એક ખરાબ અનુભવે વડોદરાના યુવાનને બતાવી નવી રાહ! 'ભૂખ મિટાઓ કેમ્પેઈન' દ્વારા ભૂખ્યા બાળકોના ચહેરા પર લાવે છે સ્મિત!

એક ખરાબ અનુભવે વડોદરાના યુવાનને બતાવી નવી રાહ! 'ભૂખ મિટાઓ કેમ્પેઈન' દ્વારા ભૂખ્યા બાળકોના ચહેરા પર લાવે છે સ્મિત!

Wednesday March 16, 2016,

4 min Read

ભૂખનું દુઃખ તો જેણે તે પરિસ્થિતિનો સામનો કર્યો હોય તેને જ ખબર પડે! જયારે ભૂખનો પોકાર થાય ત્યારે એક સૂકી રોટલી પણ પકવાન જેવી લાગે છે. આપણી આસપાસ કેટલાક લોકો એવા મળી રહેશે કે જેના નસીબમાં બે ટંકનું પૂરતું ભોજન પણ મળી રહેતું નથી.

image


આજે સમાજમાં એવી ઘણી વ્યક્તિઓ છે જેઓ પોતે કંઈ કરવાના સંતોષ અને સમાજ માટે કંઈ કરી છૂટવાની ચાહ સાથે ભૂખ્યા લોકોને અન્ન(ભોજન) પૂરું પાડવાનો ભગીરથ પ્રયાસ કરે છે. આવું જ એક નામ છે વડોદરાના દર્શન ચંદનનું. ફક્ત ૫ મિત્રો સાથે શરુ કરેલું આ કેમ્પેઈન અત્યારે વટવૃક્ષ બની ગયું છે. હાલ તેની સાથે બીજા આશરે ૫૦૦ સ્વયંસેવકો આ પહેલમાં જોડાયા છે.

'ભૂખ મિટાઓ' કેમ્પેઇનની શરૂઆત કરનાર દર્શન ચંદન

'ભૂખ મિટાઓ' કેમ્પેઇનની શરૂઆત કરનાર દર્શન ચંદન


દર્શનને જયારે પૂછવામાં આવ્યું કે આ એક ઝુંબેશની શરૂઆત કઈ રીતે અને શા માટે કરી ત્યારે તે ગર્વથી પોતાના લાઈફના ટર્નિંગ પોઈન્ટ વિશે જણાવે છે,

"એક દિવસ હું મારા પરિવાર સાથે બહાર હોટેલમાં ડિનર કરવા ગયો હતો. ત્યારે તેની ફૂડ સર્વિસથી હું ખૂબ જ નિરાશ થઇ ગયો. એટલે મેં ત્યાના જનરલ મેનેજરને હોટેલની સર્વિસ વિશે ફરિયાદ કરી. મારી ફરિયાદના બદલે ત્યાંના મેનેજરે માફી માગતા સામે મને ફ્રીમાં ફૂડ ઓફર કર્યું. પરંતુ મને એ ન ગમ્યું અને તેની સાથે મેં કહ્યું, કે જો તમને ખરેખર મને જમાડવો હોય તો મારા આ ફૂડથી ગરીબ બાળકોનું પેટ ભરી દેજો. એમને જમાડતા ફોટોગ્રાફ્સ મને મોકલજો. જયારે મેનેજરે મને ફોટોગ્રાફ્સ મોકલ્યા ત્યારે તે બાળકોના ચહેરાઓ પર જે નિર્દોષ હાસ્ય અને સંતોષ જોવા મળ્યો, એ જોઇને મારું દિલ ખીલી ઉઠ્યું અને જાણે મને એવો અહેસાસ થયો કે મારું પેટ ભરાઈ ગયું. પછી શું? એ ઘડીથી મેં નિર્ણય લીધો કે આવું સ્મિત મને દરરોજ નહીં પણ અઠવાડિયામાં એક વાર ફક્ત એક પણ બાળકમાં જોવા મળશે તો મારો આ પ્રયાસ સાર્થક ગણાશે. અને આ રીતે ‘ભૂખ મિટાઓ કેમ્પેઈન’ ની શરૂઆત થઇ."

વડોદરામાં સમતા વિસ્તારમાં આ કેમ્પેઈનની શરૂઆત કરી હતી. અને પહેલા રવિવારે ૪૦ ભૂખ્યા વ્યક્તિઓને જમવાનું પૂરું પાડી તેણે એક નાનકડો પ્રયાસ શરુ કર્યો હતો.

'ભૂખ મિટાઓ' કેમ્પેઈનના સ્વયંસેવક

'ભૂખ મિટાઓ' કેમ્પેઈનના સ્વયંસેવક


મસ્તી કી પાઠશાલા પણ...

'ભૂખ મિટાઓ કેમ્પેઈન'નો ઉદેશ્ય માત્ર ભૂખ મિટાવાનો જ નથી. પરંતુ જરૂરિયાતમંદોને બીજી ઘણી બધી સહાય કરવાનો પણ છે. તે જરૂરિયાતમંદોને પૂરતા કપડા તેમજ શિયાળાના સમયમાં ધાબળાનું પણ વિતરણ કરે છે. વડોદરામાં આ કેમ્પેઈન ૬ અલગ-અલગ જગ્યાએ છેલ્લા ૧૦ મહિનાઓથી ચાલે છે. સાથે જ હવે હેલ્થ-ચેકઅપ કેમ્પસનું પણ આયોજન કરવામાં આવે છે. 

દર રવિવારે અલગ-અલગ કાયદાઓ તેમજ યોગ્ય જીવનશૈલી વિશે સમજ આપી જાગૃત પણ કરે છે. નવાઇની વાત તો એ છે કે એમાંથી અમુક બાળકોના માતા-પિતા આનાથી પ્રેરાઇને તેમના બાળકોને શાળાએ પણ મોકલવા લાગ્યા છે.

image


આવી વિવિધ પ્રકારની સેવાઓ તેમજ સહાય આપી, આ કેમ્પેઈન પાછળનો સપોર્ટ કે આર્થિક સહાય માટે પૂછવામાં આવ્યું ત્યારે માલૂમ પડ્યું કે તેઓ કોઈ પણ પ્રકારની આર્થિક સહાય કોઈ ટ્રસ્ટ કે NGO કે સરકાર તરફથી લેતા નથી. આ કેમ્પેઈનમાં સ્વયંસેવક તરીકે નાના સ્કૂલના બાળકોથી માંડીને મોટી વયના વડીલો ઉત્સાહથી સહાય કરે છે.

દર્શનના જણાવ્યા મુજબ ઘણી વાર લગ્નપ્રસંગોમાંથી વધેલું ખાવાનું આપવા માટે ફોન આવતા હોય છે. પરંતુ એમનું એવું માનવું છે કે, જો આવું વધેલું ખાવાનું પોતે ના ખાતા હોય તો આ બાળકોને શા માટે ખવડાવે? એટલે તેઓ તાજું જ ભોજન આપે છે. અંદાજે દર્શનના આ કેમ્પેઈન અંતર્ગત વડોદરામાં દર રવિવારે લગભગ ૮૦૦ થી ૧૦૦૦ જેટલા વ્યક્તિઓનું પેટ ભરાય છે. 

image


વડોદરા સિવાય આ કેમ્પેઈન આદિપુર, ગાંધીધામ, નડિયાદ, કોસંબા, હાલોલ તેમજ મુંબઈમાં લગભગ ૫૦૦ જેટલા સ્વયંસેવકોના સપોર્ટથી સફળતાપૂર્વક કાર્યરત છે.

ભારતની યુવા પેઢી જો જાગૃત થાય અને આવી એક પહેલમાં જોડાય તો ઘણી બધી વ્યક્તિઓને સહાયતા મળી શકે તે આ કેમ્પેઈનનો મુખ્ય આશય છે. આ કેમ્પેઈન સમગ્ર ગુજરાતના મોટા શહેર જેવા કે અમદાવાદ, સુરત અને રાજકોટમાં શરુ કરી, સમગ્ર ગુજરાત તેમજ ભારતમાં તેનો ફેલાવો કરી દેશ અને દુનિયાને ‘હંગર ફ્રી’ બનાવવાનો છે.

image


આ પહેલ તેમજ ઝુંબેશનો તાત્પર્ય બિઝનેસમાં ફેરબદલ કરવાનો કે નફો મેળવવાનો નથી. પરંતુ લોકોની તકલીફોને મહદ્દ અંશે દૂર કરવાનો છે.

આપણે પણ આવી કોઈ પહેલમાં જોડાઇ એકબીજાના સહભાગીદાર બની, જરૂરિયાતમંદોને બનતી સહાય કરી આપણા સમાજ તેમજ દેશને વધુ મજબૂત બનાવી શકીએ છીએ. પોતાનું જીવન સાચા અર્થમાં બીજા માટે જીવી આપણા જીવનની એક સુંદર પરિભાષા બનાવી કેમ્પેઈન ‘ભૂખ મિટાઓ’ની સાર્થકતા પરિપૂર્ણ કરવા માટે aએકજૂટ બની જઈએ.