‘ફોજનેટ’- નિવૃત્ત સૈનિકો માટે નોકરીનું એપીસેન્ટર
જ્યારે પણ દેશ અને દેશની સુરક્ષાની વાત આવે ત્યારે આપણને સેના યાદ આવે છે. દેશના લશ્કરી દળના આધારે જ આપણે પોતાને સુરક્ષિત અનુભવીએ છીએ. અત્યાર સુધી જેટલા પણ યુદ્ધ થયા છે તેમાં આપણી સેનાએ ખૂબ જ સારી લડત આપીને દુનિયામાં પોતાની ક્ષમતા સિદ્ધ કરી છે તો બાકીના સમયમાં સતત દેશની સરહદોને સુરક્ષિત રાખવા દિવસ-રાત એક કર્યા છે. આજે યુવાનો માટે નોકરીના જેટલા વિકલ્પો છે તેમાં લશ્કરની નોકરી એવી છે જેમાં ઘણા પડકારો અને જોખમો રહેલા છે. દેશના સરહદોએ રહેલા સૈનિકો શું કરે છે તેનું પણ કોઈને ભાન હોતું નથી કે જ્ઞાન હોતું નથી. આવા જોખમો ઉઠાવીને સતત જાગ્રત રહીને આપણને આરામથી રહેવાનો આનંદ લેવા દે છે.
સૌથી શરમજનક વાત એ છે કે આ સૈનિકો જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે તેઓ ફરીથી નોકરી શોધવા જાય છે પણ તેમની સામે માત્ર બે જ વિકલ્પ આવે છે. મોટાભાગે તો તેમને સિક્યોરિટી સર્વિસીઝમાં જોબ મળે છે અથવા તો એચઆર ડિપાર્ટમેન્ટમાં તેમની નોકરી અંગે વિચાર કરવામાં આવે છે.
એક વાત ખૂબ જ સ્પષ્ટ છે કે સૈનિકનું જીવન ખૂબ જ પ્રભાવશાળી હોય છે. આ લોકો ખૂબ જ પ્રોફેશનલ હોય છે. તેઓ સૌથી વધારે શિસ્તપ્રિય હોય છે. નિયમોના પાલનમાં પણ અફર હોય છે. સમયસર પોતાનું કામ કરવાની તેમની ક્ષમતા અને આદત સરાહનિય હોય છે. તેઓ નિડર હોય છે. લશ્કરમાં નોકરી કરી આવ્યા પછી બીજી નોકરી શોધતા હોય છે ત્યારે તેમનામાં પરિપક્વતા પણ હોય છે. આ બધા જ ગુણો હોવા છતાં તેમની પાસે નોકરીના માત્ર બે જ વિકલ્પ હોય છે. આ બાબત ખરેખર સૈનિકો સાથે અન્યાય સમાન છે. સૈનિકોની સમસ્યાને સમજતા કેપ્ટન વેંકટ રામન રાવે આ દિશામાં કામ કરવાનું નક્કી કર્યું. કેપ્ટન રાવ જે થોડા સમય માટે આઈઆઈએમ લખનઉમાં આવ્યા હતા તેમણે નક્કી કર્યું કે આ દિશામાં નક્કર પગલાં લેવા જોઈઅ. કંઈક એવું કરવું પડશે જેનાથી કોર્પોરેટ સેક્ટરમાં સૈનિકો માટે નોકરીની તક ઉભી થાય. તેમણે આ દિશામાં સંશોધન શરૂ કર્યું અને એ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ શરૂ કર્યો કે આટલી કુશળતા હોવા છતાં સૈનિકોને અન્ય સેક્ટરમાં નોકરી કેમ નથી મળતી. થોડા સંશોધન બાદ તેમને બંને તરફની નબળાઈ દેખાઈ ગઈ. તેમણે જાણ્યું કે, લશ્કરી અધિકારીઓ અને સૈનિકો આટલો અનુભવ હોવા છતાં કંપનીઓને સમજાવી નથી શકતા કે તેઓ કેવી સરળતાથી તેમને ફાયદો પહોંચાડી શકે છે. બીજી તરફ કંપનીઓ પણ સૈનિકોમાં રહેલા ક્ષમતાને જાણી નથી શકતી. કંપનીઓ ઈચ્છે તો આ લોકોની મદદથી કંપનીના વિકાસને મોટો ફાયદો પહોંચાડી શકાય છે.
ત્યારબાદ કેપ્ટન રાવે મિલિટ્રી ઓફિસર્સની મદદ કરવા માટે ‘ફોજનેટ’ની સ્થાપના કરી. આ દરમિયાન કેપ્ટન રાવના કેટલાક મિત્રો જ પોતાના માટે નોકરી શોધતા હતા પણ તેમને સારી નોકરી મળતી નહોતી. ત્યારબાદ કેપ્ટન રાવે પોતાના કોર્સમેટ ફ્લાઈટ લેફ્ટનન્ટ શ્રીનાથ સાથે જોડાઈને આ લોકોની મદદ કરવાનું શરૂ કર્યું અને તેમને સમજાવ્યું કે કેવી રીતે અને કેવા કેવા પ્રકારની નોકરીઓ માટે તેમણે અરજી કરવી જોઈએ. એવી કઈ કઈ પ્રોફાઈલ છે જે તેમના માટે સારી સાબિત થઈ શકે છે. તેનું પરિણામ એ આવ્યું કે, દર પાંચમાંથી એકને એવી નોકરીઓ મળી જે ડિફેન્સ એમબીએ બેચ આઈઆઈએમ લખનઉના ઈતિહાસમાં સૌથી વધારે હતી. શરૂઆતમાં તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો પણ, કારણ કે તેમની પાસે નહોતું ભંડોળ કે નહોતા પૂરતા સંસાધનો.
ટોચના પદ પર નોકરી અપાવવાની હોવાથી કોર્પોરેટ કંપનીઓને પણ સમજાવવી ખૂબ જ મુશ્કેલ રહેતું. સૈનિકો અને અધિકારીઓને લશ્કર છોડ્યા બાદ કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરાવવી અને તેની સ્થિતિ સમજાવવી મુશ્કેલ હતું અને સાથે સાથે પૈસાની તંગી તો ઉભી જ હતી.
ફોજનેટને હવે લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જે મિલિટરી ઓફિસરને નોકરી મળી જતી તે ફોજનેટનો બ્રાન્ડ એમ્બેસેડર બની જતા. તે ઉપરાંત જે કોર્પોરેટને મિલિટરી ઓફિસરની નિમણૂક બાદ ફાયદો થતો તે લોકો જાતે જ ફોજનેટનો પ્રચાર કરતા અને પોતાના સર્કલમાં તેના વિશે જણાવતા.
ફોજનેટ પોતાનામાં પહેલી એવી કંપની છે જે સૈનિકો માટે સારી નોકરી શોધવામાં કામ કરે છે. તે સૈનિકોના નિવૃત્તિ પછીના ભવિષ્યને સુધારવાનું કામ કરે છે.
જેમ જેમ ફોજનેટનો પ્રચાર વધતો ગયો છે તેમ તેમ કંપીઓનું પણ ફોજનેટ તરફનું ખેંચાણ વધી રહ્યું છે. તેના કારણે આજે ઘણી કંપનીઓ ફોજનેટ સાથે જોડાયેલી છે.