લલિતા પ્રસિદાએ નકામા મકાઈ ડોડામાંથી પાણી શુદ્ધ કરતું સસ્તુ અને શ્રેષ્ઠ વોટર પ્યોરિફાયર બનાવ્યું

લલિતા પ્રસિદાએ નકામા મકાઈ ડોડામાંથી પાણી શુદ્ધ કરતું સસ્તુ અને શ્રેષ્ઠ વોટર પ્યોરિફાયર બનાવ્યું

Friday October 30, 2015,

3 min Read

આજે શુદ્ધ પીવાનાં પાણીની પ્રાપ્યતા જે રીતે ઘટી રહી છે તેના ઉપરથી અનુમાન લગાવી શકાય કે આગામી દિવસોમાં પીવા માટે શુદ્ધ પાણી મળવું તે સૌથી મોટી સમસ્યા હશે. આપણા દેશમાં પાણીનું પ્રદૂષણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. જોકે, આ દિશામાં સરકારે ઘણાં પ્રયાસો કર્યા છે પરંતુ તે પ્રયત્નો આ સમસ્યાને ઓછી કરવા માટે કે નાબૂદ કરવા માટે પૂરતા નથી. તેવામાં ઓડિશાની એક 14 વર્ષની કિશોરી લલિતા પ્રસિદાએ એક એવો પ્રયત્ન કર્યો છે કે જેના કારણે તેને કેલિફોર્નિયા ખાતે કોમ્યુનિટી ઇમ્પેક્ટ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.આ માત્ર લલિતા માટે જ ગર્વની ક્ષણ નહોતી પરંતુ સમગ્ર ભારત માટે ગર્વની ક્ષણ હતી. લલિતાએ નકામા મકાઈ ડોડામાંથી પાણીને શુદ્ધ કરવાનું મોડલ તૈયાર કર્યું હતું. દમાનજોડી ખાતે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના 9મા ધોરણમાં અભ્યાસ કરતી લલિતાએ એક એવું અનોખું કામ કર્યું છે કે જેના વિશે અગાઉ કોઈએ વિચાર્યું પણ નહોતું. પાણીને શુદ્ધ કરવા માટે અગાઉ પણ પ્રયોગો થતાં રહ્યા છે જે સફળ પણ રહ્યા છે પરંતુ લલિતાએ કરેલો પ્રયોગ એકદમ નવો, સસ્તો અને સરળ છે. તે નકામા મકાઈ ડોડાથી અશુદ્ધ પાણીને શુદ્ધ કરે છે. લલિતા જણાવે છે કે ભારત મકાઈનું સૌથી વધારે ઉત્પાદન કરતો વિશ્વનો ત્રીજા ક્રમનો દેશ છે. ભારત દેશના દરેક ખૂણે લોકોને મકાઈ ડોડા ખાવાનું પસંદ છે અને લોકો પુષ્કળ માત્રામાં મકાઈ વાવે પણ છે. તેમાંથી ઘણી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. પણ મકાઈ ડોડો ખાઈ લીધા બાદ તેનું ડૂંડું જ વધે છે કે જેના ઉપર દાણા લાગેલા હોય છે. દાણા ખવાઈ ગયા બાદ તે ડૂંડું નકામું બની જાય છે અને તેને કચરામાં ફેંકી દેવામાં આવે છે. લલિતાએ મકાઈ ડોડાના આ જ નકામા ભાગમાંથી પોતાનાં માર્ગદર્શક પલ્લવી મોહપાત્રાનાં માર્ગદર્શન અંતર્ગત એક વોટર પ્યોરિફાયર બનાવ્યું હતું. જે ખૂબ જ સસ્તું બન્યું હતું અને તેના કારણે ગંદુ પાણી મહદ અંશે સ્વચ્છ બન્યું હતું.


image


લલિતાનાં પિતાની નોકરીના કારણે અનેક રાજ્યોમાં બદલી થતી રહેતી હતી. જેના કારણે લલિતાએ દેશના વિવિધ ભાગોને જોયા અને જાણ્યા છે. બધી જ જગ્યાએ એક જ વસ્તુ ઉડીને આંખે વળગે તેવી હતી અને તે હતી પીવાના શુદ્ધ પાણીની અછત. તેના કારણે જ તેને આ વિષય ઉપર મોડલ તૈયાર કરવાનો વિચાર આવ્યો. પાણી શુદ્ધ કરવાના આ મોડલનાં પાંચ લેયર છે. જે ચાર મકાઈ ડોડા દ્વારા બનાવવામાં આવ્યાં છે. પહેલાં સ્તરમાં મકાઈ ડોડાની ઉપરની છાલ છે. જેને કાપીને રાખવામાં આવી છે. બીજા લેયરમાં મકાઈ ડોડાનાં ઝીણા ટુકડા રાખવામાં આવ્યા છે. ત્રીજા સ્તરમાં મકાઈ ડોડાના મોટા ટુકડા કાપીને રાખવામાં આવ્યા છે. અને ચોથા લેયરમાં મકાઈ ડોડાના એ જ ટુકડાઓને ચારકોલ બનાવીને રાખવામાં આવ્યા છે કે જેમાં 99 ટકા સુધી સીસાંને દૂર કરવા માટેનો ગુણ રહેલો હોય છે. અને પાંચમુ સ્તર રેતીનું હોય છે. આ પાંચ લેયરમાંથી પાણી જ્યારે પસાર થાય છે તો તે ઘણા અંશે શુદ્ધ બની જાય છે. જોકે આ પ્રક્રિયા બાદ પણ તે પીવાલાયક નથી બનતું પરંતુ પહેલાં કરતાં ઘણું જ ચોખ્ખું બની જાય છે અને તેને ઉકાળીને પીવાલાયક બનાવી શકાય છે.


image


લલિતાનો કેલિફોર્નિયા ખાતેનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હતો. જેમાં તે પોતાનાં પરિવાર અને માર્ગદર્શક સાથે ગઈ હતી. લલિતા પોતાની આ મુલાકાત અંગે ખૂબ જ ઉત્સાહિત હતી. અહીં લલિતાએ 16 જજીસ સામે ચાર વખત અલગ-અલગ તબક્કામાં પોતાનાં મોડલ અંગેની રજૂઆત કરી હતી. ત્યારબાદ 20 પ્રોજેક્ટ્સને અંતિમ સ્પર્ધા માટે પસંદ કરવામાં આવ્યા હતા. લલિતા ફાઇનલમાં પહોંચનારી એકમાત્ર ભારતીય હતી. ત્યારબાદ નિર્ણાયકોએ આઠ લોકોને અલગ-અલગ શ્રેણી માટે વિજેતા જાહેર કર્યા. અને તેમને કોમ્યુનિટી ઇમ્પેક્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા. લલિતા કહે છે કે પરિણામ આવ્યું તે પહેલાં તે ખૂબ જ બેચેન હતી. પણ જેવું તેનું નામ જાહેર થયું તેના આનંદની કોઈ સીમા નહોતી રહી. તે ખૂબ જ ગર્વ અનુભવી રહી હતી.


image


લલિતા ભવિષ્યમાં સંશોધનો કરીને સમાજની મદદ કરવા માગે છે. તે ગ્રાઉન્ડ લેવલે કામ કરીને દેશની મદદ કરવા માગે છે.