સ્પર્ધાત્મક પરીક્ષાઓના સચોટ માર્ગદર્શન માટે છે ને ‘ટેસ્ટબૂક’!
ભારતમાં ગેટ, કેટ, એસબીઆઈ પીઓ, એસબીઆઈ ક્લાર્ક, આઈબીપીએસ પીઓ સહિતની અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવાથી સારી નોકરી મળે છે તેમ માનવામાં આવે છે અને દેશભરના યુવાનો આ પરીક્ષાઓ અને પડકારોનો સામનો કરવા સખત મહેનત કરતા હોય છે. ભારતમાં ઓનલાઈન યોજાતી આ પરીક્ષાઓમાં સારા માર્ક્સ આવે તે માટે યુવાનો મોકટેસ્ટના માધ્યમનો પણ ઉપયોગ કરે છે. તેના કારણે જ જાન્યુઆરી, 2014માં 'ટેસ્ટબૂક'ની સ્થાપના કરવામાં આવી. આ કંપનીએ હાલમાં એવી જાહેરાત કરી કે જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. આ કંપનીને 'લેટ્સવેંચર' અને 'આહ વેન્ચર' સહિત અન્ય બાહ્ય રોકાણકારો દ્વારા રૂપિયા 1.5 કરોડનું ભંડોળ મળ્યું. તેમને મળેલા આ ભંડોળની આગેવાની દિલ્હી સ્થિત રોકાણકાર ઉત્સવ સોમાણી અને કાર્લાઈલ જૂથના એમડી શંકર નારાયણે કરી છે તથા તેમની સાથે કેટલાક બેંકર્સ, શૈક્ષણિક પ્રોફેશનલ, મોબાઈલના જાણકારો અને કેટલાક ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ થાય છે.
આઈઆઈટી મુંબઈના છ પૂર્વ વિદ્યાર્થીઓએ આઈઆઈટી દિલ્હીના એક પૂર્વ વિદ્યાર્થી સાથે જોડાઈને આ સાહસની કલ્પના કરી અને તેના વાસ્તવિક પણ બનાવ્યું. તે ઉપરાંત છેલ્લાં એક વર્ષમાં આ સંસ્થા સતત સફળતાના નવા કિર્તીમાનો સ્થાપિત કરી રહી છે. ગત વર્ષે માર્ચ મહિનામાં તે માત્ર ગેટની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવતા હતા અને તે સમયે તેમની પાસે લગભગ 13 હજાર લોકો જોડાયેલા હતા. તેમણે હાલમાં જણાવ્યું કે તેમની પાસે અત્યારે 55 હજાર લોકો રજિસ્ટર્ડ છે જે 30 લાખ કરતા વધારે પ્રશ્નોનો ઉકેલ લાવી ચૂક્યા છે. આ દાવાનો વિશ્વાસ કરીએ તો તેનો સીધો અર્થ એ નીકળે છે કે, તેમના દરેક રજિસ્ટર્ડ સભ્યોએ સરેરાશ 55 સવાલોનો ઉકેલ મેળવવામાં સફળતા મેળવી છે. 'ટેસ્ટબૂક'માં ઉપલબ્ધ સમગ્ર પાઠ્યસામગ્રી આવી પરિક્ષાઓમાં ટોચના સ્થાને આવનારા તથા આ ક્ષેત્રમાં શિક્ષણનો બહોળો અનુભવ ધરાવતા લોકો દ્વારા તૈયાર કરવામાં આવી છે.
હાલમાં આ સેવા સમગ્ર રીતે નિઃશુલ્ક છે અને કંપની આવનારા સમયમાં કેટલીક પ્રીમિયમ સુવિધાઓ પણ લાવવાની યોજના બનાવી રહી છે. હાલમાં તેમની પ્રાથમિકતા તાજેતરમાં મળેલા રોકાણ દ્વારા પોતાની પ્રોડક્ટને મજબૂત અને વધુ સુવિધાસભર બનાવવાની છે જેથી તેમના વપરાશકારોની સંખ્યામાં વધારો થાય. અત્યાર સુધી તેમની પ્રોડક્ટ નેટવર્કિંગની મદદથી ફેલાઈ છે પણ તેઓ પોતાના આ સાહસને વધુ સારી રીતે માર્કેટમાં લાવવા માગે છે.
ઓનલાઈન પરીક્ષાઓની તૈયારી કરાવવી વર્તમાન સમયમાં ભારતીય શિક્ષણ ક્ષેત્રમાં વિકસતું બજાર છે. એવું એટલા માટે છે કે, જો કોઈ સેવા એક વિદ્યાર્થીને પણ આવી પરિક્ષાઓ પાસ કરવામાં મદદ કરે તો સમાજનો એક મોટો વર્ગ આ સેવાનો લાભ લેવા તૈયાર થઈ જાય છે. તેના માટે તે ગમે તે પૈસા પણ ચૂકવી દે છે. અમે પહેલાં પણ ભારતમાં ઓનલાઈન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા સાહસોની એક યાદી તૈયાર કરી હતી અને હવે આ ક્ષેત્ર વધારે પડકારજનક થઈ રહ્યું છે. ઘણા અન્ય ખેલાડીઓ પણ છે જે આ ક્ષેત્રમાં પોતાના પગ પ્રસરાવવાની તૈયારીમાં છે. લોકો દ્વારા સાઈટ પર પસાર કરવામાં આવેલો સમય, ઉપલબ્ધ સવાલોની સાથે જોડાણ અને સફળતાનો દર આવનારા સમયમાં આ સ્ટાર્ટઅપ્સનું ભવિષ્ય નક્કી કરવામાં મુખ્ય પરિબળ સાબિત થશે. ટેસ્ટબૂક હાલમાં પોતાના પ્રારંભિક તબક્કામાં જ છે અને એવામાં રોકાણ તરીકે મળેલી આ રકમને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં અને પોતાના વિકાસમાં ફાળવવામાં ધ્યાન આપી રહ્યા છે. તેઓ સાથે સાથે બજારના મોટા હિસ્સા પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
લેખક- જુબિન મહેતા
અનુવાદક- એકતા ભટ્ટ