અજાણ્યા શહેરમાં ખરીદીની સૌથી સારી દુકાન બસ એક ક્લિક દૂર
લગભગ તમામ લોકો ઘરથી દૂર જ્યારે બીજા શહેરમાં રહેવા જાય છે ત્યારે તેમને ખરીદી માટે ખૂબ જ મુશ્કેલી પડે છે. કોલકાતામાં રહેનારા માઈકા (MICA)ના બે પૂર્વ વિદ્યાર્થીઓ શરદ કુમાર અને તનુશ્રી ખંડેલવાલને આ મુશ્કેલીમાં છુપાયેલા વ્યવસાય અને અવસર મળી ગયા. કેમ્પસની આસપાસના રીક્ષાવાળા તેમના માટે ખરીદી કરવાનું માધ્યમ અને ગાઈડ હતા, છતાં તેમને એમ લાગતું હતું કે એવો કોઈ વિકલ્પ હોવો જોઈએ તેના દ્વારા ખરીદી માટે યોગ્ય જગ્યાએ પહોંચી શકાય. fashionove.comની શરૂઆત અંગે થયેલી ચર્ચા બાબતે બંને જણાવે છે,
"અમે વિચાર્યું કે કોઈ એવી સાઈટ હોવી જોઈએ જેમાં લોકોને સ્થાનિક ફેશન બુટિક, દુકાનોનું રેટિંગ મળે, તેમાં રહેલા સામાનની માહિતી મળી અને તેની કિંમતની પણ જાણ થાય."
શરદે આ સાઈટ બનાવવા અને તેના વિકાસ માટે પોતાની ક્ષમતાનો ઉપયોગ કર્યો તો બીજી તરફ તનુશ્રીએ ફેશન અને માર્કેટ રિસર્ચ કરવામાં પોતાની ક્ષમતા કામે લગાડી.
દરેક સારા-નરસા અનુભવ માટે ઓળખાતું કોલકાતા શહેર એક નવા જ વ્યવસાય માટે તૈયાર હતું. સસ્તું જીવનધોરણ, મદદગાર લોકો અને કપડાંના મુદ્દે શહેરનું સંપન્ન હોવું, fashionove.com માટે સારી બાબત હતી. તનુશ્રી જણાવે છે કે બીજી તરફ વ્યવસાય માટે અહીંયા નકારાત્મક વાતાવરણ પણ હતું. અહીંયાના લોકો જોખમ લેવા માગતા નહોતા. કંઈક અલગ અને કંઈક નવું કરવાનો ઉન્માદ ત્યારે વિસરાઈ જાય છે. કોલાકાતામાં વેપાર માટે અનેક પ્રકારની પારંપરિક માન્યતાઓ ઘર કરી ગઈ છે અને જ્યારે બંને લોકો રોકાણકાર શોધવા નીકળ્યા તો લોકોની આ વિચારધાર જ સૌથી મોટા પડકાર તરીકે સામે આવી. fashionove.comનું લક્ષ્ય લોકોની આ માન્યતાને ખોટી સાબિત કરીને એ સંદેશ આપવાનું હતું કે કોઈપણ શહેરમાં સફળતા મેળવી શકાય છે અને આ સફળતા કામ કરનાર વ્યક્તિ પર આધારિત છે.
ઓક્ટોબર 2014માં શરૂ થયેલું fashionove.com ખૂબ જ સારી રીતે કામ કરતા કરતા, 200 બુટિકનું એનાલિસિસ પોતાની સાઈટ પર આપે છે. ફેશન ઈ-કોમર્સ બજારમાં 80 ઓનલાઈન વિક્રેતાઓ સાથે જાડોઈને તેમની પાસે પોતાના છ હજાર કરતા વધારે સ્ટોક કિપિંગ યૂનિટ છે. શરદ જણાવે છે, "કોઈ પ્રચાર વગર શરૂઆતમાં રોજ 300 લોકો અમારી સાઈટ જોતા હતા. અમને નિયમિત રીતે ગ્રાહકો અને વિક્રેતાઓના ફોન આવવા લાગ્યા. કોલકાતા જેવા શહેરમાં આ બાબત આત્મવિશ્વાસ વધારનારી હતી. fashionove.com ઓનલાઈન ટૂ ઓફલાઈન છે. એવી સાઈટમાં સૌથી મહત્વની વાત લોકો માટે ઓફલાઈન જાણકારી ભેગી કરવાનું હોય છે. લોકો સામાનની જાણકારીને ઓનલાઈન જોયા પછી ખરીદી કરવા માટે સીધા જ દુકાનમાં જઈ શકે છે. fashionove.com તેમાં એક ડગલું આગળ વધીને ઓનલાઈન ખરીદીની પણ સુવિધા આપે છે. જસ્ટડાયલ અને ઝોમેટોએ આ મોડલને ભારતના વાતાવરણમાં ખૂબ જ કારગર સાબિત કર્યું છે. કપડાંના ઓનલાઈન માર્કેટ તરફ અનેક કંપનીઓ આગળ વધી રહી છે. ફ્લિપકાર્ટના સ્થાપકે જ્યાં મહિલાઓના વસ્ત્રો માટે ઓનલાઈન રોપોસો શરૂ કર્યું છે, ત્યાં વેન્ચર ગ્રૂપ માટે ઓનલાઈન વૂપ્લર આ કામ કરી રહ્યું છે. અનેક વર્ગીકૃત વેબસાઈટમાં બુટિક છે પણ એક વર્ગ પર જ વધારે કેન્દ્રિત થવાના કારણે fashionove.comનો ડોટા ખૂબ જ વધી જશે.
શરદ વધુમાં જણાવે છે, "અમે અસંગઠિક બુટિક અને સ્ટોરને એટલી જ જગ્યા આપીએ છીએ જેટલા કોઈ જાણીતાં અને પ્રસ્થાપિત બુટિક કે સ્ટોરને. આ રીતે ઓનલાઈન સ્થાન મળવાથી બુટિક અને સ્ટોરના ઓનલાઈન અને ઓફલાઈન ગ્રાહકોની સંખ્યા વધે છે. તેમની વેબસાઈટ હવે મોબાઈલ પર પણ પહોંચી ગઈ છે પણ હજી એપ ડેવલપ થઈ નથી. કોલકાતા અને મુંબઈમાં પોતાની હાજરી નોંધાવી ચુકેલી fashionove.com એપ દ્વારા વધુ ત્રણ શહેરોમાં પોતાનો વિસ્તાર કરશે.
મુશ્કેલ શરૂઆત પછી fashionove.com એક લાંબી યાત્રા પર છે. તનુશ્રી આ વાતને બોલિવૂડ મસાલા તરીકે જૂએ છે અને જણાવે છે,
"વાર્તામાં એક મા જે પોતાના બાળકો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે અને તેના માટે દુનિયા સામે જંગે ચઢી શકે છે. એક પિતા જે ક્યારેય કંઈ કહેતા જ નથી પણ સમયે સમયે સંકેત આપતા રહે છે કે નાનકડા લાભ માટે કરવામાં આવેલી નોકરી જીવનની સૌથી મોટી ભૂલ હોય છે. આ સાંભળીને લોકો આશ્ચર્યમાં મૂકાઈ જાય છે કે એમબીએ પર 15 લાખ ખર્ચ કર્યા પછી અમે કંઈ જ કમાઈ નથી રહ્યા, જ્યારે અમારા મિત્રો અમારા સાહસને સલામ કરે છે અને અમારા સારા કામથી આનંદિત થાય છે અને જ્યારે કોઈ મૂર્ખતા કરે તો આ જ મિત્રો તેની મજાક પણ ઉડાવે છે. અમારે સ્વપ્નોની પાછળ પડીને પડકારોનો સામનો કરવાનો છે."
લેખક- જુબિન મેહતા
અનુવાદક- એકતા ભટ્ટ