સંપાદનો
Gujarati

કચરો વીણીને રોજના માંડ 5 રૂપિયા કમાનાર મહિલા આજે છે 60 લાખ ટર્નઓવર ધરાવતા સંગઠનની પ્રમુખ!

9th Dec 2015
Add to
Shares
484
Comments
Share This
Add to
Shares
484
Comments
Share

15 વર્ષથી તે છે સંગઠનની પ્રમુખ...

સાફ-સફાઈનું કામ કરે છે આ સંગઠન...

400 મહિલાઓને રોજગાર આપતું સંગઠન

જો કોઈને મહિલા સશક્તિકરણની પરિભાષા સમજવી હોય તો ગુજરાતના અમદાવાદમાં રહેનારાં મંજુલા વાઘેલા તેનું સચોટ ઉદાહરણ છે. મંજુલાબહેને માંડ દસમું ધોરણ ભણેલા છે, છતાં તેઓ આજે અમદાવાદની 400 મહિલાઓને રોજગાર પૂરો પાડે છે, તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે અને તેમનામાં પોતાના પગ પર ઊભા રહેવાનો આત્મવિશ્વાસ જગાવી રહ્યા છે. 'સૌંદર્ય સફાઈ ઉત્કર્ષ મહિલા સેવા સહકારી મંડળી લિમિટેડ’ નામની એક સહકારી મંડળીનાં પ્રમુખ મંજુલાબહેન એક જમાનામાં રસ્તાઓ પર કચરો વીણીને દિવસના માંડ પાંચ રૂપિયા કમાતાં હતાં, પરંતુ આજે તેમની આ મંડળીનું કુલ ટર્નઓવર 60 લાખ રૂપિયા છે.

image


“અમે 6 ભાઈ-બહેનો હતાં અને પિતા મિલ મજૂર હતા. ઘરની આર્થિક સ્થિતિ એવી નહોતી કે હું દસમાથી આગળ ભણી શકું.” 

આમ કહેવું છે મંજુલા વાઘેલાનું. મંજુલાબહેનનાં લગ્ન એવી વ્યક્તિ સાથે થયાં, જે મજૂરી કરતા હતા. એમના ઘરનું ગાડું માંડ ગબડતું હતું, એવામાં તેમણે નક્કી કર્યું કે તે પોતે કમાવા માટે ઘરની બહાર નીકળશે. તેમણે કચરો વીણવાના કામથી શરૂઆત કરી. આ કામમાં તેઓ આખા દિવસના માંડ પાંચ રૂપિયા કમાતાં હતાં. એ વખતે તેઓ કોઈના કહેવાથી ઈલાબહેન ભટ્ટની સંસ્થા 'સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન' એટલે કે સેવાના સભ્ય બની ગયાં. આ સંસ્થા મહિલા સશક્તિકરણ સંબંધિત પ્રવૃત્તિ કરે છે. સંગઠનમાં અનેક પ્રકારની મંડળીઓ હતી, જે જુદા જુદા પ્રકારનાં કામ કરતી હતી. એ અંતર્ગત 1981માં તેમને 'સૌંદર્ય સફાઈ ઉત્કર્ષ મહિલા સેવા સહકારી મંડળી'માં સમાવવામાં આવ્યાં. આ મંડળી શહેરની જુદી જુદી સરકારી અને બિનસરકારી ઑફિસોમાં સાફ-સફાઈ કરતી હતી.

image


મંજુલાબહેનના જણાવ્યા મુજબ તેમણે તેમણે સૌથી પહેલાં અમદાવાદના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનના સેન્ટરમાં સાફ-સફાઈ અને કચરા-પોતાનું કામ કર્યું. મંજુલાબહેનને ત્યાં રોજ ત્રણ કલાક કામ કરવું પડતું હતું અને મહિને 75 રૂપિયા મળતા હતા. મંજુલાબહેનનું કહેવું છે, "થોડો સમય આ કામ કર્યા પછી સંગઠનને જ્યારે અન્ય સ્થળો પર પણ કામ કરવાનું કહેવાયું ત્યારે મને ત્યાં મોકલવામાં આવતી અને મને બઢતી આપીને સુપરવાઇઝર બનાવી દીધી. આ રીતે થોડાં વર્ષ પછી મને મંડળીની મંત્રીનું પદ અપાયું." મંત્રી બન્યા પછી મંજુલાબહેન સૌંદર્ય સફાઈ ઉત્કર્ષ મહિલા સેવા સહકારી મંડળી લિમિટેડનું કામકાજ સંભાળવા માંડ્યાં અને ઑફિસ સાથે જોડાયેલાં અન્ય કાર્યોને સંભાળવા લાગ્યાં. મંજુલાનું કહેવું છે કે તેમણે આ દરમિયાન અને અન્ય મહિલાઓને પણ પોતાની સાથે જોડવાનું કામ શરૂ કર્યું. આ રીતે 31 મહિલાઓની સાથે શરૂ થયેલું આ સંગઠન આજે 400 મહિલાઓને રોજગારી આપવાનું કામ કરી રહ્યું છે.

image


મંજુલાબહેનની મહેનત અને લગન જોઈને આશરે 15 વર્ષ પહેલાં તેમને 'સૌંદર્ય સફાઈ ઉત્કર્ષ મહિલા સેવા સહકારી મંડળી લિમિટેડ'ના પ્રમુખ બનાવી દેવાયાં. મંજુલાબહેનનું કહેવું છે, 

"મારા વધુ ને વધુ પ્રયાસો અન્ય ગરીબ મહિલાઓને અમારી સાથે જોડવાના હોય છે, જેથી એ ગરીબ અને બેરોજગાર મહિલાઓની રોજીરોટીની વ્યવસ્થા થઈ શકે.” 

મંજુલાબહેનની દેખરેખમાં અમદાવાદ શહેરના 45 સ્થળો પર આ સંગઠન સાફ સફાઈનું કામ કરી રહ્યું છે. આ સ્થળોમાં સરકારી ઇમારતો, બિન સરકારી ઇમારતો, શાળા અને શૉપિંગ કોમ્પ્લેક્સ સામેલ છે. આજે મંજુલાબહેન જુદી જુદી જગ્યાઓ પર સફાઈ માટે નીકળતા ટેન્ડર ભરવાથી લઈને અન્ય કામ પોતે જ કરે છે.

image


આજે તેમના સંગઠનમાં કામ કરનારી મહિલાઓને લાઇફ ઇન્શ્યોરન્સ અને પેન્શનની સુવિધાઓ પણ મળેલી છે, તે મંજુલાબહેનના પ્રયાસોનું જ પરિણામ છે. મંજુલાબહેનના જણાવ્યા અનુસાર લાઇફ ઇન્શ્યોરન્સ સુવિધાનો લાભ ઉઠાવવા માટે મહિલાઓએ દર વર્ષે 400 રૂપિયા આપવાના હોય છે, જેના બદલામાં તેમને 1 લાખ રૂપિયાનો ઇન્શ્યોરન્સ મળે છે. જ્યારે પેન્શન માટે તેમનું સંગઠન મહિલાઓ પાસેથી દર મહિને 50 રૂપિયા લે છે અને બાકીના 50 રૂપિયા સંગઠન તરફથી અપાય છે. આ રીતે દરેક મહિલાઓના પેન્શન ખાતામાં 100 રૂપિયા જમા થાય છે. 60 વર્ષ પછી જે મહિલાઓએ જેટલાં વર્ષ નોકરી કરેલી હોય છે, એ હિસાબે તેમને પેન્શન મળે છે. આ ઉપરાંત આ સંગઠન અહીં કામ કરનારી મહિલાઓને દર વર્ષે ડિવિડન્ડ પણ આપે છે.

મંજુલાબહેનનું કહેવું છે કે સૌંદર્ય સફાઈ ઉત્કર્ષ મહિલા સેવા સહકારી મંડળી લિમિટેડનું આજનું કુલ ટર્નઓવર 60 લાખ રૂપિયા છે, જેને આગલા વર્ષ સુધીમાં 1 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું લક્ષ્ય તેમણે રાખ્યું છે. આ માટે તેમનું કહેવું છે કે તેમનું સંગઠન આજે માત્ર અમદાવાદમાં જ કામ કરી રહ્યું છે, પરંતુ હવે તેઓ ગુજરાતના અન્ય શહેરો-પ્રદેશોમાં પણ કામ કરવાના પ્રયાસમાં છે. તેમના જણાવ્યા અનુસાર અમદાવાદ પછી આગામી શહેરોમાં સુરત અને વડોદરા જેવાં શહેરોનો સમાવેશ થાય છે.

image


આજે આ સંગઠનમાં મોટા ભાગની મહિલાઓ 30 વર્ષથી 55 વર્ષ સુધીની વયની છે. મંજુલાનું કહેવું છે, "આ સંગઠનને કારણે મારી બહેનોનો વિકાસ થયો, મંડળીનો વિકાસ થયો અને મારો પોતાનો વિકાસ થયો છે. આ સંગઠને અમને બધું જ આપ્યું છે."

લેખક - હરીશ બિશ્ત

અનુવાદક –સપના બારૈયા વ્યાસ

Add to
Shares
484
Comments
Share This
Add to
Shares
484
Comments
Share
Report an issue
Authors

Related Tags