સંપાદનો
Gujarati

ગુજરાત શિક્ષણ વિભાગ રાજ્યની સમગ્ર યુનિવર્સિટીઝ માટે સર્વસામાન્ય સ્ટાર્ટઅપ પોલિસી બનાવશે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સને અપાશે પ્રોત્સાહન

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ યુવા ઉદ્યોગસાહસિકો અને સ્ટુડન્ટ ઉદ્યોગસાહસિકો સાથે બેઠક યોજીઃ મહત્ત્વપૂર્ણ નિર્ણયોની કરી જાહેરાત

26th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

કહેવાય છે કે, જે દેશમાં ઉદ્યોગસાહસિકતા ખીલે છે, તેનો વિકાસ સ્થાયી અને સાતત્યપૂર્ણ થાય છે. સામાન્ય રીતે લોકોનું વલણ નોકરી કરવાનું હોય છે, પણ દેશના વડાપ્રધાને યુવાનોને એક નવો પ્રેરક મંત્ર આપ્યો છે – રોજગાર મેળવવા દોડાદોડ ન કરો, પણ રોજગારદાતા બનો. તેમના નેતૃત્વમાં એનડીએ સરકારે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા તાજેતરમાં સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરી છે, ત્યારે ગુજરાત સરકારે 'ગુજરાત ઔદ્યોગિક નીતિ 2015 - સ્ટાર્ટઅપ્સ' જાહેર કરી છે, જેનો ઉદ્દેશ રાજ્યમાં યુવાનોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યની યુનિવર્સિટીઓ માટે સ્ટાર્ટઅપ પોલિસી બનાવવામાં આવશે અને યુવાન વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિક બનવા તમામ પ્રકારની સહાયતા કરવામાં આવશે. એટલું જ નહીં મહિલા ઉદ્યોગસાહિસકોને પ્રોત્સાહન આપવામાં આવશે અને રાજ્યના તમામ વિસ્તારનો સંતુલિત વિકાસ સાધવા જે તે વિસ્તારને અનુરૂપ માળખાગત વિકાસ હાથ ધરવામાં આવશે.

image


ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર ખાતે હાલમાં જ 'સ્ટાર્ટઅપ ગુજરાત, સ્ટેન્ડઅપ ગુજરાત' પર યુવાન ઉદ્યોગસાહસિકો અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ચુડાસમાએ રાજ્યના તમામ વિસ્તારોના સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપવા કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, 

"શિક્ષણ વિભાગ કોમન યુનિવર્સિટી સ્ટાર્ટઅપ પોલિસી બનાવશે અને તેનો અમલ કરશે તેમજ સ્ટાર્ટઅપ અને સ્ટુડન્ટ ઉદ્યોગસાહસિકોને સહકાર આપવા સામાન્ય લઘુતમ માળખાગત સુવિધા ઊભી કરવા યુનિવર્સિટીઓને સક્ષમ બનાવવામાં આવશે. સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવા રાજ્યમાં સંસ્થાઓ દ્વારા યોજાતા તમામ ટેક ફેસ્ટ, કલ્ચરલ ફેસ્ટ અને અન્ય ફેસ્ટિવલમાં ઓછામાં ઓછું એક કમ્પોનેન્ટ સ્ટાર્ટઅપ અંગે હોવું જોઈએ. દરેક યુનિવર્સિટી અને સંસ્થાઓમાં મોટા પાયે અને નાના પાયે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતાની પ્રવૃત્તિ શરૂ થશે."

વધુમાં તેમણે ઉમેર્યું,

"મહિલા ઉદ્યોગસાહસિકતા અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાને વિકસાવવા અને પ્રોત્સાહન આપવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે." 

આ નિર્ણયો અંતર્ગત સરકારે દરેક યુનિવર્સિટીને દર ત્રણ મહિને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકો માટે હાથ ધરવામાં આવેલી પહેલો પર વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

આ બેઠકમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમાં વિવિધ ઉદ્યોગસાહસિકોએ અલગ-અલગ મુદ્દા રજૂ કર્યા હતા. જેમ કે, ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં સામાન્ય સ્ટાર્ટઅપ પોલિસી બનાવવાની અને તેનો અમલ કરવાની જરૂર છે, યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ શરૂ કરવા જગ્યા ફાળવવી જોઈએ, યુનિવર્સિટીઓના વાઇસ-ચાન્સેલર, સંસ્થાઓના પ્રિન્સિપલ તેમજ ફેકલ્ટી મેમ્બર્સને વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ્સના મુદ્દે વાકેફ કરવા જોઈએ.

ગુજરાત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના કન્ટ્રીબ્યુટર હિરણ્યમય મહંત આ બેઠકના આશય અંગે જણાવે છે,

"ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ વેગ મળે અને સરકાર ઉદ્યોગસાહસિકોની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજી શકે તે માટે સરકારે આ બેઠક બોલાવી હતી. ગુજરાતના સફળ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સને સરકાર તરફથી શું અપેક્ષા છે તે પણ ગુજરાત રાજ્ય સરકાર જાણવા માગે છે જેના પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી."

આ બેઠકમાં વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાઓ સુધી પહોંચવાની અને તેમની સાથે સ્ટાર્ટ-અપ ગુજરાત, સ્ટેન્ડ-અપ ગુજરાત અભિયાનમાં પ્રદાન કરવામાં આવતી સુવિધાથી વાકેફ કરવા જોઈએ તેવો મુદ્દો પણ રજૂ થયો હતો. વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ્સને રાજ્ય સરકાર તરફથી નીતિગત સંરક્ષણ આપવા માટેનો વિચાર પ્રસ્તુત થયો હતો, જેના પર શિક્ષણમંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. ઉપરાંત રાજ્યના તમામ વિસ્તારોનો સંતુલિત વિકાસ સાધવા ઇકોસિસ્ટમનું વિકેન્દ્રિકરણ કરવા અને અને માળખાગત સુવિધાઓ ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વળી, સમગ્ર રાજ્યમાં પ્રી-ઇન્ક્યુબેશન સુવિધાઓનું નિર્માણ કરવા નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. બેઠકમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ) ઇન્નોવેશન કાઉન્સિલની પ્રવૃત્તિઓ પર ચર્ચા થઈ હતી અને તેની પ્રક્રિયાનું સમગ્ર ગુજરાતના મોટા શહેરોમાં કેવી રીતે પુનરાવર્તન કરી શકાશે તેના પર વિચારણા થઈ હતી.

આ બેઠકમાં ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ સ્ટાર્ટ51ના અતીત બજાજ, યૂથ કનેક્ટના દિવ્યેશ અસ્વાની, 4બીઇએના ઇપ્સિત તિવારી, ટેકપેડિયાના હિરણ્યમય મહંત, આતપ એનર્જીના મહેન્દ્ર ચૌધરી, કેન્ડર લીગલના મનસ્વી થાપર, યૂથ કનેક્ટના માનુષી દેસાઈ, Alagrand.comના મિતેશ શેઠવાલા, હર્ટીમાર્ટના નદીમ જાફરી, બુકમેનના નિલામ્બ્રી સોલંકી, ડિજિટલ અપસ્ટાર્ટના નીતિન જૈન, ઓપન ફ્યુઅલના રોહિત રાધાક્રિષ્નન, કેરિઅર ખોજના રુત્વિજ વોરા વગેરે યુવા ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

બેઠકમાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયોઃ

1. શિક્ષણ વિભાગ સામાન્ય યુનિવર્સિટી સ્ટાર્ટઅપ પોલિસી બનાવશે અને તેનો અમલ કરશે અને યુનિવર્સિટીઓને સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થી ઉદ્યોગસાહસિકોને સાથસહકાર આપવા સામાન્ય લઘુતમ માળખું ઊભું કરાશે.

2. સંસ્થાઓ દ્વારા આયોજિત તમામ ટેક ફેસ્ટ, કલ્ચરલ ફેસ્ટ અને અન્ય કાર્યક્રમોમાં ઓછામાં ઓછું એક પાસું રાજ્યમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવાનું હશે. રાજ્યની દરેક યુનિવર્સિટી અને દરેક સંસ્થામાં ઔપચારિક અને અનૌપચારિક તમામ કાર્યક્રમોમાં મોટા પાયે અને નાના પાયે સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપશે અને આ અંગે સામાન્ય જનતાનું ધ્યાન ખેંચવા સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેક્ટને રિપોર્ટ કરશે.

3. યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિક વિદ્યાર્થીઓનું સન્માન કરશે.

4. દરેક યુનિવર્સિટી દર ત્રણ મહિને વિદ્યાર્થી સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો માટે હાથ ધરેલ પહેલો પર વિસ્તૃત રિપોર્ટ રજૂ કરશે. શિક્ષણપ્રધાનની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં તેનું પ્રેઝન્ટેશન વાઇસ-ચાન્સેલર્સ કરશે.

5. ઉદ્યોગસાહસિક વિદ્યાર્થીઓ અને ગુજરાતના સ્ટાર્ટઅપ્સની ઉજવણી કરવા સમગ્ર રાજ્યમાં વાર્ષિક વિદ્યાર્થી સ્ટાર્ટઅપની જાહેરાત કરવામાં આવશે અને સ્ટાર્ટઅપ રન, સ્ટાર્ટઅપ યાત્રા વગેરે કાર્યક્રમો જોડી શકાશે.

6.વિદ્યાર્થીઓને નવા સ્ટાર્ટઅપ્સ શરૂ કરવાની પ્રેરણા આપવા આ પ્રકારની સામગ્રીનું પ્રસારણ ડીડી ગિરનાર, પ્રાઇવેટ રેડિયો ચેનલ્સ વગેરે દ્વારા પ્રિન્ટ અને વિઝ્યુઅલ મીડિયામાં થશે.

7. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંબંધ સ્થાપિત કરવા શિક્ષણ વિભાગમાંથી સીનિયર પોઇન્ટ ઓફ કોન્ટેક્ટની નિમણૂક કરવામાં આવશે.

8. તમામ યુનિવર્સિટીઓ અને અન્ય લાગુ સંસાધનો મારફતે પ્રાદેશિક સ્તરે સ્ટાર્ટઅપ રિપોઝિટરી ઊભી કરવામાં આવશે અને તેને વેબ લિન્ક મારફતે જાહેર કરવામાં આવશે.

9. મહિલા ઉદ્યોગસાહસિકતા અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાને વિકસાવવા અને પ્રેરિત કરવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

10. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને પહેલા દિવસથી સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકતાનો પરિચય કરાવવા ભાર મૂકવામાં આવશે.

11. સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિક વિદ્યાર્થીઓનો વિસ્તૃત પ્રોટોટાઇપિંગ અને ડિઝાઇન સપોર્ટ આપવામાં આવશે.

12. ઉદ્યોગસાહસિક વિદ્યાર્થીઓનો દરેક તબક્કે - વિચાર, અમલ અને વૃદ્ધિના તબક્કે સપોર્ટ કરવા શિક્ષણ વિભાગ અને ઉદ્યોગ વિભાગ સંયુક્ત પ્રયાસ કરશે.

લેખક- કેયૂર કોટક

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags