દાદાજીની મોત બાદ હજારો લોકોને સિગારેટ છોડાવી બતાવી નવી ‘દિશા’

દાદાજીની મોત બાદ હજારો લોકોને સિગારેટ છોડાવી બતાવી નવી ‘દિશા’

Thursday January 28, 2016,

4 min Read

સમાજને નવી દિશામાં લઈ જવાનો જુસ્સો હોય તો ઉંમર ક્યારેય નડતી નથી. આ વાતને સાબિત કરી છે ઈન્દોરની રહેવાસી 11 વર્ષની દિશા તિવારીએ. દિશાએ તમાકુ વિરોધી અભિયાન ત્યારે શરૂ કર્યું જ્યારે તે માત્ર પાંચ વર્ષની હતી. અત્યાર સુધીમાં તેણે ત્રણ હજાર લોકોની સિગારેટ છોડાવી છે અને હજી પણ તેનું અભિયાન જારી છે. સ્કૂલ અને હોમવર્ક ઉપરાંત દિશાને જે પણ સમય મળે છે તેમાં તે પોતાના અભિયાનને સફળ બનાવવામાં ઉપયોગમાં લે છે.

image


ઘટના છ વર્ષ જૂની છે. ઈન્દોરના એક ઓપન રેસ્ટોરાંમાં કેટલાક યુવાનો સિગારેટ પી રહ્યા હતા. અચાનક એક પાંચ વર્ષની બાળકી તેમની પાસે આવીને સવાલ કરવા લાગે છે. અંકલ તમે સિગારેટ શા માટે પીવો છો... સિગારેટ પીવાથી શું થાય છે... શું તમને ખ્યાલ છે કે તમારી આ ખરાબ આદતના કારણે તમારી સાથે સાથે આસપાસના લોકોને પણ નુકસાન થાય છે... તમને ખ્યાલ છે કે આ આદતના કારણે તમે સમય પહેલાં જ મૃત્યુ પામશો? આ એવા ભારેખમ સવાલ હતા જે એક નાનકડી છોકરીના મોંઢેથી નીકળ્યા હતા પણ તે એટલા મોટા હતા કે સિગારેટ પીનારા યુવાનોને હચમચાવી ગયા હતા. આ બાળકી રોકાઈ નહીં. તેણે યુવાનોને તાત્કાલિક સિગારેટ અને તેનું પેકેટ ફેંકી દેવા કહ્યું. અસર એ થઈ કે યુવાનોએ બાળકીને વાત માનવી પડી. આ બાળકી હતી દિશા તિવારી. તે પોતાના મમ્મી-પપ્પા સાથે રેસ્ટોરાંમાં ભોજન માટે આવી હતી. દિશાના પિતા પાસે આવીને તે યુવાનોએ જણાવ્યું કે, અત્યાર સુધી ઘણાં લોકોએ અમને સિગારેટ છોડવા કહ્યું હતું પણ તમારી દીકરીના દરેક શબ્દે તેમને અંદરથી હચમચાવી નાખ્યા છે અને હવે તેઓ સિગારેટ નહીં પીવે.

દિશાના પિતા અશ્વિન તિવારીએ જ્યારે આ બાબતે પોતાની દીકરી સાથે વાત કરી તો તેણે કહ્યું,

"જ્યારે હું કોઈને સિગારેટ પીતા જોઉં છું તો મને લાગે છે કે તે પણ મારા દાદાની જેમ મરી જશે. તેના કારણે હું તેમને રોકવા માગું છું."

દિશાના પિતાએ તેને જણાવ્યું કે, તે આ બાબતને અભિયાન બનાવીને આગળ વધી શકે છે. તેમાં સમગ્ર પરિવાર તેની મદદ કરવા તૈયાર છે. બસ પછી તો દિશાનું અભિયાન શરૂ થઈ ગયું. દિશાએ સૌથી પહેલાં તો પોતાની સોસાયટીમાં રહેતા એવા લોકોની શોધ કરી જે સિગારેટ પીતા હતા. દિશા તેમના ઘરે જઈને તેમને મળતી. તેમને સિગારેટથી થતા નુકસાન અંગે સમજાવતી, સિગારેટ છોડવાનું વચન લેતી અને ડાયરીમાં તેમનો નંબર પણ નોંધી રાખતી. પહેલાં દરરોજ અને થોડા સમય પછી સમયાંતરે તેમને ફોન કરીને તેમનો વાયદો યાદ કરાવતી.

image


દિશાના આ પ્રયાસ તેની સોસાયટીથી શરૂ થઈ બાજુની સોસોયટી પછી તેના વિસ્તાર અને પછી શહેરના અન્ય વિસ્તારો સુધી ફેલાઈ ગયા. અભિયાન મોટું થતું ગયું અને દિશા સાથે ઘણા લોકો જોડાવા લાગ્યા અને દિશાની તસવીરો સાથેના રજૂઆત કરતા પોસ્ટરો શહેરમાં અનેક જાહેર સ્થળોએ ચોંટાડાવા લાગ્યા જ્યાં લોકો સિગારેટ પીતા હતા. આશ્ચર્ય ત્યારે થયું જ્યારે 2012માં 'વર્લ્ડ નો ટોબેકો ડે'ના દિવસે દિશાએ પાનની તમામ દુકાનો પર જઈને વિનંતી કરી કે તેઓ માત્ર એક કલાક માટે તમાકુની પ્રોડક્ટ ન વેચે અને તેની અસર પણ થઈ. દિશાના આ પ્રયાસના ખૂબ જ વખાણ થયા. ત્યારબાદ દર વર્ષે 'વર્લ્ડ નો ટોબેકો ડે' દરમિયાન દુકાનો દ્વારા એક કલાક માટે તમાકુની પ્રોડક્ટ નહોતી વેચવામાં આવતી.

image


દિશા દુકાનદારો પાસેથી સિગારેટ અને તમાકુના પડીકા ભેગા કરતી અને જાહેરમાં તેની હોળી કરતી. દિશાનું માનવું હતું કે ભલે તેના અભિયાનમાં કેટલાક હજાર લોકો જ જોડાયા હોય પણ એક દિવસ આવશે જ્યારે તે સમાજના એખ મોટા ભાગને તમાકુથી મુક્ત કરી ચૂકી હશે. દિશાની કોલોનીમાં રહેનારા કેટલાક લોકો એવા છે જે હજી સિગારેટ પીવાનું છોડતા નથી છતાં જો તે દિશાને દૂરથી પણ આવતી જૂએ તો હાથમાં રહેલી સિગારેટ નાખી દે છે. દિશા આજે પાંચમા ધોરણમાં ભણે છે. અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિમાં પણ તો યોગ્ય રીતે સંકળાયેલી છે. ત્યારપછી તેને જે સમય મળે તેમાં તે પોતાના અભિયાન માટે નિકળી પડે છે.

image


તમાકુ વિરુદ્ધ અભિયાન શરૂ કરવા પાછળ દિશાનો ખાસ આશય છે. દિશા પોતાના દાદાને ખૂબ જ પ્રેમ કરતી હતી. ઘરમાં દાદાજી સાથે રમવું, ફરવા જવું, બગીચામાં જવું, તેમની પાસેથી વાર્તાઓ સાંભળવી. દિશા તેના દાદાજીની લાડકી હતી. અચાનક એક દિવસ દાદાજીનું મોત થયું અને ત્યારબાદ દિશા સાવ ગુમસુમ થઈ ગઈ. તે વખતે દિશા માત્ર ત્રણ વર્ષની હતી. જ્યારે તે પાંચ વર્ષની થઈ ત્યારે તેને પોતાના પિતા પાસેથી ખબર પડી કે તેના દાદાનું મોત સિગારેટ પીવાના કારણે થયું હતું. પિતા પાસેથી આ વાત સાંભળ્યા પછી તે વાત તેના બાળમાનસમાં ઘર કરી ગઈ. આ નાનકડી પીડા ક્યારે અભિયાનમાં બદલાઈ ગઈ તેનો ખ્યાલ જ ન આવ્યો.

image


હાલમાં જ દિશાએ તમાકુના સેવન વિરોધી એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે, ‘નઈ દિશા – બદલતે રાસ્તે’. આ પુસ્તકમાં દિશાએ પોતાના દાદાજી સાથે પસાર કરેલા દિવસો અને સિગારેટના કારણે તેમના બગડતા સ્વાસ્થ્ય અને પછી તેમની મોત સાથે જોડાયેલા કેટલાક કિસ્સા લખ્યા છે. સાથે તેણે નશાના કારણે બરબાદ થયેલી અનેક લોકોની જિંદગીના કિસ્સા તથા નશો છોડ્યા પછી તેમના જીવનમાં આવલા પરિવર્તનના કિસ્સા પણ લખ્યા છે. ટૂંક સમયમાં આ પુસ્તક સ્કૂલના બાળકોને વહેંચવામાં આવશે. જેથી તેને વાંચીને અન્ય બાળકો પણ પોતાના ઘર, પરિવાર અને આસપાસના લોકોને તમાકુ છોડવા સમજાવી શખે. દિશાના પિતા બિઝનેસમેન છે અને તે સમય કાઢીને પોતાની દીકરીના અભિયાનમાં મદદ કરે છે. દિશાના લખેલા પુસ્તકને દરેક સ્કૂલમાં વહેંચવાની તેઓ તૈયારી કરી રહ્યા છે.


લેખક- સચિન શર્મા

અનુવાદક- મેઘા નિલય શાહ