સંપાદનો
Gujarati

હરિદ્વારના આ યોગગુરુ બહુરાષ્ટ્રીય કંપનીઓને હંફાવી રહ્યાં છે!

પતંજલીની સફળતાએ નેસ્લે, આઇટીસી જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ અને ડાબર, ગોદરેજ જેવી સ્થાનિક FMCG કંપનીઓની ઊંઘ હરામ કરી દીધી છે

7th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

અત્યારે વિશ્વમાં યોગ (યોગા)ની બોલબોલા છે. સ્વસ્થ જીવનશૈલી માટે યોગ રામબાણ છે. અત્યારે ઇન્ટરનેટનો બહુ ઝડપી યુગ છે. લોકોના જીવનમાં તણાવ વધી રહ્યો છે ત્યારે યોગ સહિત ભારતની વિવિધ પરંપરાગત ઉપચાર પદ્ધતિઓ અને ભારતીય ઔષધિઓ, જીવનશૈલી તથા ચીજવસ્તુઓનું બજાર ઝડપથી વધી રહ્યું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય આયુર્વૈદિક ઉત્પાદનોની માંગમાં જબરદસ્ત વધારો થયો છે, ત્યારે આ તક ઝડપીને બિઝનેસમેન બનવામાં સાધુઓ દોટ ન મૂકે તો જ નવાઈ લાગે. દુનિયાભરમાં યોગગુરુ તરીકે જાણીતાં બાબા રામદેવની અત્યારે આયુર્વૈદિક અને જીવનશૈલી સાથે સંબંધિત ઉત્પાદનોના ક્ષેત્રમાં બોલબોલા છે. હરિદ્વાર સ્થિત તેમના પતંજલી આશ્રમમાં પતંજલી આયુર્વેદના કારખાનામાં ધમધમાટ છે અને અહીં મોટી સંખ્યામાં ઔષધિઓનું ઉત્પાદન થઈ રહ્યું છે.

image


જ્યારે બાબા રામદેવે 2006માં પતંજલી આયુર્વેદની શરૂઆત કરી, ત્યારે એક દાયકા કરતાં ઓછા ગાળામાં પતંજલીને જબરદસ્ત સફળતા મળશે તેની કોઈને કલ્પના નહોતી. તેઓ શરૂઆતમાં ટેલીવિઝન પર યોગ શીખવતા હતા અને સાથે સાથે પોતાના ઉત્પાદનોનો પ્રચાર કરતા હતા. પરંતુ શરૂઆતના પાંચ વર્ષ હરિદ્વાર અને ઉત્તરપ્રદેશની બહાર તેઓ બહુ જાણીતા નહોતા. પણ વર્ષ 2011માં ભ્રષ્ટાચાર સામે અણ્ણા હઝારેના આંદોલનને સમર્થન કર્યા પછી તેમની લોકપ્રિયતામાં વધારો થયો હતો. એટલું જ નહીં વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં તેમણે નરેન્દ્ર મોદીને સમર્થન જાહેર કર્યું હતું. આ રીતે મોદી અને બાબા રામદેવે એકબીજાની લોકપ્રિયતાનો લાભ લઈને પોતાના સમર્થકોમાં વધારો કર્યો હતો.

પતંજલી – નૂડલ્સથી લઈને પર્સનલ કેર પ્રોડક્ટ્સ

વર્ષ 2014 પતંજલી માટે સીમાચિહ્નરૂપ બની રહ્યું હતું. સ્વાસ્થ્ય સંબંધિત લાભદાયક ઉત્પાદનો તરીકે શરૂઆતના કરનાર પતંજલીએ 2014થી નૂડલ્સથી લઈને ડિટરજન્ટ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તેના વેચાણ માટે પોતાના ઓનલાઇન પ્લેટફોર્મ અને 5,000 ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ ઉપરાંત પતંજલીએ ફ્યુચર ગ્રૂપ અને બિગ બાઝાર સાથે જોડાણ કર્યું છે. તેના ઉત્પાદનોનું વેચાણ બિગ બાસ્કેટ જેવા ઓનલાઇન ગ્રોસરી માર્કેટમાં પણ થાય છે. જોકે અત્યારે તેના ઉત્પાદનો ઘી, મધ અને ટૂથપેસ્ટ સહિત ત્રણથી ચાર કેટેગરીમાં જ ઉપલબ્ધ છે, જ્યારે બાકીના ઉત્પાદનોને આંકડાકીય દ્રષ્ટિએ હજુ જોઈએ તેવી સફળતા મળી નથી. કન્સલ્ટિંગ કંપની ટેકનોપેકના ચેરમેન અરવિંદ સિંધલના જણાવ્યા મુજબ, અસરકારક સપ્લાય ચેઇન અને સ્થાનિક સોર્સિંગ પતંજલીની સાચી તાકાત છે. બહુરાષ્ટ્રીય કંપનીઓથી વિપરીત પતંજલીનું માર્કટિંગ અત્યંત ઓછું છે અને તેનું વિતરણ પરંપરાગત એફએમસીજી માધ્યમો દ્વારા થાય છે.

સીએલએસએ રિસર્ચના ઓગસ્ટ, 2015ના રિપોર્ટ મુજબ, છેલ્લાં પાંચ વર્ષમાં પતંજલીની આવક ચાર ગણી વધી છે અને ગયા નાણાકીય વર્ષમાં તેની આવક રૂ.2,500 કરોડ કરતાં વધારે હતી. નાણાકીય વર્ષ 2015-16માં તેની આવક બમણી થઈને રૂ. 5,000 કરોડને આંબી જશે તેવી અપેક્ષા છે. તાજેતરના રિપોર્ટ સૂચવે છે કે તેમણે રૂ. 4,500 કરોડની આવક તો કરી લીધી છે. નાણાકીય વર્ષ 2016-17માં પતંજલીની આવક રૂ. 7,000 કરોડ થશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

સફળતા માટે જવાબદાર પરિબળો

ચોક્કસ, સ્વાસ્થ્ય માટે લાભદાયક ઉત્પાદનોની કેટેગરીમાં સ્પર્ધા વધી રહી છે. પણ પતંજલીને કુદરતી અને સ્વાસ્થ્યવર્ધક ઉત્પાદનો તરીકેના બ્રાન્ડિંગનો લાભ મળી રહ્યો છે, જેના પગલે બહુરાષ્ટ્રીય કંપનીઓને તેની સાથે સ્પર્ધા કરવા ભારતમાં નવી યોજના બનાવવાની ફરજ પડી છે. પતંજલીની વૃદ્ધિ જોઈને નેસ્લે, કોલ્ગેટ, આઇટીસી જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ અને ડાબર તથા ગોદરેજ જેવા ભારતીય બ્રાન્ડ્સ ચોંકી ગઈ છે. હકીકતમાં પતંજલી અને 21મી સદીના ટેકનોલોજી સંચાલિત વ્યવસાયોની વ્યૂહરચના વચ્ચે ઘણી સામ્યતા છે. જેમ ઉબેર અને ઓલા ઘણી રાજ્ય સરકારો સાથે વિવિધ કાર્યક્રમો માટે જોડાણ ધરાવે છે, તેમ પતંજલીએ મહારાષ્ટ્ર સરકાર સાથે જંગલોમાં ઉપલબ્ધ ચીજવસ્તુઓમાંથી બનતા ઉત્પાદનોનું વેચાણ કરવા જોડાણ કર્યું છે. રામદેવ કહે છે કે તેઓ દેશમાં પાંચ ફૂડ પાર્ક બનાવવાની યોજના ધરાવે છે, જેમાંથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં એક-એક ફૂડ પાર્કને મંજૂરી મળી ગઈ છે. વધુ રસપ્રદ બાબત એ છે કે પતંજલીનો કાચો માલ ભારતીય ખેડૂતો પાસેથી સીધો ખરીદવામાં આવે છે અને તેમણે કંપની તથા ખેડૂતો વચ્ચે વચેટિયાઓને દૂર કરી દીધા છે, જેના પગલે નફામાં 20 ટકા સુધીનો વધારો થયો છે. વળી ડાબર જેવી કંપનીઓની સરખામણીમાં પતંજલીના વિવિધ ઉત્પાદનોના ભાવ પણ 30 ટકા ઓછા છે. રિટેલર્સને 10થી 20 ટકા નફો અને વિતરકોને 4થી 5 ટકા નફો મળે છે.

યુવાનોની ફોજ – મહત્ત્વપૂર્ણ પરિબળ

જ્યારે મોટા ભાગની એફએમસીજી કંપનીઓ એચઆર પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે, ત્યારે પતંજલીની મેનેજમેન્ટ ટીમ ઓછા ખર્ચે કામ કરે છે અને તેમની પાસે કોઈ મોટું નામ પણ નથી. હકીકતમાં પતંજલી પાસે પ્રતિભાશાળી યુવાનોની ફોજ છે, જે આયુર્વેદ અને ચેરિટી મારફતે સમાજમાં નોંધપાત્ર અસર કરવા માટે કાર્યરત છે. રામદેવ કંપનીમાં પોતાનો કોઈ હિસ્સો ન હોવાનો દાવો કરે છે, પણ યોગ અને આયુર્વેદમાં નિષ્ણાત કંપનીના સહસ્થાપક આચાર્ય બાલક્રિષ્ના પતંજલીના મેનેજિંગ ડિરેક્ટર છે. આઇઆઇટી-આઇઆઇએમએના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કંપનીના ભૂતપૂર્વ સીઇઓ એસ કે પાતરાએ વર્ષ 2014માં પંતજલી સાથે છેડો ફાડી નાંખ્યો હતો. આ માટે કંપનીના સ્થાપકો સાથે મતભેદો હોવાનું કારણ જણાવ્યું હતું.

પતંજલીની સફળતાએ એક વખત ફરી એ વાત સાબિત કરી દીધી છે કે વ્યાવસાયિક સફળતા મેળવવા એમબીએ અને તેના જેવી મોટી ડિગ્રીની જરૂર નથી. બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગે કોલેજનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો નહોતો.

image


એમબીએના વિદ્યાર્થીઓ માટે પતંજલી કેસ-સ્ટડી બનશે?

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે રામદેવની પ્રસિદ્ધિ અને અનુયાયીઓની ફોજ આ વૃદ્ધિ માટે જવાબદાર છે. પણ પતંજલીની સફળતા માટે ફક્ત આ જ કારણ જવાબદાર નથી. અરવિંદ કહે છે કે, “રામદેવ ધનિકોના ગુરુ નથી. હેમા માલિની જેવા બોલિવૂડના સિતારા અપવાદરૂપ છે. રામદેવના મોટા ભાગના અનુયાયીઓ મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગના છે. તેમ છતાં ધનિકો તેમના ઉત્પાદનો ખરીદે છે. હવે રામદેવ પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે. એટલે તેમણે અન્ય ઉત્પાદનો પણ શરૂ કર્યા છે.”

અત્યારે પતંજલીના વ્યવસાયની સરખાણમી આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિ શંકરના વ્યવસાય સાથે થાય છે. શ્રી શ્રી રવિ શંકરની 10 વર્ષ જૂની કંપની શ્રી શ્રી આયુર્વેદ અનાજ-કઠોળ, હેલ્થ ડ્રિન્ક્સ અને પર્સનલ કેર આઇટમ્સનું વેચાણ 600 ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ તેમજ ઓનલાઇન પ્લેટફોર્મ પર કરે છે. પણ પતંજલીના અતિ ટૂંકા ગાળામાં આવકનો વિક્રમ કોઈ તોડી શકે છે કેમ તે જોવાનું રહેશે. જો પતંજલીની સરખામણી અન્ય કંપનીઓ સાથે કરવામાંઆવે તો યુનિકોર્ન ફ્લિપકાર્ટ જ તેની હરોળમાં આવી શકે તેમ છે. પતંજલીની સ્થાપના થયાના એક વર્ષ પછી ફ્લિપકાર્ટની સ્થાપના થઈ હતી, જેની કુલ ચીજવસ્તુઓનું મૂલ્ય (જીએમવી) બે વર્ષ અગાઉ 1 અબજ ડોલરને સ્પર્શી ગયું હતું.

શું રામદેવની આ સફળતા એમબીએના વિદ્યાર્થીઓ માટે કેસ-સ્ટડી નહીં બને?

લેખિકા- અથિરા એ નાયર

અનુવાદક- કેયૂર કોટક

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags