અમિતા પાઈની 'વન ગુડ સ્ટેપ' સંસ્થા સમાજમાં લાવે છે આમૂલ પરિવર્તન!

અમિતા પાઈની 'વન ગુડ સ્ટેપ' સંસ્થા સમાજમાં લાવે છે આમૂલ પરિવર્તન!

Tuesday March 15, 2016,

6 min Read

આપણાંમાંના ઘણાં લોકો એવા હોય છે કે જેઓ પોતાનો સમય અને નાણાકીય સ્રોતો સામાજિક કામો માટે ખર્ચવા માગતા હોય છે. અને પોતાનું નાનકડું યોગદાન આપવા માગતા હોય છે. પરંતુ આપણને એ બાબતની ખાતરી નથી હોતી કે કઈ સંસ્થા આપણે જે ક્ષેત્રે પ્રદાન આપવા માગીએ છીએ તે ક્ષેત્રે કામ કરી રહી છે. તેના કરતાં પણ મોટો પ્રશ્ન એ છે કે જે-તે ક્ષેત્રમાં કામ કરી રહેલા એનજીઓની વિશ્વસનીયતા અંગે આપણને શંકા હોય છે. ઉપરાંત આપણે જે ભંડોળ કે અન્ય સ્રોતો તે એનજીઓને પૂરા પાડીએ છીએ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે કે કેમ તે અંગે પણ શંકા રહેલી હોય છે. એન્જિનિયરમાંથી મેનેજમેન્ટ પ્રોફેશનલ બનેલાં અમિતા પાઈએ આ માટે 'વન ગુડ સ્ટેપ' (ઓજીએસ) નામનું એક પ્લેટફોર્મ બનાવ્યું છે. તેના મારફતે તેઓ ઉપરોક્ત તમામ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ આપે છે અને સમાજ દુનિયાને બદલવા માટે આગળ આવે તેવા પ્રયાસો કરે છે. ઓજીએસ સામાજિક સંસ્થાઓ અને એનજીઓ તેમજ સમાજસેવામાં ભાગ લેવા માગતા કે પોતાનું પ્રદાન આપવા ઇચ્છતા નાગરિકોને એક મંચ ઉપર લઈ આવે છે. તેના ઉપર આપવામાં આવેલા પ્રોજેક્ટમાં નાગરિકો પોતાનું પ્રદાન આપી શકે છે.

image


પ્રથમ પગલું

અમિતા ઉડીપીના સર્વસામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. અહીં જીવનનાં મૂલ્યો અને શિક્ષણને પ્રાથમિકતા આપવામાં આવે છે. એક એન્જિનિયર તરીકે તેણે પોતાની કારકિર્દી ઇન્ફોસિસથી શરૂ કરી હતી. અહીં થોડાં વર્ષો નોકરી કર્યા બાદ તે સ્નાતકોત્તર અભ્યાસ માટે પ્રતિષ્ઠિત ઇન્ડિયન સ્કુલ ઓફ બિઝનેસમાં ભણવા ગઈ. તે અને તેનો પરિવાર લાખો મધ્યમવર્ગીય પરિવારની જેમ જીવન પસાર કરતો હતો. અમિતા પોતાના તે દિવસો અંગે વાત કરતાં કહે છે,

"મારા મનમાં સતત એક જ અવાજ ઘૂમરાયા કરતો હતો કે હું કઈ દિશામાં જઈ રહી છું. મારું માનવું છે કે મારાં સહિતના મારી પેઢીના મોટાભાગના લોકો પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન બનાવવામાં જ વ્યસ્ત રહે છે. તેની નોંધ મારા હરીફો લે છે પરંતુ આ અસ્થાયી રેખાને બાદ કરતાં મારી પાસે તેને બદલવા માટેની કોઈ જ પ્રેરણા નથી."

જ્યારે તેનાં અંગત જીવનમાં ઝંઝાવાત સર્જાયો ત્યારે તે થોડો સમય માટે નિરાશ થઈ ગઈ હતી. તે વખતે પણ તેણે આત્મનીરિક્ષણથી એવું અનુભવ્યું હતું કે તે પોતાનાં વ્યાવસાયિક જીવનથી પણ દૂર ચાલી ગઈ છે. તે વખતે તેને સરળતાથી અનુભૂતિ થઈ ગઈ કે જીવનમાં તેણે ખરેખર શું કરવું છે. પોતાના એ મૂંઝવણ ભરેલા દિવસોને યાદ કરતાં અમિતાએ જણાવ્યું,

"મારી પાસે કોઈ જ વિચાર કે સંકેતો નહોતા કે મારે મારી જાતને મુખ્યપ્રવાહની કારકિર્દીમાંથી કેવી રીતે બહાર કાઢવી. તે જે પોતાની સપનાંની કારકિર્દી બનાવવા માગતી હતી તે જ તેના માટે અડચણરૂપ બની ગઈ કારણ કે તે જે ક્ષેત્રે કામ કરી રહી હતી તેમાં કોર્પોરેટના વિકાસ સિવાયનો તેનો કોઈ જ અન્ય અનુભવ નહોતો."

પરંતુ અત્યારે તે જે કરી રહી છે તેનાં બીજ નાનપણથી તેનાં જીવનમાં રોપાયેલાં હતાં. તેનાં માતા-પિતા તેમનાથી શક્ય હોય તેટલી સમાજને મદદ કરતાં હતાં. તેનાં પિતા ડૉક્ટર હતા અને અનેક વખત આર્થિક રીતે અક્ષમ લોકો પાસેથી પોતાની ફી નહોતા લેતા. ઘણી વખત દર્દીઓ આભારવશ થઈને તેમને નાળિયેર, માછલી, ચોખા વગેરે આપી જતા હતા. અમિતાએ જણાવ્યું,

"આ વાતનો પ્રભાવ મારા જીવન ઉપર હું ધારતી હતી તેના કરતાં વધારે પડ્યો હતો. આ વાતનાં લક્ષણો મને હું જ્યારે બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન રિસર્ચ કરતી હતી તે વખતે દેખાયાં હતાં."
image


નિર્ણાયક પગલું લીધું

અમિતા કહે છે,

"હું એવું માનું છું કે સમાજના વિકાસ માટે કામ કરવું અને કુદરતી સ્રોતોની જાળવણી તે પરોપકારનું કામ નથી. હું એમ પણ નથી માનતી કે કશી જ જાણ વિના કોઈને રૂપિયા આપી દેવા કે જેમાં તમને પણ ખબર ન હોય કે તેનાથી શું પરિવર્તન આવશે. આદર્શ દુનિયામાં સામાજિક વિકાસ એટલે પ્રયત્નોને ચલણમાં મૂકવા અને ટકાઉ આર્થિક સંસ્થાઓનું નિર્માણ કરવું. મને ખ્યાલ આવી ગયો કે મારો વિચાર લોકોને સમાજસેવા પ્રત્યે અને સામાજિક મુદ્દા પ્રત્યે લોકોને ફરીથી વિચારણા કરતાં કરી મૂકશે."

આ વિચાર સાથે અને સમાજના વિકાસની ધગશ સાથે તેણે પોતાની નોકરી છોડી દેવાનું નક્કી કર્યું. પોતાની જાતને હરીફાઈમાંથી ખસેડી લેવી તે મોટો નિર્ણય હતો. પરંતુ આ વિચારને તેના કુટુંબીજનોએ ટેકો આપ્યો હતો. જુલાઈ 2014માં 'વન ગુડ સ્ટેપ'ની સ્થાપના એક નફો નહીં કરતી સંસ્થા તરીકે કરવામાં આવી.

ઓજીએસ પ્રખ્યાત એનજીઓ અને સામાજિક સંસ્થાઓને એક મંચ ઉપર લાવે છે કે જેથી કરીને લોકો નક્કી કરી શકે કે કયા મુદ્દા ઉપર કામ કરતી સંસ્થાને તેમણે મદદ કરવી છે.

આ ઉપરાંત ઓજીએસ એવા મુદ્દાઓને સમજવામાં પણ મદદ કરે છે કે જે ઊંચી કક્ષાના સામાજિક બદલાવો લાવી શકે. આ માત્ર એનજીઓને એક મંચ ઉપર લાવતું પ્લેટફોર્મ નથી. ઓજીએસ પોતાનાં એનજીઓ પાર્ટનર્સ સાથે મળીને એક આખો પ્રોજેક્ટ તૈયાર કરે છે અને તેનો અમલ કેવી રીતે કરવો તેનું આયોજન પણ કરે છે. અમિતા કહે છે,

"પ્રોજેક્ટ આધારિત કામો અમને અમારાં લક્ષ્યાંકો સાથે જોડેલાં રાખે છે અને એવી ખાતરી આપે છે કે અમે જે બદલાવ લાવી રહ્યા છીએ તેના ઉપરથી અમારી નજર હટે નહીં."

આ પ્લેટફોર્મ સામાન્ય માણસને એનજીઓ સાથે સંકળાવામાં મદદ કરે છે. તેના મારફતે તે પોતાનું યોગદાન એનજીઓને આપી શકે છે. આ ઉપરાંત ટીમ સામાન્ય માણસને પણ એનજીઓ સાથે સંકળાયેલા રાખે છે જેથી કરીને તે પોતે જે કામ કરી રહ્યા છે તેના થકી આવતાં પરિવર્તનો તેઓ જોઈ શકે. જેના કારણે ભવિષ્યમાં પણ લોકો અન્ય કામો માટે જોડાય.

image


પ્રગતિ

ઓજીએસ હાલમાં બેંગલુરુ અને તેની આસપાસના ગામડાંઓમાં કામ કરે છે. સાત કે આઠ મહિનાના સમયગાળામાં તેણે 750 કરતાં વધારે લોકોનાં જીવનમાં પરિવર્તન આણ્યું છે. આ ટીમે પોતાનો સૌથી પહેલો પ્રોજેક્ટ તેમના એનજીઓ પાર્ટનર સાથે મળીને ઝૂંપડપટ્ટીનાં બાળકોને મુખ્યપ્રવાહનું શિક્ષણ આપવાનો કર્યો હતો. જેમાં વિવિધ ઉંમરનાં બાળકોને શેરીઓમાંથી પસંદ કરીને તેમને મુખ્યપ્રવાહની શાળામાં ભણવા લઈ જવામાં આવ્યાં હતાં. આ શૈક્ષણિક વર્ષે આ પ્રકારનાં બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. કેટલાંક લોકોએ સામે ચાલીને ઓજીએસના પ્રોજેક્ટમાં સામેલ થવા માટે નક્કી કર્યું હતું. અન્ય એક પ્રોજેક્ટમાં આ ટીમ શાળાનાં રસોડાને બાયો ફ્યુઅલથી સંચાલિત કરવાનું કામ કરી રહી છે. આ ઉપરાંત દૃષ્ટિની ખામી ધરાવતા લોકો માટે શૈક્ષણિક પદ્ધતિઓ વિકસાવી અને ગ્રામ્ય વિસ્તારોમાં 10મા ધોરણના વિદ્યાર્થીઓને સોલાર લાઇટ્સ આપવી વગેરેનો સમાવેશ થાય છે.

image


છેલ્લા કેટલાક મહિનાના પોતાનાં કામ વિશે તેણે જણાવ્યું,

"આ કામમાં મને મારા મિત્રોનો, મારા ભૂતપૂર્વ સહકર્મચારીઓનો અને મારા આશ્ચર્ય વચ્ચે અજાણ્યા લોકોનો ખૂબ જ ટેકો મળી રહ્યો છે. મારા કામ દરમિયાન મને આર્થિક રીતે નબળાં લોકો, અને દિવ્યાંગોનાં જીવન વિશેની આંશિક માહિતી ખૂબ જ નજીકથી મળી છે. મને ખ્યાલ આવ્યો છે કે આ વિશ્વ તેમનાં માટે જુદા પ્રકારની જગ્યા છે. અંગત રીતે પણ તેમનું જીવન આટલું દુઃખી હોવા છતાં પણ તેમણે મને જે પ્રેમ અને ધન્યવાદ આપ્યો છે તે મારા માટે એક સારો અને કોઈ સારી ભેટ આપનારા અનુભવ સમાન રહ્યો છે. આના કારણે મારી ઊંચા પગારની નોકરી છોડવાની મને યથાર્થ લાગી રહી છે. તેમજ કુદરતી સ્રોતો અને પર્યાવરણ સાથે કામ કરવાની મારી ક્ષમતાની પણ કસોટી થઈ છે. આ પ્રોજેક્ટની સફળતાને કારણે મારો આત્મવિશ્વાસ વધ્યો છે કે અમારી પાસે પરિવર્તન આણવા માટે અમારી પાસે એક સક્ષમ અને શક્તિશાળી મોડલ છે."

પરંપરાગત રીતે એવી માન્યતા છે કે પરિવર્તન માટે કામ કરવું તે એક નાહિંમત કરવાનું અને સરકાર તેમજ સામાજિક કાર્યકરોનાં ક્ષેત્રનું જ કામ છે. પરંતુ શરૂઆતની કવાયતથી જો વિચારવામાં આવે તો એમ કહી શકાય કે જો બદલાવની પ્રક્રિયામાં જેમ બને તેમ વધારે લોકો જોડાય તો પરિવર્તન ટકાઉ રીતે અને લાંબાગાળા માટે આવે છે. આપણે દરેક લોકો સક્ષમ છીએ અને પરિવર્તન લાવવા માટે ભાગ ભજવી શકીએ છીએ. પરંતુ હવે આ પ્રક્રિયામાં જોડાવા માટેનું પ્લેટફોર્મ પણ તૈયાર છે. આગામી વર્ષોમાં અમે આવી પ્રક્રિયામાં જોડાવા માટેની વધારે તક આપીશું. અમે આગામી દિવસોમાં વન ગુડ સ્ટેપ મારફતે વધુ લોકોનાં જીવનને સ્પર્શી શકીશું તે અગત્યનું છે. તેમ અમિતાએ જણાવ્યું હતું.

લેખક- ચૈતન્ય રામલિંગે ગૌડા

અનુવાદક- અંશુ જોશી

સામાજિક ક્ષેત્રે કામ કરતા અન્ય લોકોની સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો: 

રાત્રે ભૂખે પેટ સૂનારાને ભરપેટ ભોજન આપવાની કોશિશ, 'ફીડ યોર નેબર'

5-5 રૂપિયા માટે તરસતી મહિલાઓ કઈ રીતે બની સ્વાવલંબી?

એક ડ્રાઈવરનો એન્જિનિયર દીકરો આજે ગરીબ બાળકોને મફતમાં અભ્યાસ કરાવે છે!