સંપાદનો
Gujarati

કેવી રીતે ડિપ્રેશને પૂનમને સમાજ માટે સારું કરવાની શીખ આપી, જરૂર વાંચો

25th May 2016
Add to
Shares
62
Comments
Share This
Add to
Shares
62
Comments
Share

જીવન એક બરફ જેવું છે કે જે સમયની સાથે ધીમેધીમે પીગળી જાય છે. પરંતુ દરેકનો જીવન જીવવાનો અંદાજ તેને સામાન્ય કે ખાસ બનાવી દે છે. કેટલાંક લોકો તેને સારાં કામો પાછળ ખર્ચી નાખે છે તો કેટલાક લોકો તેને બરબાદ કરી નાખે છે. વ્યક્તિગત મુશ્કેલીઓ, તકલીફો, અને અધૂરાં સપનાંઓ વચ્ચે સારા દિવસોની આશાનો બોજ ઘણી વખત લોકોને દબાવી દે છે. માણસ જીવનમાં ઘણું બધું કરવા માગે છે પરંતુ કરી નથી શકતો. પરંતુ ઘણા લોકો અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ બીજાં માટે સમય કાઢી લે છે. તેઓ કંઇક એવું કરે છે કે જે તેમનો અંતરાત્મા ઇચ્છે છે. તેના કારણે તેમને ટાઢક અને શાંતિ મળે છે એટલું જ નહીં પરંતુ સમાજને પણ તેનાથી લાભ થાય છે. આવા લોકો અન્ય સમાજ માટે પણ પ્રેરણા બને છે. અમે તમારી મુલાકાત 35 વર્ષીય પૂનમ સોલંકી સાથે કરાવવા જઈ રહ્યા છીએ. તે એક સાધારણ મહિલામાંથી ખાસ બની ગઈ છે. એક જમાનામાં ગંભીર ડિપ્રેશનમાંથી પસાર થનારી પૂનમ હવે બીજાનાં જીવનની તકલીફો સરળ બનાવે છે. સામાન્યમાંથી ખાસ બનવાની પૂનમ સોલંકીની આ સફર તે તમામ લોકો માટે ઉદાહરણરૂપ છે પોતાનાં સામાન્ય જીવનમાં પણ અન્યો કરતાં કંઈક અલગ કરવા માગે છે. મૃદુભાષી, સૌમ્ય સ્વભાવ, વ્યવહાર કુશળ અને આકર્ષક વ્યક્તિત્વની માલિક પૂનમ રાજકારણ, સમાજસેવા, સાંસ્કૃતિક કાર્યોમાં એક સાથે પ્રવૃત્ત છે. તેમ છતાં પણ તેને પોતાની સફળતા દેખાડવા કરતાં છૂપાવી રાખવાનું વધારે પસંદ છે.

પૂનમ સોલંકી

પૂનમ સોલંકી


રક્તપિત્તિયા અને અનૌરસ બાળકોના હક્ક માટે અવાજ

છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં રહેનારી પૂનમ સોલંકી ખૂબ જ ચૂપકીદીથી એવા મુદ્દા ઉપર કામ કરી રહી છે કે જેના વિશે સામાન્ય લોકો વાત પણ કરવા નથી માગતા. આવું કામ વિરલ વ્યક્તિત્વ ધરાવતા લોકો જ કરી શકે છે. પૂનમ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં રહેતા રક્તપિત્તના રોગીઓની મદદ કરી રહી છે. તેમની ઓળખ કરીને તેમનું પુનર્વસન કરાવવું તેનું કામ છે. આવા રોગીઓને મફતમાં મળતી સરકારી સારવાર અને દવાઓ વિશે તેમને માહિતગાર કરે છે. તેમને સારવાર લેવા માટેની પ્રેરણા આપે છે. રક્તપિત્ત નિવારણમાં લાગેલી સરકારી અને બિનસરકારી સંસ્થાઓને તે આવા રોગીઓને મેળવી આપીને તેમને પુનર્વસનની સહાયતા કરવામાં મદદ કરે છે. સામાન્ય લોકોમાં રક્તપિત્ત અને રક્તપિત્ત રોગીઓ વિશે રહેલી ધૃણાને દૂર કરવા માટે તે રોગ વિશે લોકોને સમજ આપીને તેમને જાગરૂક કરે છે. આ ઉપરાંત પૂનમ એવાં બાળકોને પણ પોતાનો અધિકાર અપાવવામાં મદદ કરે છે કે જેમનો જન્મ અનૈતિક સંબંધો થકી થયો છે. આવાં બાળકોને પૂનમ અનાથાશ્રમ કે કોઈને દત્તક અપવવાના બદલે તેમના અસલી માતા-પિતાનું નામ અપાવવામાં મદદ કરે છે. તેનું માનવું છે કે તેના કારણે આ પ્રકારના સંબંધો ઉપર અંકુશ આવશે એટલું જ નહીં આવાં બાળકોને પોતાનો અધિકાર મળી શકશે. જોકે, સમાજની બદીઓ સામે લડવું સરળ કામ નથી કારણ કે તેમાં મોટેભાગે સમાજનો તાકાતવાન અને કથિત રીતે કહેવાતાં મોટા માણસો જ ગુનેગાર હોય છે. તેની સામે પડવું તે દુશ્મની વહોરી લેવાથી કમ નથી હોતું. તેમ છતાં પૂનમ આવા મુદ્દાઓ ઉપર કામ કરે છે.

લોક નૃત્ય અને ઓડિસી નૃત્યની તાલિમ

પૂનમ સોલંકી એક સફળ લોક અને ઓડિસી નૃત્યાંગના છે. ઓડિસી સાથે છત્તીસગઢી, રાજસ્થાની અને ગુજરાતી લોકનૃત્ય ગરબામાં તે પારંગત છે. નૃત્ય તેનાં જીવનનું અભિન્ન અંગ છે. નૃત્ય તેની સાધના અને પૂજા છે. દરેક કલાકારની જેમ તે પણ પોતાની કલાને જીવે છે. ઘૂંઘરુના રણકાર અને તબલાની થાપ ઉપર તેના ભાવ તેમજ અંગભંગિમાઓ તેની નૃત્યની શૈલીને ખૂબ જ ખાસ બનાવી દે છે. આ કલાની બારીકાઈ જાણનારો દર્શક તેનું નૃત્ય જોઈને નૃત્ય કલાનો રસિક બની જાય છે. તે અનેક મોટાં આયોજનોમાં પોતાનું પરફોર્મન્સ આપી ચૂકી છે. તેને અનેક પુરસ્કારો પણ મળેલા છે. તેનું પોતાનું એક ડાન્સ ગ્રૂપ પણ છે. તે પોતે છત્તીસગઢમાં જન્મેલી અને ઉછરેલી છે પરંતુ ગુજરાતના લોકોને ગરબા શીખવાડે છે. તે આર્થિક રીતે નબળી છોકરીઓને મફતમાં વિવિધ નૃત્યની તાલિમ આપે છે. તેમની અંદરની કળાને તે બહાર લાવે છે.

2004માં કોર્પોરેટર રહી ચૂકી છે!

પૂનમ અનેક કલાઓમાં નિપુણ છે પરંતુ તેની સાથે તેને રાજકારણમાં પણ રસ છે. વર્ષ 2004માં તે પોતાના વિસ્તારમાં કોર્પોરેટર હતી. લગભગ 15 વર્ષ સુધી કોર્પોરેટર રહેલા કોંગ્રેસી ઉમેદવાર સામે તેને ઊભી રાખવામાં આવી હતી. પોતાની લોકપ્રિયતાને કારણે તે ચૂંટણીમાં વિક્રમજનક મતોથી જીતી અને પાંચ વર્ષ સુધી કોર્પોરેટર રહી હતી. પોતાનાં કાર્યકાળ દરમિયાન તેણે પોતાના વિસ્તારમાં વિકાસ માટે શક્ય હતી તેટલી કોશિશ કરી હતી. પોતાના વોર્ડમાં પાયાની સુવિધાના વિકાસની સાથે સાથે મહિલા સશક્તિકરણ અને શિક્ષણ ઉપર તેણે ખાસ ભાર આપ્યો હતો. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અને તેમની સલામતી માટે તેણે ખાસ ધ્યાન આપ્યું હતું.બીજી ચૂંટણીમાં તેની સીટ અનામત બેઠકમાં ફેરવાઈ જતા તે બીજી વખત તો ચૂંટણી નહોતી લડી શકી પરંતુ પોતાના વિસ્તારમાં સામાજિક કાર્યો કરવાનું હજી પણ ચાલુ જ છે.

તમામ પ્રકારની અસમાનતા દૂર કરવા માગે છે!

પૂનમ સોલંકી સમાજમાંથી જાતિ પ્રથા અને તમામ પ્રકારની આર્થિક અને સામાજિક અસમાનતા દૂર કરવા માગે છે. તેમણે યોરસ્ટોરી સાથે વાત કરતાં જણાવ્યું,

"સમાજમાંથી અસમાનતા નાબૂદ થશે તો જ દેશ પ્રગતિ સાધી શકશે. જાતિ પ્રથા સામાજિક એકતાની આડે સૌથી મોટો અવરોધ છે. તેમાં બંધાયેલા હોવાને કારણે લોકોની માનસિકતા સંકુચિત બની જાય છે. લોકો સંપૂર્ણ માનવતા અને આખા દેશના ભલાને બાજુએ મૂકીને પોતાની જાતિનું ભલું કરવા વિશે જ વિચારે છે. જાતિ પ્રથાને કારણે દેશમાં ચૂંટણીની પ્રક્રિયા પણ નિષ્પક્ષ રીતે નથી થઈ શકતી. લોકો એક સારા ઉમેદવારને મત આપવાને બદલે પોતાની જાતિના ઉમેદવારને કે કલંકિત નેતાને મત આપીને વિજયી બનાવી દે છે."

જાતિ પ્રથા અંગે પૂનમના વિચારો અને વક્તવ્ય કોઈ નેતાનું નિવેદન નથી પરંતુ તેણે આ વાત પોતાનાં જીવનમાં ઉતારી છે.

સ્ત્રી સ્વતંત્રતાની હિમાયતી

મહિલાઓ અંગેના વિચારો બાબતે પણ તે એકદમ સ્પષ્ટ છે. તેણે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણની દિશામાં સૌથી મોટું પગલું તે તેમની સ્વતંત્રતા છે તેમ હું માનું છું. દેશ અને દુનિયાની અડધા ઉપરાંતની વસતીને હાંસિયામાં ધકેલીને કોઈ પણ દેશ કે સમાજ પ્રગતિ ન કરી શકે. મહિલાઓને પણ પોતાની મરજી અનુસાર કારકિર્દી પસંદ કરવાની સ્વતંત્રતા હોવી જોઇએ. જેથી તે પોતાની જાતને સાબિત કરી શકે. જીવનમાં પોતાની એક અલગ ઓળખ બનાવી શકે. તે પોતાની મંઝિલ મેળવી શકે. તે દેશના નિર્માણમાં મહિલાઓની સંપૂર્ણ ભાગીદારી ઇચ્છે છે. પૂનમ કહે છે કે

જો એક મહિલા પોતાના સમગ્ર પરિવારનું ધ્યાન રાખી શકતી હોય અને પોતાનાં બાળકોની સંભાળ રાખી શકતી હોય તો તે પોતાના આખા સમાજની જવાબદારી પણ પોતાના ખભા ઉપર ઉપાડી શકે છે. બસ તેને માત્ર તક આપવાની જરૂર છે.

તેના માટે તે કન્યા કેળવણીને ખૂબ જ જરૂરી માને છે. શિક્ષણમાં જ તેને મહિલાની મુક્તિનો માર્ગ દેખાય છે. તે ઇચ્છે છે કે દીકરીઓ ખૂબ જ ભણે અને આગળ વધે.

છોકરીઓની મરજી પ્રમાણે જ લગ્ન કરાવવા

પૂનમ બાળલગ્ન ઉપરાંત મરજી વિરુદ્ધ કરવામાં આવતાં લગ્નની વિરુદ્ધ છે. તે કહે છે,

"બાળલગ્નને કારણે છોકરીઓનાં જીવન ઉપર પૂર્ણવિરામ આવી જાય છે ને તે ભણી નથી શકતી. જ્યારે મરજી વિરુદ્ધ કરવામાં આવતાં લગ્નને કારણે તેમનું જીવન બરબાદ થઈ જાય છે. લગ્ન કરતી વખતે છોકરીઓની મરજી જાણવી ખૂબ જ જરૂરી છે. માતા-પિતાએ પોતાની દીકરી પાસેથી તેના ભાવિ જીવનસાથી વિશે તેની મરજી જાણવી જોઇએ. પોતાની મરજી તેની ઉપર ઠોકી બેસાડવાને બદલે છોકરીને પોતાની રીતે છોકરો પસંદ કરવાની સ્વતંત્રતા આપવી જોઇએ."

પૂનમ પોતે છત્તીસગઢની છે પરંતુ તેણે લગ્ન ગુજરાતનાં પરિવારના અન્ય જ્ઞાતિના યુવક સાથે કર્યાં છે. આંતરજ્ઞાતિય લગ્ન અંગે તેના વિચારો સ્પષ્ટ છે. તે કહે છે કે તેને પ્રોત્સાહન મળવું જોઇએ. સરકાર પણ આ પ્રકારના લગ્નોને પ્રોત્સાહન આપવા માટે રૂ. 50 હજારથી રૂ. 2.5 લાખ સુધીની પ્રોત્સાહક રકમ આપે છે.

ડિપ્રેશનને કારણે બીજા માટે કંઈક કરવાની પ્રેરણા મળી

પૂનમ સોલંકીનાં સાર્વજનિક જીવનની શરૂઆત રસપ્રદ છે. રાયગઢ કોલેજમાં બીએસસીના અભ્યાસ દરમિયાન પોતાની કોલેજના એક વિદ્યાર્થી દિવેશ સોલંકી સાથે તેને પ્રેમ થઈ ગયો. ઘરવાળાની ના છતાં તેણે દિવેશ સાથે લગ્ન કરી લીધાં. જોકે, લગ્નનાં આટલાં વર્ષો પછી પણ તે એવું જ કહે છે કે દિવેશ તેની પાછળ પડ્યો હતો. એ જે કંઈ પણ હોય પરંતુ કુટુંબમાં પહેલીવાર આંતરજ્ઞાતિય લગ્ન પરિવારજનોએ સાંખી ન લીધાં અને બંને પરિવારોએ તેને જાકારો આપ્યો. આ ઉપેક્ષાની પૂનમ ઉપર ખૂબ જ ખરાબ અસર પડી. તે ઊંડા ડિપ્રેશનમાં જતી રહી. ડૉક્ટરોએ તેની સારવાર કરી. આ દરમિયાન બંને કુટુંબો વચ્ચે પણ મીઠાશ વધવા લાગી. પૂનમના પિયરિયાં અને સાસરિયાંએ તેને સ્વીકારવાનું શરૂ કરી દીધું. તેમ છતાં તે આઘાતમાંથી બહાર નહોતી આવી શકતી. તે દરમિયાન તેને નૃત્ય તરફ વાળવામાં આવી. જેનો શોખ બાળપણથી જ તેનાં મનમાં ધરબાયેલો હતો. પૂનમે ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે નૃત્યનો સહારો લીધો હતો પરંતુ અજાણતા જ તેનાં પગલાં રાજકારણ તેમજ સમાજસેવા તરફ પણ ચાલવા લાગ્યાં તેની તેને પણ ખબર ન રહી.

પૂનમ કહે છે,

"જીવનની સુંદરતા અને સફળતાનો આધાર તેના ઉપર નથી કે તમે કેટલા ખુશ છો પરંતુ બીજા લોકો તમારા કારણે કેટલા ખુશ છે તેના ઉપર છે."

લેખક- હુસૈન તાબિશ

અનુવાદક- મનીષા જોશી

આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

પત્નીએ છોડી દીધો સાથ, પણ તેમણે ગરીબોનો સહારો બનવાનું ન છોડ્યું, આજે છે 300 નિરાશ્રિત લોકોનો આશરો!

ડાન્સ કરીને પણ કેવી રીતે કરી શકાય સમાજસેવા? જણાવે છે અમદાવાદની આ યુવતીઓ!

સ્ત્રી સશક્તિકરણઃ વારાણસીની વણકર મહિલાઓ અગરબત્તી વેચીને ઘર ચલાવે છે!

Add to
Shares
62
Comments
Share This
Add to
Shares
62
Comments
Share
Report an issue
Authors

Related Tags