સંપાદનો
Gujarati

ભારતીય પ્રેસ સામે રહેલું અંતરાત્માનું સંકટ!

17th Oct 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ દેશમાં લાદવામાં આવેલી કટોકટી એ ભારતના ઇતિહાસનું સૌથી કાળું પ્રકરણ છે. તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ, ત્યારે રાષ્ટ્રીય સુરક્ષાના નામે દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો સસ્પેન્ડ કરી નાખ્યા હતા. વિરોધને નિર્દયી અને ક્રૂર રીતે કચડી નાખવામાં આવતો હતો અને સેન્સરશિપે પ્રેસની સ્વતંત્રતાને પાંગળી બનાવી દીધી હતી. વિપક્ષના તમામ ટોચના નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જનતા પાર્ટી સરકારે કટોકટીની તપાસ માટે નિમેલા શાહ કમિશનના રિપોર્ટમાં જણાવેલી વિગતો અનુસાર, ભયાવહ મિસા કાયદા હેઠળ 34988 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 75818 લોકોને ડિફેન્સ ઑફ ઇન્ડિયા રૂલ્સ હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા.

image


કટોકટી દરમિયાન, પ્રેસની સ્વતંત્રતાને થયેલું નુકશાન સૌથી મોટું નુકશાન હતું. વિપક્ષની ગેરહાજરીમાં, જે પ્રેસે વિપક્ષની ભૂમિકા ભજવવી જોઇતી હતી, તે થોડો ઘણો ગણગણાટ પણ કર્યા વિના ખૂણે ધકેલાઇને બેસી રહી હતી. અલબત્ત થોડાકે અવાજ જરૂર ઉઠાવ્યો હતો. તત્કાલિન સૂચના અને પ્રસારણ પ્રધાન એલ.કે. અડવાણીએ પ્રેસની વર્તણૂક વિશે એક આગાહી સૂચક નિવેદન કર્યુ હતું. તેમણે કહ્યું હતું,

"પ્રેસને નમવા કહેવાયું હતું અને તે ઘુંટણિયે ચાલવા લાગી હતી."

આજે જ્યારે હું પ્રેસને જોઉ છું, ત્યારે મને અડવાણીના તે શબ્દોની યાદ આવે છે. પણ આ વખતે ફરક છે. આજે, દેશમાં કટોકટી નથી, મૂળભૂત અધિકારોને સસ્પેન્ડ નથી કરાયા, વિપક્ષ જેલમાં નથી તેમજ પ્રેસની સ્વતંત્રતા અકબંધ છે પરંતુ આજના મીડિયાના આચરણ વિશે ગંભીર સવાલો ઊભા થયા છે. મીડિયાના એક વર્ગે પોતાની વિશ્વસનિયતા ગુમાવી દીધી છે અને તે નિષ્પક્ષ ના હોય તેવા પત્રકાર તરીકે કામ કરે છે.

આ વધુ આશ્ચર્યજનક લાગે છે, કારણ કે આજે વિશ્વ વધારે મુક્ત અને ખુલ્લુ છે. માહિતીનો પ્રસાર ત્વરીત છે. તેનો પ્રસાર આટલો વ્યાપક આ પહેલા ક્યારેય નહતો. શ્રોતાઓ વૈશ્વિક છે. અને આજે કોઇપણ રિપોર્ટર બની શકે છે. 1975માં ટેલિવિઝન નહોતું અને આજે એકલા ભારતમાં 800 કરતા પણ વધારે ચેનલો છે. અખબારો પણ છે. એક એવો પણ સમય હતો જ્યારે રાષ્ટ્રીય અખબારોની જૂજ આવૃતિઓ હતી. આજે તમામ રાષ્ટ્રીય અખબારો દેશના તમામ ખૂણા સુધી પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છે. દૈનિક ભાસ્કર જેવું અખબાર પચાસ કરતા વધારે આવૃતિઓ ધરાવે છે. દરેક શહેર અને પ્રત્યેક પડોશી વિસ્તાર પોતિકા સામયિક માટે પ્રયાસરત છે.

વળી હવે સોશિયલ મીડિયાનો પણ રાફડો ફાટ્યો છે. ટેક્નોલોજીકલ હસ્તક્ષેપે અહીં એક નવો આયામ ઉમેર્યો છે, જે કોઇપણ તંત્રીની પહોંચથી દૂર છે. હવે સોશિયલ મીડિયા રિપોર્ટર એ તંત્રી સુદ્ધા છે. અને વળી અહીં સમાચારોની પસંદગી અંગે કોઇ નિયંત્રણ નથી કે નથી એવા કોઇ માર્ગદર્શક સિદ્ધાંતો કે જેને અનુસરવાના હોય. આમ સત્તાવાર પ્રેસ સામે આ સોશિયલ મીડિયા પત્રકારત્વ નામક આ નવા પશુ, જે અવરોધ વિહિન, અનિયંત્રિત અને બિન સત્તાવાર છે અને જેને કોઇપણ રીતે પ્રેસ ના કહી શકાય, તેના ફેલાવા સામે પોતાની ગતિ જાળવવાનો મોટો પડકાર રહેલો છે.

ભારતીય મીડિયામાં આ નવી ન્યૂઝ ઇકોસિસ્ટમમાં ખાસ કરીને ટીવી પત્રકારત્વ પણ એક નવું વ્યાકરણ તૈયાર કરવા માટે પ્રયાસરત છે. પાછલા થોડા વર્ષો દરમિયાન ટીવી પર સમાચારો, પરંપરાગત પત્રકારત્વના ગુરુઓ જે કહી ગયા હતા તેમ, તટસ્થ કે નિષ્પક્ષ રહ્યા નથી. પરંપરાગત અથવા તો આદર્શ ન્યૂઝ રિપોર્ટિંગને હવે નિરસ, સાલસ અને ઊર્જા વિહિન માનવામાં આવે છે. આજના ન્યૂઝ રિપોર્ટમાં વ્યૂ પોઇન્ટ હોવો જોઇએ. જ્યારે પરંપરાગત કે આદર્શ પત્રકારત્વે આવા અભિપ્રાયો કે મંતવ્યોને તંત્રી પાના કે અભિપ્રાય પાના પૂરતા મર્યાદિત રાખ્યા હતા. ટીઆરપી માટે ઉંદર-બિલાડીની આ રમતનું પરિણામ આ આવ્યુ છે કે, હકીકત કે વાસ્તવિકતાની વારંવાર ખરાઈ કરવાના મુખ્ય સિદ્ધાંતની બલિ ચઢી ગઇ છે. ઝડપ એ નવા પત્રકારત્વનો નવો મંત્ર છે. સમાચારો માત્ર ગણતરીની પળોનું જ જીવન ધરાવે છે. દરેક ઘડીએ નવા સમાચારો હોવા જોઇએ. અહીં વિરોધાભાસ પણ છે. વારંવાર જોવા મળ્યુ છે કે લોકોનું ધ્યાન ખેંચવા માટે એક ન્યૂઝ રિપોર્ટ જે લોકોનું ધ્યાન ખેંચવાની સંભાવના ધરાવતો હોય છે, તેને વારંવાર દર્શાવાય છે અને તે પણ ઘણી રીતે કે જેના કારણે તે પોતાના વાસ્તવિક આકારને ગુમાવી બેસે છે.

તેમ છતાં વ્યાપક સર્વસંમતિ હતી. ટીવી એક રીતે ધર્મનિરપેક્ષ, આધુનિક, મવાળવાદી અને જનતા તરફી હતું. આ સર્વસંમતિએ ક્યારેય કોમવાદને સમર્થનને આપ્યુ નહોતું, ન તો તેણે સાંપ્રદાયિક લાગણીઓને વિકસવા દીધી હતી.. તેણે હંમેશા અસંતોષના અવાજનું સન્માન કરીને અસહમતિને આવકારી હતી, વિચક્ષણ અને સૂઝબૂઝવાળા અવાજ માટે લડી છે અને હિંસક વિચારધારાનો વિરોધ કર્યો છે. આ સર્વસંમતિ વત્તા ઓછા અંશે ડાબેરી વિચારધારાથી પ્રેરિત હતી. પણ તાજેતરના સમયમાં તે સહમતિ તૂટી ગઇ છે. હાલ દેશમાં કટ્ટર રાષ્ટ્રવાદી વિચારધારા પર ચર્ચાનો પ્રાર્દુભાવ થયો છે.

જમણેરી વિચારધારાના હોવામાં ખોટુ કંઇ નથી. અમેરિકા અને રશિયા જેવી લોકશાહીઓમાં ખૂબ જ કટ્ટર જમણેરી વિચારધારા અને ચર્ચા જોવા મળે છે. પરંતુ ભારતમાં આ નવો પ્રવાહ છે. સામ્યવાદની જેમ આ રાષ્ટ્રવાદ વિશે કોઇ માળખાબદ્ધ અભિપ્રાય કે મત નથી. તે મોટાભાગે આરએસએસની વિચારધારાથી પ્રેરિત કે માર્ગદર્શિત થાય છે. તે ખુલ્લેઆમ ધર્મનિરપેક્ષતાને પડકારે છે. કારણોને સ્થાને તે લોકોની ભાવનાઓને અપીલ કરવાનું પસંદ કરે છે. રાષ્ટ્રવાદ તેમની ઓળખ બની ગયો છે. તેની સાથે કોઇ પણ પ્રકારે અસહમતિ કે અલગ અભિપ્રાય ને રાષ્ટ્રવિરોધી જાહેર કરવામાં આવે છે. અને તે બૌદ્ધિક અને સ્વસ્થ વિચારધારા માટે રહેલા સ્થાન અને મુક્ત અને ખુલ્લી ચર્ચા માટેની તકોને હણે છે. આજે ઊંચા અવાજે બોલવાની શક્તિનું જોર છે. ટીવી સ્ટૂડિયો આભાસી યુદ્ધ ક્ષેત્રમાં બદલાઇ ગયા છે જ્યા દરેક મિનિટે વ્યક્તિએ દેશ પ્રત્યે પોતાના પ્રેમને સાબિત કરવાનો હોય છે.

પરંતું સૌથી મોટો ખતરો તો ઓછાયા હેઠળ સંતાયેલો છે – પક્ષપાતી થવાની વૃત્તિ બહુમતિવાદને પ્રોત્સાહન આપી રહી છે, તે લઘુમતિઓ અવાજની કતલ કરી રહી છે, તે લોકોની લાગણીને નવી ઊંચાઇ સુધી ઉશ્કેરે છે, જે ભારત જેવા વૈવિધ્યતાપૂર્ણ સમાજમાં ઘાતકી સાબિત થઇ શકે છે. તે અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારને અવરોધે છે. સરકારના અભિપ્રાયને અબાધ્ય અને પવિત્ર માનવામાં આવે છે અને સત્તામાં ટોચના સ્થાને રહેલા લોકો ઠપકાથી પર છે. એક સમય એવો પણ હતો જ્યારે વડાપ્રધાનને પણ નહોતા છોડાયા, સૌથી શક્તિશાળી પ્રધાનની આકરામાં આકરી ટીકા કર્યા બાદ પણ, એક પત્રકાર સારી રીતે ઊંઘ લઇને બીજા દિવસે પોતાની નોકરી ગુમાવવાના ભય વિના ઓફિસે જઇ શકતો હતો. પણ આજે તેવું લાગતુ નથી. આજે સર્વત્ર ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હું આને ખાસ કરીને અભિવ્યક્તિ સ્વતંત્રતા અને લોકશાહી માટે ધીમું ઝેર કહું છું.

હું આમ નહીં કહું કે પત્રકારત્વ સામે ખતરો છે. બલકે આમ કહેવાનું પસંદ કરીશ કે આજે ટીવી સ્ટુડિયોએ નવું સંકટ પેદા કર્યુ છે. તે અંતરાત્માનું સંકટ છે. તે અભિવ્યક્તિની સ્વતંત્રતાના આધાર પર પ્રહાર કરે છે. જો તંત્રીઓ અને રિપોર્ટરો પત્રકારત્વના નૌતિક મૂલ્યોને સ્થાને તેમના પગાર-ભથ્થા વિશે વધારે ચિંતિત રહે, અને ખુલ્લેઆમ સત્તાના દબાણ હેઠળ આવી જાય તો, તે વધારે ગંભીર વ્યાકુળતાની બાબત છે. સદ્ભાગ્યે, અખબારો હજુ પણ વધારે ગતિશીલ છે. ડિજિટલ પત્રકારત્વ નવો આધાર મેળવી રહ્યું છે. ટીવી વધુ શક્તિશાળી છે પણ તે રોજ નાગરિકોની નજરમાં પોતાનું સન્માન ગુમાવી રહ્યું છે. પત્રકારો માટે વિશ્વસનિયતા એ એક જ ચલણ છે જે તેને તરતું રાખવા જરૂરી છે. ટીવીમાં તે બાબત સંકોચાઇ રહી છે. અમુક ન્યૂઝ પોર્ટલો નિર્ભિક પત્રકારત્વના ક્ષેત્રે નવા આયામો સ્થાપિત કરી રહી છે. તેમણે નવી ક્ષિતિજો ખોલી છે. ભવિષ્ય ત્યાં રહેલું છે, અને સેલિબ્રિટી એન્કરોએ આ સમજવાની જરુર છે. અને તેમના આકાઓએ પણ આ વાત સમજવી જોઇએ, જે વાત અટલ બિહારી વાજપેયીએ લાંબા સમય પહેલા કહી હતી,

“લોકશાહી એ 51 અને 49ની રમત નથી લોકશાહી અસલમાં નૈતિક સિસ્ટમ છે. સંસદ નિયમો અને કાયદાઓનો કોર્ટરૂમ નથી જ્યાં શબ્દોનું વિશ્લેષણ કરાતું હોય. બંધારણ અને કાયદાઓ મહત્વપૂર્ણ છે પણ જો લોકશાહીને માત્ર માળખું, વિધિ કે ક્રિયાકલાપમાં પરિવર્તિત કરાશે અને તે પોતાની પાયાની ભાવનાને ગુમાવવી શરૂ કરશે, તો સમસ્યા સર્જાશે. અને તેમ ના થાય તે જોવાની આપણા સૌની ફરજ છે."

લેખક પરિચયઃ આશુતોષ

આશુતોષ ટીવીના ભૂતપૂર્વ એન્કર, પત્રકાર છે. તેઓ અત્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે.

(અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે.)

અનુવાદક- YS ટીમ ગુજરાતી

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags