સંપાદનો
Gujarati

"ભગતસિંહની લોકચાહનાનો લાભ ખાટનાર લોકોને તેમના સામ્યવાદી વિચારો સ્વીકાર્ય છે?"

28th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

દરેક રાજકીય પક્ષ એકાએક શહીદ ભગતસિંહ પર પ્રશંસાના પુષ્પો વેરી રહ્યો છે. વડાપ્રધાન મોદીથી લઈને કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી અને આપના અરવિંદ કેજરીવાલ – બધા ભગતસિંહના નામની માળા જપી રહ્યાં છે. અકાલી દળને અહેસાસ થયો છે કે ભગતસિંહને ભારતરત્ન મળવો જોઈએ. તેના નેતાઓ આ માટે રાષ્ટ્રપતિને અરજી કરવા વિચારી રહ્યાં છે. દિલ્હી વિધાનસભાના સંકુલમાં ભગતસિંહની પાઘડી વિનાની પ્રતિમા મૂકવામાં આવી છે, જેની સામે પણ અકાલી દળને વાંધો છે. અકાલી દળના રાજકીય જોડીદાર ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પણ ભગતસિંહ પર ઓળઘોળ છે. રાષ્ટ્રવાદની ચર્ચામાં એકાએક ભગતસિંહ પ્રસ્તુત બની ગયા હોય તેવું ભાસે છે. તેઓ કોઈ પણ વ્યક્તિના રાષ્ટ્રવાદની પરખ કરવા માટે અંતિમ માપદંડ છે અને જો શશી થરૂર જેવા લોકો કનૈયાકુમારની સરખામણી ભગતસિંહ સાથે કરે તો તેઓ ભારતીયોના પુણ્યપ્રકોપનો જ ભોગ બનશે. તાજેતરમાં ટીવી પર એક ચર્ચા જોઈ હતી અને એક યુવતી શશી થરુરની આવી હાસ્યાસ્પદ સરખામણીથી અતિ ગુસ્સે ભરાઈ હતી. હું તેના ચહેરા પર નારાજગી અને ગુસ્સો જોઈ શકતો હતો.

image


ચોક્કસ, ભગતસિંહ આપણા ભારતીયો માટે હંમેશા અતિ આદરણીય વ્યક્તિત્વ રહ્યું છે. તેઓ અંગ્રેજો સામે આઝાદીની લડતમાં ભારતીય યુવાનોના ‘હૃદયસમ્રાટ’ હતા. તેમના અને ગાંધીજીના વિચારો વચ્ચે સ્વસ્થ મતભેદો હતા તે હકીકત સર્વવિદિત છે અને તેનો ઇનકાર ન થઈ શકે. ભગતસિંહ જહાલવાદી વિચારધારા ધરાવતા હતા અને તેઓ આઝાદી મેળવવા હિંસક ક્રાંતિની તરફેણ કરતા હતા. ગાંધીજીએ ક્યારેય તેમની ઉગ્રવાદી પદ્ધતિને માન્યતા આપી નહોતી. પણ 1931માં સુખદેવ અને રાજગુરુ સાથે ભગતસિંહે ફાંસીના માંચડે લટકાવી દેવાયા ત્યારે તેમના બલિદાને સંપૂર્ણ દેશને પ્રેરિત કર્યો હતો. તેઓ ફક્ત 23 વર્ષની વયે શહીદ થયા હતા. તેઓ આગામી ઘણી પેઢીઓ માટે ક્રાંતિકારીઓ મહાનાયક અને પ્રેરણામૂર્તિ બની ગયા હતા. પણ સંઘ અને તેની ભગિની સંસ્થાઓ તથા સાથી રાજકીય પક્ષો તેમની લોકચાહનાનો લાભ ખાટવા પ્રયાસ કરી રહ્યાં છે અને તેમાં રાષ્ટ્રવાદ સિવાય અન્ય કોઈ ઇરાદો હોવાની શંકા જાય છે. ભગતસિંહ અગાઉ સંઘ સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝની લોકચાહનાનો લાભ ખાટવાનો સફળ પ્રયાસ કર્યો હતો. હકીકતમાં બોઝ અને સરદાર –બેમાંથી કોઈનો સંઘ અને ભાજપ સાથે સ્નાનસુતકનો સંબંધ નહોતો. વળી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘે તો આઝાદીની લડતમાં ભાગ સુદ્ધાં લીધો નહોતો. સરદાર અને બોઝ બંને કોંગ્રેસના અતિ લોકપ્રિય, અસરકારક અને સફળ નેતા હતા. હું સંઘ સાથે સરદાર પટેલની આંશિક વૈચારિક સમાનતા સમજી શકું છું, પણ બોઝની વિચારધારા તો સંઘની વિચારધારાથી સંપૂર્ણપણે વિપરીત હતી. તેઓ ક્રાંતિકારી હતા અને સમાજવાદી વિચારધારા પ્રત્યે ઝુકાવ ધરાવતા હતા.

બોઝની જેમ ભગતસિંહની વિચારધારા પણ કોઈ પણ રીતે સંઘ કે ભાજપની વિચારધારા સાથે સમાનતા ધરાવતી નથી. મને ખાતરી છે કે જો ભગતસિંહ અત્યારે જીવિત હોત તો તેઓ મોદી સરકાર અને સંઘના સખત ટીકાકાર હોત. સંઘ અને મોદી સરકારે જેએનયુ મુદ્દે અપનાવેલા વલણ પર ભગતસિંહે આકરાં શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હોત. સંઘ/મોદી સરકારે જેએનયુને આતંકવાદીઓનો ગઢ અને રાષ્ટ્રવિરોધી તત્ત્વોનો અડ્ડો ગણાવવા નિકૃષ્ટ કક્ષાનું અભિયાન શરૂ કર્યું છે. સંઘ સામ્યવાદને ધિક્કારે છે અને સામ્યવાદના મજબૂત ગઢ તરીકે જેએનયુ હંમેશા સંઘના નિશાન પર રહી છે. પણ ભગતસિંહ કોણ હતા તેનો જરા પરિચય સંઘ/ભાજપ અને તેમના અનુયાયીઓને આપીએ.

ભગતસિંહ સામ્યવાદી હતા. કિશોરાવસ્થામાં જ તેઓ કાર્લ માર્ક્સ અને લેનિનની વિચારધારાના રંગે રંગાઈ ગયા હતા. તેમને બોલ્શેવિક ક્રાંતિમાંથી પ્રેરણા મળી હતી અને લેનિન તેમના આદર્શ હતા. તેઓ ભારતની સમસ્યાઓનું સમાધાન સોવિયત સંઘની સામ્યવાદી ક્રાંતિમાં હોવાનું માનતા હતા. તેમને ખાતરી હતી કે, 'શ્રમજીવીઓની સરમુખત્યારશાહી' જ ભારતીય ગરીબોને તેમના સામાજિક-આર્થિક વિષચક્રમાંથી મુક્તિ અપાવશે. તેમણે સુખદેવ અને રાજગુરુએ સંસદમાં ફેંકેલા ચોપાનિયામાં દાસ કેપિટલના મૂળભૂત સિદ્ધાંતો અને સામ્યવાદી ઢંઢેરાના મુખ્ય બાબતો હતી. તેમાં લખ્યું હતું કે - "જ્યાં સુધી એક મનુષ્ય બીજા મનુષ્યનું અને એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રનું શોષણ બંધ નહીં કરે, ત્યાં સુધી માનવતાને તેની સાથે સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો નહીં મળે.” તેઓ કહેતા કે સરકાર કે શાસન બદલવાથી કોઈ ફરક પડવાનો નથી, હકીકતમાં વ્યવસ્થા બદલવાની જરૂર છે. આ ચોપાનિયામાં વધુમાં લખ્યું હતું કે - " દુનિયા એક વખત મૂડીવાદના સંકજામાંથી અને સામ્રાજ્યવાદી યુદ્ધના વિનાશમાંથી મુક્ત થઈ જશે પછી જ માનવતા ખરા અર્થમાં ખીલી શકશે." ભગતસિંહ સંપૂર્ણ માનવજાતની વાત કરે છે, જ્યારે સંઘ હિંદુઓની એકતાની વાત કરે છે, નહીં કે શ્રમજીવીઓની.

સામ્યવાદી વિચારધારા મુજબ ધર્મ સમાજને જોડવાને બદલે તોડે છે અને માર્ક્સે કહ્યું છે કે ધર્મ સમૂહ માટે અફીણ છે. તેમણે ધર્મ અને ઈશ્વરની વિભાવનાને નકારી કાઢી હતી. બીજી તરફ સંઘની વિચારધારાનો પાયો જ ધર્મ છે. હિંદુત્વ તેનું પ્રેરકબળ છે. પણ ભગતસિંહ ચુસ્ત સામ્યવાદી હતા અને નાસ્તિક હતા. એટલું જ નહીં તેઓ ક્યારેય પોતાને નાસ્તિક જાહેર કરતાં ગભરાતા નહોતા. તેમણે તો “હું શા માટે નાસ્તિક છું” શીર્ષક સાથે નિંબધ લખીને પોતાના નાસ્તિક હોવાના કારણો તર્કબદ્ધ રીતે રજૂ કર્યા હતા. આ ઐતિહાસિક દસ્તાવેજ છે. તમારે ભગતસિંહને જાણવા-સમજવા હોય તો આ નિબંધનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. તેમાં તેમણે ઈશ્વરના અસ્તિત્વને પડકાર ફેંક્યો હતો. તેમણે પૂછ્યું હતું કે – જો ઈશ્વર છે તો દુનિયામાં આટલું બધું દુઃખ કેમ છે? દુનિયામાં આટલી મોટી સંખ્યામાં લોકો દરિદ્ર કેમ છે? તેમણે લખ્યું છે કે – “જો તમે માનતા હોય કે સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને સર્વવ્યાપી ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, તો તેણે આવી દુઃખી, પીડિત અને પાપથી ખદબદતી દુનિયાનું સર્જન શા માટે કર્યું? જુઓ તો ખરા, એક પણ વ્યક્તિ ખરેખર સુખી છે?”

સંઘની વિચારધારા ભગતસિંહના વિચારોથી સંપૂર્ણપણે વિપરીત છે. ભગતસિંહ ઈશ્વર અને ધર્મના અસ્તિત્વમાં માનતા નહોતા. મારે પૂછવું છે કે સંઘ ભગતસિંહના આ વિચારો સાથે સંમત છે? સંઘ ભગતસિંહના સામ્યવાદી વિચારોને સ્વીકારે છે? જો સંઘ ભગતસિંહના વિચારો સાથે સંમત હોય તો તેના બીજા સરસંઘચાલક ગુરુ ગોલ્વલ્કરે તેમના પુસ્તક – ધ બંચ ઓફ થોટ્સ (વિચારોનું વૃંદાવન)માં શા માટે લખ્યું કે – ભારતના ત્રણ શત્રુઓ છે. એક, મુસ્લિમો, બે, ખ્રિસ્તીઓ અને ત્રણ, સામ્યવાદીઓ. સંઘનો ભગતસિંહ તરફનો ઝુકાવ તો તેની પોતાની વિચારધારાથી જ વિપરીત છે. ગોલ્વલ્કરના વિચારો પ્રમાણે તો સંઘ અને ભગતસિંહની વિચારધારાનો ક્યાંય સંગમ ન થઈ શકે.

મજાની વાત એ છે કે ભગતસિંહ જવાહરલાલ નેહરુના પ્રશંસક હતા, જેને સંઘ/મોદી સરકાર નફરત કરે છે. જ્યારે ભગતસિંહની સરખામણી નેહરુ અને બોઝ સાથે કરવામાં આવી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે, બોઝ લાગણીશીલ છે, જ્યારે નેહરુ અતિ તાર્કિક છે. તેમણે પંજાબના યુવાનોને નહેરુના માર્ગે ચાલવાની અપીલ કરી હતી, કારણ કે બોઝ અને નેહરુ વચ્ચે નેહરુ પંજાબના યુવાનોની માનસિક ભૂખને વધારે સારી રીતે સંતોષી શકે છે. આ વાત સંઘને ગમશે? ના! સંઘે નહેરુનું કદ ઘટાડવા સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝનો હાથ પકડ્યો હતો. સંઘની આ પ્રકારની યોજના પાછળ ગણતરીપૂર્વકનું આયોજન હતું. સંઘના સરસંઘચાલકો સારી રીતે જાણતા હતા કે જ્યાં સુધી ભારતીયોના મનમાં નહેરુની ઉદારવાદી સમાજના વિચારોનું પ્રભુત્વ છે ત્યાં સુધી સંઘના વિચારો આગળ વધી નહીં શકે. સંઘે આ માટે ભારતીયોના માનસપટ પરથી નેહરુના ઉદારવાદી વિચારોને નેસ્તોનાબૂદ કરવા સરદાર પટેલ અને બોઝનો સહારો લીધો હતો. પટેલ અને બોઝને નેહરુએ અન્યાય કર્યો હોવાનો દુષ્પ્રચાર કરીને સંઘ ભારતીયોના માનસમાં નેહરુવિરોધી દ્વેષ પ્રકટાવવામાં સફળ રહ્યો હતો. વર્ષ 2014માં મોદી સરકારે દેશની ધૂરા સંભાળી ત્યારથી નેહરુના સ્વપ્નના ભારતની વિચારધારાને નેસ્તોનાબૂદ કરવા તમામ સ્તરે પ્રયાસો શરૂ થઈ ગયા છે. હવે સંઘ અને મોદી સરકારે ભગતસિંહના ગુણગાન ગાવાનું શરૂ કર્યું છે. તો તેનો અર્થ એ થાય છે કે તેઓ ભગતસિંહના નહેરુ વિશેના વિચારોનું પણ સમર્થન કરે છે. શું મારો તર્ક ખોટો છે? તેનો અર્થ નથી કે સંઘ સામ્યવાદ અંગે પોતાની વિચારધારામાં પરિવર્તન કર્યું છે? ભગતસિંહ કહેતા કે ધર્મ મનુષ્ય અને સમાજને નબળો બનાવે છે. આરએસએસ ભગતસિંહના આ વિચારથી સંમત છે?

મને ખાતરી છે કે આરએસએસ ભગતસિંહના ધર્મ અને નહેરુ વિશેના વિચારોનું ક્યારેય સમર્થન નહીં કરે, કારણ કે તેનાથી સંઘની કથનીકરણીમાં ફરક પડી જશે. એટલે સંઘનો ભગતસિંહ અને તેમની શહીદી પ્રત્યેના લગાવ પાછળનો ઉદ્દેશ અન્યો (ખાસ કરીને નેહરુ અને કોંગ્રેસ)ની છબી ખરડવા સિવાય બીજો કોઈ નથી. હકીકતમાં સંઘ ભગતસિંહની શહીદીના બહાને રાજકીય હિસાબ સરભર કરવા માંગે છે. પણ ભગતસિંહનું કદ સંઘ માને છે તેના કરતાં ઘણું વધારે છે. આપણા દેશના લોકો સમજે છે કે ભગતસિંહના નામનો શુદ્ર કક્ષાની રાજનીતિમાં ઉપયોગ ન કરવો જોઈએ. આવું કરવાથી ભગતસિંહનું અપમાન થશે. ભારતની વર્તમાન રાજકીય સ્થિતિ અને રાજકારણીઓની સંકુચિત માનસિકતાથી ભગતસિંહનો આત્મા વિલાપ કરતો હશે. ખરું ને?

લેખક પરિચય- આશુતોષ

આશુતોષ ટીવી મીડિયાના ભૂતપૂર્વ એન્કર, પત્રકાર છે. હાલ તેઓ આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે.

અનુવાદક- કેયૂર કોટક

(અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે.)

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags