સંપાદનો
Gujarati

વિશેષ: શરીરનો 90 ટકા ભાગ અશક્ત છતાં 110 કિલોનું પાવરલિફ્ટિંગ!

3rd Dec 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

જો કોઇ વ્યક્તિ શરીરથી 90 ટકા જેટલી વિકલાંગ હોય, કમરની નીચેનો ભાગ પોલિયોગ્રસ્ત હોય અને તે વ્યક્તિ પાવરલિફ્ટિંગ કરતો હોય અને તે પણ 10, 20 કે 30 કિલો નહીં પરંતુ 107 કિલોગ્રામ! તો કોઇ આ વાત સ્વીકારવા તૈયાર થાય જ નહીં પરંતુ આ સત્ય છે. અમદાવાદના હરિશ વર્મા કે જે શરીરથી 90 ટકા જેટલા વિકલાંગ છે તેઓ આ કારનામું લગભગ દરરોજ કરે છે. બંને પગ પોલિયોગ્રસ્ત હોવાથી હરીશ જમીન પર ઘસડાઇને ચાલે છે. પણ તે દરરોજ લગભગ 100થી 110 કિ.ગ્રા જેટલું પાવરલિફ્ટિંગ કરે છે.

image


હરિશને બે વર્ષની ઉંમરે તાવ આવ્યો હતો ત્યાર બાદ ડૉક્ટરે ખોટી સારવાર કરતાં હરીશને બંને પગે પોલિયો થઇ ગયો. પોલિયોગ્રસ્ત હરીશને શરીરથી લગભગ 90 ટકા જેટલી વિકલાંગતા આવી ગઇ.

image


કાંકરિયા વ્યાયામ શાળામાં હરીશ બન્યો જીમ ટ્રેઈનર!

ફક્ત બે વર્ષની નાની ઉંમરે વિકલાંગતા આવતા હરીશનું જીવન ધૂંધળું થઇ ગયું પરંતુ માતા પિતા, પરિવારજનો તથા મિત્રોના સહકારથી હરીશે પાવર લિફ્ટિંગ તથા આર્મ રેસલિંગની રમતમાં આગળ વધવા અંગે વિચાર્યું હતું. આ અંગે વાત કરતા હરીશ જણાવે છે, 

“એક વખત હું નાનપણમાં એક મિત્ર સાથે જીમમાં ગયો હતો. ત્યાં જઇને મને પ્રેરણા મળી કે જો સામાન્ય માનવીઓ સ્પોર્ટ્સના ક્ષેત્રમાં કરિયર બનાવી શકતા હોય તો વિકલાંગો આ ક્ષેત્રથી કેમ દૂર રહે? બસ ત્યારથી જ મને સ્પોર્ટ્સમાં આગળ વધવાની પ્રેરણા મળી પરંતુ મારા શરીરનો મોટાભાગનો હિસ્સો વિકલાંગ હોવાથી મેં પાવરલિફ્ટિંગ અને આર્મ રેસલિંગની ગેમ્સમાં આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો.”

આ રીતે હરીશનો સ્પોર્ટ્સની દુનિયામાં પ્રવેશ થયો હતો. હરીશ અત્યારે પણ દરરોજ લગભગ પાવરલિફ્ટિંગ તથા આર્મ રેસલિંગ મળીને ચાર કલાક જેટલી પ્રેક્ટિસ કરે છે અને જેમ જેમ ટૂર્નામેન્ટ નજીક આવતી જાય તેમ તેમ તે પોતાની પ્રેક્ટિસના કલાકો વધારે છે. હરીશ વર્મા હાલમાં કાંકરિયા ખાતે આવેલી વ્યાયામ શાળામાં જીમ ટ્રેઇનરની નોકરી કરે છે.

image


130 કિલો વજન ઉંચકતા આવી પડી નવી મુસીબત!

હરીશની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પસંદગી થાય તે માટે તેણે130 કિ.ગ્રાથી કે તેનાથી વધુ વજન ઉંચકવું પડે તેમ હતું. એક વખત બેન્ચ પ્રેસ કરતી વખતે 130 કિ.ગ્રા જેટલું વજન ઉંચકતા સ્નાયું ફાટી જતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું ઓપરેશન કરવું પડ્યું હતું. ઓપરેશન બાદ હરીશ લગભગ એક વર્ષ સુધી પાવરલિફ્ટિંગ કે આર્મ રેસલિંગની તમામ સ્પર્ધાઓથી દૂર રહ્યા હતાં.

આર્થિક તંગીના કારણે ગેમ છોડી, 4 વર્ષ બાદ પરત ફર્યા!

કોઇ પણ સ્પોર્ટ્સ રમવા માટે તેની પાછળ ઘણાં નાણાની જરૂર પડતી હોય છે. આ ઉપરાંત, પાવર લિફ્ટિંગ તથા આર્મ રેસલિંગ એ એવી ગેમ્સ છે કે જેમાં સતત સારું પ્રદર્શન જાળવી રાખવા માટે તેની ચોક્કસ ટ્રેઈનિંગ, ડાયેટ ફૂડ, એનર્જી ડ્રીંક તથા કસરત કરવી જરૂરી હોય છે પરંતુ અતિ સામાન્ય ઘરમાંથી આવતા હરીશને માટે આ બધો ખર્ચો પરવડે તેમ નહોતો. તેથી જ આ ગેમ્સથી લગભગ ચાર વર્ષ જેટલું દૂર રહ્યો હતો. ત્યારબાદ 2009માં તેમણે મિત્રોની સમજાવટ તથા થોડીક આર્થિક મદદથી ગેમ્સમાં ફરીથી પુનરાગમન કર્યું હતું.

image


નેશનલ - ઇન્ટરનેશનલ ગેમ્સમાં સફળતા

હરીશે અત્યાર સુધી નેશનલ ગેમ્સની પાવરલિફ્ટિંગ તથા આર્મ રેસલિંગ બંનેમાં મળીને લગભગ 10 જેટલા મેડલ્સ જીત્યા છે. જ્યારે તાજેતરમાં મલેશિયા ખાતે રમાયેલી વર્લ્ડ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં હરીશે ભારતને 2 સિલ્વર મેડલ્સ અપાવ્યા હતાં.

મિત્રોએ ભરી સ્પર્ધાની ફી, ભારતને અપાવ્યા બે સિલ્વર મેડલ્સ

image


તાજેતરમાં મલેશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ આર્મ રેસલિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે હરીશને વિઝા ફી, પ્રોસેસિંગ ફી, ટૂર્નામેન્ટ ફી, ટ્રાવેલિંગ ફી, રહેવાનો ખર્ચ મળીને કુલ 68 હજાર જેટલા રૂપિયા ભરવાના હતા પરંતુ નજર સામે ખર્ચો દેખાતા હરીશે ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત લઇ લેવા વિચાર્યું હતું. તેમના મિત્રોને જ્યારે ખબર પડી કે હરીશ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત લઇ રહ્યો છે ત્યારે તેમણે ભેગા મળીને હરીશને લગભગ 90 હજાર જેટલા રૂપિયાની મદદ કરી આપી હતી. હરીશે પણ મિત્રોની મદદનું ઋણ ચૂકતે કરીને ટૂર્નામેન્ટમાં ભારત માટે બે સિલ્વર મેડલ જીત્યા હતા તથા આ મેડલ્સ તેમણે મદદ કરનારા મિત્રોને સમર્પિત કર્યા હતા. મિત્રોની મદદને યાદ કરતાં ભાવુક થયેલા હરીશ જણાવે છે, 

“મારા કરિયરમાં અગાઉ પણ ઘણી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવા માટે મારી પસંદગી થઇ છે પરંતુ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે જરૂરી એવા નાણા ન હોવાથી હું દરેક વખતે પોતાનું નામ પરત ખેંચી લેતો હતો. મલેશિયામાં રમાનારી ટૂર્નામેન્ટ માટે પણ હું એમ જ કરવાનો હતો પરંતુ મારા મિત્રોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે મને આર્થિક મદદ કરીને ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે મોકલ્યો હતો. ગયા વર્ષે ઇજિપ્ત, રશિયા તથા બ્રાઝિલમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હું સિલેક્ટ થયો હતો પરંતુ નાણાની વ્યવસ્થા ન હોવાથી મેં જાતે જ મારું નામ પરત લીધું હતું.”

વર્ષ 2016 ‘રિઓ ઓલિમ્પિક્સ’ હરીશનો ટાર્ગેટ

હરીશ વર્માનો આગામી લક્ષ્યાંક આવતા વર્ષે બ્રાઝિલના ‘રિઓ ડી જાનેરો’માં રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાનો છે. જોકે તે માટે તેણે હજી વધારે ટૂર્નામેન્ટ્સમાં ભાગ લેવો પડશે તથા હજી વધું સારું પ્રદર્શન કરવું પડશે. હરીશના જણાવ્યા પ્રમાણે જો તેની પસંદગી આ ઓલિમ્પિક્સ માટે થઇ જશે તો તેનું સપનું સાકાર થશે.

3 ડીસેમ્બરના દિવસને ‘ઇન્ટરનેશનલ ડે ઓફ પિપલ વિથ ડીસેબિલીટી’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. જેને ‘ડીસેબિલીટી ડે’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે દુનિયાભરના ડિસેબલ (વિકલાંગ) લોકોને લગતા મુદ્દાઓ અને સમસ્યાઓ પર ચર્ચા કરી, વિવિધ આયોજનો કરી તેમના જીવનને વધુ સરળ બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે ‘YourStory ગુજરાતી’ પણ આજના દિવસે ગુજરાતના એવા લોકોના જીવનની સંઘર્ષગાથા તમારા સુધી લાવી રહ્યું છે જેઓ સૌ કોઈથી એકદમ અલગ રીતે જ કાર્યક્ષમ છે અને ભલભલાને શરમાવી દે તેવો જુસ્સો અને કલા-કારીગીરી ધરાવે છે. આ છે ‘The story of Differently abled’.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags