સંપાદનો
Gujarati

ભણતર માટે સાસરું છોડ્યું અને આજે છે હજારો મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત

13th May 2016
Add to
Shares
26
Comments
Share This
Add to
Shares
26
Comments
Share

પરિવારજનોએ તેને ભણાવી નહીં અને લગ્ન કરાવી દીધા. તે સાસરે તો ગઈ પણ તેણે સાસરીયા સામે અભ્યાસ કરવા આજીજી કરી. સાસરીયાએ પણ તેની વાત ન સાંભળી. અભ્યાસ માટે આ જિદ્દી મહિલાએ પોતાનું સાસરું છોડી દીધું. આજે આ મહિલા સંસ્કૃત અને હિન્દીમાં એમએ પાસ છે. હજારો મહિલાઓ અને છોકરીઓને ભણાવવા સાથે તેમને પગભર થતા પણ શીખવી રહી છે. વારાણસીના સારનાથ, આશાપુરમાં રહેનારી ચંદા મૌર્ય, હ્યુમન વેલ્ફેર એસોસિયેશનની મદદથી આજે બીજી મહિલાઓ માટે પ્રેરણા સમાન બની ગઈ છે.

image


ચંદા જ્યારે 15 વર્ષની હતી ત્યારે આઠમા ધોરણનો અભ્યાસ કર્યા બાદ તેના માતા-પિતાએ તેને પરણાવી દીધી. ચંદા આગળ અભ્યાસ કરવા માગતી હતી તેથી તેણે પોતાના પિતાને સમજાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો. તેણે હાલમાં લગ્ન નથી કરવા માટે અનેક આજીજી કરી પણ તેના ગરીબ ખેડૂત પિતાએ તેની વાત ન સાંભળી. ચંદાના પિતાની દલીલ હતી કે તે વધારે અભ્યાસ કરશે તો તેનો ખર્ચ કોણ ઉપાડશે. આ જ કારણ હતું કે ચંદાની મોટી બહેનોનો અભ્યાસ પણ પાંચમા ધોરણ બાદ અટકી ગયો. આ પહેલાં ચંદાએ પોતાના અભ્યાસ પહેલાં સિલાઈ કામ શીખ્યું હતું. આ શીખવા માટે તેને ઘરેથી પાંચ કિ.મી. દૂર જવું પડતું હતું છતાં તે ક્યારેક બસ તો ક્યારેક ચાલતા પણ આ શીખવા જતી હતી. સિલાઈ શીખવાની અને અભ્યાસની ફી તે જાતે ભરતી હતી. આ પૈસા ભેગા કરવા તે ફૂલોની માળા બનાવતી હતી. તે સમયે 100 માળા બનાવવા બદલ તેને 25 પૈસા મળતા હતા. આમ છતાં ચંદાના પિતાએ તેની એક વાત ન સાંભળી અને લગ્ન કરાવી દીધા. લગ્ન થઈ ગયા પણ ચંદાની આગળ અભ્યાસ કરવાની જીદ છૂટી નહીં. ચંદાએ પોતાના સાસરીયાને કહ્યું,

"હું આગળ અભ્યાસ કરવા માગું છું પણ મારા સસરા તેના માટે તૈયાર ન થયા. ત્યાં સુધીમાં હું ત્રણ બાળકોની માતા બની ગઈ હતી. જ્યારે હું 21 વર્ષની થઈ તો મેં જીદ કરીને નવમા ધોરણમાં પ્રવેશ લીધો અને ફીની વ્યવસ્થા કરવા માટે મારા પરિવારની ઈચ્છા વિરુદ્ધ અન્ય મહિલાઓને સિલાઈ શીખવવાનું શરૂ કર્યું. તે ઉપરાંત ગામની મહિલાઓના કપડાં પણ સિવવા લાગી. મારા સાસરીયાને આ બધું પસંદ નહોતું. તેના કારણે મારે સાસરું છોડવું પડ્યું અને હું મારા પિયર જઈને રહેવા લાગી."

અભ્યાસ માટે ચંદાની ઈચ્છા જોઈને તેના પિતાએ નમતુ જોખવું પડ્યું અને તે ચંદાને અભ્યાસ માટે મદદ કરવા લાગ્યા. બીજી તરફ મહાવરો વધારવા ચંદા અન્ય બાળકોને મફતમાં ભણાવવા લાગી અને પોતાના ખર્ચા કાઢવા માટે અન્ય મહિલાઓને સિલાઈ શીખવતી અને મહિલાઓના કપડાં સિવતી હતી.

image


લગભગ એક વર્ષ પિયરમાં રહ્યા બાદ તેના પિતાએ તેમના ઘરથી થોડે દૂર તેને એક મકાન ભાડે અપાવી દીધું. ત્યાં સુધીમાં ચંદાના પતિને સમજાઈ ગયું હતું કે ચંદાનો અભ્યાસનો નિર્ણય યોગ્ય છે અને તેથી તે પણ ચંદા સાથે રહેવા આવી ગયો હતો. તેમણે લગભગ 11 વર્ષ સુધી એક હાઈસ્કૂલમાં બાળકોને અભ્યાસ કરાવવાનું કામ કર્યું. આ સ્કૂલમાં તે પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધીના બાળકોને હિન્દી અને ગણિત શીખવતી હતી. ચંદા જણાવે છે,

"ગણિત પર મારી પકડ સારી હતી. સ્કૂલ ઉપરાંત મારા ગામમાં પણ નાના બાળકોને મફતમાં ગણિત, હિન્દી અને અંગ્રેજી શીખવતી હતી જેથી બાળકો સ્કૂલ જાય ત્યારે તેમને અભ્યાસમાં સરળતા રહે. આ રીતે હું એક તરફ ભણતી હતી અને બીજી તરફ ભણાવતી પણ હતી. ત્યારબાદ 2009માં મેં એમએનો અભ્યાસ પૂર્ણ કર્યો."
image


અભ્યાસ પૂરો કર્યા બાદ ચંદા કંઈક મોટું કામ કરવા માગતી હતી. તેથી તેણે ડૉક્ટર રજનીકાંતની સંસ્થા હ્યુમન વેલફેર એસોસિયેશન સાથે જોડાણ કર્યું. આ મુદ્દે લોકોએ સવાલ કર્યા તો ચંદાએ જણાવ્યું,

"આ બાળકોને તો કોઈપણ આવીને ભણાવી જશે પણ મારે ગામડાની તે અભણ મહિલાઓ અને છોકરીઓને શિક્ષિત કરવી છે જેને અભ્યાસની તક નથી મળી અને તેના કારણે તેઓ પોતાના રોજિંદા કામ પણ નથી કરી શકતી."

ત્યારબાદ ચંદાએ હ્યુમન વેલફેર એસોસિયેશનના સહયોગ દ્વારા ગામની મહિલાઓને સાથે રાખીને સેલ્ફ હેલ્પ ગ્રૂપ બનાવ્યા. તેમાં મહિલાઓ પોતાના જૂથમાં પૈસા ભેગા કરતી અને જે મહિલાને પૈસાની જરૂર હોય તેને સામાન્ય વ્યાજે ધિરાણ કરતી. સાહુકાર પાસેથી વ્યાજે પૈસા લાવવામાં તેમને 10 ટકા વ્યાજ ચૂકવવું પડતું હતું. આ રીતે મહિલાઓના જૂથે લગભગ પાંચ લાખ રૂપિયા ભેગા કર્યા. તે સમયે તાતા પ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જે જૂથ દ્વારા ચાર લાખથી વધારે પૈસા ભેગા કરવામાં આવ્યા હશે તે જૂથની મહિલાઓને શિક્ષણ આપવામાં આવશે. તેની મદદથી મહિલાઓ બેંકોમાં પૈસા જમા કરાવી શકે અને જરૂર પડ્યે ઉપાડી શકે. આ માટે તેમણે 20 શિક્ષકો રાખ્યા. ત્યારે ચંદા પોતાના સમૂહની 50 મહિલાઓને પોતાના સેન્ટરમાં અભ્યાસ કરાવતી હતી. તેમાં ઘણી છોકરીઓ હતી જેમના લગ્ન માત્ર એટલા માટે નહોતા થતાં કે તેઓ નિરક્ષર હતી. મહિલાઓને સાક્ષર કરવાનો ફાયદો એ થયો કે જે મહિલાઓ અત્યાર સુધી લાજ કાઢ્યા વગર ઘરની બહાર પગ નહોતી મૂકતી તે હવે આ જૂથની બેઠકોમાં ભાગ લેવા લાગી.

મનરેગાના પૈસાનો હિસાબ તે પોતે રાખે છે અને પંચાયતમાં પોતાની સમસ્યાઓ અને અધિકારો વિશે જાતે જ રજૂઆત કરે છે. આ મહિલાઓમાં ચંદાની ચેતનાની જ અસર હતી કે ગામમાં શરૂ થયેલો દારૂનો અડ્ડો મહિલાઓએ ભેગો થઈને બંધ કરાવી દીધો. ચંદાએ પોતાના કામની શરૂઆત મહિલાઓ માટે સેલ્ફ હેલ્પ ગ્રૂપ બનાવવાથી કરી હતી જેની સંખ્યા આજે વધીને 32 થઈ ગઈ છે. દરેક જૂથમાં 20 જેટલી મહિલાઓ હોય છે. ચંદાએ બનાવલા જૂથ વારાણસીના 12 ગામમાં ચાલે છે. તે ઉપરાંત ચંદા મહિલાઓને બેંકમાંથી લોન લેવામાં પણ મદદ કરે છે જેથી તે શાકભાજી અને ફૂલોની ખેતી કરી શકે. ઘણી મહિલાઓ બેંકોથી લોન લઈને પશુપાલન કરીને દૂધ પણ વેચે છે. આ રીતે ચંદાના પ્રયાસોથી આ મહિલાઓ સાહુકારોના ચુંગલથી બચી જાય છે. તે ઉપરાંત આત્મનિર્ભર બનીને પોતાના પરિવારની આર્થિક સ્થિતિ પણ સુધારે છે.

લેખક- ગીતા બિશ્ત

અનુવાદક- એકતા રવિ ભટ્ટ

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

૩ અભણ મહિલાઓએ બનાવી કરોડોની કંપની, આજે 8 હજાર મહિલાઓ છે શેરધારક!

વડોદરાના VBI ગ્રુપનો સાક્ષરતા માટે ચાલતો શ્રમયજ્ઞ

‘બેટી બચાવો બેટી ભણાવો’ વડાપ્રધાન મોદીના સ્વપ્નોને સાકાર કરે છે બનારસની આ બેટી

Add to
Shares
26
Comments
Share This
Add to
Shares
26
Comments
Share
Report an issue
Authors

Related Tags