સંપાદનો
Gujarati

નોકરીમાંથી બ્રેક લીધો છે? તમારી કુશળતા વધારશે આ 10 ઉપયોગી ટિપ્સ

29th Jan 2016
Add to
Shares
4
Comments
Share This
Add to
Shares
4
Comments
Share

તમે કામ પરથી બ્રેક લીધો છે? તમે નોકરીમાંથી બ્રેક લઈને કશું નવું કરવા વિચારો છો? સતત એક જ કામ કરીને કંટાળીને બ્રેક લીધો છે? તમે માતા બનવા માટે બ્રેક લીધો છે? તમે નોકરીમાંથી કોઈ પણ કારણસર બ્રેક લીધો, પણ આ સમયગાળામાં તમારે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ જે બ્રેક પછી તમને ઉપયોગી થાય. ચાલો હું તમને અહીં બ્રેક દરમિયાન તમારે શું કરવું જોઈએ તેની 10 ટિપ્સ આપું છુ. મને ખાતરી છે કે આ ટિપ્સ તમને અપ-ટૂ-ડેટ રાખશે, તમારી કુશળતાઓને વિકસાવશે અને તમારી અંદર ઊર્જાનો સંચાર કરશેઃ

image


1. ખુશ રહો અને સારી ક્ષણોને વાગોળો: કેટલા લોકોને વિરામ મેળવવાનો વિકલ્પ મળે છે? જો તમારી પાસે વિકલ્પ હોય, તો તમારે તમારા જીવન માટે જરૂરી અને ઉપયોગી કામો કરવા જોઈએ – જેમ કે તમારું નાણાકીય આયોજન કરવું જોઈએ, કૌટુંબિક સંબંધોને મજબૂત કરવા જોઈએ અને તમારી જાત સાથે સંવાદ સાધવાનો અભ્યાસ કરવો જોઈએ. તમારી પાસે પસંદગી કરવાની સ્વતંત્રતા છે તો ખુશ રહો. જો તમે તમારા બાળકોને મોટા કરવા બ્રેક લીધો હોય, તો તેમની સાથે સારો સમય પસાર કરો. તેમની સાથે મજા માણો અને દરરોજ તમે બ્રેક કરવા માટે લીધેલા નિર્ણયનું મૂલ્યાંકન ન કરો. સાથે સાથે તમારા બાળકોનો વિકાસ તેમની ક્ષમતા મુજબ થશે – તમે તેમને વ્યક્તિગત રીતે ભણાવો છો એટલે વર્ષમાં તમારું બાળક જીનિયસ થઈ જશે તેવી અપેક્ષા ન રાખો!

2. તમારા શોખને જગાવો: તમને બાળપણમાં કયા શોખ હતા એ યાદ છે? ટેનિસ, ગિટાર, એમ્બ્રોઇડરી કે કરાટે? તમારી અંદર નિષ્ક્રિય થયેલા શોખને ફરી જગાવો. તમારો શોખ સંતોષવાથી તમે સંપૂર્ણ વ્યક્તિ બનો છો. તમારો શોખ સંતોષવા ધૈર્ય, ચપળતા અને એકાગ્રતાની જરૂર પડે છે. આ ત્રણેય ખાસિયતો તમને લાંબા ગાળે મદદરૂપ થશે – અંગત જીવનમાં અને વ્યાવસાયિક કામગીરી બંનેમાં. પ્રયાસ કરવાની, શીખવાની, ફરી શીખવાની અને સારી રીતે કામ કરવાની ઇચ્છા અત્યારે કાર્યસ્થળોમાં બહુ મૂલ્ય ધરાવે છે.

3. વાંચવું: જ્યારે તમારે કોઈ કારણસર તમારા ઘરમાં રહેવું પડે ત્યારે બહારની દુનિયા સાથે જોડાયેલા રહેવાનો એકમાત્ર સુંદર માર્ગ કશું વાંચવાનો છે. પથારીમાં વાર્તાઓ વાંચવાની મજા આવે છે, પણ તમારે પ્રસ્તુત પુસ્તકો, મેગેઝિન, અખબારો, બ્લોગ વગેરે વાંચીને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી મેળવતા રહેવું જોઈએ. તમે બ્રેક પછી તમે વધુ જાણકારી ધરાવતી વ્યક્તિ તરીકે બહાર આવશો.

4. પ્રવાસઃ ઓફ-સિઝન ટ્રાવેલ, ડિસ્કાઉન્ટ દરો અને કોઈ ટોળા ન હોય તેવી કલ્પના કરો – કારણ કે તમારે લાંબા વીકેન્ડ અને રજા મંજૂર થશે કે નહીં તેની ચિંતા નથી. તમે આ પ્રકારના પ્રવાસની કલ્પના કરશો અને તેને માણશો ત્યારે તમને બે ફાયદા થશે – એક, તમને નવી ઊર્જા મળશે અને બે, કુદરતી રીતે તમારામાં સમસ્યાનું સમાધાન કરવાની શક્તિઓ ખીલશે. ભવિષ્યમાં તમે વ્યસ્ત કામકાજ વચ્ચે પણ ચીજવસ્તુઓને સારી રીતે યાદ રાખી શકશો.

5. તમારી જાતને પડકારોઃ વધુ પડતું સુવિધાજનક રુટિન તમને આળસુ બનાવી દેશે અને તમે જોખમ લેતાં ગભરાશો. આ સમસ્યાને દૂર રાખવા તમારા સુરક્ષિત કોચલામાંથી બહાર નીકળો અને કશું નવું કરવાનો પડકાર ઝીલો. જો તમે ખરેખર સ્પોર્ટ્સપર્સન નથી તો તમારે ટેબલ-ટેનિસ પર હાથ અજમાવવો જોઈએ. જો તમે ક્યારેય સંગીત શીખ્યાં નથી, તો થોડા મહિના સંગીતના સાધનો શીખવા જોઈએ. જો તમને તેમાં મજા આવશે તો તમને શાંતિ અને સંતોષ મળશે અને બ્રેક પછી તમે નોકરી મેળવવા તમારા પહેલા ઇન્ટરવ્યૂમાં તેના વિશે જણાવી શકશો.

6. જોડાયેલા રહોઃ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. લોકો એકબીજા સાથે સતત જોડાયેલા રહે છે, ત્યારે ડિસકનેક્ટેડ રહેવું એક મોટો પડકાર છે. બ્રેક દરમિયાન આ તમારા જૂના સાથીદારો સાથે જોડાયેલા રહેવા જોડાણ પ્રદાન કરે છે. તમારા કાર્યક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી મેળવવા અને તમારા ક્ષેત્રના નિષ્ણાતો સાથે જોડાયેલા રહેવામાં સોશિયલ મીડિયા ઉપયોગી નીવડે છે. તમારા કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓમાં જોડાવ અને તેમની પ્રવૃત્તિમાં સામેલ થાવ. તેનાથી તમે એકલા નહીં પડી જાવ અને અપ-ટૂ-ડેટ રહેશો.

7. તમારી કુશળતા વધારોઃ તમારી કારકિર્દીની મહત્ત્વાકાંક્ષાઓ, વર્તમાન કુશળતાઓ અને તમારા કાર્યક્ષેત્રમાં નવા ડેવલપમેન્ટ પર ફરી નજર દોડાવવા માટે બ્રેક શ્રેષ્ઠ સમય છે. નવી પ્રોગ્રામિંગ ભાષા, નવા ડિઝાઇન સોફ્ટવેર, નવું પ્રમાણપત્ર મેળવવા કે કારકિર્દી માટે પડકારજનક નવી કુશળતા સંપાદિત કરવા અત્યારે ફ્રી અને ઓનલાઇન અનેક સંસાધનો ઉપલબ્ધ છે.

8. તમારી સ્થિતિને અનુરૂપ કામ કરો: તમારા બ્રેકના અંતે જ્યાં બ્રેક લીધો હોય ત્યાં કેવી તક રહેલી છે તે ચકાસો અને તમે બ્રેક દરમિયાન શું કર્યું હતું તેનો વિચાર કરો. ઉદાહરણ તરીકે, જ્યારે એજ્યુકેશન સ્ટાર્ટઅપ ક્લાઉડ મેન્ટરમાં અમે હંમેશા બ્રેક લઈને બાળકને જન્મ આપ્યાં પછી કામ પર પરત ફરવા ઇચ્છતી માતાઓને વધારે પસંદ કરીએ છીએ. તેઓ પ્રતિબદ્ધ, જવાબદાર હોય છે, તેઓ બાળકોને અને શિક્ષણને વધારે સારી રીતે સમજે છે. તમે બજારમાં બાળક અને માતાપિતાના વધી રહેલા સેગમેન્ટને સમજવા અને સમજાવવા વધારે સારી સ્થિતિમાં હોઈ શકો છો. ઘણી કંપનીઓ કામ પર પરત ફરવા ઇચ્છતી માતાઓને આવકારે છે. કેટલીક સ્પેશિયલ જોબ સાઇટ અનુકૂળ વિકલ્પો, ફ્રીલાન્સિંગ તકો અને પ્રોજેક્ટ-આધારિત કામ પણ આપે છે. આ તમામ તકોમાંથી તમારી ક્ષમતાને અનુરૂપ શ્રેષ્ઠ તકનો ઉપયોગ કરો.

9. સ્વયંસેવક કે ઇન્ટર્ન: રોજિંદા ઘટમાળમાં કે કામમાં ફરી જોડાવા સ્વયંસેવા આપવાની તક ચકાસો. કુશળતા-આધારિત સ્વયંસેવા આપવાથી તમને તમારી કુશળતાને ફરી અજમાવવાની સારી તક મળશે અને સાથે સાથે એક ઉમદા હેતુમાં જોડાવાનો સંતોષ પણ. તમે કોઈ સ્ટાર્ટઅપ્સ અને નાના વ્યવસાયમાં ઇન્ટર્ન પણ બની શકો છો. ઝડપથી વૃદ્ધિ પામતા સ્ટાર્ટઅપમાં જોડાવાથી તમને એક નવી દ્રષ્ટિ મળશે. વળી તમારા રિઝ્યુમમાં કોઈ મોટો બ્રેક નહીં પડે.

10. ઉદ્યોગસાહસિક બનવાનું વિચારો: વિરામ લઈને પુનરાગમન કરવા આકરી મહેનત કરીને તમે તમારી અંદર રહેલી જોખમ ખેડવાની અને ખંતપૂર્વક વળગી રહેવાની ઉદ્યોગસાહસિકતા માટે આવશ્યક વિશેષતાઓ પ્રદર્શિત કરી છે. જો તમારી પાસે કોઈ નવો વિચાર અને કુશળતા હોય તો તેના જ આધારે શા માટે તમારું પોતાનું સાહસ ન શરૂ કરવું જોઈએ? હકીકતમાં તમે તમારા પોતાના બોસ બનીને રોજિંદા ભારણમાંથી થોડી છૂટછાટ અને રચનાત્મક સ્વતંત્રતા પણ મેળવી શકો છો. કોઈ પણ સાહસ શરૂ કરવું પોતાના બાળકનો ઉછેર કરવા જેવું છે – જેમાં વ્યસ્ત દિવસો, અતિ રોમાંચ, ચઢાવઉતાર અને ભવિષ્યની યોજના જેવી બાબતો સંકળાયેલી હોય છે.

લેખક વિશે- વૃંદા બાંસોદ

વૃંદા બાંસોદ ક્લાઉડ મેન્ટરના કૉ-ફાઉન્ડર અને બિઝનેસ હેડ છે. તેઓ અગાઉ વર્સાવેર, ચિન્મય વિદ્યાલય, રોબર્ટ બોશ અને ઓલ ઇન્ડિયા રેડિયોમાં હતા.

અનુવાદક- કેયૂર કોટક

Add to
Shares
4
Comments
Share This
Add to
Shares
4
Comments
Share
Report an issue
Authors

Related Tags