વડોદરાના 3 વિદ્યાર્થીઓએ શરૂ કર્યું આન્ત્રપ્રેન્યોર્સ અને ઇન્વેસ્ટર્સ વચ્ચે બ્રિજ બનતું ઓનલાઈન મેગેઝીન : બરોડા બીટ

વડોદરાના 3 વિદ્યાર્થીઓએ શરૂ કર્યું આન્ત્રપ્રેન્યોર્સ અને ઇન્વેસ્ટર્સ વચ્ચે બ્રિજ બનતું ઓનલાઈન મેગેઝીન : બરોડા બીટ

Friday April 08, 2016,

4 min Read

ગુજરાતમાં સંસ્કારીનગરી કહેવાતું કે જાણીતું શહેર હોય તો એ છે ‘વડોદરા’. વર્ષો પહેલાં મહરાજા સર સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરને સંસ્કારી ઉપરાંત ઉદ્યોગ, સાહિત્ય તેમજ અભ્યાસના ક્ષેત્રમાં વિવિધ તકો માટે અનેક કામગીરી હાથે ધરી હતી. પરંતુ દિવસ તેમજ વર્ષો જાતને સાથે આજે આમાંથી અનેક વિસ્તરતી તકો તેમજ ઉદ્યોગ જગતના ક્ષેત્રમાં વિકસિત પરિબળોની ખોટ પડી હોય તો તેમજ ક્યાંક કશે સંતાઈ ગઈ હોય એવું લાગે છે. એક ઇન્ડસ્ટ્રી તેમજ બિઝનેસ લેવલનું સ્ટાર્ટઅપ બનવાનું માધ્યમ એ કદાચ વડોદરામાં નથી તેવું લોકોએ માની લીધું હશે. ઉભા રહો ! કદાચ આ વાત છે જૂની પુરાણી છે જ્યારે લોકોને માધ્યમરૂપી કોઈનો સહારો તેમજ સોશિયલ પ્લેટફોર્મ પણ ન હતું. પરંતુ બોસ આ ૨૧મી સદી છે. દેશની યુવા શક્તિ તેમજ તેમની કાબેલિયતનો સમય છે. આવી જ શક્તિ અને જુસ્સાને આગળ ધપાવી તેમજ પોતાના આઈડિયાને એક બિઝનેસમાં ફેરવી આગળ વધાવી વડોદરા શહેરના એમ.એસ.યુનિવર્સીટીના એમ.એચ.આર.એમ વિભાગમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓને ‘બરોડા બીટ’ ઓનલાઈન મેગેઝીનની શરૂઆત કરી છે. વડોદરાના ભૂતકાળને જીવંત કરી ફરી એક વાર વડોદરામાં ઔદ્યોગિક ક્ષેત્રે નવી તકો ઉભી કરવાની આગેવાની લીધી છે.

શ્રીરંગ પુરંદર, જેણે ‘બરોડા બીટ-બી ધ ચેન્જ’ મેગેઝીનની શરૂઆત કરી. શ્રીરંગને જયારે તેના સ્ટાર્ટઅપ વિશે અથવા ભણતરની સાથે આ નવો બિઝનેસ આઇડીયા પાછળનો હેતુ પૂછવામાં આવ્યો ત્યારે તે જણાવે છે, 

"બરોડા બીટ, એ વડોદરાનું એક માત્ર એવું ઓનલાઈન મેગેઝીન છે, જે ફક્ત ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે છે. જયારે મને આ મેગેઝીન શરૂ કરવાનો વિચાર આવ્યો ત્યારે સૌપ્રથમ મેં મારી સાથે ભણતી હેત્વી ચાતુફલ પાસે આ વિચાર શેર કર્યો. હેત્વીએ તરત જ તે આઈડિયાને સમર્થન આપ્યું અને મારી સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી. હેત્વીને લખવાનો ઘણો શોખ છે માટે તેણે રાઈટિંગ ડીપાર્ટમેન્ટ સંભાળવાનો નિર્ણય લીધો. હેત્વીએ મને ખુશ બ્રહ્મભટ્ટનો પણ સંપર્ક કરાવ્યો. જે અમારી સંસ્થાના કૉ-ફાઉન્ડર અને સેલ્સ મેનેજર છે. આમ થોડા જ સમયમાં અમે ત્રણ મિત્રોએ ‘બરોડા બીટ’ના પ્રાણ પૂર્યા."
'બરોડા બીટ'ના ફાઉન્ડર્સ શ્રીરંગ, હેત્વી અને ખુશ

'બરોડા બીટ'ના ફાઉન્ડર્સ શ્રીરંગ, હેત્વી અને ખુશ


‘બરોડા બીટ’ એક એવું મેગેઝીન છે કે ખાસ આન્ત્રપ્રેન્યોર્સ માટે છે. જેની પાસે ઉદ્યોગનો આઇડીયા હોય પરંતુ ફંડના અભાવે પોતાના આઇડીયાને હકીકતમાં ફેરવી શકતા ન હોય, તો ‘બરોડા બીટ’ તેમના માટે બેસ્ટ ઇન્વેસ્ટર્સ તેમજ થોટ-પ્રોસેસને આગળ ધપવા માટે એક સચોટ માધ્યમ બની રહે છે.

શરૂઆતના સમયમાં તેઓ વડોદરાના ઔદ્યોગિક ક્ષેત્રે સફળ થયેલી વ્યક્તિઓનો ઈન્ટરવ્યૂ લેતાં અને તેમની પ્રોત્સાહિત કરતી સ્ટોરી મેગેઝીનમાં લોકો સમક્ષ રજૂ કરતાં.

પછી તેમણે આ ઓનલાઈન મેગેઝીનને ત્રણ વિભાગોમાં વહેંચી દીધું.

૧) આન્ત્રપ્રેન્યોર: જેમાં બિઝનેસ લેવલના આઈડીયા અને થોટ પ્રોસેસ હોય.

૨) સકસેસ સ્ટોરી: જેમાં વડોદરાના વ્યક્તિઓના શ્રમયજ્ઞ તેમજ સફળતાની સ્ટોરી હોય.

૩) સોશિયલ : સામાજિક ક્ષેત્રે સંકળાયેલા NGO કે વ્યક્તિના જીવનની સફર હોય.

આમ આવી રીતે આ ત્રણ મિત્રોએ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૫ ના રોજ પોતાની વેબસાઈટ લોકો સમક્ષ રજૂ કરી ‘બરોડા બીટ’ નામના અનોખા ઓનલાઈન મેગેઝીનની ભેટ આપી.

પરંતુ આ શરૂઆતનો તબક્કો ઘણો સંઘર્ષમય હતો. તેમણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.અને એવું પણ કહેવામાં આવ્યું કે તમે વિદ્યાર્થી છો, હજું ભણવાનું બાકી છે. પહેલાં ભણવામાં ધ્યાન આપો. ઉપરાંત તમારી વેબસાઈટ પણ આકર્ષિત નથી તથા બિઝનેસ કરવો એ તમારા હાથની વાત નથી. એવા ઘણા નકારાત્મક સૂચનો મળ્યા. પરંતુ તેમણે તેમનો સકારાત્મક અભિગમ દ્વારા તથા યોરસ્ટોરી વેબસાઈટને રીફર કરી જેમાંથી તેઓને ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું અને યોરસ્ટોરીના ફાઉન્ડર શ્રદ્ધા શર્માને આઇડલ માની તેમના ઓનલાઈન આર્ટીકલ્સને ફોલો કરી તેઓના આઈડીયાને હકીકતનું સ્વરૂપ આપ્યું.

થોડાક જ સમયમાં તેમના આ ઓનલાઈન મેગેઝીનને હકારાત્મક પ્રતિસાદ મળ્યો અને ઘણી બધી ઇવેન્ટમાં જોડાવવા માટે તેમને આવકાર પણ મળ્યો. હાલ તેમની પાસે ૧૦ વિદ્યાર્થીઓની ટીમ છે જેઓ બરોડા બીટ માટે કામ કરે છે.

બરોડા બીટની ટીમ

બરોડા બીટની ટીમ


ઇવેન્ટ+આન્ત્રપ્રેન્યોર

થોડાક સમય બાદ શ્રીરંગને એક વિચાર આવ્યો જે અંગે તે જણાવે છે, 

"એ વ્યક્તિઓનું શું જેમની પાસે આઈડિયા છે, વિચારો છે, પરંતુ આર્થિક રીતે પહોંચી વળે તેમ નથી."

તેથી તેમણે વડોદરાની પહેલી સ્ટાર્ટઅપ ઇવેન્ટનું આયોજન કર્યું. અને તેમાં લગભગ ૫૫ જેટલી એન્ટ્રી પોતાના આઈડિયા અને ફંડ લઈને બિઝનેસની શરૂઆત ક્યાંથી કરવી અને કેવી રીતે તેની સમજ મેળવવા અને નેટવર્કિંગ માટે આવ્યા. બરોડા બીટને શરુ કર્યાના એક વર્ષ બાદ એક નવી સ્ટાર્ટઅપ મીટ ઇવેન્ટનું તેમણે આયોજન કર્યું. તેમાં ૬ એન્ટ્રીઓને લગભગ ૧.૫ કરોડ ફંડ સાથે એક નવો બિઝનેસ શરુ કરવાની તક મળી. આમ આ ઇવેન્ટને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો અને બીજી વખત પણ ટૂંક સમયમાંજ યોજવાનો અભિપ્રાય મળ્યો.”

image


ખુશ અને શ્રીરંગે જણાવ્યું,

"અમારી આગામી ઇવેન્ટ સોશિયલ આન્ત્રપ્રેન્યોર્સ માટે છે, જે સમાજ માટે કામ કરે છે તેમના માટે માર્ગ મોકળો બને અને આર્થિક તેમજ બીજી અન્ય રીતે સહાય મળે અને એમને સોશિયલ આન્ત્રપ્રેન્યોર તરીકે પૂરતી મદદ મળે. અને સારું કામ કરતા લોકોને પ્રોત્સાહન મળતું રહે તે માટે અમે કોઈ પણ પ્રકારનાં ચાર્જ વગર સામાજિક કાર્યકર્તાઓની સ્ટોરી અમારા ઓનલાઈન મેગેઝીનમાં રજૂ કરીએ છીએ."
image


આમ ‘બરોડા બીટ’ એક અનોખું ઓનલાઈન મેગેઝીન જે વડોદરાના વતની ને વડોદરાના ઔદ્યોગિક ક્ષેત્રની પૂરેપૂરી જાણકારી આપે છે. સાથે જ નવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરી આગળ ધપવાનું સાહસ પૂરું પાડે છે.

જોકે હાલ આ વિદ્યાર્થીઓ ઇન્વેસ્ટર્સ તેમજ સ્ટાર્ટઅપ્સ વચ્ચે એક સેતુ બની મદદ કરવાનું કામ કરે છે જોકે ભવિષ્યમાં તેઓ પોતાના બિઝનેસ પ્લાન પ્રમાણે આગળ વધશે જેથી બરોડા બીટ કોમર્શિયલી પણ સફળ નીવડે. પોતાની પોકેટમનીમાંથી આ વિદ્યાર્થીઓએ બરોડા બીટ ઓનલાઈન મેગેઝીનની શરૂઆત કરી હતી જે આજે વડોદરામાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી રહ્યું છે.

યોરસ્ટોરીની ટીમ તરફથી બરોડા બીટને શુભેચ્છા.

ગુજરાતના સ્ટાર્ટઅપ્સને લગતી અન્ય માહિતી મેળવવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો.