સંપાદનો
Gujarati

કોલેજ પછી તરત ઉદ્યોગસાહસિક બનવું છે? તો આટલું ધ્યાનમાં રાખો...

17th Dec 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

સ્ટાર્ટઅપ હવે ભારતીય વેપારજગતમાં ખૂબ જ સામાન્ય થઈ રહ્યાં છે. નવા ઉદ્યોગોને મળતું કરોડો ડોલરનું વિદેશી ભંડોળ અને નવી પેઢીના ઉદ્યોગસાહસિકોની વાતોથી રોજિંદા અખબારોના પાના ભરેલા હોય છે. તેના કારણે સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ હવે સામાન્ય લાગે છે.

આજે કોલેજના વિદ્યાર્થીઓ કંઈક મોટું કરવા માગે છે. માર્ક ઝુકરબર્ગ અને લેરી પેજ કે જેમણે કોલેજમાં અભ્યાસ દરમિયાન દુનિયાની સૌથી મોટી ટેક કંપની બનાવી તેમનાથી પ્રેરણા લઈને ગ્રેજ્યુએશન પછી દરેક વિદ્યાર્થીને કંઈક મોટું કરવાની તાલાવેલી લાગી છે. ભારતની ઉચ્ચશિક્ષણ વ્યવસ્થા કે જે આ સ્ટાર્ટઅપ માટે પૂરતી સમજુ અને અનુકુળ નથી તેથી વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેમની સફળતાના સફરમાં અનેક અડચણો આવે છે.

image


મેં પણ કોલેજ પછી સાહસ કર્યું હતું. એક વર્ષમાં મારા સ્ટાર્ટઅપ દરમિયાન મને ઘણું શીખવા મળ્યું કે જે હું તમારા જેવા યુવાનો સાથે વહેંચી શકું છું જેથી નવા ઉદ્યોગસાહસિકોને મદદ મળે તથા આશા રાખું છું કે તેનાથી તમે વધુ સારી રીતે નિર્ણયો લઈ શકશો અને તમારી આ સફરને વધારે સફળતાપૂર્વક પસાર કરી શકશો.

1. તમારી કૉર ટીમ સિવાય કશું જ અગત્યનું નથી. તમારી ટીમ જ તમારો નવો પરિવાર છે.

આ એક એવો વિચાર છે જે દરેક સ્ટાર્ટઅપ દરમિયાન સ્વીકારવા અને અપનાવવા જેવો છે અને અપનાવાયેલો પણ છે. હું મદદ ન કરી શકું પણ એ વાત પર ચોક્કસ ભાર મૂકીશ કે તમે જો આગળ વધવા માગતા હોવ તો તમારી પાસે એક મજબૂત કૉર ટીમ હોવી જ જોઈએ. તમારી આ જ ટીમ તમારા શરૂઆતના વર્ષોની સફળતામાં તમારો મજબૂત આધાર છે. આ ટીમની વચ્ચે જ રહીને તમે પરિવારની જેમ તમારા સ્વપ્નો, હાસ્ય, અનુભવો, રૂદનો, અને લગભગ તમામ પ્રકારની લાગણીઓ વહેંચી શકો છો. તેથી એ વાતની ખાતરી કરો કે જ્યારે તમે શરૂઆત કરો ત્યારે તમારી સાથે યોગ્ય લોકો હોય. મોટાભાગે એવું બન્યું છે કે મોટી અને સફળ કંપનીઓની શરૂઆત બે ભાઈઓ અથવા તો મિત્રો દ્વારા કરવામાં આવી હોય કારણ કે તેમાં એકબીજા પ્રત્યેની સમજ જોઈએ, સહાનુભૂતિ જોઈએ અને માન જાળવવું પડે તથા વેપારને મજબૂત કરવામાં સામે આવતા તમામ ચઢાવ-ઉતારને સહન કરવાની શક્તિ પણ જોઈએ.

બીજી મહત્વની બાબત છે કે તમારી ટીમમાં સોફ્ટ અને હાર્ડ સ્કિલ ધરાવતા લોકો હોવા જોઈએ અને તેની વહેંચણી યોગ્ય રીતે થયેલી હોવી જોઈએ. તમામ લોકોનું વિઝન અને વિચાર એક સરખા હોવા જોઈએ જે કોઈપણ સ્ટાર્ટઅપ માટેની પ્રાથમિક શરત છે, પણ મહત્વનું એ છે કે ટીમના તમામ સભ્યોમાં યોગ્ય સ્કિલ હોવી જ જોઈએ જે શરૂઆતના દિવસોમાં વધુ ઉપયોગી સાબિત થઈ શકે. ઝડપી અને પ્રતિબદ્ધ શીખાઉ પ્રકૃતિ ધરાવતા લોકો ઝડપથી પરિસ્થિતિને અનૂકુળ થઈ જાય છે પણ એ વાત પણ જાણવી કે ટેક્નોલોજી પ્રોડક્ટનું સ્ટાર્ટઅપ હોય અને તેમાં પ્રોગ્રામર જ ન હોય તેનો કોઈ અર્થ સરતો નથી.

2. તમારી અંગત અને સ્ટાર્ટઅપની આર્થિક બાબતોનું સમજદારીપૂર્વક આયોજન કરો.

મારા અનુભવો દ્વારા આ સૌથી મહત્વની બાબત હું શીખ્યો છું. મેં મારી તમામ બચતથી શરૂઆત કરી હતી (બે મહિનાની કોર્પોરેટ જોબ અને તે પહેલાનું ફ્રિલાન્સ કામ) જેના દ્વારા મેં માત્ર સ્ટાર્ટઅપમાં રોકાણ જ કર્યું હતું તેમ નહોતું પણ મારા અંગત ખર્ચનું પણ યોજન કર્યું હતું. અમારી એક જ ભૂલ હતી કે, અમારે કેટલી મૂડીની જરૂર છે અને સાહસને આગળ વધારવા કેવી રીતે આર્થિક આયોજન કરવું તેની સમજ નહોતી તેથી ધીમે ધીમે અમારું ભંડોળ અને બચત ઘટતાં ગયા.

દરેક સ્થાપકો એક ભૂલ કરતા હોય છે કે તેઓ એમ માની લે છે કે જ્યારે પણ ભંડોળની જરૂર પડશે ત્યારે તેઓ ભેગું કરી શકશે. આવું ક્યારેક જ બને છે કે તમે આયોજન કરો અને પાર પડી જાય, કારણ કે સ્ટાર્ટઅપ માટે ભંડોળ ભેગું કરવું તે શક્ય છે પણ દર વખતે શક્ય બને તેવું હોતું નથી. તમે ભંડોળ ભેગું ન કરી શકો અથવા તો ભંડોળ ખાલી થઈ જાય તો શું? તે સમયે તમે ખૂબ જ કરુણ સ્થિતિમાં આવી જાવ છો.

તમારા સ્ટાર્ટઅપને સુરક્ષિત રાખવા તમારું અંગત આર્થિક આયોજન યોગ્ય હોવું જોઈએ. તમારા વ્યવસાયનું યોગ્ય માળખું તૈયાર કરો જેમ કે, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, લોન્ચિંગ, ઈનિશિયલ યૂઝર્સ, રેવન્યૂ જનરેશન, ફંડિંગ વગેરે. તે સમયે સ્ટાર્ટઅપ ચલાવવા માટે જે ખર્ચ થાય છે તેનું અલગથી સરવૈયુ કાઢો જેમ કે કર્મચારીઓનો પગાર, સ્ટાઈપેન્ડ, વ્યવસ્થાપન ખર્ચ, માર્કેટિંગ ખર્ચ વગેરે. તમારા અંગત અને ટીમના ખર્ચા (યુટિલિટી બિલ, ફૂડ, એકોમોડેશન વગેરે) પણ ધ્યાનમાં રાખો. તમારી પાસે વધારે ભંડોળ હોય તો છ થી બાર મહિના ચાલે તેટલી રકમ અલગ રાખો જેથી તમાર આયોજન પ્રમાણે કામ ન થાય ત્યારે તે ઉપયોગમાં લઈ શકાય.

3. સ્ટાર્ટઅપ જોબ નથી, એક લાઈફસ્ટાઈલ છે

શરૂઆતના તબક્કાથી જ વિદ્યાર્થીઓને પારંપરિક રીતે વિચારવાનું શીખવવામાં આવે છે, સ્કૂલ પૂરી થતાં કોલેજમાં એડમિશન લો, ત્યારબાદ નોકરી કરો અથવા ઉચ્ચ અભ્યાસ કરો અને પછી નોકરી શોધો. તેના કારણે જોબ કે વર્ક શબ્દ ખૂબ જ પારંપરિક થઈ ગયો છે. (9-5, વર્ક લાઈફનું બેલેન્સ કરવું અને વિકેન્ડની રજાઓ વગેરે.) તેના કારણે લોકો સ્ટાર્ટઅપને અથવા તો તેમાં કામ કરવાને પણ જોબ જ ગણે છે.

તમે જ્યારે પોતાનું સ્ટાર્ટઅપ કરો છો ત્યારે તે તમારું જીવન, ભોજન અને ઉંઘ જેવું હોવું જોઈઅ અને તેમાં કશું જ પ્રોફેશનલ કે પર્સનલ લાઈફ જેવું ન હોવું જોઈએ. તેમાં કામ કરવાના કોઈ નક્કી કલાકો ન હોવા જોઈએ. તમારે વિકેન્ડમાં પણ કામ કરવું જોઈએ. ઘણી વખત એવું પણ બને કે તમને ઉંઘવા પણ ન મળે અને આખી રાત કામ કરવું પડે (પ્રોડક્ટ લોન્ચ જેવા સમયે) અને ભોજન પણ કરવા ન મળે. આ બધું જ તમારી શ્રેષ્ઠ સફરનો જ એક ભાગ છે.

લગભગ એક વર્ષ સુધી યોગ્ય આવક ન થતાં મારી રોજિંદી જિંદગી પણ બદલાઈ ગઈ હતી. મને સરખું ખાવા પણ નહોતું મળતું, જાહેર પરિવહનનો ઉપયોગ કરતો અને નવી વસ્તુઓ પણ ખરીદી નહોતો શકતો. મારા સામાજિક જીવનને પણ અસર થઈ હતી છતાં હું મક્કમ હતો અને આગળ વધતો રહ્યો. મારી સામેની સમસ્યા કરતા તેનો ઉકેલ લાવવાની મક્કમતા મોટી હતી. મને યાદ છે કે, રિતેશ અગ્રવાલે જ્યારે ઓયોની સ્થાપના કરી ત્યારે તે ખુરશીમાં જ સૂઈને રાત પસાર કરતા હતા. આ લાઈફસ્ટાઈલ છે જેને તમારે પસંદ કરવી પડશે જ્યાં સુધી તમારા ખિસ્સામાં મોટી મૂડી નહીં આવે.

આ સ્થિતિ થોડા વર્ષો સુધી તો રહેશે જ પછી થાળે પડી જશે. એક વખત તમે ગ્રોથ ઉપર લઈ જશો કે તમારી ટીમનું વિસ્તરણ કરવાના, ઘરે સારો પગાર લઈ જવાના રસ્તા ખુલી જશે અને તમારું સ્ટાર્ટઅપ એક સ્થાયી કોર્પોરેટ સેક્ટરમાં પરિવર્તિત થતું જશે. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે અને તમારી ટીમ આવી જિંદગી જીવવા માટે તૈયાર હોવા જોઈએ કારણ કે ઘણી વખત તે સમય લાંબો પણ હોઈ શકે છે.

4. કંપની સ્થાપવી તે ગ્લેમર નહીં, સખત મહેનતની વાત છે

સ્ટાર્ટઅપ એ ગ્લેમરસ અને સુગર કોટેડ કડવી દવા જેવા હોય છે. તેને સ્વપ્નોથી અલગ પાડીને જોવા જોઈએ. આવા વિચારો અત્યંત કપરી વાસ્તવિકતાને સામે લાવી દે છે. કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈને બહાર નિકળતા લોકો આવી વાતો અને કથાઓથી આકર્ષાય છે, મોટા ફંડિંગ, મોટી કંપનીઓ, કોન્ફરન્સમાં મિટિંગો અને પ્રેરણાત્મક લેખો તથા ફેમસ સ્ટાર્ટઅપ પર્સનાલિટીઝના સુવાક્યોમાં (ઘણા લોકો બ્રેનસન્સ, જોબ્સ, ઝુકરબર્ગ જેવા સફળ સ્ટાર્ટઅપના વાક્યો પોતાના ફેસબુક અને વોટ્સએપ સ્ટેટસમાં રાખે છે) અટવાઈ જાય છે.

આવી સંવેદનશીલ વાતોમાં અટવાયા કરતા તેની પાછળની વાસ્તવિક વાતને જાણવી જોઈએ અને એ વાત સ્વીકારી લેવી જોઈએ કે આવી સ્થિતિમાં આવતા પહેલાં એકલવાયી અને અત્યંત કપરી સ્થિતિમાંથી એકલા જ પસાર થવું પડે છે. સફળ કંપનીઓ એક જ દિવસમાં ઉભી થતી નથી, સાહસિક બનવું તે એક રાતનું કામ નથી, સાતત્યતાથી વર્ષો સુધી કામ કરવાથી, સખત મહેનત કરવાથી, એક જ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવાથી તથા સ્વપ્નો અને વાસ્તવિકતાને અલગ પાડીને કામ કરવાથી સફળ થવાય છે તથા સમાજમાં યોગ્ય સ્થાન મળે છે. આ સફર અનેક મોટી નિષ્ફળતાઓ અને નાનકડી સફળતાઓના મિશ્રણથી ભરેલી હોય છે.

દરેક વ્યક્તિએ કંપનીની જરૂરિયાતો સ્વીકારવી પડશે, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવતા શીખવું પડશે, અને એવા કામ પણ કરવા પડશે જે પહેલાં ક્યારેય વિચાર્યા નહીં હોય. મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મારી પાસે ખાસ બિઝનેસ કે ટેકનિકલ માહિતી નહોતી કે કેવી રીતે ટેક પ્રોડક્ટ સ્ટાર્ટઅપ શરૂ રી શકાય. એક વર્ષ પછી હું મલ્ટિપલ લેન્ગવેજમાં કામ કરી શકું છું, તથા મેં માર્કેટિંગ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, રિક્રુટમેન્ટ, ફાઈનાન્સ, કન્ટેન્ટ અને બીજા ઘણા બધામાં હાથ અજમાવી જોયો હતો.

5. ફંડિંગ માત્ર અંત નથી

હાલના સમયમાં ભારતમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે સૌથી મોટો ટ્રેન્ડ ચાલી રહ્યો છે બાહ્ય રોકાણ લાવવાનો. આપણે ઘણા એવા લોકોને ટીવી અને મીડિયામાં જોઈએ છીએ જે માત્ર ટીનએજર્સ હોવા છતાં તેમને ફંડ મળે છે, સાહસિકો મળે છે તથા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ ધરાવતી કંપનીઓ પણ મળે છે. આવી સ્થિતિ નવા સાહસિકો માટે ખૂબ જ જોખમી સાબિત થાય છે.

ફંડિગ સાવ ખરાબ છે તેવું પણ નથી. આજના યુવાનો સતત પ્રસાર માટે અને અને વધુ ભંડોળ મેળવવા પ્રયુક્તિઓ કરે છે અને તેઓ જ આગામી ભારતના નિર્માણમાં યોગદાન આપશે. એક વાત એવી પણ છે કે વિદેશમાંથી મોટું રોકાણ મેળવવું તેનો અર્થ એ થયો કે તમે આગામી સમયમાં મલ્ટિ મિલિયન-બિલિયન ડોલર કંપનીની સ્થાપના કરી રહ્યા છો.

આપણે એક વાત સ્વીકારવી જ રહી કે વિદેશી રોકાણ આવશે એટલે આપણે સફળ થઈ જ જઈશું તેની કોઈ ગેરન્ટી નથી. તેવું જ હોત તો વિદેશી રોકાણ ન ધરાવતી કંપનીઓ નિષ્ફળ જતી હોત. તજજ્ઞો જણાવે છે કે, ચારમાંથી ત્રણ સ્ટાર્ટઅપ પહેલી વખત રોકાણ મેળવ્યા પછી બીજી વખત રોકાણ મેળવવામાં સંપૂર્ણ અથવા આંશિક નિષ્ફળ જતા હોય છે. એક વાત યાદ રાખોઃ જે લોકો તમારા કોન્સેપ્ટ સમજે છે તે તમારા યૂઝર્સ છે અથવા તો ગ્રાહક છે. આ બાબત બે શક્યતાઓ સાથે સંકળાયેલી છે.

એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એવી કંપની બનાવવાનું ન વિચારશો જેના દ્વારા કહેવાય કે મેં ફંડ ભેગું કરતી કંપની શરૂ કરી. સ્ટાર્ટઅપ એવા આશય સાથે શરૂ કરો કે જે સમસ્યાઓનો સામનો તમે કર્યો છે તેનો ઉકેલ લાવવાનો છે અને તેના થકી તમારા અને ગ્રાહકોના જીવનમાં મૂલ્યોનું પણ ઘડતર થવું જોઈએ. બાહ્ય રોકાણ માત્ર સહાય કરી શકે પણ કાયમી તમારો બિઝનેસ ન ચલાવી શકે.


અતિથિ લેખક- હર્ષ, જે ૨૩ વર્ષીય ઉદ્યોગસાહસિક છે. હાલ તે Fratmart.comને ડેવલોપ કરી રહ્યાં છે જે કોલેજ જતા લોકોને એક માર્કેટપ્લેસ તરીકે ઉપયોગી પ્લેટફોર્મ પૂરું પાડે છે.

અનુવાદક- રવિ ઈલા ભટ્ટ

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags