મોતને હાથતાળી આપનાર પર્વતારોહક કેપ્ટન એમ.એસ.કોહલી

- +0
- +0
એક પર્વતારોહક બનવાની સફર
જીવનની 84 દિવાળી જોઈ ચુકેલા કેપ્ટન મોહનસિંહ કોહલી જણાવે છે કે તેઓ મૂળ હરિપુર નામના ગામના રહેવાસી છે. ખૈબર પખ્તુનખ્વાના હજારા વિસ્તારમાં આવેલું હરિપુર ગામ તેના વિવિધ ફળોના કારણે વિશ્વપ્રસિદ્ધ છે. 1931માં કેપ્ટન કોહલીના જન્મ સમયે આ વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સીમાંતના નામે જાણીતો હતો. હરિપુર સિંધુ નદીના મુખ પાસે બનેલો સમૃદ્ધ પ્રદેશ છે. હરિપુર હિમાલયન અને કારાકોરમ પર્વતમાળાથી ઘેરાયેલું પર્વતીય શહેર છે જેની મોટાભાગની વસતી ઈસ.પૂર્વે 327માં સિકંદરના વિજય બાદ અહીં રહી ગયેલા ગ્રીક સૈનિકોના વંશજોની છે. આધુનિક હરિપુરની સ્થાપના 19મી સદીમાં હજારાના બીજા નિઝામ મહારાજ રણજીતસિંહના રહિશ જનરલ હરિસિંહ નલવાએ કરી હતી. કેપ્ટન કોહલી જણાવે છે કે તેમના પૂર્વજો હરિપુરની સામેની ટેકરી પર માર્યા ગયા હતા અને ત્યારથી તે વિસ્તાર તેમના માટે તિર્થધામ જેવો છે. “જ્યારે હું સાડા સાત વર્ષનો હતો ત્યારે હું ઈંડસની સહાયક નદીઓને પાર કરીને તે પર્વતના શિખરો સુધી પહોંચી જતો હતો. જ્યારે હું 16 વર્ષનો થયો ત્યારે નાગા જાતિના લોકોની મદદ વગર એકલો ત્યાં જતો રહેતો હતો.” ઈતિહાસથી અજાણ લોકો હરિનગરને બીજી રીતે પણ જાણે છે. દુનિયાનો સૌથી કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેન વર્ષ 2004માં એબોટાબાદ, જે અહીંયાથી માત્ર 34 કિ.મી. દૂર છે ત્યાં જતાં પહેલાં હરિનગરમાં અસ્થાયી નિવાસી તરીકે રહેતો હતો. તેઓ મજાક કરતા જણાવે છે, “આ શહેરની ચારે તરફ પર્વતો છે. માત્ર 15 મિનિટમાં તમે એક પર્વતની પાછળ ગાયબ થઈ જાઓ પછી બીજાની પાછળ. હું 2004માં હરિપુરમાં જ હતો પણ ક્યારેય બિન લાદેન સાથે મુલાકાત થઈ નથી.”

તેઓ પોતાના વતનમાં ખાસ રહી શક્યા નહોતા. 1947માં થયેલા વિભાજન બાદ તેમને પણ અન્ય લોકોની જેમ પોતાનું વતન છોડવું પડ્યું હતું. પાકિસ્તાનમાં રહેનારા અનેક લોકએ પોતાનું પૈતૃક ગામ છોડવું પડ્યું હતું. કેટલાક લોકો બધું જ ભૂલી ગયા છે અને કેટલાકના મનમાં હજી ધુંધળી સ્મૃતિ ધરબાયેલી છે. મારી વાત કરું તો હું હરિપુર સાથે હૃદયથી જોડાયેલો છું, કારણકે મારી તમામ સિદ્ધિઓ હરિપુરની જ દેન છે.
સિકંદરના વંશજ હોવાથી માંડીને વિભાજનની પીડા સુધી
1947માં વિભાજન સમયે કેપ્ટન કોહલી માત્ર 16 વર્ષના જ હતાં અને હરિપુરમાં પણ કોમી રમખાણો થવા લાગ્યા હતા. તે સમયે મુસ્લિમ લીગ મજબૂત થઈ ગઈ હતી અને સ્વતંત્ર પાકિસ્તાનની માંગણી પણ પ્રબળ બની હતી. આ દરમિયાન અહીંયા વિરોધના સૂર પ્રબળ બનતા જતા હતા. દરરોજ સેંકડો લોકોની હત્યા થઈ રહી હતી. તે સમયે હું અભ્યાસ કરતો હતો. મારા ઘરમાં ચર્ચા ચાલતી હતી કે બધું જ છોડીને ચાલ્યા જવું કે પછી મારી મેટ્રિકની પરિક્ષા પૂરી થાય ત્યાં સુધી રાહ જોવી. છેવટે કેપ્ટન કોહલીએ માર્ચમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને પોતાના પરિવાર સાથે ભારત આવી ગયા. અહીંયા તેઓ ત્રણ મહિના સુધી નોકરીની શોધ માટે ભટકતા રહ્યા. તેઓ જણાવે છે, “મેં નોકરી માટે 500થી વધુ કારખાના અને દુકાનોના પગથિયા ઘસી નાખ્યા પણ તમામ લોકોએ ના પાડી દીધી.” આ દરમિયાન તેમની મારી આંતરિક આગને હવા મળી. બીજી જૂને ઓલ ઈન્ડિયા રેડિયો પર જાહેરાત કરવામાં આવી કે મોહમ્મદ અલિ ઝિણા, જવાહરલાલ નહેરુ અને સરદાર બલદેવ સિંહે ભારતના ભાગલાને મંજૂરી આપી દીધી છે. આ સમાચાર મળતા જ કેપ્ટન કોહલી અને તેમના પિતા સદરાર સુજાનસિંહ હરિપુર પરત ફર્યા. આ દરમિયાન મેટ્રિકનું પરિણામ પણ આવી ગયું હતું. કેપ્ટન કોહલીએ 750માંથી 600 ગુણ મેળવીને પોતાના જિલ્લામાં પહેલો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. હવે એક નવા દેશ સાથે એક યુવાન અને સાહસિકના ભવિષ્યના રસ્તા પણ ખુલવા લાગ્યા હતા. તેમને તે સમયે લાહોરની જાણીતી સરકારી કોલેજ કે જે અત્યારે ગર્વન્મેન્ટ કોલેજ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે તેમાં પ્રવેશ મળી ગયો. આ ખુશી માત્ર એક અઠવાડિયું જ ચાલી. એક દિવસ અચાનક આસપાસના ગામના લોકોએ હરિપુર પર હુમલો કર્યો. એક વખત તો સિકંદર અહીંયાનું બધું જ નષ્ટ કરીને લોકોને મરતા છોડી ગયો હતો . અને તેવામાં હરિપુરના લોકો પોતાના જ લોકો દ્વારા ફરી એક વાર મરવા તૈયાર નહોતા.
તેઓ જણાવે છે, “અમે આખી રાત એક છત પરથી બીજી છત પર ભાગતા રહ્યા. મહામહેનતે પોલીસચોકીએ પહોંચ્યા પણ કોઈ મદદ મળી નહીં. લોકોને મારી તેમના ધડથી માથુ અલગ કરીને ઘરની બહાર લટકાવવામાં આવતા હતાં. કેપ્ટન કોહલી અને તેમના પિતા કોઈ રેફ્યુજીની જેમ એક કેમ્પમાંથી બીજા કેમ્પમાં ભટક્યા કરતા હતા. આખરે તેઓ શીખોના પવિત્રા યાત્રાધામ પંજાબ સાહિબ પહોંચ્યા. અહીંયા એક મહિનો રહ્યા બાદ તેમને ભારત જઈ રહેલા સેંકડો લોકોની સાથે માલગાડીમાં ચડાવી દેવાયા. અમારા પર સ્થાનિક પોલીસે હુમલો કર્યો. ટ્રેનમાં રહેલા 3000 લોકોમાંથી 1000ના શંકાસ્પદ મોત થયા જે ખરેખર હત્યા હતી. આ માહોલ વચ્ચે બીજી એક ટ્રેન ત્યાં આવી જેમાં બલુચ રેજિમેન્ટના જવાનો સવાર હતા. આ જવાનોમાં એક વ્યક્તિ પરિચિત હતી. થોડા સમય પહેલાં જ પાકિસ્તાની સેનામાં જોડાયેલો મોહમ્મદ આયુબ ખાન પણ હતો જે ભીડ ચીરતો બહાર આવ્યો.

નસીબમાં પણ કંઈક આવું જ હશે. આગામી સમયમાં પાકિસ્તાનનો રાષ્ટ્રપતિ બનનાર આયુબ ખાન શરૂઆતના દિવસોમાં હરિપુર ગામમાં કોહલી પરિવારનો પડોશી હતો. તેને જોતાની સાથે જ સરદાર સિંહે બૂમ મારી, “આયુબ અમને બચાવો.” કેપ્ટન કોહલી જણાવે છે, “બીજી તરફથી ખાને પણ બૂમ મારી કે ચિંતા ન કરશો સુજાન સિંહ. હું આવી ગયો છું.” એક દાયકા બાદ પાકિસ્તાનમાં સત્તા પલટો કરીને પાકિસ્તાનની કાયાપલટ કરનારા આ વ્યક્તિએ તે સમયે અમને ગુજરાલા સુધી જવાનો સુરક્ષિત રસ્તો બતાવ્યો. અનેક હુમલા અને રમખાણથી બચતા બચતા આખરે તેઓ ઓક્ટોબરના મધ્ય સુધીમાં દિલ્હી પહોંચ્યા. અમારે નવેસરથી જ શરૂઆત કરવાની હતી. અમારી પાસે નહોતા પૈસા કે નહોતા પહેરવા માટેના પૂરતા કપડાં. અમે ચિથરેહાલ થઈને ફરતા હતા.
તમે ગમે ત્યાં જાઓ હિમાલય તમારો સાથ નહીં છોડે
કેપ્ટન કોહલી જણાવે છે, “હું ત્યાર પછી છ વખત હરિપુરના પ્રવાસે જઈ આવ્યો છું. છેલ્લી વખત હું આયુબ ખાનના પુત્રના અતિથિ તરીકે ત્યાં ગયો હતો. મેં તેમના સ્મારક પર શ્રદ્ધાંજલી પણ આપી હતી. તે વખતે હું મનોમન બબડ્યો પણ હતો કે તમે મારી જિંદગી બચાવી હતી. આ મારી હરિપુરની છેલ્લી યાત્રા છે.”
હાલમાં પણ હરિપુર કેપ્ટન કોહલીને અપાર પ્રેમ કરે છે. તેઓ જણાવે છે, “મારા મતે ગામમાં રહેનારા લોકો આજે પણ માને છે કે ભારત અને પાકિસ્તાનને અલગ નહોતા થવા દેવાના. આ નેતાઓની જીદના કારણે આમ થયું.” તેમણે પોતાનું વતન છોડ્યું તેને અડધી સદી કરતા વધારે સમય થઈ ગયો છે છતાં કેપ્ટનનું મન હજી પણ ભારત, પાકિસ્તાન અને નેપાળના એ પહાડોમાં જ છે. નૌસેનામાં જોડાતા પહેલાં તેમને જણાવવામાં આવ્યું હતું કે તેઓ દર બે વર્ષે એક વખત તેમના ગૃહનગર જઈ શકશે. “મેં કાશ્મીરમાં આવેલા પહેલગામને મારું ગૃહનગર ઘોષિત કર્યું. હું પહેલી વખત 1955માં ત્યાં ગયો હતો. આ રીતે હિમાલય બીજી વખત મારા જીવનમાં આવ્યો.” તેમણે જમીનથી 12 હજાર ફૂટ ઉપર આવેલી અમરનાથની ગુફાના દર્શન કરવાનું નક્કી કર્યું. કોઈપણ જાતના ગરમ કપડાં પહેર્યા વગર માત્ર એક સૂટ અને ટાઈ પહેરીને નૌસેનાનો આ જવાન ત્યાં પહોંચવામાં સફળ રહ્યો. આ રીતે હું એક પર્વતારોહક બની ગયો.
મોતને હાથતાળી આપવાની ક્ષણ
ત્યાર પછી કેપ્ટન કોહલીએ ક્યારેય પાછું વળીને જોયું નથી. 1956માં તેમણે નંદાકોટ પર ચઢાઈ કરી. 17,287 ફૂટ પર આવેલી પ્રાચિન તિરાડો, કોતરો અને તોફાની હવા વચ્ચે 50ના દાયકામાં આ શિખર પર ચડવું રહસ્યમય સાહસ સિવાય બીજું કંઈ જ નહોતું. ઈશ્વરનું ઘર ગણાતા આ સ્થળેથી દુનિયા જોનારા શરૂઆતના સમયના કેટલાક લોકો માટે આ અનુભવ મોતને હાથતાળી આપવા અને ઈતિહાસ રચવા સમાન હતો. જે રીતે હતોત્સાહ થયેલો જનરલ યુદ્ધ નથી લડી શકતો તેમ ઈતિહાસ પણ ખતરનાક કામ કરનારા લોકોથી નથી લખાતો. 1963માં અન્નપૂર્ણાયની યાત્રાનો અનુભવ તેમના માટે સૌથી ભયાનક હતો. “સ્થાનિક લોકોએ અમને લૂંટવા ઉપરાંત અમારા બે સાથીઓને બંધક બનાવી દીધા હતા. અમે મહામહેનતે પાછા ફરવામાં સફળ રહ્યા.” કેટલાક અભિયાનો સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ કેપ્ટન કોહલીને એમ લાગ્યું કે, તેઓ એવરેસ્ટની ચડાઈ કરવા માટે સક્ષમ છે.

1965માં પોતાના સફળ અભિયાન પહેલાં કેપ્ટન કોહલી આ શિખર પર ચડવાના બે નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા હતા. પહેલી વખત માત્ર 200 મીટર અને 1962માં તો માત્ર 100 મીટરના અંતરેથી પાછા ફરવાનો વારો આવ્યો હતો. એક સમય તો એવો આવ્યો હતો કે બરફના ભયંકર તોફાનમાં બીજા કેમ્પના લોકો સાથે સંપર્ક ખોરવાઈ જતાં તેમના લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ પાંચ દિવસે જીવિત પાછા ફર્યા હતા.
આખરે 1965માં કેપ્ટન કોહલીએ એવરેસ્ટ પર વિજય મેળવવાની દિશામાં ઐતિહાસિક અભિયાનની શરૂઆત કરી. આ અભિયાન ભારતને આ દુર્ગમ વિસ્તારના શિખર સુધી પહોંચાડનાર ચોથો દેશ બનાવવાની દિશામાં લઈ જનારું હતું. અમારી પાસે 800 કૂલી અને 50 શેરપા હતા. શિખર પર અમે કુલ નવ લોકો પહોંચ્યા હતા જે એક વર્લ્ડ રેકોર્ડ હતો. છેલ્લાં પાંચ વર્ષોમાં ભારત દ્વારા એવરેસ્ટ પર વિજય મેળવવાનો પહેલો પ્રયાસ હતો. આ પહેલાં 1963માં આંગ શેરિંગે અમેરિકી અભિયાન દરમિયાન શેરપાઓનું નેતૃત્વ કર્યું હતું. આખરે 1965ના તે વિશેષ દિવસે કેપ્ટન કોહલી દેશભરના વિવિધ વિસ્તારોમાંથી લાવેલા 25 ટન સામાન સાથે એવરેસ્ટના શિખરે પહોંચવામાં સફળ રહ્યા. તેઓ જણાવે છે કે, આ કામ સમગ્ર ટીમની ધીરજ અને સાહસના કારણે જ સફળ થયું હતું. ટીમની દરેક વ્યક્તિ આ સફળતાના શ્રેય માટે હકદાર હતી. “તેના કારણે જ જ્યારે ભારત સરકારે મને આ સિદ્ધિ માટે અર્જુન એવોર્ડ આપવાની વાત કરી તો અમે તેને ફગાવતા કહ્યું કે એવોર્ડ આપવો જ હોય તો સમગ્ર ટીમનો આપવો જોઈએ નહીં તો કોઈને નહીં.”
આજના સમયમાં તો તમે એવરેસ્ટ પર જઈને આવો તો માત્ર તમારા પરિવારજનો અને સંબંધીઓ જ તમને મળવા આવશે. તે સમયે પર્વતના શિખર પર દેશનો ઝંડો લહેરાવવો ઐતિહાસિક બાબત હતી. વિશાળ જનમેદનીએ એરપોર્ટ પર અમારું સ્વાગત કર્યું. મને સંસદના બંને ગૃહોમાં સંબોધન કરવાની તક મળી. કેપ્ટન કોહલીનું આ અભિયાન ઘણા તબક્કે મહત્વનું હતું. આ અભિયાનમાં સૌથી મોટી ઉંમરની વ્યક્તિ સોનમ ગ્યાત્સો 42 વર્ષના અને સૌથી નાની ઉંમરની 23 વર્ષની સોનમ વાગ્યાલ પણ હતી. તેમની ટીમનો એક સભ્ય શેરપા નવાંગ ગોમ્બુ બીજી વખત આ શિખર પર વિજય મેળવનાર હતો. 25 ફેબ્રુઆરીથી માંડીને મે મહિનાના અંતમાં યાત્રા પૂર્ણ થઈ. ત્રણ મહિના ખરેખર કપરાં પસાર થયા હતા.

આ ટીમમાં કેપ્ટન એમએસ કોહલીની સાથે લેફ્ટનન્ટ કર્નલ એન કુમાર, ગુરદયાલ સિંહ, કેપ્ટન એએસ ચીમા, સીપી વોહરા, દાવા નોરબુ પ્રથમ, હવાલદાર બાલકૃષ્ણન, લેફ્ટનન્ટ બીએન રાણા, આંગ શેરિંગ, ફુ દોરજી, જનરલ થોંડપુ, ધનુ, ડો. ડીવી તેલંગ, કેપ્ટન એકે ચક્રવર્તી, મેજર એચપીએસ અહલુવાલિયા, સોનમ વાંગ્યાલ, સોનમ ગ્યાત્સો, કેપ્ટન જેસી જોશી, નવાંગ ગોમ્બુ, આંગ કામી, મેજર બીપી સિંહ, જીએસ ભંગુ, મેજર એચવી બહુગુણા અને રાવત એચસીએસે ઈતિહાસ રચી દીધો.

હિમાયલનું પતન અને અપરાધભાવ
ત્યારપછી મેં મોટાપાયે હિમાલયમાં ટ્રેકિંગને પ્રાત્સાહન આપ્યું. કેટલાક દાયકા પછી મને જણાવવામાં આવ્યું કે, આ ક્ષેત્રમાં દર્શાવવામાં આવેલો અતિઉત્સાહ ભયાનક સાબિત થયો છે. હિમાલયમાં આજે કચરાના ઢગલાં છે. પતનની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે મને જાણ થઈ કે અહીંયા વાતાવરણ ખરાબ થઈ ગયું છે અને ઘણા બધા પહાડો પર શબના ઢગલાં છે. આ માટે હું મારી જાતને દોષિત માનું છું.
દેશ-દુનિયામાં થયેલા વ્યાવસાયિકરણના કારણે હિમાલય આજે માત્ર પર્યટનસ્થળ સિવાય કશું જ નથી. કેપ્ટન કોહલી જણાવે છે, “હિમાયલને બચાવવા માટે મેં હિમાલયની યાત્રાના એક ભાગ રહેલા એડમન્ડ હિલેરી, હરજોગ, જુંકો જેવા લોકોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. અમે બધાએ ભેગા થઈને હિમાયલને બચાવવા અને તેના પર્વતો તથા શિખરોને સ્વચ્છ રાખવા હિમાયલન એનવાયરમેંટ ટ્રસ્ટની સ્થાપના કરી. તેઓ પોતાનો મત જણાવે છે, “તે સમયે ખૂબ જ ઓછા અભિયાન હાથ ધરાતા હતા. વર્તમાન સમયમાં ચોમાસાની પહેલાં અને પછી 30 જેટલા અભિયાન હાથ ધરવામાં આવે છે. હવે અભિયાનો માત્ર પૈસા કમાવાનું સાધન બની ગયા છે. લોકો હિમાલયના શિખરો પર જવા લાઈનો લગાવે છે. ત્યાં સુધી કે તમે શારીરિક રીતે સક્ષમ ન હોવ તો તમે 20 થી 25 લાખનો ખર્ચ કરીને ત્યાંના સ્થાનિક શેરપાઓની અને આધુનિક યંત્રોની મદદથી યાત્રા પૂર્ણ કરી શકો છો.
માઉન્ટ એવરેસ્ટ પર થઈ રહેલા સતત અભિયાનોના કારણે હું અને એડમન્ડ હિલેરી માત્ર એક જ વાતનું રટણ કરીએ છીએ કે એવરેસ્ટને થોડો આરામ કરવા દો. ગરીબ દેશો માટે પૈસા મહત્વના હોય છે. તેમને લાગે છે કે અમે માત્ર ટિકા કરીએ છીએ પણ વાસ્તવિકતા એ છે કે સમસ્યા વિકરાળ થઈ રહી છે.”

એક દિગ્ગજની અંતિમ સલાહ
કેપ્ટન કોહલી માટે હિમાલયની આ દુર્દશા અત્યંત પીડાદાયક છે. તેમના માટે ક્યારેક આ જગ્યા શાંત અને આનંદદાયક હતી જેના માટે તેમણે 18 વખત પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. તેઓ જણાવે છે, “તમને ત્યારે ડર નથી લાગતો કારણ કે જેમ જેમ તમે શિખર પાસે જતા જાવ તેમ તેમ મને લાગશે કે તમે આકાશમાં જઈ રહ્યા છો. તમને અનુભવ થશે કે તમે ઈશ્વરની ખૂબ જ નજીક છો અને ભૌતિકવાદી દુનિયાથી સાવ અલિપ્ત થઈ ગયા છો.”
તેઓ વધુમાં જણાવે છે, “1962માં અમે ત્રણ વખત અમારી અંતિમ પ્રાર્થના કરી લીધી હતી અને અમને અમારી સ્થાનિક કબરો દેખાવા લાગી હતી. તેમ છતાં કોઈને કોઈ જ ચિંતા નહોતી. આ બધું જ જીવનનો એક ભાગ હોય છે અને તેમાંય જ્યારે તમે કોઈ ઉંચા પર્વત પર ચડતા હોવ તો તમે પણ આ કુદરતી તાકાતનો જ એક ભાગ બનો છો.”
ઉંમરના આ તબક્કે પહોંચ્યા પછી તેમનો પૌત્ર તેમને એવરેસ્ટ પર જવાની પરવાનગી આપવા મનાવી રહ્યો છે. પર્વતારોહકની કેટલીક શરતો અને કારણ હોય છે. “હું કાયમ કહું છું કે તમારે જવું જ હોય તો યોગ્ય રીતે જાવ. ભારતમાં પાંચ પર્વતારોહક સંસ્થાઓ છે. તમે પહેલાં ત્યાં જઈને પૂરતી તાલિમ લો અને ઓછામાં ઓછું એક અભિયાન હાથ ધરો. તેમાં સફળ થયા પછી એવરેસ્ટ વિશે વિચારો.” તેઓ અંતે જણાવે છે, “હું માનું છું કે જે દેશ પોતાના નાગરિકોને સાહસિક કામો પ્રત્યે ઉત્સાહિત નથી કરી શકતો તે ક્યારેય પ્રગતિ નથી કરી શકતો. તેથી કોઈપણ દેશે વિકાસની દિશામાં આગળ વધવું હોય તો તેણે પોતાના નાગરિકોને સાહસિક કામો કરવા જાગ્રત કરવા પડશે. સાહસિક કામો માટે લોકો ટ્રેકિંગ, વ્હાઈટ વોટર રાફ્ટિંગ અને અન્ય કામ કરતા હોય છે. આ બધું સદાકાળ ચાલ્યું આવ્યું છે. જે લોકો આ સાહસ નથી કરી શક્યા કે નથી કરી શકતા તેમના માટે આ કામ નકામું છે અને તેઓ અમને બેકાર માને છે. મારી દેશને અપીલ છે કે તેઓ સ્કૂલના બાળકોને ફરવા માટે હિમાલય મોકલે. એક વખત સાહસિક કામ કર્યા બાદ તમે તેમના જીવનમાં આવનારા સકારાત્મક પરિવર્તનને જોઈ શકશો.”
- +0
- +0