21 પરમવીર, આઝાદ ભારતના સર્વશ્રેષ્ઠ યોદ્ધા!

21 પરમવીર, આઝાદ ભારતના સર્વશ્રેષ્ઠ યોદ્ધા!

Tuesday August 15, 2017,

18 min Read

પરમવીર ચક્ર પદકનું રહસ્ય:

યદા યદા હી ધર્મસ્ય ગ્લાનીર્ભવતિ ભારત. અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્.. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્ક્રુતામ. ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે..

જ્યારે જયારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનું જોર વધે છે, ત્યારે ત્યારે એક ॐકાર સ્વરૂપ પરમતત્વ જન્મ ધારણ કરે છે. સત્પુરુષોનાં રક્ષણ કાજે, દુષ્ટોનાં વિનાશ અર્થે અને માનવ ધર્મની સ્થાપના અર્થે યુગે યુગે પ્રભુનાં અંશ માનવ દેહે પ્રકટી આપણી રક્ષા કરતા રહે છે. કળીયુગે માનવ ધર્મની રક્ષા અને ભારત વર્ષમાં શત્રુઓ વિહીન રાજ્યની સ્થાપના હેતુ, ઈશ્વરીય અંશ ભારતીય પરમવીરોનાં સ્વરૂપે યુદ્ધ રૂપી યજ્ઞની અગ્નિમાં પોતાના પ્રાણોની આહુતિ હોમી આપણી રક્ષા કરી રહ્યો છે.

દેશની સરહદો પર છાશવારે કેટલાય સૈનિકોએ શૌર્યના દાખલાઓ બેસાડ્યા છે. પરંતુ સ્થળ અને કાળની મર્યાદાને કારણે આ બધી બાબતો કંઈ આપણી સમક્ષ આવી શકતી નથી કે સઘળા સૈનિકો એટલા નસીબદાર હોતા નથી કે તેમની કુરબાનીની નોંધ લેવાય.

અનાયાસે પ્રાપ્ત થયેલું સ્વર્ગના ખુલ્લા દ્વારરૂપ આવું યુદ્ધ ભાગ્યશાળી પુરુષો મેળવે છે. આ પૃથ્વી પર જન્મ લેનાર પ્રત્યેક જીવ માટે મૃત્યુ વહેલું કે મોડું નક્કી જ છે. પરંતુ ભયાવહ પરિસ્થિતિઓનો સામનો કરતાં, પિતૃઓનાં અસ્થિઓ અને દેવોનાં મંદિરોની રક્ષા કરતાં પ્રાપ્ત થતું મૃત્યુ પુરુષ માટે સર્વશ્રેષ્ઠ કહેવાયું છે.

image


મેજર સોમનાથ શર્મા (મરણોપરાંત)

31 જાન્યુઆરી 1923ના રોજ હિમાચલ પ્રદેશમાં જન્મેલા, મેજર સોમનાથ શર્મા 4 કુમાઊં રેજીમેન્ટની ચોથી બટાલિયનની ડેલ્ટા કંપનીના કંપની કમાન્ડર હતા. તેમના નેતૃત્વમાં 3 નવેમ્બર 1947ના રોજ બડગામની ઐતિહાસિક લડાઈમાં દુશ્મન પક્ષે 300 મૃતદેહો ઢળ્યા જયારે 4 કુમાઊંનાં 50માંથી 20 જવાનો શહીદ થયા. 26 જવાનો ગંભીર રીતે ઘવાયા. પોતાનો એક હાથ પ્લાસ્ટરમાં હોવા છતાંય 4 કુમાઊંની એ ટુકડીને પોતાના અવિસ્મરણીય નેતૃત્વ વડે વિજયશ્રી તરફ દોરી જનાર મેજર સોમનાથ શર્માને ભારતના સર્વોચ્ચ સૈનિક સન્માન પરમવીર ચક્ર વડે સન્માનવામાં આવ્યા. પોતાના છેલ્લા રેડિયો મેસેજમાં મેજર સોમનાથ શર્મા કહે છે, “દુશ્મન ફક્ત પચાસ ગજ દુર છે. અમારા કરતા તેમની સંખ્યા સેંકડોમાં છે. અમારી ઉપર ભયંકર તોપમારો અને ગોળીબારી થઇ રહી છે. હું એક પણ ઇંચ પાછું ડગ નહિ ભરું, પણ લડીશ અંતિમ સૈનિક અને આખરી ગોળી સુધી.”

દ્વિતીય વિશ્વયુદ્ધનાં મોરચેથી ડીસેમ્બર 1941માં સોમનાથે તેના માતાપિતાને એક પત્ર લખ્યો હતો, “હું મારી સામે આવેલા કર્તવ્યનું પાલન કરી રહ્યો છું. અહી મૃત્યુનો ક્ષણિક ભય જરૂર છે, પણ જયારે હું ગીતામાં ભગવાન કૃષ્ણના વચનને યાદ કરું છું તો એ ડર ખત્મ થઇ જાય છે. ભગવાન કૃષ્ણે કહ્યું હતું કે, ‘આત્મા અમર છે,’ તો પછી શું ફર્ક પડે છે કે શરીર રહે કે નષ્ટ થઇ જાય. પિતાજી હું તમને ડરાવી નથી રહ્યો, પણ અગર હું મૃત્યુ પામ્યો, તો હું તમને ભરોસો આપું છું કે હું એક બહાદુર સિપાહીનું મૃત્યુ મરીશ. મરતા સમયે મને પ્રાણ દેવાનું કોઈ દુઃખ નહિ થાય, ઈશ્વર આપ સર્વે પર પોતાની કૃપા બનાવી રાખે.”

લાંસ નાયક કરમ સિંહ

1 શીખની આલ્ફા કંપની આઉટપોસ્ટની કમાન 15 સપ્ટેમ્બર 1915ના રોજ બરનાલા પંજાબમાં જન્મેલા શૂરા સરદાર લાંસ નાયક કરમ સિંહ પાસે હતી. રીછમાર ગલી પોસ્ટ પર તૈનાત શીખો પર 13 ઓક્ટોબર 1948ના રોજ મળસ્કે છ વાગ્યાના સુમારે પહેલા અતિ ભારે આર્ટીલરી બોમ્બિંગ કર્યા બાદ પાકિસ્તાન સેનાની એક આખી બ્રિગેડે હુમલો કરી દીધો. દુશ્મન તીથવાલ પર કોઈ પણ ભોગે કબજો કરવા મરણીયો બન્યો હતો. કેટલીક જગ્યાઓએ તો દુશ્મનો, શીખોની 10 મીટર જેટલાં નજીક પહોંચી ગયા હતા. પણ આ વીરો દૃઢતા પૂર્વક લડતા રહ્યા. લડાઈની તીવ્રતા એટલેથી સમજી શકાય તેવી છે કે બટાલિયન આઉટ પોસ્ટ પર દુશ્મને એક પછી એક લગાતાર આઠ ભીષણ હુમલાઓ કર્યા. સંગરુર જીલ્લાના સેહના ગામના લાંસ નાયક કરમ સિંહ અને શીખ રેજીમેન્ટના તેમના સાથીઓએ આ પ્રત્યેક હુમલાને ખાળ્યો અને દુશ્મનને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું.

સેકન્ડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે

એંજિનિયર કોર્પ્સના સેકન્ડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે 26 જૂન 1918 ચેંડીયા કર્ણાટકમા જન્મેલા. જમ્મુ કાશ્મીર યુદ્ધ 1947-48 દરમિયાન રામા રાઘોબા રાણે અને તેમની ટીમે પાકી સેનાએ માઇનફીલ્ડમાં તબદીલ કરી મૂકેલા નૌશેરાથી રાજોરીના માર્ગમાંથી દુશ્મન સુરંગો અને રોડ બ્લોક્સને હઠાવવાની ખતરનાક અને પ્રશંષાત્મક કામગીરીના લીધે સેના સમયસર અને કોઈ જાનહાનિ વિના રજૌરી સુધી બેરોકટોક કૂચ કરી શકી. રામા રાઘોબા રાણે અને તેમના સાથી સૈનિકો ભારતીય ટેન્કોની આગળ રહી સતત ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ સુધી દુશ્મનના એકધારા ગોળીબાર અને બોમ્બમારા વચ્ચે દિવસ રાતની કે અનહદ થકાવટની પરવા કર્યા વગર ક્રાઉલિંગ કરી (પેટે ઘસડાઇ) એન્ટિ ટેન્ક માઇન્સ રસ્તામાંથી દૂર કરતાં રહ્યા. કટોકટીમાં મુશ્કેલી ભર્યા સમયે સેનાની વણથંભી આગેકૂચના શિલ્પી રાણેને તેમના અપ્રતિમ શૌર્ય બદલ યુદ્ધ સમયનાં સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર વડે સન્માનવામાં આવ્યા. 

નાયક યદુનાથ સિંહ (મરણોપરાંત)

6 ફેબ્રુઆરી 1948ના તૈનધાર તરફ પાકની એક બ્રિગેડે નૌશેરા કબ્જે કરવાના હેતુથી તીવ્ર હુમલો કર્યો. બ્રિગેડના મુખ્યમથકની મહત્વપૂર્ણ સુરક્ષાની જવાબદારી 1 રાજપૂત ની સી કંપનીને સોંપવામાં આવેલી. પ્લાટુન નં. -9 ની કમાન 21 નવેમ્બર 1916ના રોજ ઉત્તર પ્રદેશના શાહજહાઁપૂરમાં જન્મેલા વીર નાયક જદુનાથ પાસે હતી. હમલાવર દુશ્મનોની સંખ્યા સેંકડોમાં હતી, યદુનાથ સિંહે પીછેહઠ ન કરી. તેમના બધાં સાથીઓ શહીદ થઇ ગયા,અથવા ઘાયલ થયા. દુર્ગાની તલવાર સમા યદુનાથ શત્રુઓ પર મૃત્યુ વરસાવતા,વીજળીક ગતિએ પ્રહારો કરતાં રહ્યા. કુપિત પઠાણોએ કોઈ વિકરાળ ઘટાની જેમ યદુનાથને ચારે બાજુથી ઘેરી લીધા. આ ત્રીજો હુમલો યદુનાથ સિંહ અને દુશ્મન બંને માટે અંતિમ નીવડ્યો. યુદ્ધનાદ, ‘બજરંગબલી કી જય’ નાં ઘોષ સાથે અભિમન્યુ સમા લડી રહેલા યદુનાથને એક ગોળી માથામાં વાગે છે અને બીજી એક ગોળી સોંસરવી છાતીને પાર ઊતરે છે. એ શુરવીર અંતે રણમેદાને વીરગતિ પ્રાપ્ત કરે છે. તેમના બલિદાન, વીરતા અને અદમ્ય સાહસ માટે તેમને મરણોપરાંત દેશના સર્વોત્તમ સૈનિક સન્માન પરમવીર ચક્ર વડે નવાજવામાં આવ્યા.

કંપની હવાલદાર મેજર પીરુ સિંહ શેખાવત (મરણોપરાંત)

કંપની હવાલદાર મેજર પીરુ સિંહ શેખાવતના અપ્રતીમ શૌર્યની દાસ્તાન આપણને વર્ષ 1948 તરફ દોરી જાય છે. જયારે પાકિસ્તાની સેના અને પઠાણ કબાયલીઓનાં લશ્કરે મળીને પોતાની સંપૂર્ણ તાકાતથી કાશ્મીર પર ભયંકર હુમલો કર્યો. આ આક્રમણથી દુશ્મને ભારતીય સેનાને કિશન ગંગા નદીની પેલે પાર જમાવેલા બે અગ્રીમ મોરચાને છોડવા માટે મજબુર કર્યા. ભારતીય સેના એ 11 જુલાઈ 1948નાં રોજ આક્રમણો શરૂ કર્યા. જમ્મુ કાશ્મીરનાં દુર્ગમ પહાડી વિસ્તારોમાંના એક એવા તીથવાલમાં દુશ્મન નજીક-નજીકની બે ઉંચી પહાડીઓ પર સ્થાન જમાવી બેઠો હતો. 6 આર.આર.ની ડી.(ડેલ્ટા) કંપની માટે પરિસ્થિતિ અત્યંત વિકટ હતી. સૈનિકો પોતાના લક્ષ્ય તરફ આગળ વધ્યા કે તેઓ પહાડીમાં ખોદેલા બંકરોમાં છુપાયેલા દુશ્મનનાં ગોળીબારની લપેટમાં આવી ગયા. માત્ર ત્રીસ મિનીટમાંજ ડી. કંપનીના 51 સૈનિકો ખુવાર થઇ ગયા. એકલવીર પીરુસિંહે દુશ્મનની એ મીડીયમ મશીનગન પોસ્ટ તરફ દોટ મૂકી જે તેમના સાથીઓ પર મૃત્યુ વરસાવી રહી હતી. શત્રુનાં ગ્રેનેડના છર્રાનાં ઘાવોથી પીરુસિંહનાં કપડા તાર તાર થઇ ગયા અને શરીરમાં અસંખ્ય ઘાવોમાથી લોહી વહેવા લાગ્યું. પણ વહેતું લોહી કે ઘાવોનું દર્દ પીરુસિંહને રોકી ન શક્યું. એક પછી એક ત્રણ દુશ્મન બંકરોનો લોહી નિગળતી હાલતમાં પિરું સિંહે ખાત્મો કર્યો.

વિલક્ષણ વિરત્વના બદલે પીરુસિહે તેમના જીવનું મુલ્ય ચુકવ્યું પણ પોતાના અન્ય સાથીઓ સમક્ષ તેમણે એકાકી વીરત્વ,દ્રઢતા અને મજબૂતીનું અદમ્ય ઉદાહરણ પૂરું પાડ્યું.

પીરુસિંહ શેખાવતનાં પરાક્રમને સમગ્ર વિશ્વના વીસમી સદીના સૌથી સાહસિક સૈનિક કારનામાઓમાંથી એક માનવામાં આવે છે. તેઓ શહીદ થયા ત્યારે તેમની ઉમર 30 વર્ષ હતી.

તેમની પ્રચંડ વીરતા,કર્તવ્યનિષ્ઠા અને પ્રેરણાદાયી ફરજ પરસ્તી માટે કંપની હવાલદાર મેજર પીરુસિંહ શેખાવતને ભારતના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.

‘તેં માર્યા મામદ તણા ત્રણસે ઉપર ત્રીસ, ત્યાતો વધીયું વીઘા વીસ, કર્બસ્તાનું ત્યાર તણું. 

કેપ્ટન ગુરબચનસિંહ સલારિયા (મરણોપરાંત)

નવેમ્બર 29, 1935ના રોજ પંજાબના ગુરદાસપુરમાં જન્મેલા ગુરબચને 9 જૂન 1957માં ગોરખા રાયફલ્સ જોઇન કરી. કૉંગો પહેલા બેલ્જિયમની કોલોની હતું. બેલ્જિયમે કૉંગો પરથી સૈન્ય કબ્જો દૂર કર્યા બાદ,તે દેશમાં સિવિલ વોરની પરિસ્થિતી નિર્માણ થઈ. આંતરિક યુદ્ધમાં સેંકડો નિર્દોષ નાગરિકોની ખુવારી થઈ. સંયુક્ત રાષ્ટ્રે સૈન્ય દરમિયાનગીરી કરી શાંતિ સેના મોકલી આપી. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનામાં 3000 સૈનિકોની એક આખી ભારતીય બ્રિગેડ તૈનાત થઈ. ગોરખાઑની એક સૈન્ય ટુકડીની કમાન ગુરબચન પાસે હતી. કેપ્ટન ગુરબચનસિંહ સલારિયા અને તેમના સાથી ગોરખા વીરોએ કૉંગો વિદ્રોહીઓને જોરદાર ટક્કર આપી. સંયુક્ત રાષ્ટ્રના કૉંગો મુખ્યાલયને ઘેરો ઘાલવા મથી રહેલા વિદ્રોહીઓને રોકી રાખ્યા. તેમના અસાધારણ નેતૃત્વ ફરજપરસ્તી અને સર્વોચ્ચ બલિદાનના સન્માનમાં રાષ્ટ્રે તેમને મરણોપરાંત પરમવીર ચક્ર વડે અલંકૃત કર્યા.

મેજર ધન સિંહ થાપા

હિમાચલ પ્રદેશના નયનરમ્ય હિલ સ્ટેશન સિમલામાં 10 એપ્રિલ 1949ના જન્મેલા ધન સિંહ થાપા 28 ઓગસ્ટ 1949 ના રોજ 8 ગોરખા રાયફલ્સમાં જોડાયા. લદ્દાખની એક માત્ર ચૂશૂલ હવાઈ પટ્ટીની સુરક્ષા માટે પાંગોંગ ત્સો(તળાવ)ની પૂર્વે આવેલી સિરિજાપ ખીણ વ્યૂહાત્મક રીતે અતિ મહત્વપૂર્ણ હતી. 1/8 ગોરખા રાયફલ્સની અગ્રિમ હરોળ દુશ્મનનો સામનો કરવા માટે સાબદી હતી. અગ્રિમ હરોળની એક આઉટપોસ્ટ સિરિજાપ-1 ની સુરક્ષા ડી. કંપનીને શિરે હતી જેની કમાન મેજર થાપા સંભાળી રહ્યા હતા. ચાઇનીઝ આક્રમણ 21 ઓક્ટોબર 1962ના થયું. મેજર થાપા અને સાથીઓએ સંખ્યાબળમાં અનેક ગણા અને અધ્યતન શસ્ત્રોથી સજ્જ દુશ્મનનો .303 (પોઈન્ટ થ્રી નોટ થ્રી) રાઇફલ વડે વીરતા પૂર્વક મુકાબલો કર્યો. અનેક ચીના સૈનિકોનો ખાતમો કર્યો. અંતે દુશ્મને પીછેહાઠ કરી. 1962 ભારત-ચીન યુદ્ધના મોરચે અપ્રતિમ શૌર્ય અને બહાદુરીના પ્રદર્શન બદલ મેજર થાપાને પરમવીર ચક્ર એનાયત કરાયો.

સૂબેદાર જોગિંદર સિંહ (મરણોપરાંત) 

ફરીદકોટ પંજાબમાં 26 સપ્ટેમ્બર 1921ના જન્મેલા જોગિંદર 1936માં સેનાની 1 સિખ રેજિમેન્ટમાં જોડાયા. 1962 ભારત ચીન યુદ્ધ સમયે નોર્થ ઈસ્ટ ફ્રંટિયર પ્રોવીન્સ (નેફા : હાલ અરુણાચલ પ્રદેશ) ના તવાંગ ખાતે સિખોના એક પ્લાટૂનની કમાન સૂબેદાર જોગિંદર સિંહ પાસે હતી. 23 ઓક્ટોબર 1961, બૂમ-લા એક્સિસ પર ચાઇનીઝ આક્રમણ શરૂ થયું. સૂબેદાર જોગિંદરસિંહ અને સાથીઓ ચટ્ટાનની જેમ અડગ બની દુશ્મનનો માર્ગ અવરોધી લડ્યા. જોગિંદર સિંહને ગ્રેનેડ બ્લાસ્ટને કારણે સાથળ પર ઊંડો ઘાવ થયો પણ તેમણે રણમેદાન છોડવાનો ઇન્કાર કર્યો. સિંહ અને તેમના સાથીઓ ગોળીઓ ખત્મ થયા બાદ મરણિયા બની આગળ વધી રહેલા દુશ્મનો પર તૂટી પડ્યા. અનેક દુશ્મનોને ખત્મ કર્યા બાદ આ ઐતિહાસિક લડાઈમાં સૂબેદાર જોગિંદર સિંહે સર્વોત્તમ વીરગતિ પ્રાપ્ત કરી. સરાહનીય નેતૃત્વ,રણક્ષેત્રે અકલ્પનીય સાહસ અને ફરજપરસ્તીના સર્વોત્કૃષ્ઠ પ્રદર્શન બદલ જોગિંદર સિંહને મરણોપરાંત દેશના સર્વોચ્ચ યુદ્ધ સન્માન પરમવીર ચક્ર વડે નવાજવામાં આવ્યા.

મેજર શૈતાન સિંહ ભાટી (મરણોપરાંત) 

1962 યુદ્ધ દરમિયાન લદ્દાખના રેઝાંગ-લા ખાતે ભારતીય સૈનિકોએ જે લડાઈ લડી હતી તેને વિશ્વ ઈતિહાસમાં એક ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત છે. વીસમી સદીની આઠ સર્વોત્તમ સામુહિક વીરત્વનાં કિસ્સાઓનાં યુનેસ્કોનાં લીસ્ટમાં રેઝાંગ-લાની લડાઈને સામેલ કરાઈ છે. લદ્દાખના ચુશુલ વિસ્તારમાં આશરે 16000 ફૂટની ઊંચાઈ પર રેઝાંગ-લા પહાડીની પાસે ભારતીય સેનાની પોસ્ટની સુરક્ષાની જવાબદારી કુમાઊં રેજીમેન્ટની એક કંપનીને આપવામાં આવેલી, જેનું નેતૃત્વ સાંભળી રહ્યા હતા મેજર શૈતાન સિંહ ભાટી. બે દિવસો સુધી 123 ભારતીય સૈનિકોએ ચીની પી.એલ.એ.ને રોકી રાખી. 18 નવેમ્બર 1962નાં કુમાઊંનાં 123 સૈનિકોમાંથી 109 જવાનો અને તેમના કંપની કમાન્ડર દેશની રક્ષા કરતા શહીદીને વરી ચુક્યા હતા. ભારતીય સૈનિકોની બન્દુકોમાં ગોળીઓ ખતમ થઇ ગઈ છતાં પણ બચેલા સૈનિકો ચીનની સામે ઝૂક્યા નહિ. રેઝાંગ-લા પર છેલ્લી ગોળી ખતમ થઇ અને છેલ્લો જવાન શહીદ થયો તે બાદ ચીર શાંતિએ પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું. રાષ્ટ્રે મેજર શૈતાન સિંહને પરમવિરચક્ર અર્પણ કરી કૃતજ્ઞતા પ્રકટ કરી.

“વતન કી આબરૂ કા પાસ દેખેં કૌન કરતા હૈ, સુના હૈ આજ મકતલ મેં હમારા ઈમ્તિહાં હોગા.”

કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદ (મરણોપરાંત)

10 સપ્ટેમ્બર 1965ના રોજ બપોરના 1330 કલાક. એજ દિવસે સવારે 1000 કલાકે ભારત માતાએ તેનો બળુકો પુત્ર, પાકિસ્તાન આર્મીની ટેન્કોનો ‘વિનાશક’ ‘પરમવીર અબ્દુલ હમીદ ખાન’ ગુમાવ્યો. ટેન્કની શોધની 40મી વર્ષગાંઠે ભારતીય યુદ્ધવીરોએ અસલ ઉત્તરના યુદ્ધમાં તે સમયની મોસ્ટ એડવાન્સ્ડ અમેરિકન બનાવટની 100 પેટન ટેન્કોનો સફાયો કરી નાખ્યો. અને અમૃતસર સહિત ભારતીય પ્રદેશ પચાવી પાડવાની પાકિસ્તાનના મેલી મુરાદ નાકામ કરી દીધી. હમીદની બહાદુરીએ પાકિસ્તાની લશ્કરને હરાવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રેષ્ઠતમ તકનીકી સજ્જતાવાળી પેટન ટેન્કો સામે ભારતીયોએ માત્ર ખાલિસ હિમ્મત, તીવ્ર ઈચ્છા શક્તિ અને નિર્ભયતાથી યુદ્ધ જીતી બતાવ્યું હતું. અબ્દુલ હમીદ અને તેમના સાથીઓ ન તો ટેન્કની વિશાળતાથી વિચલિત થયા ન તેના બખ્તરથી. ખુલ્લી જીપમાં સવાર થઇ પોલાદી બખ્તરબંધ અલ્ટ્રામોડર્ન પેટનનો વિનાશ વેરવામાં તેમણે જરા પણ દયા ન દાખવી. અબ્દુલ હમીદનાં પરાક્રમે પાકિસ્તાની પેટન ટેન્કો વિષે રહી સહી કપોળ-કલ્પનાઓ ચુર ચુર કરી નાખી. અજેય-અભેદ્ય પેટન ટેન્કોને રેતીના કિલ્લાની જેમ ધ્વસ્ત કરી શકવાનો તેમનો આત્મવિશ્વાસ સમગ્ર ભારતીય સેનામાં હકારાત્મકતાની લહેર બનીને ફરી વળ્યો. શહાદતનાં સહેરાને બાંધતા પહેલા અલ્લાહનો એ પ્યારો કુલ સાત દુશ્મન ટેન્કોનો અંત કરે છે. તેમની સર્વોચ્ચ શહીદીના સન્માન સ્વરૂપ તેમને દેશના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર મરણોપરાંત પ્રદાન કરાયું.

4 ગ્રેનેડીયર્સને બેટલ ઓનર ઓફ અસલ ઉત્તર અને થીએટર ઓનર પંજાબ એનાયત થાય છે. વિશ્વના લશ્કરી ઇતિહાસમાં સર્વપ્રથમ વાર માત્ર આર.સી.એલ. ગન ધરાવતી બટાલિયને એક આખા આર્મર્ડ ડીવીઝનને મારી હઠાવ્યું.

લેફ્ટનન્ટ કર્નલ અરદેશીર બુર્ઝરજી તારાપોર (મરણોપરાંત)

18 ઓગસ્ટ 1923ના મુંબઈમાં જન્મેલા તારાપોર 01 એપ્રિલ 1951ના પૂના હોર્સ બટાલિયનમાં નિયુક્ત થયા. 1965 ભારત પાક યુદ્ધ વખતે સિયાલકોટ વિસ્તારમાં એક ભયાનક સમરાંગણ ખેલાયું. લે.કર્નલ એ.બી.તારાપોરે દુશ્મન આક્રમણનો સામનો કર્યો અને રણમાં દુશ્મનને પુરજોર લડત આપી. તારાપોર અને તેમના સાથીઓએ ઇન્ફેન્ટ્રી બટાલિયનની મદદ વડે પાકિસ્તાનનાં ફીલોરા પર આક્રમણ કર્યુ. સ્વરક્ષણની રત્તીભર ચિંતા કર્યા વગર ઘાયલ સિંહ સમા તારાપોર ઘવાયા છતાં રણમેદાને અડગ રહ્યા. 14 સપ્ટેમ્બર 1965, તારાપોરની આગેવાનીમાં તેમની રેજીમેન્ટે પાકિસ્તાનનું વઝીરઅલી કબજે કર્યું. ઈજાગ્રસ્ત તારાપોરે ફરી તેમનાં નેતૃત્વમાં 16 સપ્ટેમ્બરે પૂનાહોર્સ રેજીમેન્ટે જસ્સોરણ અને બુટુર-દોગરંડી પર ચડાઈ કરી. યુદ્ધમાં તેમની ટેન્કને દુશ્મનનાં અનેકો તોપગોળાનો વાર સહેવો પડ્યો. તારાપોરની ટેન્ક પર છેલ્લો વાર તેમના માટે જીવલેણ નીવડ્યો. આખી ટેન્ક એક અગનગોળામાં ફેરવાઈ ગઈ અને અરદેશીર એક યોદ્ધાને છાજે તેવું મૃત્યુ પામ્યા. લેફ્ટનન્ટ કર્નલ અરદેશીર બુર્ઝરજી તારાપોરને મરણોપરાંત સર્વોત્તમ યુદ્ધ ચંદ્રક પરમવીરચક્ર એનાયત થયો.

લાન્સ નાયક આલ્બર્ટ એકકા (મરણોપરાંત)

લાન્સ નાયક આલ્બર્ટ એકકાએ બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ 1971 દરમિયાન રાષ્ટ્ર કાજે “બેટલ ઓફ હિલ્લી”માં બ્રિગેડ ઓફ ગાર્ડસની 14મી બટાલિયનની અગ્રિમ હરોળની રક્ષા કરતા દુશ્મનની અભેધ્ય કિલ્લેબંધીનો નાશ કર્યો. દુશ્મનની લાઈટ મશીનગનમાંથી વરસતી ગોળીઓનાં લીધે તેની કંપનીને ભારે જાનહાની વેઠવી પડી રહી હતી. એક્કાએ પોતાના જીવની પરવા કર્યા વગર એકલે હાથે દુશ્મનનાં બંકર પર હુમલો કરી દીધો. બંદુકની સંગીન ભોંકીને બે દુશ્મન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા. આ અથડામણમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થવા છતાં સ્વસુરક્ષાની લેશમાત્ર પરવા ન કરી અને ભારે શૌર્ય દાખવ્યું. પોતાના સાથીઓ સાથે મળીને લડાઈ ચાલુ રાખીને એક પછી એક બંકર પર કબજો જમાવતા ગયા.લાન્સનાયક આલ્બર્ટ એક્કાએ યુદ્ધમેદાનમાં અપ્રતિમ બહાદુરી, હિંમત, ધૈર્ય અને નિર્ણય ક્ષમતાનું પ્રદર્શન કર્યું અને ભારતીય સેનાની શ્રેષ્ઠ પરંપરાઓને અનુસરીને સર્વોત્તમ ત્યાગની ભાવનાપૂર્વક પોતાના જીવનું બલિદાન આપ્યું. ભારતનાં સર્વોચ્ચ સૈનિક સન્માનનાં વિજેતા આલ્બર્ટ એકકાના પુત્ર વિન્સેન્ટની ઉમર નવ મહિના હતી જ્યારે તેઓ ગંગાસાગરની લડાઈમાં પાકિસ્તાની સેના સામે લડતા શહીદ થયા. 1971 નાં યુદ્ધમાં પૂર્વીય મોરચે એક માત્ર પરમવીર ચક્ર મરણોપરાંત લાન્સ નાયક આલ્બર્ટ એક્કાને એનાયત થયો.

ફલાયિંગ ઓફીસર નિર્મલજીત સિંહ સેખોં (મરણોપરાંત)

નિર્મલ જીત સિંઘ સેખોંનો જન્મ ૧૭ જુલાઈ ૧૯૪૫ના રોજ લુધિયાણા, પંજાબ ખાતે થયો હતો. તેઓ માસ્ટર વૉરન્ટ ઑફિસર તરલોક સિંઘ સેખોંના પુત્ર હતા. તેઓ ૪ જુન ૧૯૬૭ના રોજ ભારતીય વાયુસેનામાં પાઈલટ તરીકે નિયુક્ત થયા હતા. 1971 ઓપરેશન્સ દરમિયાન તેઓ શ્રીનગર સ્થિત નં ૧૮ "ધ ફ્લાઈંગ બુલેટ્સ" સ્ક્વોડ્રનમાં ફોલાંડ નેટ વિમાનનાં પાયલટ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ૧૪ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ શ્રીનગર વિમાન મથક પર પાકિસ્તાની વાયુસેનાના છ સેબર જેટ યુદ્ધ વિમાનોએ હુમલો કર્યો. એકલવીર સેખોંએ તેમનું વિમાન તુર્તજ ઉડાડ્યું અને પાક સેબર વિમાનોનો પીછો કરી એક સાથે બે આક્રમણકારી વિમાનોને આંતર્યા. તેમના એરક્રાફ્ટની ગન વડે તેઓ બે દુશ્મન જેટને નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યા. પણ એકલા સેખોં છ અત્યાધુનિક પાક વિમાનોનો ડોગફાઈટમાં મુકાબલો ક્યાં સુધી કરી શકે? ચોતરફથી પાક વિમાનોએ સેખોંને ઘેરી લઇ તેમના વિમાનને ફૂંકી માર્યું. સેખોંનું ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થયું અને તેમણે પણ જીવ ગુમાવ્યો. તેમના દ્વારા એકની સામે છની વિષમતા સામે પ્રદર્શિત બહાદુરી, ઉડ્ડયન કલા અને નિર્ણયશક્તિ માટે તેમને ભારતનું યુદ્ધસમયનું સર્વોચ્ચ સન્માન પરમવીર ચક્ર એનાયત કરાયું. 

સેકંડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ (મરણોપરાંત)

૧૪ ઓક્ટોબર ૧૯૫૦ના રોજ પૂણે, મહારાષ્ટ્ર ખાતે જન્મેલા સેકંડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ 17 પૂના હોર્સમાં 13 જુન 1971ના જોડાયા. 1971 ભારત-પાક યુદ્ધ દરમિયાન પૂના હોર્સને 47 ઇન્ફેન્ટ્રી બ્રિગેડની કમાન નીચે શક્કરગઢ વિસ્તારમાં બસન્તર નદીની આરપાર એક પુલ બાંધવાનું લક્ષ્યાંક સોંપાયું. દુશ્મને હુમલો કરી દીધો જેના જવાબમાં ખેતરપાલ તેમની સેન્ચુરિયન ટેન્ક પર સવાર થઇ દુશ્મનો પર સાક્ષાત મુત્યુ બનીને તૂટી પડ્યા. અનેક દુશ્મન ટેન્કો, સૈનિકો અને રીકોઈલેસ જીપોએ તેમની સમક્ષ સરેન્ડર કર્યું. આ લડાઈમાં અરુણની ટેન્કને પણ એક દુશ્મનનો તોપગોળો વાગી જવાથી તેમની ટેન્કમાં આગ લાગી જાય છે. પરંતુ અરુણ ખેતરપાલ આ યુદ્ધમાં તેમની ટેન્કનું મહત્વ સમજી ગયા હતા.અગનગોળો બનેલી ટેન્ક સાથે પણ તેઓ અડગ રહ્યા અને બચેલી દુશ્મન રણગાડીઓનો વિનાશ વેરતા રહ્યા. અંતે એક બીજો તોપગોળો તેમની ટેન્ક સાથે અથડાયો. શુરવીર અરુણ દુશ્મનને સફળ થવા દેતા નથી પણ પોતે વિરોચિત મૃત્યુને પામે છે.

દુશ્મન સમક્ષ દેખીતી અપૂર્વ બહાદુરી અને અભૂતપૂર્વ સાહસનાં પ્રદર્શન બદલ સેકંડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલને રાષ્ટ્ર મરણોપરાંત પરમવીર ચક્ર વડે સન્માનિત કરે છે.

મેજર હોશિયાર સિંહ

05 મે 1936ના રોજ હરિયાણામાં જન્મેલા મેજર હોશિયાર સિંહ, 30 જુન 1963માં ગ્રનેડીયર્સ રેજીમેન્ટમાં જોડાયા. 15 ડીસેમ્બર 1971ના રોજ દુશ્મનો વિરુદ્ધ સામસામેની લડાઈમાં હોશિયારસિંહ એક ટ્રેન્ચથી બીજા ટ્રેન્ચ પર જતાં અને તેમના સાથીઓનો ઉત્સાહ વધારતાં રહ્યા. તેમણે દુશ્મનનો પ્રથમ હુમલો નાકામ કર્યો અને દુશ્મન ઠેકાણાઓ પર કબજો જમાવ્યો. પરંતુ બીજે દિવસે 16 ડિસેમ્બરે જ્યાં એક તરફ બાંગ્લાદેશમાં પાક જનરલ નિયાઝી ભારતીય સેના સામે આત્મ સમર્પણ કરી પોતાનો જીવ બચાવવાની દુહાઈઓ આપી રહ્યા હતા, ત્યારે જ પશ્ચિમી મોરચે યુદ્ધ પુરબહારમાં ચાલી રહ્યું હતું. મેજર હોશિયાર સિંહ ઘાયલ હતા. જખ્મોમાંથી ભારે પ્રમાણમાં લોહી વહી રહ્યું હતું પણ તેમની મશીનગનમાંથી દુશ્મનો પર થઇ રહેલા ગોળીઓનાં વરસાદ પર તેની અસર થવા ન દીધી. અંતે યુદ્ધવિરામની ઘોષણા સાથે દુશ્મને પીછેહઠ કરી. સમગ્ર ઓપરેશન દરમિયાન, દુશ્મન સમક્ષ મેજર સિંહે અવિસ્મરણીય વીરત્વ, કઠોર નિર્ણય ક્ષમતા અને અજેય ભાવના પ્રદર્શિત કરી. તેમને ભારતનો સર્વોચ્ચ યુદ્ધ શૌર્ય ચંદ્રક, પરમ વીર ચક્ર અર્પી સન્માનિત કરવામાં આવ્યા.

નાયબ સૂબેદાર બાના સિંહ

6 જાન્યુઆરી 1949ના જમ્મુ કાશ્મીરના કાદયાલ ગામમાં જન્મેલા નાયબ સૂબેદાર બાના સિંહની બટાલિયનને 20 એપ્રિલ 1987ના રોજ સિયાચીન ખાતે ભારતની સીમાની અંદર કાઈદપોસ્ટ જમાવી બેઠેલા પાકિસ્તાનીઓને ખદેડવાની જવાબદારી સોંપાઈ. સિયાચીનની સૌથી મહત્વપૂર્ણ ચોકી, કાઈદપોસ્ટનું માળખું અત્યંત દુર્ગમ છે. બે તરફ 1500 ફૂટ ઊંચી બરફની દીવાલો વડે ઘેરાયેલી, આ ચોકી ગ્લેશિયર ઉપર એક કિલ્લા સરિખી બનાવવામાં આવી હતી. આ પોસ્ટ પાકિસ્તાન માટે અત્યંત મહત્વપૂર્ણ હતી અને તેનું કાઇદ-એ-આઝમ જિન્નાહ પાછળ નામાંકન કરાયું હતું. મિશન માટે નીકળતા પહેલા બાના સિંહે ગુરુઓને પ્રાર્થના કરી. ઓપરેશન દરમિયાન બાના સિંહ કહે છે, ‘તેમને ન ઠંડી લાગી, ન લાગ્યો ડર, ન તેમણે વિચાર્યું કે મરી જઈશું કે અસફળ થઈશું તો શું?’

આખો દિવસ બાના અને તેમના સાથીઓ બરફનાં તોફાન વચ્ચે આત્યંતિક ખરાબ વાતાવરણમાં ખુલ્લામાં આગળ વધતાં રહ્યા. બાના સિંહ કહે છે, “દિવસનો સમય હતો પણ બરફવર્ષા એટલી તીવ્ર હતી કે દિવસ છે કે રાત તે કળી શકાય તેમ નહોતું.” સલ્તોરો રીજની ચોટી પર પહોચતા એક પાકીસ્તાની બંકર દેખાયું. બાના તેની તરફ ધસ્યા અને તેનો દરવાજો ખોલીને ત્વરાથી અંદર એક ગ્રેનેડ ફેંક્યો. છ પાકિસ્તાની સૈનિકો બંકરમા છુપાયા હતા. બાના અને તેમના સાથીઓએ એ બધાને ખતમ કર્યા, કાઇદ-એ-આઝમ પર ફરી વળ્યા અને ઝળહળતો વિજય મેળવ્યો. સવાયા આઝમ નાયબ સૂબેદાર બાના સિંહને સિયાચીનના મોરચે અભૂતપૂર્વ સાહસ અને અદ્વિતીય લશ્કરી કુનેહ અનેઅવિસ્મરણીય હિમ્મતના પ્રદર્શન બદલ પરમવીર ચક્ર એનાયત કરાયો. વિશ્વ ઈતિહાસમાં બાનાસિંહનું નામ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધમેદાનનાં વિજેતા તરીકે સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયું. ‘કાયદ’ પોસ્ટ હવે ‘બાના’ પોસ્ટ તરીકે ઓળખાય છે.

મેજર રામાસ્વામી પરમેસ્વરન (મરણોપરાંત)

13 સપ્ટેમ્બર 1946માં મુંબઈમાં જન્મેલા મેજર રામાસ્વામી પરમેસ્વરન જાન્યુઆરી 1972માં મહાર રેજીમેન્ટમાં જોડાયા. શ્રીલંકા ઓપરેશનની કાર્યવાહી દરમિયાન 25 નવેમ્બર 1987,મેજર પરમેસ્વરન અને તેમની ટુકડીને બળવાખોરોનાં એક જૂથ સાથે અથડામણ થઇ. મુશ્કેલીનાં સમયે અત્યંત ચાતુર્ય દાખવતા તેમણે બળવાખોરોને પાછળના ભાગેથી ઘેરી અને હિંમતભેર પડકાર્યા. આપણી અને દુશ્મનો વચ્ચે હાથો હાથ લડાઇ થઇ જેમાં એક બળવાખોરે તેમને છાતીમાં ગોળી મારી દીધી આટલી ગંભીર ઈજા છતાં મેજર પરમેસ્વરને એ આતંકીની બંદુક તેના હાથમાંથી છીનવી અને તેને મોતને ઘાટ ઉતાર્યો. જોકે ગંભીર રીતે ઘાયલ થયા છતાં તેઓ અંતિમ શ્વાસ સુધી સાથીઓને દિશા સુચન કરતા રહ્યા આદેશો આપતા રહ્યા. મેજર તેમના સાથીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા. મેજર રામાસ્વામી પરમેસ્વરનનું તેમની આત્યન્કિક બહાદુરી અને અપ્રતિમ બલિદાન માટે, રાષ્ટ્રે મરણોત્તર પરમ વીર ચક્ર વડે સન્માન કર્યું.

કેપ્ટન વિક્રમ બત્રા (મરણોપરાંત)

13 જમ્મુ કાશ્મીર રાયફલ્સનાં કેપ્ટન વિક્રમ બત્રા અને તેમની ડેલ્ટા કંપનીને પોઈન્ટ 514૦ કબજે કરવાનું લક્ષ્ય સોંપાયું. હાથોહાથની લડાઈમાં કેપ્ટન બત્રાએ એકલે હાથે ત્રણ દુશ્મન સૈનિકોને ખતમ કર્યા. આ લડાઈ દરમિયાન તેમને ગંભીર ઈજા પંહોચી પરંતુ તેમણે સાથીઓને પુનઃએકઠા કરી લક્ષ્ય સાધવા પર ભાર મુક્યો. કેપ્ટન બત્રા દ્વારા પ્રદર્શિત અસાધારણ હિંમત દ્વારા પ્રેરિત થઇ, 13 રાઈફલ્સના જવાનોએ દુશ્મન મોરચાઓ પર આક્રમણ કર્યું અને 20 જૂન 1999, સવારે 3.30 વાગ્યે પોઈન્ટ 5140 પર કબજો જમાવ્યો. કેપ્ટન બત્રાએ તેમના સાથીઓને ત્યારબાદ 4750 અને પોઇન્ટ 4875 તરફ દોરી ભવ્ય જીત અપાવી. દુશ્મનનાં વળતા હુમલા દરમિયાન એક ઈજાગ્રસ્ત સાથીને રેસ્ક્યુ કરવા જતાં તેઓ વીરગતિને પામ્યા. કારગીલ યુદ્ધ દરમિયાન સર્વોત્તમ વ્યક્તિગત બહાદુરીના સતત પ્રદર્શન બદલ, કેપ્ટન વિક્રમ બત્રાને મરણોત્તર ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું.  

લેફ્ટનન્ટ મનોજ પાંડે (મરણોપરાંત)

11 જુન 1999નાં રોજ 1/11 ગોરખા રાયફલ્સનાં લેફ્ટનન્ટ મનોજ પાંડેએ બટાલિક સેક્ટરમાંથી ઘુસણખોરોને મારી હઠાવ્યા. તેમના નેતૃત્વ તળે ગોરખા જવાનોએ વ્યુહાત્મક મહત્વની જૌબાર ચોટી પર પુનઃ કબજો કર્યો. પરંતુ ગોરખાઓનું શ્રેષ્ઠ વીરત્વનું પ્રદર્શન ૩ જુલાઈ 1999નાં જોવા મળ્યું.2-3 જુલાઈની રાત્રે ઊંચાઈઓ પર વિદ્યમાન દુશ્મને બટાલિયનની આગેકુચ રોકી દીધી. યુવાન સૈનિક મનોજ પાંડે તેમના પ્લાટુનને એક સાંકડી ખતરનાક રીજ પર થઇ દુશ્મન તરફ દોરી ગયા. મનોજે સૌથી આગળ રહી ટુકડીનું નેતૃત્વ કર્યું અને ગોરખા યુદ્ધ નાદ જય મહાકાલી, આયો ગોરખાલીનાં ગગનભેદી ઉદઘોષ સાથે ગોળીઓ વરસાવતા દુશ્મનો પર કાળ બની તૂટી પડ્યા. ખભો અને પગ જખમી હોવાથી ભારે રક્તસ્ત્રાવ થઇ રહ્યો હોવા છતાં તેમણે આ એકાકી હુમલામાં દૃઢ નિર્ધારનો પરિચય આપ્યો. અત્યંત લોહી વહી જવાને લીધે દુશ્મનના અંતિમ બંકર પાસે તેઓ પડ્યા અને અંતિમ દુશ્મનનો ખાત્મો કર્યા બાદ તેમણે અંતિમ શ્વાસ લીધો. લેફ્ટનન્ટ મનોજ પાંડેને ભારતનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીરચક્ર મરણોત્તર એનાયત કરાયો.

ગ્રેનેડીયર યોગેન્દ્ર સિંહ યાદવ

કમાન્ડો ગ્રેનેડીયર યોગેન્દ્ર સિંહ યાદવ અને તેમના ઘાતક પ્લાટુનને કારગીલ યુદ્ધ દરમિયાન ૩-4 જુલાઈ 1999 ની રાત્રે ત્રણ વ્યુહાત્મક મહત્વના દુશ્મન બંકરો પર કબજો કરવાનું લક્ષ્ય આપવામાં આવેલું. જાંઘમાં અને ખભામાં કુલ ત્રણ ગોળીઓ વાગવા છતાં અપ્રતિમ હિંમત અને અતિવિશેષ શક્તિ વડે વધુ 60 ફૂટ પર્વતારોહણ કરી ઘાયલ શુરવીર યાદવ એકલે હાથે પેટે ઘસડાઈ દુશ્મન બંકર પર ગ્રેનેડ ઝીંકી ચાર પાકિસ્તાની સૈનિકોને ખત્મ કરે છે. ગ્રેનેડીયર યોગેન્દ્ર સિંહ યાદવને દુશ્મન સમક્ષ શ્રેષ્ઠતમ વીરત્વનાં પ્રદર્શન અને સ્વ સુરક્ષાની રત્તીભર પરવા વગર ફરજ પરત્વે તેમના ત્યાગ બદલ ભારતનાં સર્વોચ્ચ વીરતા સન્માન પરમ વીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા.

રાયફલ મેન સંજય કુમાર

13 જમ્મુ કાશ્મીર રાયફલ્સનાં રાયફલ મેન સંજય કુમારનાં નેતૃત્વમાં સેનાની એક ટુકડીને 04 જુલાઈ 1999નાં મુશકોહ ઘાટનાં પોઈન્ટ 4875ની ટોચ પર પાકિસ્તાની ઘુસણખોરોને હઠાવી કબજો કરવાનો હતો. સ્વરક્ષાની પરવા કર્યા વિના કુમાર પર્વતની ટોચે એકલા ચઢી ગયા. દુશ્મનોની ગોળીઓના વરસાદ વચ્ચે છાજલી પર આવેલા દુશ્મન બંકર પર ધસી ગયા. ગોળીઓના જખમોથી લોહીલુહાણ સંજય બંકર તરફ આગળ વધી રહ્યા છે. હાથોહાથની લડાઈમાં ત્રણ દુશ્મન સૈનિકોને ખતમ કર્યા બાદ તેમણે દુશ્મનની મશીન ગન ઉપાડી લીધી અને બીજા બંકર તરફ઼ ધસ્યા. ડઘાયેલા દુશ્મન સૈનિકોને સંજય કુમારે ત્યાજ મારી નાખ્યા. આ બહાદુરીથી પ્રેરાઈને ટુકડીએ એરિયા ફ઼્લેટ ટોપ પર હુમલો કર્યો અને આખો વિસ્તાર કબ્જે કરી લીધો. રાયફલ મેન સંજય કુમારને રાષ્ટ્ર પરત્વેની ફરજ દરમિયાન ઉચ્ચ કક્ષાનાં સમર્પણ અને અપ્રતિમ બહાદુરીનાં પ્રદર્શન બદલ ભારતના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરાયા.

લિ. આપનો વિશ્વાસુ, મનન ભટ્ટ (પૂર્વ નૌસૈનિક)

મિત્રો, આજે આપ સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ! આજે એક સૈનિક તરીકે હું આપ સૌને વિનંતી કરીશ કે ભારત દેશના આ પરમવીરોની આ વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી તેમણે સલામ કરીએ!