બિંદેશ્વર પાઠકના પ્રયાસોનું પરિણામ, દેશમાં શૌચાલયો બન્યા ‘સુલભ’

0 CLAPS
0

ગાંધીજીના જીવન અને તેમના યોગદાન વિશે તો સમગ્ર દુનિયા જાણે છે. મહાત્માગાંધીના વિચારોએ અનેક લોકોને પ્રેરિત પણ કર્યા છે, જેઓ એક અલગ જ ઇતિહાસ રચી ગયા. આ ઇતિહાસકારમાં એક મોટું નામ છે બિંદેશ્વર પાઠકનું. સુલભ ઇન્ટરનેશનલના સંસ્થાપક બિંદેશ્વર પાઠક મહાત્મા ગાંધીના વિચારોથી ખૂબ જ પ્રેરિત હતાં. ગાંધીજીએ કહેલી એક વાત : “પહેલા ભારતને સ્વચ્છ કરો, આઝાદી તો આપણે પછી પણ મેળવી શકીશું.” ગાંધીજીના આ વાક્યથી તેઓ ખૂબ જ પ્રેરિત હતાં. જેથી તેઓ ગાંધીજીના સ્વચ્છતા મિશન સાથે જોડાઇ ગયા. આ દિશામાં તેમણે અનેક નવા કાર્યોની સાથે અનેક નવા સંશોધનો પણ કર્યા, લગભગ 44 વર્ષ પહેલા તેઓએ નવી તેમજ સ્વદેશી ટેકનિક્સનું સંશોધન કર્યું જે આજે સુલભ શૌચાલયના નામે પ્રસિદ્ધ છે.


બિંદેશ્વર પાઠક જોન એફ. કૈનેડીથી પણ ઘણાં પ્રભાવિત રહ્યાં છે. કૈનેડીએ એક વાર જણાવ્યું હતું કે, “એવું ક્યારે ના પૂછો કે દેશે તમારા માટે શું કર્યું, પરંતુ એવું પુછો કે તમે તમારા દેશ માટે શું કર્યું.” ભારતમાં ખુલ્લામાં શૌચની આજે પણ ખૂબ જ મોટી સમસ્યા છે. ત્યારે વિચાર કરો કે બિંદેશ્વર પાઠકે જ્યારે તેમની યુવાવસ્થામાં જ્યારે આ કામગીરી શરૂ કરી હશે ત્યારે તે કેટલી મોટી સમસ્યા હશે તે અંગે આપણે કલ્પના પણ નથી કરી શકતા.

બિંદેશ્વર પાઠકના કામને બધા જાણે છે. પદ્મભૂષણ જેવા મોટા પુરસ્કાર તેમને મળી ચૂક્યા છે. પરંતુ બિંદેશ્વર પાઠક માટે એ સિદ્ધિ મેળવવી ઘણી મુશ્કેલ રહી છે. કારણ કે જ્યારે તેમણે આ કામની શરૂઆત કરી ત્યારે દેશ જાતિગત કર્મ વ્યવસ્થામાં ખૂબ જ જકડાયેલો હતો. આ સંજોગોમાં એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા બિંદેશ્વર પાઠક માટે માત્ર ઘરની બહાર સમાજ માટે કામ કરવું મુશ્કેલ જ ન હતું પરંતુ ઘર પરિવારમાં પણ તે સાબિત કરવાનું હતું કે જે દિશામાં તે આગળ વધી રહ્યાં છે તે કાર્ય મુશ્કેલ ચોક્કસ છે પરંતુ ભવિષ્યમાં તેનાથી બહું મોટા બદલાવ આવશે.

કેવી મુશ્કેલીઓ થતી શૌચાલય વગર!

બિંદેશ્વર પાઠકનો જન્મ બિહારના વૈશાલી જિલ્લાના રામપુર ગામમાં થયો. તેમના દાદાજી ખૂબ જ પ્રખ્યાત જ્યોતિષશાસ્ત્રી હતા અને પિતા આયુર્વેદીક ડૉક્ટર હતાં. એક સમૃદ્ધ પરિવાર જેમના ઘરમાં નવ રૂમ્સ હતા અને પોતાનો કૂવો પણ હતો પરંતુ ઘરમાં શૌચાલય નહોતું. શૌચ માટે બહાર જ જવું પડતું હતું. ઘરની સ્ત્રીઓએ રોજ સવારે ચાર વાગે ઊઠી પોતાનો નિત્યક્રમ પૂર્ણ કરી લેવો પડતો હતો. એ ઉપરાંત ઘરની સ્ત્રી આખો દિવસ પેશાબ પણ રોકીને રાખવો પડતો હતો જેના કારણે મહિલાઓને દિવસભર માથાના દુખાવાની તકલીફ રહેતી. કારણ કે દિવસ દરમિયાન તેઓ શૌચ માટે બહાર જઇ શકતી નહોતી. આ રીતે નાનપણથી જ ગામડામાં પાક્કું શૌચાલય ના હોય તો કેવી મુશ્કેલીઓનો સામનો લોકોએ કરવો પડે તે ખૂબ જ સારી રીતે બિંદેશ્વર જાણતા હતાં. આ ઉપરાંત, આ સમયગાળા દરમિયાન જાતિય ભેદભાવમાં પણ લોકો ખૂબ જ માનતા. એક સમયે બિંદેશ્વર પાઠક અજાણતાથી એક દલિત વ્યક્તિને સ્પર્શી ગયા. અને એ સમયે તો તેમના ઘરમાં આ બાબતને લઇને મહાભારત રચાઇ ગયું હતુ. તેમના દાદીએ છાણ, ગૌમૂત્ર અને ગંગાજળ તેમના મોંમાં નાખીને તેમની શુદ્ધિ કરી હતી. આ ઘટનાએ તેમના મગજ પર ખૂબ જ ઉંડી અસર છોડી. આ પ્રકારનો જાતિય જાતીય ભેદભાવ તેમને વિચારતા કરી દેતા.

દરેક યુવાનોની જેમ બિંદેશ્વર પાઠકને પણ આ વાતની જાણ ન હતી કે તેઓ આગળ જઇને કઇ દિશામાં પોતાનું ભવિષ્ય બનાવશે. ભવિષ્યમાં શું કરવું તે અંગે સમયાંતરે અલગ અલગ વિચારો તેમના મનમાં આવતા રહ્યાં પરંતુ તેઓ કંઇક એવું કરવા માંગતા હતાં જેને સમાજમાં ઇજ્જતની નજરે જોવામાં આવે. આ માટે તેમને પ્રોફેસર બનવું વધારે યોગ્ય લાગ્યું અને તે સપનાને સાકાર કરવા માટે તેઓ પોતાના ભણતરમાં ધ્યાન આપવા લાગ્યા. તેમણે સમાજશાસ્ત્રમાં BA અને ફોરેન્સિક સાયન્સમાં MA કર્યું. તેઓ આ વિષયમાં વિશેષજ્ઞતા કરવા માંગતા હતાં પરંતુ પ્રથમ શ્રેણીમાં પાસ થઇ શક્યા નહીં. એ વિષયમાં રીસર્ચ કરવાનું તેમનું સપનું તૂટી ગયું. એક પ્રકારે આ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. એ સમય દરમિયાન તેમના જીવનમાં એક પછી એક બદલાવ આવતા રહ્યા જે તેમની સમજની પણ બહાર હતા. તેઓ કંઇક એવું કાર્ય કરવા માંગતા હતાં જેમાં તેમને રૂપિયાની સાથે સાથે સમાજમાં ઇજ્જત પણ મળે.

આવી રીતે થઇ સુલભની શરૂઆત!

આ માટે બિંદેશ્વર પાઠકે ફોરેન્સિક સાયન્સમાં જ આગળ ભણવાનું નક્કી કર્યું અને સાગર વિશ્વવિદ્યાલયમાં એડમિશન પણ મળી ગયું, પરંતુ કહેવાય છે ને કે નસીબમાં જે લખ્યું હોય તેને કોઇ ટાળી શકતું નથી. તેમનું નસીબ તેમને પટના લઇ ગયું અને જ્યાં તેમણે ગાંધી સંદેશ પ્રચાર નામની ઉપસમિતિમાં કામ કરવાનું આવ્યું. થોડા સમય પછી તેમની ટ્રાન્સફર સફાઇ વિભાગમાં થઇ ગઈ. જ્યાં ગાંધીજીના સપનાને પૂરા કરવાના કાર્યમાં તે જોડાઈ ગયા. તે સમયે મળ હટાવવા માટે બકેટ ટોયલેટનો ઉપયોગ કરવામાં અવતો હતો, જેનો બીજો વિકલ્પ શોધવો ખૂબ જ જરૂરી હતો. આ ઉપરાંત જે બ્રાહ્મણ વર્ગમાંથી તેઓ આવતા હતાં ત્યાં પણ તેમનો વિરોધ થવાનો શરૂ થઇ ગયો હતો. ફક્ત બ્રાહ્મણ સમાજમાં જ નહીં પરંતુ ઘર પરિવારના લોકો પણ તેમના આ કામનો વિરોધ કરવા લાગ્યા.

આવી વિપરિત પરિસ્થિતિમાં પણ તેઓ ક્યારે ડગ્યા નહીં, કારણ કે તેઓ જાણતા હતાં કે આજે જે કામનો વિરોધ લોકો કરી રહ્યાં છે તે કાર્ય જો સફળ થઇ જશે તો સમાજમાં ઘણો મોટો બદલાવ આવશે. આ માટે તેમણે પોતાના કામની શરૂઆત મળ સાફ કરનાર વ્યક્તિ સાથે મળીને કરી. આ માટે તેમણે સફાઇ કરનાર સમુદાય સાથે વધારે મળવા હળવાનું રાખ્યું જેથી તેમને મળ સાફ કરવામાં કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે જાણી શકાય. આ માટે તેઓ તેમની સાથે, તેમના વિસ્તારમાં જ રૂમ રાખીને રહેવા લાગ્યા.

પુસ્તક દ્વારા મળી પ્રેરણા

આ સમય દરમિયાન તેમણે WHO દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તક ‘ઇક્સસ્ક્રીટ ડિસ્પોઝલ ઇન રૂરલ એરિયા એન્ડ સ્મોલ કોમ્યુનિટિઝ’ તથા રાજેન્દ્ર લાલ દાસનું પુસ્તક જે એક સારી ટોઇલેટ સિસ્ટમ પર લખવામાં આવી હતી તે પણ તેઓએ વાંચી. જે પુસ્તકો તેમના માટે ઘણાં ઉપયોગી સાબિત થયા. બિંદેશ્વર પાઠક એવી સિસ્ટમ બનાવવા માંગતા હતાં, જે ઓછા ખર્ચે સરળ રીતે અને ઓછા પાણીના વપરાશથી બને. અને જે દેરક સ્થળ પર પણ બનાવી શકાય. તેમની આજ વિચારધારાને અધારે સુલભ ટેકનિકની શોધ થઇ. સુલભ બે ડબ્બામાં બનેલું છે. ફ્લશ કર્યા બાદ મળ કમ્પોસ્ટ ટોઈલેટમાં જઇને એકત્ર થઇ જાય છે. આ એક ઢાળવાળો ટોઈલેટ પેન છે. જેની સફાઇ ખૂબ જ સરળતાથી થઇ જાય છે. જેના માટે કોઇ સીવર લાઇનની જરૂરીયાત નથી હોતી. અને પહેલા ડબ્બામાં રહેલા મળ તેની જાતે જ ખાતરમાં ફેરવાઇ જાય છે, તેમાંથી વાંસ પણ નથી આવતી અને કિડા પણ થતા નથી. શરૂઆતમાં આ ડિઝાઇન તૈયાર કરવામાં બિંદેશ્વર પાઠકને ત્રણ વર્ષ લાગ્યા હતા. પરંતુ એક વાર ડિઝાઇન તૈયાર થઇ ગઇ પછી તેમાં તેઓ ધીરે ધીરે અનેક બદલાવ લાવતા ગયા.

સરકાર દ્વારા મળી લીલી ઝંડી

જ્યારે પ્રથમ વાર બિંદેશ્વર પાઠકે તેમની યોજના સરકાર સામે મૂકી ત્યારે સરકાર વિમાસણમાં હતી કે આ પ્રોજેક્ટને સફળતા મળશે કે નહિં. સરકારને રાજી કરવા માટે તેમણે ઘણી મથામણ કરવી પડી હતી, અને 1970માં તેમને બિહારમાં સુલભ શૌચાલય બનાવવાની મંજૂરી મળી ગઇ હતી. તેમનો આ પ્રોજેક્ટ સફળ રહ્યો અને તેમણે સુલભ નામની પોતાની સંસ્થા ખોલી. સરકાર દ્વારા પણ તેમને પ્રોત્સાહન મળવા લાગ્યું. તેઓ સુલભ શૌચાલયની ડીઝાઇન બનાવવાની સાથે સાથે સુલભ શૌચાલયનું નિર્માણ પણ કરવા લાગ્યા. પરંતુ ફંડ માટે તેમણે ઘણી રાહ જોવી પડતી હતી, જેના લીધે કામ ઝડપથી આગળ નહોતું વધી રહ્યું. ત્યારબાદ રામેશ્વરનાથ નામના એક IAS અધિકારીએ બિંદેશ્વર પાઠકને એક સલાહ આપી કે આ કામ માટે સરકારી ફંડ પર આધારિત ના રહે અને જેનું કામ કરો છો તેની પાસેથી જ પૈસા લો. આ શીખ પર બિંદેશ્વર પાઠક કામ કરવા લાગ્યા અને ટોઇલેટ ઇન્સ્ટોલેશન માટે દર પ્રોજેક્ટ પ્રમાણે પૈસા લેવા લાગ્યા. તેના કારણે જ સુલભ હવે પોતાના પગ પર ઉભું રહેવા સક્ષમ બન્યું.

તેમના આ સફળ પ્રયોગના કારણે જ આજે સુલભ ઇન્ટરનેશનલની ખ્યાતિ દેશભરમાં ફેલાયેલી છે. શૌચાલયનું નિર્માણ એ આજે પણ એક ઘણો મોટો મુદ્દો છે. જેના માટે સરકાર સ્વચ્છતા અભિયાન પણ ચલાવી રહી છે અને લોકોને ઘરમાં શૌચાલય બનાવવા માટે સલાહ પણ આપી રહી છે. આ કાર્ય બિંદેશ્વર પાઠક વર્ષોથી કરતા આવ્યા છે. જેના માટે તેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણાં એવોર્ડ પણ મળ્યા છે. જેમાં એનર્જી ચ્લોબ એવોર્ડ, પ્રિયદર્શિની એવોર્ડ, દુબઈ આંતરરાષ્ટ્રીય એવોર્ડ, અક્ષય ઉર્જા એવોર્ડ અને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.