સંપાદનો
Gujarati

રેડલાઇટ વિસ્તારની રોશનીનો રંગ બદલવાની કોશિશ છે ‘કટ-કથા’

18th Dec 2015
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

500 સેક્સ વર્કર્સ સાથે સીધા સંપર્કમાં છે ગીતાંજલિ!

રેડલાઇટ વિસ્તારમાં રહેતાં બાળકોને શિક્ષણ આપી રહી છે!

હાલ ‘કટ-કથા’ સાથે જોડાયેલા છે 100 સ્વયંસેવકો!


દિલ્હીના રેડલાઇટ વિસ્તાર જીબી રોડ પર ગીતાંજલિ બબ્બર જ્યારે જાય છે ત્યારે ત્યાં રહેતી સેક્સ વર્કર ન માત્ર તેમને પ્રેમ આપે છે પણ ગળે લગાડે છે, બલકે તેને દીદી કહીને બોલાવે છે. સામાન્ય માણસો ભલે અહીં આવતાં અચકાતા હોય, પરંતુ ગીતાંજલિ બબ્બર આ બધાથી બેખબર, અહીં રહેતી સેક્સ વર્કર્સની જિંદગીમાં પરિવર્તન લાવવાની કોશિશ કરી રહી છે. તેણે પોતાની સારી એવી નોકરી છોડીને આ માર્ગ પર રહેતી મહિલાઓને પોતાની સંસ્થા ‘કટ-કથા’ થકી સશક્ત બનાવવાનું બીડું ઝડપ્યું છે.

image


‘કટ-કથા’ની સંસ્થાપક ગીતાંજલિએ આ સંસ્થા શરૂ કરતાં પહેલાં દિલ્હી યુનિવર્સિટીથી પત્રકારત્વનો કોર્સ કર્યો હતો. અભ્યાસ દરમિયાન તે ‘અનંત’ નામના થિયેટર ગ્રૂપ સાથે જોડાઈ હતી. ત્યાંથી સામાજિક કાર્યો પ્રત્યેનું વલણ ઊભું થયું. ગાંધી ફેલોશિપ અંતર્ગત તેણે રાજસ્થાનના ચુરુ જિલ્લાના થિરપાલી બડી નામના એક ગામમાં બે વર્ષ વિતાવ્યાં. અહીં તેમને અનેક નવા અનુભવો મળ્યા. ત્યારબાદ તેમણે રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંગઠન એટલે કે ‘નાકો’ માટે કામ કરવાનું શરૂ કર્યું. અહીંથી તેમનો સંબંધ દિલ્હીના રેડલાઇટ એરિયા જીબી રોડ સાથે બંધાયો. શરૂઆતમાં તેમના મનમાં અનેક સવાલ ઊઠેલા કે ત્યાંનો માહોલ કેવો હશે, ત્યાં કઈ રીતે કામ કરી શકાશે?

ગીતાંજલિ જણાવે છે, 

“હું જ્યારે પહેલી વાર એક કોઠા પર ગઈ ત્યારે ત્યાંનો માહોલ જોઈને ત્રણ રાત સુધી ઊંઘી શકી નહોતી. હું એ વિચારવા મજબૂર હતી કે દિલ્હીની વચ્ચોવચ્ચ અને ઇન્ડિયા ગેટથી સાવ નજીકમાં જ દર મિનિટે યુવતીઓ વેચાઈ રહી છે, દર મિનિટે યુવતીઓ મરી રહી છે, પરંતુ તેમના વિશે કોઈ વિચારતું નથી. આ બાબતે મને અંદરથી હચમચાવી નાંખી.” 

ધીમે ધીમે ગીતાંજલિ ત્યાંના કોઠાઓમાં જઈને ત્યાંની મહિલાઓને મળવા માંડી. તેમની સમસ્યાઓ જાણવા માંડી અને થોડા સમય પછી તેમના ત્યાં એવા સંબંધો બંધાઈ ગયા કે તે કોઈ માટે નાની બહેન બની ગઈ તો કોઈ માટે દીદી તો કોઈ માટે દીકરી. જોકે, આ દરમિયાન કેટલાક કોઠાઓમાં તેની સાથે ખરાબ વ્યવહાર પણ કરાયો હતો. જોકે, એ વાતની ફિકર કર્યા વિના ગીતાંજલિએ કોઠાઓમાં રહેતી મહિલાઓને મળવાનું સતત ચાલું રાખ્યું.

image


એક દિવસ ગીતાંજલિને એક કોઠામાં રહેતી મહિલાઓએ બહુ ખરીખોટી સંભળાવી અને તેને કોઠામાંથી બહાર કાઢી મૂકી. આ ઘટનાએ તેમની આંખોમાં આંસુ લાવી દીધા. ત્યારે બીજા એક કોઠામાં રહેતી મહિલા તેમની પાસે આવી અને ગીતાંજલિને કહ્યું કે તમે મને ભણાવો. ગીતાંજલિનાં દુઃખનાં આંસુમાં અચાનક ખુશી છલકાવા માંડી. તેમણે શનિવાર અને રવિવારના દિવસોમાં કોઠામાં રહેતી મહિલાઓને ભણાવવાનું કામ શરૂ કર્યું. શરૂઆતમાં તેમના આ કામમાં ડૉક્ટર રઈસે તેમની મદદ કરી, જેમની પોતાની હોસ્પિટલ જીબી રોડ પર આવેલી છે. તેમની હોસ્પિટલના ઉપરના માળે જ ગીતાંજલિએ કોઠામાં રહેતી મહિલાઓને ભણાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ થોડા સમય પછી તેણે એ જગ્યા ખાલી કરવી પડી. આ રીતે મજબૂર થઈને ગીતાંજલિએ કોઠાઓમાં જઈને ભણાવવું પડ્યું, કારણ કે જીબી રોડમાં રહેતી મહિલાઓ પોતાના કોઠાથી બીજાના કોઠામાં જતી નથી.

image


થોડા સમય પછી ગીતાંજલિએ પણ નોકરી છોડી દીધી અને માત્ર સેક્સ વર્કર્સને ભણાવવાનું કામ કરવા લાગી. સાચી નિષ્ઠા અને પ્રામાણિક પ્રયાસની અસર ગીતાંજલિના મિત્રો પર પણ પડી. તેમના મિત્રો પણ તેમની આ ઝુંબેશમાં જોડાવા લાગ્યા. ગીતાંજલિનું કામ પણ વહેંચાયું. તેમના મિત્રોએ પણ જુદા જુદા કોઠાઓમાં રહેતી મહિલાઓને રોજે રોજ ભણાવવાનું શરૂ કર્યું. ત્યારે ગીતાંજલિએ નક્કી કર્યું કે તે આ વિસ્તારનાં બાળકોને પણ ભણાવશે. બન્ને પક્ષેથી મહેનત કરવામાં આવી. બાળકોએ પણ રસ લીધો. સંબંધો ગાઢ બન્યા. બાળકોને ભણાવવાની સાથે સાથે રમાડવામાં આવતા અને વચ્ચે વચ્ચે તેમને ફિલ્મો પણ બતાવવામાં આવતી. ધીમે ધીમે જ્યારે વધારે બાળકો તેમની સાથે જોડાવા માંડ્યાં ત્યારે તેણે જીબી રોડમાં જ એક જગ્યા ભાડેથી લઈ લીધી. આજે તેમને ત્યાં આવનારાં બાળકોમાંથી ચાર બાળકો દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં એક શાળામાં પણ ભણી રહ્યાં છે. એક બાળકને ભણવા માટે ફેલોશિપ પણ મળી છે. ગીતાંજલિએ ભણાવેલાં બાળકો ફોટોગ્રાફી કરે છે, થિયેટર કરે છે તો કેટલાક ડાન્સર પણ છે. એટલું જ નહીં તેમને ત્યાંનાં ચાર બાળકોની પસંદગી નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી)માં થઈ ચૂકી છે. આ રીતે ગીતાંજલિએ અહીંનાં બાળકોને ન માત્ર સપનું દેખાડ્યું છે, બલકે તેમને સપનાંઓ સાથે જીવતા પણ શીખવ્યું છે.

image


ગીતાંજલિના જણાવ્યા મુજબ આ કોઠાઓમાં કામ કરનારી મોટા ભાગની મહિલાઓ પાસે મતદાર કાર્ડ સુધ્ધાં નથી. ‘કટ-કથા’ અહીં રહેનારી મહિલાઓને સમાજમાં ઓળખ અપાવવા માટે વોટર આઈડી કાર્ડ બનાવવામાં મદદ કરી રહી છે. અત્યાર સુધી તેના થકી જીબી રોડ પર રહેનારી 500થી વધારે મહિલાઓ પોતાનું વોટર કાર્ડ, રેશન કાર્ડ અને આધાર કાર્ડ બનાવી ચૂકી છે. આ ઉપરાંત, મહિલાઓને સશક્ત બનાવવા માટે તેમનું બેંક ખાતું પણ ખોલાવે છે. જીબી રોડની અંધારી અને અટુલી દુનિયામાં રહેતી મહિલાઓને સમ્માનપૂર્વક જીવવા માટે ‘કટ-કથા’ નોટબુક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કોઠામાં રહેનારી મહિલાઓ શિલ્પ કળા, ફોટો ફ્રેમ, કાનમાં ઝુમખા અને ચાંદલા વગેરે બનાવવાનું કામ પણ કરી રહી છે, જેથી તેઓ આર્થિક વિકાસ કરવામાં સફળ થઈ શકે. અહીં રહેનારી મહિલાઓને સંગઠિત કરવા માટે તે દિવાળી, નવું વર્ષ અને અન્ય પ્રસંગે કેટલાક કાર્યક્રમો પણ ચલાવે છે. ‘કટ-કથા’માં 7 લોકોની એક મજબૂત ટીમ છે, જ્યારે તેમની સાથે 100 સ્વયંસેવકો પણ જોડાયેલા છે.

image


આજે ગીતાંજલિ અને તેમની સંસ્થા ‘કટ-કથા’ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જીબી રોડમાં રહેનારાં 66 બાળકો સાથે જોડાયેલાં છે. આ બાળકોમાં ચાર વર્ષથી લઈને 18 વર્ષ સુધીના યુવાનો સામેલ છે. દરેક બાળકની જરૂરિયાત પ્રમાણે કટ-કથા કામ કરી રહી છે. જે બાળકોની જરૂરિયાત વધારે છે, તેમની સાથે કાર્યકરો રાત-દિવસ કામ કરે છે. બાળકોમાં આવેલા આત્મવિશ્વાસથી એવી સ્થિતિ આવી છે કે બાળકો હવે ખચકાયા વિના કહે છે કે તેઓ જીબી રોડ પર રહે છે. ગીતાંજલિની હવે ઇચ્છા છે કે સરકાર 15 ઑગસ્ટને ‘સેક્સ ફ્રી ડે’ જાહેર કરે, જેથી આ દિવસે દેશભરમાં કોઠા બંધ રહે અને ત્યાં રહેનારી મહિલાઓ એ દિવસે પોતાની મરજીથી જીવી શકે.

Website

લેખક- હરીશ બિશ્ત

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags