11 વર્ષના 'આનંદ'ની અનોખી 'બાળ ચોપાલ', મળો લખનૌના 'છોટે માસ્ટરજી'ને...
સાતમા ધોરણમાં અભ્યાસ કરતા 11 વર્ષના આનંદ કૃષ્ણ મિશ્રાનું સ્વપ્ન છે કે ભારતનું કોઈપણ બાળક નિરક્ષર ન રહેવું જોઈઅ. તેના માટે તેણે શિક્ષણથી વંચિત રહેનારા બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ જગાડવાનું બીડું ઝડપ્યું છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના લગભગ 125 ગામડાંના અનેક બાળકો આજે ‘છોટે માસ્ટરજી’ અને તેમની ‘બાલ ચોપાલ’ના પ્રયાસોના પરિણામે શિક્ષિત થવામાં સફળ થયા છે. આનંદે વર્ષ 2012માં ઝૂંપડપટ્ટીઓમાં રહેનારા ગરીબ બાળકોને સાક્ષર બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો જેણે થોડા સમય બાદ 'બાલ ચોપાલ'નું સ્વરૂપ ધારણ કર્યું.
આનંદ પોતાના વ્યસ્ત સમયમાંથી એક કલાક ફાળવીને આ બાળકોને ગણિત, કમ્પ્યૂટર અને અંગ્રેજીનું જ્ઞાન આપે છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં આનંદ પોતાની બાલ ચોપાલના માધ્યમથી લગભગ 700 બાળકોને શાળાએ જવા પ્રેરિત કરી ચૂક્યો છે. પોતાની આ 'બાલ ચોપાલ'માં આનંદ બાળકોને ભણાવવા ઉપરાંત તેમની મનોદશા અને તેમના પરિવારની પરિસ્થિતિ વિશે જાણવા પણ પ્રયાસ કરે છે અને પછી તે પોતાના માતા-પિતાની મદદથી આ બાળકોને અભ્યાસ પ્રત્યે જાગ્રત કરે છે.
આનંદના પિતા અનૂપ મિશ્રા અને માતા રીના મિશ્રા ઉત્તર પ્રદેશ પોલીસમાં કાર્યરત છે અને તેઓ તેના અભિયાનમાં પૂરતો સાથ આપે છે. આ અભિયાન ઉપરાંત આ પરિવાર પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ અનેક કાર્યક્રમ કરે છે. આ પરિવાર પોતાનો વધારાનો સમય લોકોને પર્યાવરણનું મહત્વ સમજાવવા અને તેના પ્રત્યે લોકોમાં જાગરૂકતા આવે તથા વધુ ને વધુ લોકો વૃક્ષારોપણ કરે તે માટે પસાર કરે છે.
કેવી રીતે આવ્યો વિચાર?
આનંદના પિતા જણાવે છે કે, તે નાનો હતો ત્યારે વેકેશન દરમિયાન મહારાષ્ટ્ર ગયો હતો અને ત્યાં બનેલી એક ઘટનાએ તેનું જીવન પરિવર્તિત કરી નાખ્યું. અનૂપ આ અંગે જણાવે છે, "આનંદ જ્યારે ચોથા ધોરણમાં હતો ત્યારે ફરવા માટે પુણે ગયો હતો. ત્યાં આનંદે જોયું કે એક બાળક આરતીના સમયે મંદિર આવતું અને આરતી પૂરી થયા પછી મંદિરની બહાર જતું રહેતું. બહાર જઈને તેણે જોયું તો તે બાળક પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતું હતું અને આસપાસના કચરામાં પડેલી ફાટેલી ચોપડીઓ વાંચતું હતું. આનંદે તેને થોડા પૈસા આપવાની રજૂઆત કરી તો તેણે રજૂઆત ફગાવતા જણાવ્યું કે, ખરેખર તમે મને કંઈક આપવા જ માગતા હોવ તો થોડા પુસ્તકો અને પેન-પેન્સિલ આપો જેથી હું ભણી શકું." તે વધુમાં જણાવે છે કે, આ ઘટનાએ આનંદના બાળમાનસ પર ઊંડી છાપ છોડી દીધી અને તે જ દિવસથી તેણે ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા ગરીબ બાળકોના શિક્ષણ માટે પ્રયાસ શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો.
આનંદનો ઉત્સાહ અને વિશ્વાસ જોઈને તેના માતા-પિતા તેને લખનૌની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં લઈ ગયા. ત્યાં જઈને તેમણે જોયું કે આ વિસ્તારોમાં રહેનારા મોટાભાગના બાળકો અભ્યાસથી વંચિત હતા અને તેઓ આખો દિવસ જ્યાં ત્યાં રખડપટ્ટી કરીને જ ફાલતુમાં પસાર કરી દેતા હતા. અનૂપ જણાવે છે, "શરૂઆતમાં મેં આ વિસ્તારના કેટલાક બાળકોને આનંદ સાથે ભણવા માટે તૈયાર કર્યા. ધીમે ધીમે સમય જતાં આનંદ પાસે ભણવા આવતા બાળકોને રસ પડવા લાગ્યો અને તેઓ પોતાના મિત્રોને પણ ત્યાં લાવવા લાગ્યા. આ રીતે 'બાલ ચોપાલ'નો પાયો નખાયો.
બાળકોને કેવી રીતે ભણાવે છે?
લખનૌની આશિયાનામાં આવેલી સિટી મોન્ટેસરી સ્કૂલમાં ભણતો આનંદ રોજ સવારે જાગીને પોતાનો અભ્યાસ પૂરો કરીને બપોરે સ્કૂલથી પાછા આવ્યા પછી થોડો આરામ કરે છે. ત્યારપછી સાંજે પાંચ વાગતા જ તે પોતાની 'બાલ ચોપાલ' માટે ઘરેથી નીકળી પડે છે. ફોન પર થયેલી વાતચીતમાં આનંદ જણાવે છે, "હું બાળકોને ભણાવવા માટે રમતગમત દ્વારા શિક્ષણનો માર્ગ અપનાવું છું. હું રોમાંચક વાર્તાઓ અને શૈક્ષણિક રમતો દ્વારા તેમને જાણકારી આપવાનો પ્રયાસ કરું છું જેથી તેમનો રસ જળવાઈ રહે અને કંટાળો ન આવે. મને લાગે છે કે, બાળકોને શાળાનું વાતાવરણ ગમતું નથી એટલા માટે ત્યાં નથી જતાં."
એવું નથી કે આનંદ પોતાની 'બાલ ચોપાલ'માં બાળકોને માત્ર પુસ્તકિયું જ જ્ઞાન આપે છે. તે પોતાની પાસે આવનારા બાળકોમાં દેશભક્તિ જગાવવાનું પણ કામ કરે છે તથા તેમને સારા માણસ બનવા માટે પ્રેરિત કરે છે. આનંદ જણાવે છે કે, અમારી 'બાલ ચોપાલ'નો આરંભ ‘હમ હોંગે કામિયાબ એક દિન’ ગીતથી થાય છે અને તેનો અંત 'રાષ્ટ્રગીત'થી આવે છે. મારા મતે આ રીતે બાળકોને અભ્યાસ પ્રત્યે જાગ્રત કરવા ઉપરાંત નૈતિકતા, રાષ્ટ્રીયતા અને સામાજિક જવાબદારી પ્રત્યે સભાન કરી શકાય છે.
લાઈબ્રેરી શરૂ કરવાની યોજના
આનંદને પોતાની આ 'બાલ ચોપાલ' માટે સત્યપથ બાળ રત્ન તથા સેવા રત્ન જેવા અનેક પારિતોષક મળ્યા છે. આનંદ ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા બાળકોને શિક્ષણ આપવા ઉપરાંત વિવિધ સ્થળોએ તેમના માટે પુસ્તકાલય પણ શરૂ કરવાનો પ્રયાસ કરે છે અને હાલમાં અનેક સ્થળે તેણે બીજાની મદદથી પુસ્તકાલય ખોલવામાં સફળતા હાંસલ કરી છે. આનંદ હાલમાં પોતાનું આ અભિયાન આગળ વધારવા માટે કાર્યરત છે અને એવા પ્રયાસ પણ કરી રહ્યો છે કે, બોર્ડની પરિક્ષામાં ટોચના સ્થાને આવનારા વિદ્યાર્થીઓ પણ આ અભિયાનમાં જોડાય અને ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં તેની મદદ કરે.
આનંદ દરરોજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અને ગંદા વસવાટોના લગભગ 100 બાળકોને ભણાવે છે. પરિક્ષાઓના સમયમાં તેણે પોતાની આ જવાબદારી કેટલાક સમય માટે પોતાના બીજા સાથીઓના ભરોસે છોડવી પડે છે, પણ તેના સાથીઓ તેને નિરાશ નથી કરતા. આ વર્ષે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિનના દિવસે આનંદે ‘ચલો પઢો અભિયાન’ નામના એક નવા અભિયાનનો પાયો નાખ્યો છે. આ અભિયાનના માધ્યમથી તેનો ઈરાદો છે કે દરેક શિક્ષિત નાગરિક આગળ આવે અને ઓછામાં ઓછા એક નિરક્ષ બાળકને સાક્ષર કરવાનું બિડું ઝડપે.
અંતે આનંદ અમારા વાચકોને એક વાત કહે છે કે, આવો જ્ઞાનના દીપ પ્રગટાવીએ... મારી 'બાલ ચોપાલ'માં ભણનારા અભાવગ્રસ્ત બાળકોના સહયોગી બનીને તમે પોતાના જીવનને સાર્થક કરો. ગંદા વસવાટોમાં રહેનારા બાળકોને સ્કૂલ બેગ, પુસ્તકો, પેન્સિલ, સ્લેટ વગેરે વસ્તુઓની ભેટ આપે અને તેમના અજ્ઞાનતા ભરેલા જીવનમાં તમે પણ જ્ઞાનનો દીપક પ્રગટાવો. ખરેખર તમારો એક નાનકડો પ્રયાસ કોઈની જિંદગી પરિવર્તિત કરી શકે છે. તમારી આપેલી પેન્સિલથી જ આ બાળકો ‘અ’ થી અંધકાર દૂર કરીને ‘જ્ઞ’થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળી શકે છે.
લેખક- સૌરવ રોય
અનુવાદક- એકતા ભટ્ટ