ફેશન ડિઝાઈનિંગનું કામ છોડી શ્વેતાએ શરૂ કર્યું બકરીપાલન, આજે 25 લાખથી વધુ ટર્નઓવર

ફેશન ડિઝાઈનિંગનું કામ છોડી શ્વેતાએ શરૂ કર્યું બકરીપાલન, આજે 25 લાખથી વધુ ટર્નઓવર

Tuesday August 29, 2017,

4 min Read

સમાજમાં બદલાવ ધીરે-ધીરે પણ ચોક્કસપણે આવી રહ્યો છે. અને આ બદલાવનું આગવું ઉદાહરણ છે શ્વેતા તોમર. શ્વેતાએ નિફ્ટ જેવા સર્વશ્રેષ્ઠ ફેશન ડિઝાઈનિંગ ઇન્સ્ટીટયુટથી અભ્યાસ કર્યો છે અને હવે તેઓ ઉત્તરાખંડના પોતાના ગામમાં બકરીપાલનનો વ્યવસાય કરી રહી છે! 
image


શ્વેતાના ફાર્મમાં અલગ અલગ જાતિની 100થી વધુ બકરીઓ છે. જેમાં સિરોહી, બરબરી, જમના પારી તેમજ તોતા પારી બ્રીડની 5 હજારથી લઈને 1 લાખ સુધીની બકરીઓ હાજર છે. 

કોઈ પણ ભણેલી-ગણેલી વ્યક્તિને બકરીપાલન જેવો વ્યવસાય શરૂ કરવાનું કહેવામાં આવે તો કોઈ પણ નાકનું ટેરવું ચડાવશે. સમાજની હકીકત તો એ જ છે કે પશુપાલન કે ખેતી સાથે જોડાયેલા કામોને ઉતરતું ગણવામાં આવે છે. પરંતુ સમાજમાં બદલાવ આવી રહ્યો છે. ધીરે-ધીરે પણ મક્કમ ગતિએ આ બદલાવ આવો રહ્યો છે. અને આ જ બદલાવનો પર્યાય છે શ્વેતા તોમર.

આ બદલાવની શરૂઆત થઇ હતી 2015 જ્યારે શ્વેતાના લગ્ન થયા અને તેમણે પોતાના પતિ સાથે બેંગલુરુ શિફ્ટ થવું પડ્યું. તે પહેલાં તેઓ એક સફળ ફેશન ડીઝાઈનર હતાં. બેંગલુરુ આવ્યા બાદ તેઓ હંમેશાથી પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારતા. તેમને ઘરે ખાલી બેસી રહેવું નહોતું ગમતું. એક વાર તેઓ પોતાના પતિ સાથે ફરવા ગયા અને ત્યાં બકરીઓનું એક ફાર્મ જોયું. તેમને ત્યાં બકરીઓ સાથે સમય વિતાવવાનું ઘણું પસંદ પડ્યું. ત્યારબાદ ખાલી સમયમાં તેઓ બકરીઓના ફાર્મ પર જવા લાગ્યા અને બકરીપાલનને લગતી તમામ જાણકારીઓ ભેગી કરવા લાગ્યા.

લગભગ એક વર્ષ સુધી શ્વેતાએ આ જ ફાર્મમાં બકરીપાલનનો અનુભવ લીધો. જ્યારે તેમને આત્મવિશ્વાસ આવ્યો કે આ કામ તેઓ સારી રીતે કરી શકે છે ત્યારે પોતાના પતિ રોબિન સ્મિથને આ વાત કહી. તેમણે ખુશી-ખુશી શ્વેતાના આ કામ કરવા પર પોતાની પસંદ જણાવી. 

શ્વેતાનો જન્મ એક ગામમાં થયો છે અને ત્યાં જ મોટી થઇ. તેમને પણ આ વાત સારી રીતે ખબર હતી આ કામ કોઈ શહેરમાં શરૂ નહીં કરી શકાય. તેમણે બેંગલુરુની આરામદાયક જિંદગી છોડીને ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનની પાસે રાનીપોખરી નામના એક ગામમાં આ કામ શરૂ કરવાનો નિર્ણય લીધો. શ્વેતાએ રાનીપોખરીમાં બકારીપાલન શરૂ કરવા પોતાની જમા પૂંજી લગાવી દીધી. તેમણે મોટા લેવલ પર આ બિઝનેસ શરૂ કરવા બેંકમાંથી લોન લીધી.

તેઓ કહે છે કે તેમના આ નિર્ણયથી શરૂઆતમાં તો સૌ અચંબામાં પડી ગયા હતાં પરંતુ તેમનું સમર્પણ જોઇને સૌએ તેમના મનનું કામ કરવાની ઈચ્છા જાહેર કરી. શ્વેતા વધુમાં જણાવે છે,

"જ્યારે તમે સારી રીતે ભણી લો, ત્યારે લોકોને આશા હોય છે કે તમે કોઈ શહેરમાં સારી કંપનીમાં ઊંચા પદે કામ કરશો. એટલે જયારે મેં ગામડે જઈને બકારીપાલનનો બિઝનેસ શરૂ કરવાની વાર રાખી તો કેટલાંયે લોકોએ અમને આમ કરવાની ના પાડી. બધાએ કહ્યું કે ગામમાં કંઈ નથી રાખ્યું. પણ અમે હિંમત ન હાર્યા અને અમારા દિલની વાત સાંભળી." 

શ્વેતાના પિતા પહેલેથી જ પોતાનો બિઝનેસ કરવા માગતા હતાં પણ તેઓ તેમના મનનું કામ નહતા કરી શક્યા. શ્વેતાએ પોતાના પિતાનું સપનું પૂરું કરવા તેમના જ નામે જાનુઆરી, 2016માં 'પ્રેમ એગ્રો ફાર્મ'ની સ્થાપના કરી.

ઉત્તરાખંડના જે વિસ્તારમાં શ્વેતાનું ફાર્મ છે ત્યાં ઘણાં જંગલી જનાવર રહે છે. એટલે શ્વેતાને ચિંતા હતી કે ક્યાંક તે જંગલી જનાવર એ બકરીઓને ખાઈ ન જાય. પરંતુ શ્વેતાએ તેની પરવા કર્યા વગર બેંકથી લોન લઇ 250 બકરીઓની સાથે બિઝનેસની શરૂઆત કરી. 

આજે શ્વેતા બકરીપાલનના કામમાં મહારથ હાંસલ કરી ચૂક્યા છે. તેઓ બકરીઓનું દૂધ કાઢવાથી લીઈને તેમની દેખભાળ અને નાની-મોટી સારવાર કરી લે છે. જરૂરીયાત પડે તો જાતે જ બકરાઓના વેચાણ માટે માર્કેટ લઇ જાય છે. દૂધ સિવાય, બકરીઓનું વેચાણ ઇન્ટરનેટના માધ્યમથી પણ કરે છે. શ્વેતા કહે છે,

"શરૂઆતમાં સરકારી સ્તર પર નાની-મોટી ઘણી મુશ્કેલીઓ આવી પણ સમય-સમય પર પશુપાલન વિભાગનો ભરપૂર સહયોગ મળતો રહ્યો."

રાનીપોખરીમાં શ્વેતાની કામ પ્રત્યેની નિષ્ઠા અને જિંદાદિલીના સૌ કાયલ છે. શ્વેતાને ત્રણ બહેનો છે, તેમને કોઈ ભાઈ નથી. જ્યારે શ્વેતાના પિતાનું નિધન થયું ત્યારે તેમના અંતિમ સંસ્કારનું બધું કામ પણ જાતે જ કર્યું. દીકરાની જેમ તેમણે અને તેમની બહેનોએ તમામ કર્મકાંડ પૂરા કર્યા. આ ક્ષેત્રમાં કોઈ પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યા હોય તેવો આ સૌપ્રથમ કિસ્સો હતો.

શ્વેતા કહે છે કે આજે લોકો અમારા કામના વખાણ કરે છે જે ક્યારેક અમને આ કામ કરતા રોકી રહ્યાં હતાં. તેઓ પોતાના ફાર્મના માધ્યમથી ગ્રામીણ ભાગોમાં બેરોજગારી ઓછી કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. શ્વેતા પોતાના આ બિઝનેસને ઉત્તરાખંડના અન્ય ક્ષેત્રમાં પણ વિસ્તારવા માગે છે. 

ગયા વર્ષે શ્વેતાનું ટર્નઓવર 25 લાખ હતું. તેમના આ ફાર્મમાં 2 પરિવાર કામ કરી રહ્યાં છે. તેઓ ફાર્મની દેખભાળની સાથે બકરીપાલનથી જોડાયેલી જાણકારી પણ આપે છે. જેનાથી સારી એવી આવક થાય છે. શ્વેતા કહે છે કે કોઈ પણ વ્યક્તિ 10-20 બકરીઓ સાથે આ બિઝનેસની શરૂઆત કરી શકે છે. તેના માટે 8-10 લાખ રૂપિયાની જરૂર રહેશે. શ્વેતા કહે છે કે કોઈ પણ કામ નાનું-મોટું નથી હોતું. કોઈ પણ લક્ષ્ય સરળ નથી હોતું. જો તમારામાં સમર્પણની ભાવના હોય તો તમને સફળ થતાં કોઈ નહીં રોકી શકે.


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...