 400 ગામોમાં રહેતા લોકો સાથે વાતચીત કરે છે અને તેમને ઘણી રીતોથી નદીને બચાવી રાખવા માટે તેમજ પ્રદૂષણથી મુક્ત રાખવા માટે જાગરૂક કરે છે.

વિક્રાંત કહે છે, “અમે આ નદી અને તેની અન્ય બે સહાયક નદી કૃષ્ણી તેમજ કાલિના કિનારે વસનારા લગભગ 400 ગામો અને તેમાં પડતા 100 કરતાં પણ વધારે નાના મોટા નાળાનું એક માનચિત્ર તૈયાર કર્યું છે. અમે ફોટોગ્રાફી અને દિવાલ ઉપરનાં લેખન દ્વારા ગ્રામીણોને નદી બચાવી રાખવા માટેની રીતો અંગે જાગરૂક કર્યા છે. આ ઉપરાંત અમે સમયાંતરે આ ગામોમાં રહેતાં બાળકોને જાગરૂક કરવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ. અમે મુખ્યત્વે ચિત્રકળા તેમજ નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ. કારણ કે બાળકોને તેમાં વધારે રસ પડે છે તેમજ આ ઉંમરનાં બાળકો કાચી માટી જેવાં હોય છે. આ ઉંમરે આપણે તેમને નદીનાં મહાત્મ્ય વિશે સમજાવીશું તો તેઓ આવનારા દિવસોમાં ચોક્કસપણે તેનું રક્ષણ કરવાની સમજ કેળવશે અને નદીને સ્વચ્છ રાખશે.” પોતાના આ અભિયાન અંતર્ગત વિક્રાંત અત્યાર સુધી નદી સંરક્ષણ જેવા વિષયો ઉપર 15 કરતાં પણ વધારે વાર્તાલાપો અને લઘુ ચર્ચાઓનું સફળતાપૂર્વક આયોજન કરી ચૂક્યા છે.

image


આ ઉપરાંત તાજેતરમાં જ તેમણે હિંડન જળ બિરાદરીના બેનર અંતર્ગત વરસાદનાં પાણીને સાચવવા માટે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં તેમને 400 કરતાં વધારે નિબંધ પ્રાપ્ત થયા હતા. વિક્રાંતનું કહેવું છે કે આ પ્રકારના આયોજનો થકી લોકોમાં પ્રદૂષણ અંગેની જાગરૂકતા અને સભાનતા વધે છે. તેઓ કહે છે, “આ નિબંધ સ્પર્ધાની સૌથી મોટી સફળતા એ હતી કે તેમાંનાં 60 નિબંધો જિલ્લાની જેલમાં રહેલા કેદીઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા. અમારી પેનલ દ્વારા ટોચનાં 10 નિબંધોમાં પસંદગી પામેલો એક નિબંધ આજીવન કેદ ભોગવી રહેલા કેદી દ્વારા લખવામાં આવ્યો છે. એ જાણીને ખૂબ જ આનંદ થયો કે જેલમાં રહેતા કેદીઓ પણ નદીનાં મહત્વ અંગે જાગરૂક છે.”

image


આ ઉપરાંત તેમણે હિંડન નદીને કેન્દ્રમાં રાખીને એક દસ્તાવેજી ફિલ્મ (ડોક્યુમેન્ટરી) બનાવી છે. જેને નદી કિનારે વસેલા 100 કરતાં પણ વધારે ગામોમાં વહેંચવામાં આવી છે. આ ઉપરાંત તેઓ નદીનું ગીત પણ તૈયાર કરી ચૂક્યા છે. જેને ‘સેવ હિંડન’ સોંગનાં નામે સાંભળી શકાય છે. નદીઓ આપણી સંસ્કૃતિ તેમજ સભ્યતાની વાહક છે. આ વાતને મજબૂત રીતે રજૂ કરતાં વિક્રાંત એક ઉદાહરણ આપે છે, “થોડાં વર્ષો પહેલાં હિંડન નદીને કિનારે વસેલાં ગામ સુઠારીમાં તેમની પદયાત્રા દરમિયાન હડપ્પા અને મહાભારતનાં કાળનાં અવશેષો મળ્યા હતા. અમે આ અવશેષોનાં સંરક્ષણ માટે અભિયાન ચલાવ્યું તેના કારણે આ ગામમાં ઐતિહાસિક મહત્વ ધરાવતી અનેક વસ્તુઓ મળી છે.”

નદી સંરક્ષણ માટેની લડાઈ લડવા દરમિયાન તેમને વિવિધ જગ્યાએથી નદી સંબંધિત 100 કરતાં પણ વધારે આરટીઆઈ દાખલ કરી છે. જેના કારણે તેમને નદી વિશેની અનેક અગત્યની જાણકારીઓ મળી છે. ઉપરાંત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)માં પણ હિંડન નદીમાં વધી રહેલા પ્રદૂષણ અંગેના 2 કેસ દાખલ થઈ ચૂક્યા છે જે અંગે એનજીટીએ કડક આદેશો પણ આપ્યા છે.

image


વ્યવસાયે વકીલ હોવાને કારણે તેમનો મોટાભાગનો સમય કચેરીમાં પસાર થાય છે. પરંતુ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરવાની એક પણ તક તેઓ ગુમાવતા નથી. કચેરીમાં આવતાં લોકો તેમને ઘણી વખત સ્થાનિક ચાની દુકાનમાં કામ કરતાં બાળકો, ભીખ માગનારા લોકો અને અન્ય અનાથ બાળકોને ભણાવતાં જોઈને દંગ રહી જાય છે.

અંતે વિક્રાંત શર્મા પોતાના હિંડન ગીતની કેટલીક પંક્તિઓ અમને સંભળાવે છે:

‘સદીયોં સે બહેતી હું અબ તો સંભાલો તુમ,

એક બુંદ જીવન કી મુજમેં તો ડાલો તુમ,

કહેતી હૈ હરનંદી મુજકો બચા લો તુમ.’

તમે પણ વિક્રાંત શર્માનો તેમના ફેસબુક પેજ ઉપર સંપર્ક સાધી શકો છો

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags