સંપાદનો
Gujarati

રમવાની ઉંમરે ભૂલકા ભૂખ્યા ન સૂવે એટલે ભાવનગરના 3 મિત્રોએ દોડાવ્યો 'ખીચડી રથ'

18th Jun 2017
Add to
Shares
87
Comments
Share This
Add to
Shares
87
Comments
Share

ભૂલકાઓને રમવાની ઉંમરે જ ભૂખ્યું સૂવું ન પડે, કુપોષણનો ભોગ ન બનવું પડે તે આશયથી 3 મિત્રો દ્વારા શરૂ કરવામાં આવ્યો આ 'ખીચડી રથ'!

image


'ખીચડી રથ' દરરોજ સાંજે વિવિધ વિસ્તારોમાં ફરે છે અને જરૂરીયાતમંદ બાળકોને ખીચડી જમાડે છે.

image


ભાવનગર બાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ ફરે છે 'ખીચડી રથ'!

જય રાજ્યગુરુ, અલ્પેશ કાપડી અને કૌશિક વાઘેલા. આ ત્રણેય મિત્રોની એક અનોખી પહેલ આજે ભાવનગર શહેરના કેટલાંયે બાળકોને રાત્રે ભૂખ્યા સૂવાથી બચાવે છે. જય અને અલ્પેશ બંને કોન્ટ્રાકટ પર નોકરી કરે છે અને બંનેનો પગાર દર મહીને રૂ.13 હજારથી વધારે નથી કે નથી એ બંનેની પોતાની ઓફિસ. અને ત્રીજા મિત્ર કૌશિક ફાઈનાન્શિયલ કન્સલ્ટિંગનું કામ કરે છે. પણ આ ત્રણેય પોતપોતાના કામકાજ પતાવી દરરોજ સાંજે 5 વાગ્યે એક અન્ય મિત્રની ઓફિસ પર ભેગા થાય છે અને ચલાવે છે 'ખીચડી રથ'. આ ખીચડી રથ ભાવનગર અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરીને આશરે 1000 જેટલા બાળકોની ગરમાગરમ મસાલા ખીચડી પીરસે છે. 

કેવી રીતે થઇ 'ખીચડી રથ'ની શરૂઆત?

image


જય રાજ્યગુરુ, અલ્પેશ કાપડી અને કૌશિક વાઘેલા- આ 3 મિત્રો છેલ્લા 6 વર્ષોથી ભાવનગરમાં મફતમાં બાળ આનંદની પ્રવૃત્તિ ચલાવે છે. ભાવનગર શહેરમાં એક સ્થળે બાળકો અને વાલીઓને ભેગા કરી કંઇક નવીન રમતગમતોનું આયોજન કરવાનું અને એ પણ મફતમાં અને સાથે નાસ્તો પણ ખરો. એક દિવસ આ ઇવેન્ટ પત્યા બાદ, સાંજના સમયે, આ ત્રણેય મિત્રો ખીચું ખાવા ગયા. તેવામાં બે બાળકો તેમની પાસે ભીખ માગવા આવ્યા. આ અંગે વધુમાં જય જણાવે છે,

"તે બે બાળકોએ પૈસાની માગણી કરી પણ અમે પૈસાના બદલે ખીચું લઇ આપ્યું. પણ ખીચું વેચતા લારીવાળાએ કહ્યું કે તેમના મા-બાપને માત્ર પૈસામાં જ રસ છે. તેમને છોકરાઓ ખાય તેનાથી નહીં પણ કેટલા પૈસા ભેગા કરે તેટલાથી જ નિસ્બત હોય છે. બસ, તે દિવસની ઘટના બાદ અમે મિત્રોએ નિર્ણય કર્યો કે એક એવા કાર્યક્રમનું આયોજન કરીએ જે જરૂરીયાતમંદ બાળકો અને તેમના પરિવાર માટે હોય. ત્યારબાદ અમે આ બાળકો માટે સર્વે કરવાનું શરૂ કર્યું."
image


તેમના સર્વે મુજબ ભાવનગરમાં દરરોજ 500 જેટલા બાળકો ભૂખ્યા સૂવે છે. આ ત્રણેય મિત્રોનું માનવું છે કે જ્યારે કોઈ બાળકને આપણે પૈસા આપીએ છીએ તે તેમના માટે હોતા જ નથી. તેમના મા-બાપ એ પૈસા લઇ લે છે. એવામાં જો આ બાળકોનું પેટ ભરાય એવું કંઈ કરવામાં આવે તો તેમના સ્વાસ્થ્ય માટે ઘણું સારું રહે છે.

ફંડની તંગી સર્જાતા મળી દાતાઓની મદદ, પહેલા મહીને કિન્નરો આવ્યા આગળ!

ખીચડી રથની શરૂઆત તો થઇ ગઈ. રોજના 300 બાળકો સુધી પહોંચવાના લક્ષ્ય સાથે કામગીરીની આરંભ તો થઇ ગયો પણ તેમની પાસે એટલું ફંડ નહતું કે દરરોજ આટલા બાળકો સુધી પહોંચે. દાતાઓ પાસેથી ઇવેન્ટ પૂરતું માંડ માંડ ફંડ મળતું અને જો ઘટે તો એ ત્રણેય મિત્રો તેમના પગારમાંથી ભંડોળ ભેગું કરતા. વધુમાં જય જણાવે છે,

"તમે નહીં માનો પણ સૌના સુખદ આશ્ચર્ય વચ્ચે પ્રથમ મહિનાનો તમામ ખર્ચ ભાવનગર શહેરના કિન્નરો આપવા તૈયાર થયા અને આ રથનો પ્રારંભ કરવામાં આવ્યો. 'ખીચડી રથ'નો પ્રારંભ કર્યા બાદ અમે ચોખા, દાળ, તેલ, શાકભાજી, ગેસનો બાટલો જેવી વસ્તુઓનું દાન સ્વીકારવાનું પણ શરૂ કર્યું અને ધીમે ધીમે આ કાર્ય આગળ ચાલવા લાગ્યું."

જોકે વચ્ચે જ્યારે દાળના ભાવ આસમાને પહોંચ્યા ત્યારે પહોંચી વળવા તદ્દન નવા પ્રકારનું ફંડ રેઇઝિંગ કરવામાં આવ્યું. એ સમયે ગણેશ ઉત્સવ દરમિયાન જે કાંઈ ભંડોળ ભેગું થયું તે તમામ ખીચડી રથ માટે વાપરવામાં આવ્યું. 

image


આ મિત્રોએ ગણેશોત્સવની કંઇક અલગ રીતે ઉજવણી કરી. તેમના કહેવા પ્રમાણે, વિશ્વના સૌથી નાના ગણપતિની સ્થાપના કરવામાં કરવામાં આવી જે માત્ર એક ચોખાના દાણા પર દોરવામાં આવ્યા.

image


બીજું વર્ષ આવતા ભાવનગરમાં 2 'ખીચડી રથ' ફરતા થયા

શરૂઆતમાં તો 300 બાળકોને ખીચડી પીરસતો રથ ભાવનગરના રૂપાણી વિસ્તારથી નીકળતો અને રક્તપિત કોલોની સુધીના તમામ વિસ્તારના ગરીબ, ભિક્ષુક અને નિરાધાર એવા રોજના 350 જેટલા બાળકોને સાંજના સમયે ગરમાગરમ પૌષ્ટિક ખીચડી પહોંચાડતો. પણ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ વધુ બાળકોને ખીચડી પીરસાવવા લાગી. ખીચડી રથના બીજા વર્ષના પ્રવેશ સમયે ભાવનગરમાં બીજો ખીચડી રથ ફરતો થયો અને આજે ભાવનગરના આશરે 700 બાળકોને ગરમાગરમ ખીચડી પીરસવામાં આવે છે. 

image


ગુજરાત સરકારે વખાણ્યો આ પ્રયાસ

આ ત્રણેય મિત્રોના આ પ્રયાસને 'સક્ષમ ભાવનગર' પ્રોજેક્ટ હેઠળ કલેકટર તથા ગુજરાત સરકાર દ્વારા જીલ્લામાં ગરીબ, ભિક્ષુક તેમજ નિરાધાર બાળકો માટેની શ્રેષ્ઠ કામગીરી માટે જિલ્લા કક્ષાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. 

આ અંગે જય રાજ્યગુરુ કહે છે,

"લોકો અમને એવું પણ કહે છે કે આ બાળકોને શિક્ષણ આપો પરંતુ અમારું માનવું છે કે જ્યાં સુધી પેટ ખાલી હોય ત્યાં સુધી કોઈ પણ બાળક કે મનુષ્ય સારી રીતે કામ ના કરી શકે. કહેવાય છે ને કે 'ભૂખ્યા ભજન ન થાય'. અમે બાળકોને જે ખીચડી પીરસીએ છીએ તે સાત્વિક અને પોષકતત્વોથી ભરપૂર હોય છે. કઠોળમાં સૌથી વધુ પ્રોટીન હોય છે અને એટલે અમે ખીચડીમાં વિવિધ પ્રકારની દાળ ઉમેરીએ છીએ." 

ભાવનગર બાદ અમદાવાદમાં 'ખીચડી રથ'નો પ્રારંભ

ભાવનગર બાદ હવે 'એક પ્રયાસ ફાઉન્ડેશન' અંતર્ગત અમદાવાદમાં પણ ખીચડી રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ આ 'ખીચડી રથ' દર રવિવારે અમદાવાદના 8 વિસ્તારોમાં ખીચડીનું વિતરણ કરે છે. જ્યારે આગામી મહિનાથી અમદાવાદમાં પણ દરરોજ ખીચડી પીરસવામાં આવશે. અમદાવાદના ઘાટલોડિયા, ચાણક્યપુરી વિસ્તારથી શરૂ થતો આ ખીચડી રથ હાલ 300 જેટલા બાળકોને ખીચડી જમાડે છે 

છેલ્લે આ મિત્રો સંદેશો આપતા કહે છે,

"ભાવનગર તથા ગુજરાતના તમામ લોકોને અમે માત્ર એક જ વાત પૂછવા માગીએ છીએ કે દરરોજ કે અઠવાડિયે, મહીને કે પછી વર્ષે જ્યારે જેટલું તમને યોગ્ય લાગે તે રીતે સમાજને આર્થિક કે સમયદાન આપો તો આ રાજ્યમાં કોઈ બાળક ભૂખ્યું સૂવે ખરું?"

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Add to
Shares
87
Comments
Share This
Add to
Shares
87
Comments
Share
Report an issue
Authors

Related Tags