Holachef.com- માસ્ટર શેફના રસોડે બનતી વાનગી પહોંચાડે છે તમારા ઘર સુધી!
દુનિયાભરના સ્વાદિષ્ટ વ્યંજનોને Holachef.com માસ્ટર શેફના કિચનથી સીધા જ તમારા ઘરે લાવે છે. સપ્ટેમ્બર, 2014માં શરૂ થયેલી આ વેબસાઈટે ખૂબ જ વિકાસ કર્યો છે અને તેનો ગ્રાહકવર્ગ પણ મોટો છે. YourStory સાથે મુલાકાતમાં ‘Holachef.com’ના સ્થાપક-સીઈઓ સૌરભ સક્સેના પોતાના ખાવાના શોખ અને આ ક્ષેત્રમાં કંઈક નવું કરવાની યોજના અંગે જણાવે છે.
YourStory - ‘Holachef.com’ શરૂ કરવા પાછળ કઈ પ્રરેણા હતી?
સૌરભ – ખાવાનો શોખ હોવાથી હંમેશા અલગ અલગ ડીશીઝ રેસ્ટોરાંમાં જ શોધતો હોઉં છું. અમે જોયું કે સ્વાદિષ્ઠ ભોજન ખૂબ જ મોંઘું હોય છે અથવા તો ગુણવત્તાના મુદ્દે અયોગ્ય હોય છે. ઘરે પાર્સલ પહોંચાડનારી સેવાઓ પણ એક સમય બાદ બોરિંગ બની જાય છે અને તેની પાસે ભોજનના સિમિત વિકલ્પ હોય છે. અમે જોયું કે ફાઈન-ડાઈનની માગ અને તેની ઉપલબ્ધતામાં એક ગેપ છે. અહીંયાથી જ વિચાર આવ્યો કે, શહેરના સારા સારા શેફનું ભોજન અને લોકોને જો જોડી દેવામાં આવે અને સાથે જ સુવિધાજનક રીતે કિંમત મોટી હોટેલ્સ અને રેસ્ટોરાં કરતા ઓછી હોય. આ રીતે દરરોજ કંઈક નવું પિરસવાનો ક્રમ શરૂ થયો.
YourStory – સ્થાપકોના બેકગ્રાઉન્ડ વિશે જણાવો.
સૌરભ – હું સ્થાપક અને સીઈઓ છું અને આઈઆઈટી બોમ્બેથી સ્નાતક થયો છું. પહેલાં મેં મેક્સસ એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડમાં સેલ્સ અને માર્કેટિંગ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ એક એવી બ્રાન્ડ હતી જેની સાથે ભારત અને વિદેશમાં પાંચ લાખ વિદ્યાર્થીઓ જોડાયેલા હતા. મેક્સસ કંપનીની દેશમાં 300 ફ્રેન્ચાઈઝી હતી અને એક હજાર કર્મચારીઓ હતા.અનિલ ગેલરા સહસ્થાપક અને સીટીઓ છે. તે પણ આઈઆઈટી બોમ્બે પાસઆઉટ છે. તે આ પહેલાં સોડલ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડના સહ સ્થાપક અને ટેડાબેઝ આર્કિટેક્ચર હતા. અનિલની મદદથી જ તેમની તત્કાલિન કંપનીએ એક એપ બનાવી હતી જેનાથી દરરોજ અનેક લોકોને રિયલ ટાઈમમાં ટેરાબાઈટ્સનું વિશ્લેષણ મળી જતું હતું. તેમના ગ્રાહકો થોમસન રાઈટર્સ, હફિંગ્ટન પોસ્ટ અને અમેરિકામાં ઝડપથી પ્રસરી રહેલું સ્પોર્ટ્સ195 ડોટ કોમ તથા હેલ્પઆરએક્સ જેવા સાહસો હતા.
YourStory- ‘Holachef.com’ના બોર્ડમાં કોણ કોણ છે, શેફની ગુણવત્તા કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
સૌરભ – ‘Holachef.com’ના બોર્ડમાં એન્ટ્રી લેવી હોય તો કોઈ જાણીતા શેફ પાસે ભોજન બનાવવાનો પ્રોફેશનલ અનુભવ હોવો જોઈએ અને સાથે સાથે ખાસ વાનગીઓ બનાવવામાં પણ મહારત હોવી જોઈએ. દુનિયાભરના સ્વાદિષ્ટ વ્યંજનોને પિરસવાનો વિચાર શેફની આવડતથી જ પૂરો થશે. તમામ શેફ માટે પહેલી શરત ખાવા બનાવવાનું ઝનુન છે, અને ખાસ તો તમે જે પણ પિરસી રહ્યા છો તેને પ્રેમથી બનાવો. તે ઉપરાંત દરરોજ નવુ મેન્યૂ બનાવતા પણ આવડવું જોઈએ. શેફની સર્જનાત્મકતા જ અમારા માટે મહત્વની છે. અમારી પાસે સુંદર સર્જનાત્મકતા ધરાવતા કેટલાક ખાસ 'હોમ શેફ' છે જેમને સ્વાદિષ્ટ ભોજન ખૂણે ખૂણે પહોંચાડવામાં Holachef.comનું સારું મંચ મળ્યું છે.
YourStory – તમારા રોકાણનો મૂળ સ્ત્રોત કયો?
સૌરભ – ઈન્ડિયા કોન્સેન્ટે કનવર્ટિબલ નોટ્સના આધારે બે કરોડનું ભંડોળ આપ્યું છે. હવે અમે મુંબઈ બહાર છ થી સાત શહેરોમાં પોતાની સેવાઓના વિસ્તાર માટે 25 થી 30 કરોડના ભંડોળની અપેક્ષા રાખી રહ્યા છીએ.
YourStory – તમારા બિઝનેસ મોડલમાં ટેક્નોલોજી કેટલી મહત્વની છે?
સૌરભ – અમારો આધાર ઓનલાઈન અને ઓનલાઈન સેવા જ છે, તેથી Holachef.com માટે ભોજન જેટલું મહત્વનું છે તેટલું જ મહત્વ ટેક્નોલોજીનું પણ છે. અમારા બિઝનેસ મોડલમાં ઓર્ડર પ્રક્રિયાને સરળ બનાવવા માટે ટેક્નોલોજી ખૂબ જ જરૂરી છે, જે ગ્રાહકને અમારા બદલે મદદ કરે છે. ટેક્નોલોજી, અમને વધારે લોકો સુધી કુશળતાપૂર્વક પહોંચાડે છે. ટેક્નોલોજી માગ અને પુરવઠાને યોગ્ય બનાવે છે. મોબાઈલ અને કમ્પ્યૂટરનો ઉપયોગ કરનારા અમારા ગ્રાહકોની સરેરાશ 65:35 છે, તેથી અમારે ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચવા માટે આરામદાયક ટેક્નોલોજી સુવિધા વિકસાવવી જરૂરી છે. આજનો ગ્રાહક જીવનમાં આરામ માટે ટેક્નોલોજી પર વધારે આધાર રાખે છે.
YourStory – તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી કેવી છે?
સૌરભ – માઉથ પબ્લિસિટીએ અમારો ઘણો પ્રચાર કર્યો છે. ગ્રાહકોને સમગ્ર ઓર્ડર પર વિશેષ ડિસ્કાઉન્ટ આપવું, ખાનગી ભેટની સાથે અનેક વસ્તુઓ આપવી તે અમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. અમાર જૂના ગ્રાહકો પોતાના સહકર્મીઓ, મિત્રો, પાડોશીઓને અમારા ભોજન અંગે જણાવે છે. અમારી ગ્રાહકોને ઝડપી સેવા આપવાની યોજનાથી અમારી પાસે આવતા ઓર્ડરનું પ્રમાણ વધારે છે. અમે જ્યારે માર્કેટિંગનો વિસ્તાર કરીએ છીએ ત્યારે મુંબઈની અન્ય ફાઈન-ડાઈન રેસ્ટોરાં કરતા વધારે ઓર્ડર લઈએ છીએ.
YourStory – ભારતમાં હાલ આવી ઈન્ડસ્ટ્રીનું માર્કેટ કેટલું મોટું છે?
સૌરભ – ભારતમાં હાલ ફૂડ ઈન્ડસ્ટ્રી 50 અબજ ડોલરની છે અને ઝડપથી વધી રહી છે. આધુનિક પેઢીના સમયમાં ટેક્નોલોજી વિકસિત થવાથી ફૂડ ઈન્ડસ્ટ્રી પર પણ અસર થઈ છે. બજાર ધીમે ધીમે ભોજનના ક્ષેત્રમાં ઓનલાઈન શક્યતાઓ શોધી રહ્યું છે. વિશ્વ બજારની સરખામણીએ ભારતમાં હજી આ માર્કેટ પ્રારંભિક સ્તરે છે અને ઘણી સફર ખેડવાની બાકી છે.
YourStory – હોલાશેફ ડોટ કોમ પોતાની પ્રગતિ અંગે શું વિચારે છે?
સૌરભ – જ્યારે અમે ગત સપ્ટેમ્બરમાં શરૂઆત કરી તો મુંબઈના પવઈમાં અમારો પહેલો પ્રયોગ હતો. ત્યાર પછીના પાંચ મહિનામાં અમે અંધેરી (પૂર્વ અને પશ્ચિમ), ગોરેગાંવ પૂર્વ, વિલે પાર્લે પૂર્વ, જોગેશ્વરી, ઘાટકોપર, કાન્ઝુરમાર્ગ, વિક્રોલી, મુલુંડ, ભાંડુપ વગેરે વિસ્તારોને કવર કરી લીધા. અમે ટૂંક સમયમાં જ સમગ્ર મુંબઈના ફેલાવાનું આયોજન કરી રહ્યા છીએ. અમે અન્ય શહેરોમાં પણ મોડલ સાથે પ્રવેશ કરવાના છીએ. જ્યાં સુધી ટીમની વાત છે તો અમારી પાસે ઘણા કુશળ લોકો છે, જે આ બિઝનેસમાં સેટ થઈ ગયા છે. અમે ઝડપથી પોતાનો અને ટીમનો વિસ્તાર કરીશું.
લેખક- સુશીલ રેડ્ડી
અનુવાદ- એકતા ભટ્ટ