સંપાદનો
Gujarati

વિશેષ: વિકલાંગતાને હડસેલી ધરમવીરે લખી પોતાની તકદીર, બની ગયો ભારતીય ક્રિકેટ ટીમનો લાડકો

3rd Dec 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

જો તમે ક્યારેય ટીવી પર કે સ્ટેડિયમમાં બેસીને ભારતીય ટીમની ક્રિકેટ મેચ જોતી વખતે તમને બે હાથ તથા બે પગ વડે સ્ટેડિયમની બાઉન્ડ્રી લાઇન પર ઘસડાતી કોઇ વ્યક્તિ જોવા મળે તો ચોંકી ન જતા તે જ ભાઇનું નામ ધરમવીર પાલ છે કે જે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ટીમના 12મા ખેલાડી તરીકે ઓળખાય છે!

image


વિકલાંગતા, એક એવો શબ્દ કે જે સાંભળ્યા બાદ સેવેલા સપના પૂરા કરવા માટેનો અડધો જુસ્સો તો ત્યાં જ મરી જાય. સપના તો પૂરા કરવા હોય પરંતુ શરીર સાથ ન આપતું હોવાથી તે સપના જીંદગીભર અધૂરા જ રહી જાય છે. આવું જ એક સપનું જોયું હતું મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેર પાસે આવેલા મોરેના ગામના એક વિકલાંગ વ્યક્તિ ધરમવીર પાલે. ધરમવીર પાલ શરીરથી 80 ટકા જેટલો વિકલાંગ છે પરંતુ તેના સપના ઉંચા હતા. તે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવા માગતો હતો પરંતુ તેના સપના તથા હકીકત વચ્ચે વિકલાંગતા મોટો ભાગ ભજવતી હતી.

image


કોઇ પણ સ્પોર્ટ્સ રમવા માટે શરીર એકદમ ફિટ હોવું જરૂરી છે પરંતુ બંને પગે પોલિયો ધરાવતા ધરમવીર પાલ માટે સ્પોર્ટ્સ કક્ષેત્રે આગળ વધવું લગભગ મુશ્કેલ જ હતું. જોકે તેણે નિર્ધાર કર્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમમાં ખેલાડી તરીકે સ્થાન નહીં મેળવી શકે તો એક પ્રશંસક તરીકે ટીમનો ઉત્સાહ વધારીશ. ધરમવીરનો આ ઉત્સાહ તથા જુસ્સો જોઇને તકદીરે પણ તેને સાથ આપ્યો અને અત્યારે ધરમવીરની ક્રિકેટની રમતમાં દુનિયાની લોકપ્રિયમાંની એક ભારતીય ક્રિકેટ ટીમના સૌથી મોટા ચાહકોમાં તેની ગણતરી થાય છે.

image


કોણ છે ધરમવીર પાલ?

ધરમવીર પાલ મધ્ય પ્રદેશના મોરેના જિલ્લાના પીપાસરા ગામનો રહેવાસી છે. માત્ર આઠ મહિનાની ઉંમરે તાવમાં પટકાયા બાદ સારવાર કરી રહેલી નર્સે ખોટું ઇન્જેક્શન આપતા ધરમવીરના બંને પગે પોલિયો થઇ ગયો હતો. ફક્ત આઠ મહિનાની ઉંમરે જ શરીરમાં વિકલાંગતા આવી જતા ધરમવીરના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. વિકલાંગ ધરમવીર ધીરે ધીરે મોટો થયો અને તે ક્રિકેટની રમતમાં રૂચિ રાખવા લાગ્યો હતો. મિત્રોને ક્રિકેટ રમતા જોઇ ધરમવીરને પણ ક્રિકેટ રમવાની ઇચ્છા થતી હતી પરંતુ વિકલાંગતા તેના આડે આવતી હતી. જોકે ધરમવીરે હાર ન માનતા ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ધરમવીરની મહેનત રંગ લાવી અને તે મધ્ય પ્રદેશની વિકલાંગ ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો. જોત જોતામાં ધરમવીરને ભારતની વિકલાંગ ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું હતું.

image


ગરીબીના કારણે દિલ્હી જઇને હોટેલમાં કામ કર્યું!

વિકલાંગ ધરમવીરને ભારતની વિકલાંગ ક્રિકેટ ટીમમાં સ્થાન તો મળ્યું હતું પરંતુ ગરીબીના કારણે તેણે દિલ્હી જઇને નાની મોટી નોકરી કરવા અંગે વિચાર્યું હતું. ધરમવીરે દિલ્હીના નિઝામુદ્દીન સ્ટેશન પાસે આવેલી એક હોટેલમાં બે મહિના કામ કર્યું અને ત્યારબાદ ઘરે જવા નિકળેલા ધરમવીરે રેલવે સ્ટેશન પર એક અખબારમાં વાચ્યું કે મોહાલીમાં ભારતીય ક્રિકેટ ટીમની મેચ રમાઇ રહી છે. ધરમવીરે ક્યારેય ભારતીય ક્રિકેટ ટીમની મેચ સ્ટેડિયમમાં બેસીને જોઇ નહોતી. તેથી તેને તે મેચ સ્ટેડિયમમાં બેસીને જોવાની ઇચ્છા જાગી પરંતુ ધરમવીરના જણાવ્યા પ્રમાણે તેને એ પણ ખબર નહોતી કે મોહાલી ભારતના ક્યાં ભાગમાં આવ્યું. રેલવે સ્ટેશન પર કોઇને પૂછતા ખબર પડી કે તે ચંદિગઢની આસપાસ આવ્યું છે. તેથી ધરમવીર ચંદિગઢ જતી ટ્રેનમાં બેસી ગયો. વિકલાંગ એવો ધરમવીર સ્ટેડિયમ પર પહોંચ્યો પરંતુ તેને સ્ટેડિયમની અંદર જવા માટે એન્ટ્રી ન મળી.

image


પિચ ક્યુરેટર દલજીત સિંહે ધરમવીરને પ્રથમ વખત એન્ટ્રી અપાવી

સ્ટેડિયમની અંદર ન જવા મળતા નિરાશ ધરમવીર ત્યાં જ બેસી રહ્યો હતો ત્યારે એકાએક મોહાલીના પિચ ક્યુરેટર દલજિત સિંહનું ધ્યાન તે વિકલાંગ છોકરા પર ગયું અને તેમણે તેને મેચ બતાવવાનું વચન આપ્યું. બીજા દિવસે દલજીત સિંહ તેને સ્ટેડિયમમાં લઇ ગયા અને ધરમવીરે સમગ્ર મેચ સ્ટેડિયમની બાઉન્ડ્રી લાઇન પાસે બેસીને નીહાળી. ધરમવીરે પ્રથમ વખત કોઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ સ્ટેડિયમમાં બેસીને જોઇ હતી.

image


વર્ષ 2006માં પ્રથમ વખત એક્રિડેશન કાર્ડ બન્યું!

ધરમવીરે આ અંગે જણાવે છે, 

“2006માં ફરીદાબાદ ખાતે ભારત તથા ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ હતી. ત્યારે બોર્ડ દ્વારા મારું બોલ-બોયનું એક્રિડેશન કાર્ડ બનાવવામાં આવ્યું હતું. તે મેચમાં હરભજનસિંહનું મારા પર ધ્યાન ગયું હતુ અને તેણે મને 1000 રૂપિયાની નોટ આપી હતી. મેચ બાદ યુવરાજસિંહે મને મળવા બોલાવ્યો હતો અને મને વચન આપ્યું હતું કે હવે પછીની તમામ મેચીસનો ખર્ચો ટીમના ખેલાડીઓ પોતે જ ઉઠાવશે.” 
image


ધરમવીરે વધુમાં જણાવ્યું હતું કે ટીમનો દરેક ખેલાડી તેની આર્થિક મદદ કરે છે. એનાથી તે ટીમની સાથે દરેક શ્રેણીમાં જોડાઇ શકે છે. ખેલાડીઓ તેનો હોટેલનો, ટ્રાવેલિંગનો ખર્ચો ઉપાડે છે. તે તમામ ખેલાડીઓ પાસેથી જાતે જ પોતાના ખર્ચા માટે પૈસા માગી લે છે પરંતુ સચિન તેંડુલકર પાસેથી તેણે આજ સુધી એક પણ રૂપિયો માંગ્યો નથી કારણ કે સચિન પાસેથી કંઇ માગવાની તેને જરૂર જ પડતી નથી. સચિન સામેથી જ તેની મદદ કરી દે છે.

ભારતીય ટીમ સાથે અનોખો નાતો!

ભારતીય ટીમની કોઇ પણ આતંરરાષ્ટ્રીય વન ડે મેચ વખતે બાઉન્ડ્રી લાઇન પર બેસેલા ધરમવીર પાલને લોકો ભારતીય ટીમના 12 ખેલાડી તરીકે ગણે છે. કોઇ પણ ખેલાડીને વોટરબોટલ અથવા અન્ય કોઇ સામાનની જરૂર પડે તો ધરમવીર તરત જ તેમના માટે હાજર હોય છે. તેથી જ ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ તેની મદદ કરવામાં જરાય આનાકાની કરતા નથી.

image


અત્યાર સુધીમાં 200 વન-ડે, 65 ટેસ્ટનો સાક્ષી!

ધરમવીર પાલે અત્યાર સુધીમાં ભારતની 200થી વધુ વન-ડે ઇન્ટરનેશનલ મેચ, 65 જેટલી ટેસ્ટ મેચ, 14 ઇન્ટરનેશનલ ટી20 મેચ તથા આઇપીએલની તમામ 8 સિઝનની મેચો સ્ટેડિયમની બાઉન્ડ્રી લાઇન પર બોલ-બોય બનીને નિહાળી છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ ખાતે રમાયેલા વન-ડે વર્લ્ડ કપ, 2009માં સાઉથ આફ્રિકામાં રમાયેલી આઇપીએલ તથા 2014માં બાંગ્લાદેશ ખાતે રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સાથે જોડાઇ ચૂક્યો છે.

image


યુવરાજ સિંહની લાંબી ઉંમર માટે ટ્રાઇસિકલ પર વૈષ્ણોદેવીના દર્શન

ધરમવીર પાલના સપનાં પૂરા કરવામાં સૌથી મોટો જો કોઇનો ફાળો હોય તો એ છે યુવરાજસિંહ. યુવરાજસિંહ ધરમવીરને નાના ભાઇ જેવો માને છે. તો બીજી તરફ ધરમવીરને જ્યારે ખબર પડી કે યુવરાજને કેન્સર છે તો તે યુવરાજસિંહની સલામતીની દુઆ માગવા માટે મોરેનાથી ટ્રાઇસિકલ લઇને વૈષ્ણોદેવીના દર્શને ગયો હતો. આ યાત્રા તેણે 15 દિવસમાં પૂરી કરી હતી.

image


3 ડીસેમ્બરના દિવસને ‘ઇન્ટરનેશનલ ડે ઓફ પિપલ વિથ ડીસેબિલીટી’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. જેને ‘ડીસેબિલીટી ડે’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે દુનિયાભરના ડિસેબલ (વિકલાંગ) લોકોને લગતા મુદ્દાઓ અને સમસ્યાઓ પર ચર્ચા કરી, વિવિધ આયોજનો કરી તેમના જીવનને વધુ સરળ બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે ‘YourStory ગુજરાતી’ પણ આજના દિવસે ગુજરાતના એવા લોકોના જીવનની સંઘર્ષગાથા તમારા સુધી લાવી રહ્યું છે જેઓ સૌ કોઈથી એકદમ અલગ રીતે જ કાર્યક્ષમ છે અને ભલભલાને શરમાવી દે તેવો જુસ્સો અને કલા-કારીગીરી ધરાવે છે. આ છે ‘The story of Differently abled’.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags