સંપાદનો
Gujarati

આપણે 'આઇ લવ યૂ' કહેવામાં કે કોઈની પ્રશંસા કરવામાં પાછી પાની કેમ કરીએ છીએ!?

14th Feb 2016
Add to
Shares
22
Comments
Share This
Add to
Shares
22
Comments
Share

આપણે સૌથી વધુ કસકસર પ્રેમ આપવામાં અને પ્રશંસા કરવામાં કરીએ છીએ. ન્યૂટનના આઘાત-પ્રત્યાઘાતના નિયમ મુજબ, તમે જેટલો પ્રેમ આપશો તેટલો પ્રેમ મેળવશો

સ્વામી વિવેકાનંદ કહેતા કે પ્રેમ આપશો તો પ્રેમ મળશે, તમે સમાજને જે આપશો, તે જ મળશે. તેમની આ વાત વૈજ્ઞાનિક રીતે પણ એટલી જ સાચી છે. ન્યૂટને કહ્યું છે કે જેવો આઘાત, તેવો પ્રત્યાઘાત. તમને વિવેકાનંદ અને ન્યૂટનની વાતમાં વિશ્વાસ છે. તમે સ્વીકારો છો કે તમે જેટલો પ્રેમ અને પ્રશંસા સમાજને આપશો, તેટલો જ પ્રેમ અને પ્રશંસા સમાજ તમને આપશે. હવે વિચારો કે તમે સૌથી વધુ કરકસર કઈ બાબતમાં કરો છો?

જો તમે શાંતિથી વિચાર કરશો તો તમને અહેસાસ થશે કે તમે સૌથી વધુ કરકસર આપણી આસપાસના લોકોને અને સમાજને પ્રેમ આપવામાં કરીએ છીએ. આપણને કોઈનું કામ સારું લાગે, કોઈ ચીજવસ્તુ ગમી જાય તો આપણે આપણી લાગણીઓને વ્યક્ત કરતાં નથી. કોઈની પ્રશંસા કરવામાં, કોઈને બિરદાવવામાં કંજૂસાઈ કરવાની સ્પર્ધા યોજાય તો મને વિશ્વાસ છે કે ભારતીયો ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ત્રણેય મેડલ જીતી જશે. જો તમને મારી વાતમાં વિશ્વાસ ન હોય, તો મને જણાવો કે, તમે છેલ્લે કયારે કોની પ્રશંસા કરી હતી કે ખરેખર સાચા હૃદયથી કોનો આભાર માન્યો હતો?

મારી, તમારી અને આપણી આસપાસનું વાતાવરણ જુઓ. આપણી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને જુઓ. જીવનના દરેક ક્ષેત્રમાં ગળાકાપ સ્પર્ધા પ્રવર્તે છે અને તેમાં આપણે પ્રશંસા કરવાની સારી ભાવનાને ગુમાવી ચુક્યાં છીએ. સ્વસ્થ સ્પર્ધાને બદલે આપણે ગળાકાપ સ્પર્ધાના ગંદા માહોલમાં અસુરક્ષાની ભાવના પેદા થઈ છે, જેના પરિણામે આપણી અંદર પ્રશંસાને બદલે ઈર્ષ્યાનો જન્મ થયો છે. સાચું કહું તો આપણે જન્મજાત ટીકાકારો છીએ. જેટલી સ્વાભાવિકતાથી આપણે કોઈની ટીકા કરી શકીએ છીએ, તેટલી સ્વાભાવિકતાથી કોઈની પ્રશંસા કરી શકતા નથી.

હું ઘણાં વર્ષોથી આવી માનસિકતા જોઈ રહી છું અને મને ખરેખર એ વાતની નવાઈ લાગે છે કે – આપણે આવી રીતે શા માટે વર્તીએ છીએ? હજુ ગઈકાલે હું એક નવી કંપનીના યુવાન કર્મચારીઓ સાથે હતી. મેં તેમને પૂછ્યું હતું કેઃ તમને એકબીજામાંથી કશું શીખવા જેવું લાગ્યું છે? તમને તમારા સાથી કર્મચારીઓમાં કોઈ સારો ગુણ દેખાયો છે? તમે તેની પાસે જઈને તેની પ્રશંસા કરી છે? તમે તમારા 10 સાથી કર્મચારીઓને મળી શકો છો અને તેમનામાં રહેલા સારા ગુણની પ્રશંસા કરી શકો છો. પછી જુઓ. તેઓ તમારી પ્રશંસાને સ્વાભાવિકતાથી લેશે નહીં. તમને તેમની પ્રતિક્રિયા જોઈને નવાઈ લાગશે.

હું આ માટે આપણા માતાપિતાઓને જવાબદાર ઠેરવું છું. સાચું કહું છું (તમે આ સ્ટોરી વાંચ્યાં પછી મારી સાથે આ મુદ્દે ચર્ચા કે દલીલ કરી શકો છો. ચર્ચા કરવી કે દલીલ કરવી તો આપણા દેશના લોકોના લોહીમાં જ છે ને!)

image


આપણા માતાપિતાઓએ આપણને પ્રશંસા અને પ્રેમ કરવાની વિચિત્ર સ્ટાઇલ શીખવી છે. હું શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે વકતૃત્વ અને ચર્ચા સ્પર્ધાઓમાં અવ્વલ રહેતી હતી. જ્યારે હું ઇનામ જીતીને ઘરે આવતી ત્યારે મારી મમ્મીના ચહેરા પર હાસ્ય જોવા મળતું: હું જાણતી હતી કે મને ઇનામ મળવાથી તે ખુશ થઈ છે અને તેને મારા પર ગર્વ છે. પણ સાથે સાથે તે કંઈક આવું કહેતી કે, “ઇનામ જીતી લાવી એટલે મને આનંદ થયો છે, પણ રીના, ટીના કે મીના આન્ટીની નેહા, મેઘા કે સ્નેહાએ પોતાની સુંદર વાકછટાના જોરે બીબીસીનો પ્રોજેક્ટ મેળવ્યો છે. તને ઇનામ મળ્યું એ સારું છે, પણ હજુ તારે ઘણું આગળ વધવાનું છે.” મને દુઃખ થતું હતું અને તેની સામે ડોળા કાઢવાનું મન થતું હતું, પણ છેવટે માતૃદેવો ભવઃના સંસ્કાર આપણને આડે આવે એટલે હું તેનું માન રાખતી હતી.

હકીકતમાં મારી મમ્મીને સતત એ વાતની ચિંતા હતી કે નાની-નાની સફળતાથી મારા મગજમાં રાઈ ભરાઈ જશે અને હું મોટી લડાઈ હારી જઈશ. હું તેને સતત કહેતી કે આ નાની-નાની સફળતા જ મોટી સફળતા તરફ દોરી જશે એટલે આપણે તેને માણવી જોઈએ. મને તેની પાસેથી કોઈ નાની ભેટ, કે આઇસક્રીમ જેવા રિવોર્ડની અપેક્ષા હતી. કમ-સે-કમ મને એક દિવસ ભણવામાંથી મુક્તિ મળે તેવું ઇચ્છતી હતી. છેવટે મને ઇનામ મળ્યો તે દિવસ મારા માટે મોટો હતો. મેં સફળતા મેળવી હતી, મેં ઇનામ જીત્યું હતું. મારી સફળતા દુનિયાની નજરે નાની હતી, પણ શાળામાં અભ્યાસ કરતી છોકરી માટે તો મોટી જ હતી.

મને સીએનબીસીનો ઓફર લેટર મળ્યો એ દિવસ મને આજે પણ યાદ છે. હું બહુ ખુશ થઈ હતી અને મેં પહેલો ફોન મારી મમ્મીને કર્યો હતો. તે પણ બહુ રાજી થઈ હતી અને છેલ્લે છેલ્લે ફરી એવી જ લાઇનનું પુનરાવર્તન કર્યું હતું: “તારે તારા કઝિનને નજરમાં રાખવાના છે. તેઓ અમેરિકા ગયા છે અને દર મહિને તેના ફાધરમધરને 1000 ડોલર મોકલે છે.”

ખરેખર પ્રકૃતિ બદલવી બહુ મુશ્કેલ છે. આપણો સમાજ પ્રશંસા કરવામાં અને તેનો સ્વીકાર કરવામાં હજુ અસહજતા અનુભવે છે. આપણે પ્રશંસા કરવામાં ઉદારતા દાખવતા નથી અને તેનો ખરા હૃદયથી સ્વીકાર કરી શકતા નથી.

હકીકતમાં આપણે સૌથી વધુ કંજૂસી પ્રશંસા કરવામાં કરીએ છીએ અને તેનાથી વધારે આશ્ચર્યની વાત એ છે કે, પ્રશંસા સ્વીકારવામાં શરમ અનુભવીએ છીએ. એટલે આપણે ખુલ્લાં દિલે કોઈની પ્રશંસા કરતા નથી અને પ્લેટિનમ કરતાં પણ વધારે કિંમતી ગણીને તેને આપણી હૃદયરૂપી તિજોરીમાં કેદ કરી રાખીએ છીએ.

આપણે પ્રશંસા કરવામાં આટલી કંજૂસાઈ કેમ દાખવીએ છીએ તેના કેટલાંક જુદાં જુદાં કારણો હોઈ શકે છે. જેમ કે, આપણને ડર છે કે આપણી છાપ ચાપલૂસની પડશે તો, આપણે પીઆર કરતાં હોય તેવી છાપ પડશે તો, આપણે કશું કામ સાધવા માંગતા હોઈશું તેવું લાગશે તો વગેરે વગેરે. હકીકતમાં વિવિધ અભ્યાસના તારણો પણ દર્શાવે છે કે, આપણે ટીકાકારો અને નકારાત્મક વાત કરતાં લોકો પ્રત્યે પૂર્વગ્રહ ધરાવીએ છીએ. આપણે પોઝિટવ કરતાં નેગિટિવ વાત કરતાં લોકોને ઇન્ટેલિજન્ટ, વધુ સક્ષમ અને વધુ નિષ્ણાત ગણીએ છીએ. એટલે આપણા મનમાં એવી છાપ છે કે તમે જેટલી વધુ ટીકા કરશો, તેટલા વધુ ઇન્ટેલિજન્ટ ગણાશો.

મુદ્દો એ છેઃ આપણી ઇકો-સિસ્ટમમાં નકારાત્મક વાતો કરતાં લોકો, કોઈ કંપની/વ્યક્તિ વિશે એલફેલ બોલતાં લોકો કે નેગેટિવ અભિપ્રાય ધરાવતા લોકોની બહુમતી છે. રાતોરાત આ પ્રકારના લોકો વિરોધ કરીને હીરો બની જાય છે અને આપણે આવી ગપસપ કરવામાં વધુને વધુ રસ લઈએ છીએ.

સામાન્ય રીતે મનુષ્યને અસાધારણતામાં રસ છે અને મોટા ભાગે અસામાન્ય બાબતો કે ઘટનાઓ નકારાત્મક હોય છે. આપણા સમાજને સનસનાટીમાં રસ છે, હકારાત્મકતામાં નહીં. હકારાત્મક બાબતો કંટાળાજનક લાગે છે. એટલે જ હકારાત્મક બાબતો કે પ્રશંસનીય કાર્યો ક્યારેય હેડલાઇન્સ બનતી નથી. તેમ છતાં મારું માનવું છે કે હકારાત્મકતા અને પ્રશંસા જ તમને સફળતા અપાવશે. મને જે લોકો પસંદ છે તેઓ અતિ પોઝિટિવ છે, જેઓ પ્રશંસા કરવામાં પાછી પાની કરતાં નથી અને આ રીતે તેઓ પોતાના માટે સુરક્ષા અને પ્રેમનું એક ચક્ર ઊભું કરે છે.

દરેક નવો દિવસ આપણને આપણી અને આપણી આસાપાસના લોકોના જીવનમાં જે કંઈ સારું, પ્રશંસનીય જોવા મળે તેને ખરા હૃદયથી વધાવી લેવાની તક આપે છે. ચાલો આપણે ખુલ્લા દિલે પ્રશંસા કરીએ, આપણે એકબીજાને પ્રેમ અને હૂંફ આપીએ તેમજ દુનિયા શું કહે છે તેની ફિકર છોડી દઈએ.

જો તમે કોઈને પ્રેમ કરતાં હોય કે તમને કશું પસંદ હોય, તો બેધડક તમારા પ્રેમને, તમારી પસંદગી વ્યક્ત કરો. કદાચ તમારી પ્રશંસા, તમારા બે મીઠા બોલ સામેની વ્યક્તિ માટે સૌથી મોટી વાત બની શકે છે, તેમના જીવનમાં પ્રેરણારૂપ બની શકે છે.

આજે વેલેન્ટાઇન ડે છે અને તેની સાથે જોડાયેલા તમામ આનંદપ્રમોદ વચ્ચે ચાલો આપણે આપણી જાતને એક વચન આપીએઃ

આપણે સંપૂર્ણ માનવજાતને પ્રેમ આપીશું, કોઈ સારી કામગીરી કરશે તો તેની પ્રશંસા કરીશું અને આપણી સ્ટાર્ટઅપ સફરને યાદગાર બનાવીશું.

લેખક પરિચયઃ

image


શ્રદ્ધા શર્મા

શ્રદ્ધા શર્મા યોરસ્ટોરીના સ્થાપક અને ચીફ એડિટર છે. શ્રદ્ધા માને છે કે દરેક વ્યક્તિનું જીવન એક રસપ્રદ સ્ટોરી છે અને તેઓ આવી સ્ટોરીમાંથી જ પ્રેરણા મેળવે છે.

અનુવાદકઃ કેયૂર કોટક

Add to
Shares
22
Comments
Share This
Add to
Shares
22
Comments
Share
Report an issue
Authors

Related Tags