સંપાદનો
Gujarati

એસિડ હુમલાથી હાર્યા વિના આજે અન્યોનું રૂપ નિખારીને જીવનની જંગ જીતી રહી છે 'રૂપા'!!

manisha joshi
28th Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ભારતમાં યુવતીઓ ઉપર થઈ રહેલા એસિડ હુમલાઓ તે યુવતીઓની જિંદગી ખરાબ કરી નાખે છે એટલું જ નહીં, પરંતુ તેના કારણે તેમનાં સપનાંઓ પણ બળીને ખાખ થઈ જાય છે. સુપ્રીમ કોર્ટની કડકાઈને કારણે આ પ્રકારનાં હુમલાઓ ઘટ્યા તો છે પરંતુ તેમ છતાં પણ આવી એકલ-દોકલ ઘટનાઓ બનતી રહે છે. એસિડ એક એવું હથિયાર છે કે જેનો ઉપયોગ બદલો લેવા માટે સરળતાથી થાય છે. પરંતુ હવે તેનાં વેચાણ માટેનાં નિયમો કડક બનાવી દેવામાં આવ્યા છે.


image


આજે અમે તમારી મુલાકાત એક એવી જ પીડિતા સાથે કરાવવા જઈ રહ્યા છીએ કે જેના ઉપર એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ તે જીવનમાં કંઈક કરી દેખાડવાની ખેવના રાખે છે. અને પોતાનાં સપનાંને સાકાર કરવા માટે મહેનત કરી રહી છે. ચોંકાવનારી ઘટના તો એ છે કે રૂપા ઉપર બીજા કોઈએ નહીં પરંતુ તેની સાવકી માતાએ જ એસિડથી હુમલો કર્યો હતો. વર્ષ 2008માં રૂપાની સાવકી માએ તેના ઉપર નિર્મમતાથી એસિડ નાખ્યો કે જેથી કરીને રૂપાનું કાસળ કાઢી શકાય. પરંતુ કહેવાય છે ને કે મારનારા કરતાં બચાવનારો મહાન છે. રૂપાની સાવકી માતાની મેલી મુરાદ બર ન આવી. રૂપા 22 વર્ષની છે. શરીર, હૃદય અને મન ઉપર ઘા રાખીને રૂપાએ છેલ્લાં સાત વર્ષ ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં વીતાવ્યાં. પરંતુ આજે રૂપા એક પીડિતા નથી પરંતુ ફાઇટર છે. રૂપા પોતાની જાતને એસિડ એટેક ફાઇટર ગણાવે છે.

રૂપાનો જન્મ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર પાસે થયો હતો. તે નાની હતી ત્યારે જ તેની માતાનું અવસાન થઈ ગયું હતું. તેનાં પિતાએ બીજાં લગ્ન કરી રહ્યાં હતાં. સાવકી માની આંખોમાં રૂપા કણાની જેમ ખૂંચતી હતી. એક દિવસ તેણે રૂપાને જાનથી મારી નાખવાનો નિર્ણય કર્યો અને તેના ઉપર એસિડ ફેંકી દીધો. હુમલા બાદ તે પોતાના કાકા પાસે ફરિદાબાદ જતી રહી. એસિડ હુમલાએ રૂપાનાં જીવનને ધરમૂળથી બદલી નાખ્યું. તે સૂનમૂન રહેવા લાગી અને રમવા-કૂદવાની ઉંમરમાં અસહ્ય દુઃખના સમુદ્રમાં ડૂબી ગઈ. તેને આ આઘાતમાંથી બહાર નીકળતા ખૂબ જ વાર લાગી. રૂપાના ઓપરેશનનો તમામ ખર્ચ તેના કાકાએ ભોગવ્યો હતો. રૂપાનું જીવન એક એસિડ હુમલાની પીડિતાની જેમ વીતતું રહ્યું. એક દિવસ તેનાં જીવનમાં નવો વળાંક આવ્યો. રૂપાને 'સ્ટોપ એસિડ એટેક કેમ્પેઇન' વિશે માહિતી મળી. સ્ટોપ એસિડ એટેક કેમ્પેઇનમાં જોડાયા બાદ રૂપાનાં જીવનમાં નવો ઉત્સાહ ઉભરાવા લાગ્યો, તેનાં સપનાંઓ ફરીથી જીવંત થઈ ગયાં. તે આગળ વધી ચૂકી હતી. કેમ્પેઇનમાં તેનું કાઉન્સેલિંગ થયું અને ટ્રેઇનિંગ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ એક નવી રૂપાનો જન્મ થયો. રૂપા હવે પીડિત નહોતી તે હવે ફાઇટર બની ગઈ હતી. સમયની સાથે રૂપાનો આત્મવિશ્વાસ વધતો ચાલ્યો અને કેમ્પેઇને તેના અદર રહેલી પ્રતિભાને ખીલવી દીધી. રૂપાએ સ્વાવલંબી બનવાનું સપનું જોયું અને તેને પૂરૂ કરવા માટે દિવસ-રાત મહેનત કરી. તે જાણતી હતી કે આર્થિક આઝાદી મળ્યા બાદ તેનામાં હિંમત આવી જશે. આત્મનિર્ભર થવા માટે તેણે સીવણની તાલિમ લીધી. તે દરમિયાન જ તેનામાં રહેલી ડિઝાઇનર સામે આવી. સીવણની તાલિમ દરમિયાન સ્ટોપ એસિડ કેમ્પેઇને રૂપાને એક ડિઝાઇનર બનવા માટે પ્રોત્સાહિત કરી. ત્યારબાદ રૂપાએ તેની પોતાની ડિઝાઇન તૈયાર કરી અને તેનું વ્યાવસાયિક ધોરણે ફોટોશૂટ કરવામાં આવ્યું. રૂપાની મહેનત અને ધગશ રંગ લાવવા લાગી. તેની બનાવેલી પહેલી ડિઝાઇન લોકોને પસંદ પડી અને તેની હિંમત વધવા લાગી. રૂપાએ પોતાની ફેશન બ્રાન્ડ તૈયાર કરી અને હવે તે 'રૂપા ક્રિએશન્સ'ના નામે પોતાનાં કપડાં તૈયાર કરીને બજારમાં વેચી રહી છે. 

image


હાલમાં રૂપા પોતે તૈયાર કરવામાં આવેલાં વસ્ત્રોને 'Sheroes Hangout' ઉપર વેચી રહી છે. 'Sheroes Hangout' આગ્રાની એક કોફી શોપ છે તેનું સંચાલન એવી પાંચ મહિલાઓ કરે છે કે જેના ઉપર એસિડ હુમલા થઈ ચૂક્યા છે. રૂપાએ હાલમાં કોઈ રિટેલર સાથે કરાર નથી કર્યો પરંતુ તે ઈ-કોમર્સ મારફતે પોતાનાં ઉત્પાદનો વેચવાની કોશિશ કરી રહી છે. સ્ટોપ એસિડ એટેકે ઓનલાઇન વેપાર શરૂ કરવા માટે નાનકડી રકમ એકઠી કરી છે. રૂપાએ એક નાનકડી શરૂઆત કરી અને હવે તે શિરોઝ હેન્ગઆઉટ ઉપરથી મહિને સરેરાશ રૂ. 20 હજારનો વેપાર કરે છે. ભવિષ્ય વિશે રૂપા કહે છે કે,

"હું ઇચ્છું છું કે મારું પોતાનું ઓનલાઇન પોર્ટલ હોય જેના મારફતે લોકો મેં બનાવેલાં કપડાં ખરીદે અને મારા પ્રયાસોને બિરદાવે. હું ઇચ્છું છું કે દેશભરમાં લોકો મારી આ બ્રાન્ડને ઓળખતા થાય."

image


રૂપા પોતાની સફર અહીં જ પૂરી કરવા નથી માગતી. તેનો મુકામ હજી પણ ઘણો દૂર છે. તે કહે છે કે,

"હું કૌશલ્ય વિકાસ સ્કૂલ શરૂ કરવા માગું છું. જેથી કરીને મારા જેવી યુવતીઓ આત્મનિર્ભર બનવા માટેની તાલિમ લઈ શકે અને આર્થિક સ્વતંત્રતાની સાથે આત્મસન્માન મેળવી શકે."

રૂપા તેના ખરાબ સમયને હજી પણ યાદ કરે છે. તે કહે છે કે જો તેના કાકાએ તેનો યોગ્ય સમયે ઇલાજ ન કરાવ્યો હોત અને મદદ ન કરી હોત તો આજે તે જે તબક્કે પહોંચી છે ત્યાં ન પહોંચી શકી હોત. રૂપાનો કિસ્સો એ વાતનું ઉદાહરણ છે કે જો તમારી અંદર ઇચ્છાશક્તિ હોય અને તમે કોઈ વસ્તુ મેળવવાનું નક્કી કરી લો તો ભાગ્યે જ કોઈ તમારાં સપનાંને સાકાર થતાં અટકાવી શકે છે. જરૂર છે હિંમત, ધગશ અને પ્રમાણિક પ્રયાસની.

રૂપાનો સંપર્ક કરવા ક્લિક કરો : Facebook Page

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો