વડોદરાવાસીઓને છેલ્લા 7 દાયકાઓથી 'ચા' પીવડાવતા ૯૦ વર્ષના કાશીબા!

વડોદરાવાસીઓને છેલ્લા 7 દાયકાઓથી 'ચા' પીવડાવતા ૯૦ વર્ષના કાશીબા!

Sunday April 03, 2016,

3 min Read

‘ચા’. એ તાજગી તેમજ સ્ફૂર્તિનો પર્યાયવાચક શબ્દ છે. વડોદરા વિસ્તારમાં આમ જોવા જઈએ તો તમને ઘણી બધી ચા અને ચા-નાસ્તાની લારીઓ જોવા મળશે. અમુક લારીઓ સાંજ પછી કે સવારના સમયે ખુલ્લી રહે છે. ઘણી બધી લારીઓ પણ ખાસ્સી ભીડ પણ જોવા મળશે. ત્યાં ઘણાં યંગસ્ટર્સ પોતાનો અડ્ડો પણ જમાવી લે છે. અમુક વ્યક્તિઓ તો તેમના ઘર કરતા એ ચાની લારી પર વધુ જોવા મળશે.


આ ચા ની લારી જ એક એવી લારી છે જ્યાં તમને દરેક પ્રકારના માણસો જોવા મળશે. પરંતુ એવું તો શું ખાસ હોય છે આ લારી કે ચા માં જે માણસોને છેક સુધી જકડી રાખે છે? વડોદરામાં તો અનેક ચાની લારીઓ છે. પરંતુ એવી તે કઈ લારી છે કે જે છેલ્લાં ૭ દાયકાઓથી ચાલે છે? અને જે ચાનો સ્વાદ ૭૦ વર્ષ પહેલાં હતો તેવો જ તાજગીભર્યો સ્વાદ હમણાં પણ છે? એવું તો શું છે આ લારી પાછળનું રહસ્ય?

એટલે જ ચાની વાત નીકળે ત્યારે વડોદરાના કમાટીબાગ વિસ્તારમાં આવેલ ૯૦ વર્ષના કાશીબાની ચા-નાસ્તાની લારી તો યાદ આવે જ ! એમ.એસ. યુનિવર્સીટીમાં ભણતા અને ભણી ચૂકેલા અનેક વિદ્યાર્થીએ આ લારી પર તેમનો કેટલોય સમય વિતાવ્યો જ હશે.

7 દાયકાઓથી વડોદરાના કમાટીબાગ વિસ્તારમાં ચાની લારી ચલાવતા 90 વર્ષનાં કાશીબા

7 દાયકાઓથી વડોદરાના કમાટીબાગ વિસ્તારમાં ચાની લારી ચલાવતા 90 વર્ષનાં કાશીબા


ચાની લારીઓ તો ઠેર ઠેર હોય છે. પણ આ લારીની ખાસિયત એ છે કે આ લારી ચલાવે છે ૯૦ વર્ષના કાશીબા. જયારે ચાલવા, બોલવા જેવી અવસ્થા પણ ન હોય, ઉંમરના તે પડાવે પડાવે દાદીમાં બધાને હોશથી ચા પીવડાવે છે.

આ ચાની લારી કાશીબાના પતિ રાયસિંહભાઈએ શરુ કરી હતી. પરંતુ તેમનું અવસાન થતા આ લારીનો બધો જ કારભાર કાશીબાએ ઉપાડી લીધો. લગભગ ૭૦ વર્ષથી કાશીબા આ લારીને સફળતાપૂર્વક ચલાવે છે. વર્ષો પહેલાં વિદ્યાર્થીઓ ચા પીવાવા આવતા અને જો એમની પાસે પૂરતાં પૈસા ન હોય તો પણ કાશીબા તેમને ઉધાર ચા પીવડાવતા અને એ બધો જ હિસાબ તેઓ યાદ રાખતા. પણ પૈસાના અભાવે કોઈ વિદ્યાર્થીને ચા ન પીવડાવે એમ ન બનતું.

આટલી ઉંમર તેમ છતાં હજું પણ તેમના શરીર પર કોઈ પીડા કે રોગનું નામોનિશાન નથી. હંમેશા કામગરા અને સદાય સ્મિત આપનાર કાશીબાની ચામાં પણ એક અનેરી ઉમંગતા, જોશ અને તાજગી જોવા મળે છે.

image


ત્યાં નિયમિત રીતે ચા પીવા આવતા ઋષભે જણાવ્યું હતું કે, તે આમ તો ખાસ ચા નથી પીતા. પણ કોલેજમાં આવ્યા પછી મિત્રો સાથે કાશીબાની લારી પર ચા પીવા આવતા થયા અને મિત્રો સાથે ચાની લિજ્જત માનતા થયા. તે ચા ના સંદર્ભમાં જણાવે છે, 

"એમના હાથની ચામાં એક અનેરો જ અંદાજ હોય છે. હું અહી લગભગ ૪-૫ વર્ષથી આવું છું. ચાનો જે સ્વાદ પહેલાં હતો એવો જ સ્વાદ હમણાં પણ છે. મારા હિસાબથી વડોદરામાં આવી સારી ગુણવત્તા ધરાવતી ચા તમને ભાગ્યે જ કશે મળશે. એટલે મને ક્યારેય પરીક્ષાનું ટેન્શન હોય કે કોઈ બીજી ઇવેન્ટ હોય, અમે મિત્રો અહીં મળીને જ ઉજવણી કરતાં હોય છે."

આ પ્રકારે તો કેટલાંયે વિદ્યાર્થીઓ પાસે ખટમધુરી યાદો હશે. જેને યાદ કરતાં કરતાં એ ભૂતકાળના અનેરા દિવસો યાદ આવી જાય. કેટલાંયે લોકો વિદેશમાં વસી ગયા પણ જયારે પાછા વડોદરામાં આવે ત્યારે કાશીબાની ચાની લારીની મુલાકાત અચૂક લે જ છે.

image


આજની તારીખે પણ કાશીબા અને તેમના પુત્રવધૂ હંસાબેન સવારના ૬ વાગે આવી ચાની લારી પર આવી કામની શરૂઆત કરી દે છે. અને સવાર જેવી જ સ્ફૂર્તિ કાશીબાના શરીરમાં રાતના ૮ વાગ્યા સુધી જોવા મળે છે.

આવ ઘડપણમાં પણ કઠોર પરિશ્રમ અને એક સ્વસ્થ તેમજ નીરોગી શરીર ધરાવતા કાશીબાને નતમસ્તક પ્રણામ છે. તેમના જુસ્સાને સલામ છે.

વધુ હકારાત્મક અને સકારાત્મક સ્ટોરીઝથી માહિતગાર થવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો.