‘CraftGully.com’- ઘર બેઠાં શિલ્પકારીનો શોખ પૂરો કરવાનું માધ્યમ

‘CraftGully.com’- ઘર બેઠાં શિલ્પકારીનો શોખ પૂરો કરવાનું માધ્યમ

Wednesday November 18, 2015,

5 min Read

પાંચ અબજ અમેરિકી ડૉલરથી પણ વધારેનો વેપાર કરવાનું લક્ષ્ય રાખનાર ભારતના એકમાત્ર અને પહેલા ઓનલાઈન શિલ્પ સ્ટોરની શરૂઆત 2014ના પહેલા ત્રિમાસિક ગાળામાં થઈ ગઈ હતી. પોતાની શરૂઆતના બે વર્ષથી પણ ઓછા સમયમાં તેમની પાસે 15 હજારથી વધારે પ્રોડક્ટ વેચવા માટે છે અને તેઓ શિલ્પના શોખીનો માટેના મહત્વના સ્થાન તરીકે ઉભરી રહ્યા છે.

શિલ્પ કારીગરી સાથે સંકળાયેલા સાધનોને સુલભ બનાવવા માટે એક ઉમદા વિચાર અને ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલું આ કામ આજે દેશભરના કલાકારો અને શિલ્પકારોને કલા અને શિલ્પ સાથે જોડવાના મિશનમાં પરિવર્તિત થઈ ગયું. આ જ છે CraftGully.comના સર્જનની વાત. મહત્વની વાત એ છે કે ક્રાફ્ટગલીનું કેન્દ્ર અને ગોડાઉન ગોવામાં છે પણ તેનું વ્યવસ્થાપન કાર્યાલય દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છે.

image


ગોવા કેમ અથવા તો ગોવા કેમ નહીં? આ સવાલના જવાબ આપતા ધીરેન્દ્ર જણાવે છે, "આ કાર્ય શરૂ કરવા માટે એક શાંત અને સુંદર વાતાવરણ જરૂરી હતું અને ગોવાથી વધારે સારો વિકલ્પ તે સમયે અમારી પાસે નહોતો."

પોતાની શરૂઆતથી માંડીને અત્યાર સુધી તે દેશના દરેક ખૂણામાં પોતાનો સામાન સફળતાપૂર્વક પહોંચાડી શક્યું છે, પછી ભલેને તે આંદામાન નિકોબાર ટાપુઓ હોય કે અરુણાચાલ પ્રદેશ કે પછી છેક ઉત્તરમાં જમ્મુ-કાશ્મીર હોય.

આ પતિ-પત્નીની પણ એક રસપ્રદ પ્રોફાઈલ છે. 'ક્રાફ્ટગલી'ના મન અને મસ્તિસ્ક ધીરેન્દ્ર છે જ્યારે કુંજલ નર્વાણીએ ક્રાફ્ટગલી શરૂ કરવા માટે પોતાની આકર્ષક કરિયરનું બલિદાન આપી દીધું હતું. કુંજલને દરેક પ્રકારની કલાનું આકર્ષણ છે અને ખાસ કરીને શિલ્પકળા તેને ખૂબ જ ગમે છે. તે હંમેશા શિલ્પ સંબંધિક કાર્યશાળાઓમાં રચનાત્મક કામગીરી કરતી આવી છે. આવી જ એક કાર્યશાળામાં કામ કરવા દરમિયાન તેમના મગજમાં વિચાર આવ્યો કે ભારતમાં ઓનલાઈન શિલ્પકળાના નમૂના પહોંચાડનાર એકપણ સપ્લાયર કે વેબપોર્ટલ નથી જ્યાં શિલ્પકારો અને શિલ્પના શોખીનો બંનેને ગુણવત્તા અને સંતોષ મળી રહે.

ડિજિટલ મીડિયાનો વ્યાપક અનુભવ ધરાવનારા ધીરેન્દ્રએ આ વ્યાપારની ટેકનિકલ બાબતો સંભાળવાનું કામ કર્યું. આ પહેલાં તે કેનેડામાં એક ઈ-ગવર્નન્સ યોજના સાથે જોડાયેલા હતા તથા શાદી ડોટ કોમ અને શેરખાન ડોટ કોમ જેવા ભારતના ટોચના વેબપોર્ટલ સાથે પણ કામ કરી ચૂક્યા હતા. પોતાની અંતિમ કામગીરીમાં તેમણે આઈબીએમ ઈન્ડિયાના કન્ટ્રી લિડર તરીકે ફરજ બજાવી હતી.

image


ધીરેન્દ્ર જણાવે છે, "આઈબીએમ સાથે જે અંતિમ કામ કર્યું તેમાં મને ઘણું શીખવા મળ્યું અને તેના કારણે જ ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રમાં ઝંપલાવવા માટેનો આત્મવિશ્વાસ કેળવી શક્યો. આધુનિક સમયની ક્વિલિંગ અને પંચ ક્રાફ્ટ જેવા રેઝ ક્રાફ્ટ હોય કે પછી કૃત્રિમ ફૂલો બનાવવા અને ઘરેણાં બનાવવાના સદાબહાર ગણાતા ક્રાફ્ટ હોય, વિશેષ સાધનો કે પછી પારંપરિક સાધનો, ક્રાફ્ટગલી પોતાના ગ્રાહકોને તેમની પસંદગીના શિલ્પો તેમના સુધી સરળતાથી પહોંચાડી આપી છે. એક બૂટસ્ટ્રેપ્ડ કંપની જેની પાસે 50 કરતા વધારે રંગોને ગૂંથી શકાય તેવા કાગળ, 15 પ્રકારની કાનની બુટ્ટીઓ અને 40થી વધુ પ્રકારના પરાગ ઉપલબ્ધ છે. ત્યારબાદ તેમની પાસે શિલ્પકળાની દુનિયામાં ઉપલબ્ધ ટ્રેન્ડને પૂરા કરનારી પોતાની રીતે વિકસાવેલી અનેક પ્રકારની કિટ છે."

ઉદાહરણ તરીકે તેમની પાસે કાનના ઝુમખા (બુટ્ટી) તૈયાર કરવા માટેની કિટમાં એવા તમામ સાધનો ઉપલબ્ધ છે જેની મદદથી કોઈપણ પ્રકારના ગુંથણ દ્વારા સુંદર ઝુમખા તૈયાર કરી શકાય છે.

ધીરેન્દ્ર કહે છે, "જ્યારે અમને પહેલો ઓનલાઈન ઓર્ડર મળ્યો તે ખૂબ જ સુખદ ક્ષણ હતી અને ત્યાર પછી અમારી સફર ખૂબ જ રોમાંચક રહી. જ્યારે અમારું ધ્યાન તેના પર ગયું કે અમે ભારતના દરેક રાજ્ય સુધી પહોંચી ગયા છીએ અને પોતાના સામાન અને સફળતાને પહોંચાડી શકવા સક્ષમ બન્યા છીએ ત્યારે અમને ખૂબ જ સંતોષ થયો હતો. આ સફર દરમિયાન અમને ઘણું શીખવા મળ્યું અને ખાસ બોધપાઠ તો એ મળ્યો કે વાયદો કર્યો છે તો સમયસર પૂરો કરવો. અમે આજે પણ એ જ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે અમારી ટીમ નિશ્ચિત સમયમાં ગ્રાહકને ત્યાં ઓર્ડર કરેલી વસ્તુ પહોંચાડી આવે."

પોતાના પ્રારંભિક સમયમાં ક્રાફ્ટગલીને ઈટ્સીબિટ્સી ડોટ ઈન, ધ હોબી અને આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ મેગાસ્ટોરની કટ્ટર પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડે છે. તેઓ પણ પોતાની પાસે રહેલી વિશાળ પ્રોડક્ટના કારણે ક્રાફ્ટગલીની સાથે જ આ ક્ષેત્રમાં ટોચના પ્લેયર તરીકે ઉભરી રહ્યા છે. ક્રાફ્ટગલીની ઓનલાઈન ઉપસ્થિતિ જ તેને આ સ્પર્ધકોથી એકવેંત ઉંચું રહેવામાં મદદ કરે છે અને હવે તેઓ ઓફલાઈન સ્ટોર ખોલવાની પણ તૈયારી કરી રહ્યા છે.

ક્રાફ્ટગલીના પણ બંને સ્થાપકો એમ માને છે કે તેમની અત્યાર સુધીની સફર ખૂબ જ સારી અને ચઢાવઉતાર સાથેની રહી. ધીરેન્દ્ર વધુમાં જણાવે છે, "જ્યારે અમને અમારો 10 હજારમો ઓર્ડર મળ્યો ત્યારે અમે સંતુષ્ટ હતા પણ અમારા મનમાં 20 હજારનો ઓર્ડર લેવાની અધિરાઈ આવવા લાગી અને આ રીતે અમે અનેક પડકારોનો સામનો કર્યો. પોતાની સાથે કામ કરવા માટે અત્યંત પ્રભાવશાળી પ્રતિભાઓ શોધવાથી માંડીને ગ્રાહકોને સંતોષ મળે તે માટે ઈ-મેઈલ સુધી દરેક નાની નાની પણ મહત્વની બાબતોનું ધ્યાન રાખવાથી અમને આગળ વધવામાં મદદ મળી છે."

બંને સ્થાપકો સ્વીકારે છે કે શરૂઆતના તબક્કામાં આ કામ શરૂ કરતી વખતે તેમના મનમાં ખચકાટ હતો પણ હવે તે પોતાના નિર્ણય પર ગર્વ અનુભવે છે. એ વાત પણ એટલી જ વાસ્તવિક છે કે તેઓ તમામ પડકારોનો સામનો કરતા કરતા અને બીજા કરતા કંઈક અલગ કરવામાં સફળ રહ્યા અને સૌથી મહત્વનું કે તેમને આ કામ કરવાનો આત્મસંતોષ છે.

image


કંપની પાસે ભવિષ્યના આયોજનોની લાંબી યાદી છે અને હાલમાં તો તેઓ એક મોબાઈલ એપ્લિકેશનની પ્રક્રિયામાં વ્યસ્ત છે જે શિલ્પના શોખીનો માટે વરદાનરૂપ રહેશે. એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરનારા લોકો માટે ક્રાફ્ટગલીની મોબાઈલ એપ છે જે ગૂગલ પ્લેસ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. તે ઉપરાંત તેઓ ઘણી નવી બાબતો લાવવાની તૈયારીમાં છે જેનાથી શિલ્પકારો અને શિલ્પના શોખીનો બધાને મદદ થશે.

અંતે બંને જણાવે છે, "અમારો ઉદ્દેશ દરેક તબક્કે શિલ્પકારોની મદદ માટે બનતા તમામ પ્રયાસ કરવાનો અને સાધનો ઉપલબ્ધ કરાવવાનો છે જેની મદદથી તે પોતાની સર્જનાત્મક ક્ષમતાનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરવા સક્ષમ બને."

લેખક- સસ્વતી મુખર્જી

અનુવાદક- મેઘા શાહ