સંપાદનો
Gujarati

અલવરના ગામોમાં બાળકોના શિક્ષણ માટે એક ‘ફરમાન’, 2થી શરૂ થઈને 3500 ઘરોમાં ઝળહળ્યો જ્ઞાનનો પ્રકાશ

YS TeamGujarati
20th Oct 2015
Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share

એમ કહેવાય છે ને કે તમે કોઈ ગરીબને પૈસા આપો તો તમે થોડા અંશે જ તેની ગરીબી દૂર કરી શકો છો પરંતુ જો તમે કોઈ અભણને શિક્ષણ આપો તો તેની આવનારી પેઢીઓનું ભવિષ્ય સુધારી દો છો. શિક્ષણ એવી સુગંધ છે કે જે નિરંતર ફેલાતી રહે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તનનું કારણ બને છે. આ જ વાતોને સમજીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા તેમજ સમાજ પ્રત્યે પોતાની જવાબદારી અદા કરવાના અભિયાનમાં લાગેલા છે અલવર સ્થિત ‘રાજસ્થાન ઇન્સ્ટિટ્યૂટ’ના સંસ્થાપક ડો.ફરમાન અલી.

image


વિચાર કેવી રીતે આવ્યો?

ફરમાન અલીએ દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાંથી હિન્દી વિષયમાં એમએ કર્યું છે. ત્યારબાદ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી પી.એચડી કર્યું. ત્યારબાદ તેઓ મોતીલાલ નહેરુ કોલેજ (દિલ્હી યુનિવર્સિટી)માં વિદ્યાર્થીઓને ભણાવવા લાગ્યા. થોડા સમય માટે ફરમાન અલીએ રાજસ્થાન યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓને ભણાવ્યા. ફરમાન પોતાના કામથી ખુશ તો હતા પરંતુ તેમનાં મનમાં વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ લેવલે કામ કરવાની ઇચ્છા હતી. તેઓ ઇચ્છતા હતા કે તેઓ પોતાનાં ગામ અલવર માટે કંઇક કરે. અલવર રાજસ્થાનનો એક પછાત વિસ્તાર છે. ત્યાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન નહોતું મળતું. ત્યાંનાં હોંશિયાર વિદ્યાર્થીઓ પણ નાનું મોટું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવવા માટે મજબૂર હતા. ફરમાને વિચાર્યું કે અહીં એક ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવે અને અહીંના વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે અને તેમનું ભાવિ સુધારવામાં આવે. આવા વિચાર સાથે ફરમાને પોતાની નોકરી છોડીને વર્ષ 2009માં ‘રાજસ્થાન ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના કરી. આ કામ માટે તેમને તેમના પરિવારે અને ખાસ કરીને પિતાએ પૂરતો સહકાર આપ્યો અને દરેક પગલે તેમને માર્ગદર્શન આપતા રહ્યા.

સ્ટાર્ટઅપ

ફરમાન કહે છે કે અલવરમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલા ખૂબ જ ઓછા લોકો છે. જેમણે ઉચ્ચ શિક્ષણ મેળવેલું છે તેવા લોકો શહેરમાં રહીને જ પોતાની કારકિર્દી ઘડવા માગે છે. તેના કારણે આ વિસ્તારની સ્થિતિ જેમની તેમ જ છે. પરંતુ ફરમાને નક્કી કરી લીધું હતું કે તે યુવાનો માટે કંઇક કરી છૂટશે અને તેણે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં ફરમાન પાસે માત્ર 2 વિદ્યાર્થીઓ જ હતા. ફરમાનની લગન અને ઝનૂનનાં કારણે વિસ્તારમાં તેનું નામ પ્રસરવા લાગ્યું. અને દૂર દૂરથી વિદ્યાર્થીઓ ફરમાનના ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા આવવા લાગ્યા.

2થી 3500 વિદ્યાર્થીઓ

આજે ફરમાનના ‘રાજસ્થાન ઇન્સ્ટિટ્યૂટ’માં 3500 વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ લઈ રહ્યા છે. ઇન્સ્ટિટ્યૂટમાં 20 શિક્ષકો છે અને 32 બિનશૈક્ષણિક સ્ટાફ છે. અહીંથી તાલિમ લઈને વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ પણ થઈ રહ્યા છે અને તેમનું તેમજ તેમના પરિવારનું નામ ઉજ્જ્વળ કરી રહ્યા છે. રાજસ્થાનમાં શિક્ષણ ગ્રેડની વિવિધ પરીક્ષાઓ માટે શાળામાં શિક્ષક તરીકે, રાજસ્થાન જાહેર સેવા અને રાજસ્થાન પોલીસ વિભાગની વિવિધ જગ્યાઓ માટે ફરમાન અલી વિદ્યાર્થીઓને તાલિમ આપે છે.

image


શહીદોનાં બાળકો તેમજ વિધવાઓને મફત શિક્ષણ

ફરમાન કહે છે કે રાજસ્થાનમાં ઘણા લોકો લશ્કરમાં છે. અને દેશની સેવામાં લાગેલા છે. તેવામાં અમે અમારી જવાબદારી નિભાવતા શહીદોનાં બાળકો તેમજ વિધવાઓને મફતમાં કોચિંગ આપીએ છીએ. તેમજ શારીરિક ખોડખાંપણ ધરાવતા લોકોને ફીમાં 40 ટકાની છૂટ આપવામાં આવે છે.

પહેલા ભગવાન રામની આરતી

સાથે જ ફરમાન અલી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લે છે અને તેને પ્રોત્સાહન પણ આપે છે. તેઓ આ સંસ્થાને આર્થિક મદદની સાથેસાથે શક્ય હોય તેટલી અન્ય મદદ પણ કરે છે. ફરમાન અલવર ખાતે યોજાતી રામલીલાના મેમ્બર છે. ભગવાન રામની પહેલી આરતી તેઓ દર વર્ષે કરે છે. આ ઉપરાંત તેઓ એક એનજીઓ સાથે જોડાયેલા છે તેમજ શાળાના વિદ્યાર્થીઓ માટે કામ કરે છે.

ફરમાનને જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે કામ કરે છે. ત્યાંના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. તેમના શિક્ષણ અંગેના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. ગ્રામીણ લોકોને શિક્ષણ અંગે જાગ્રત કરે છે અને તેમને શિક્ષણનું મહત્વ સમજાવે છે. આ કામમાં તેઓ છેલ્લા ઘણા સમયથી લાગેલા છે જેના કારણે અલવરમાં ડો. ફરમાન અલીનું મોટું નામ છે. લોકો તેમની પાસે દૂર દૂરથી સલાહ લેવા માટે આવે છે. ફરમાન કહે છે કે લોકોને શિક્ષણ અંગે જાગરૂક કરવા જ તેમનાં જીવનનું લક્ષ્ય છે.

પત્નીનો સાથ

ફરમાનનાં પત્ની એમ.એ, બી.એડ છે. તેઓ પણ ગામડાંની ગરીબ મહિલાઓની મદદમાં લાગેલાં છે. આ મહિલાઓ વધારે ભણેલી-ગણેલી ન હોવાને કારણે તેઓ મહિલા આરોગ્ય અંગેની કોઈ પણ મૂંઝવણ હોય તો સીધી ફરમાનનાં ઘરે આવી જાય છે. જ્યાંથી ફરમાનનાં પત્ની તેને હોસ્પિટલ લઈ જાય છે અને ઘણી વખત તેનો તમામ ખર્ચો પણ તેઓ જ ઉપાડે છે.

ટૂંક સમયમાં ફરમાન તેમના ગામમાં એવા વડીલો માટે પણ કામ કરવાના છે કે જેઓ નાની-મોટી બીમારીથી પીડાય છે. જેથી કરીને ગામમાં તે વડીલોની બીમારી માટે કામ કરી શકાય.

આ બધાં જ કામો ફરમાન પોતાના આર્થિક બળે કરે છે તેમને કોઈ ભંડોળ કે ગ્રાન્ટ નથી મળતી. તેઓ કોઈની પાસે ભંડોળ માગતા પણ નથી તેમના ઇન્સ્ટિટ્યૂટની આવકમાંથી તેઓ આ તમામ ખર્ચ ભોગવે છે. અને તેઓ પોતાનાં કામથી સંતુષ્ટ પણ છે. સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી તેઓ સતત બાળકોને ભણાવે છે. ત્યાર પછી લોકોની મદદ માટે નીકળી જાય છે અને અહીંના લોકોની મદદ કરે છે. પછી મોડી રાતે ઘરે પાછા આવે છે. રજાના દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં જતા રહે છે અને ત્યાંના લોકોની મદદ કરે છે. તેમના કામના કારણે સમગ્ર વિસ્તારમાં બધા લોકો તેમને ઓળખે છે અને તેમને ખૂબ જ માન આપે છે.

ફરમાન જણાવે છે કે શિક્ષણ જ દરેક પ્રશ્નનું નિરાકરણ છે. ભારતને સુપરપાવર બનાવવું હશે તો દરેક ગામે શિક્ષણનો પ્રચાર પ્રસાર કરવો પડશે. આ કામ માત્ર સરકારનું ન હોવું જોઇએ. દરેક વ્યક્તિએ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે આગળ આવવું જોઇએ. જો આપણે ભારતમાં શિક્ષણને ઝડપથી ગામેગામ સુધી પહોંચાડી શકીશું તો ભારત ખૂબ જ ઝડપથી દુનિયાના અગ્રગણ્ય દેશોમાંનો એક બની જશે.

Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો