ઉદ્યોગસાહસિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શું શીખી શકે છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ ધરાવતી સરકાર 2 વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે ઉદ્યોગસાહસિકોને નરેન્દ્ર મોદીના કયા ગુણ, કઈ બાબતો સૌથી વધુ પસંદ છે તે વિશેનો એક ખાસ અહેવાલ
26 મે, 2016ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ ધરાવતી સરકાર બે વર્ષ પૂર્ણ કરી રહી છે. આટલા ટૂંકા સમયગાળામાં નરેન્દ્ર મોદી દેશવાસીઓના લોકપ્રિય નેતા બની ગયા છે તે વાતને કોઈ નકારી શકે તેમ નથી. તો વિદેશમાં પણ તેમણે ઘણી લોકચાહના હાંસલ કરી છે. આ 24 મહિનાઓમાં એવી અનેક તકો અને પડકારો આવ્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારના નિર્ણયે દેશનું મસ્તક ગર્વથી ઊંચું કરી દીધું હોય. દુનિયાના અન્ય દેશો સાથેના સંબંધોને લઈને પણ પ્રધાનમંત્રી ખૂબ ચર્ચામાં રહ્યાં છે.
આ 2 વર્ષના કાર્યકાળમાં દુનિયાના દરેક મંચ પર મોદી છવાયેલા જોવા મળ્યા. એવી કેટલીક બાબતો જોઈએ કે જેને મોદી સરકારની સિદ્ધી ગણી શકાય:
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્લોબલ ડિપ્લોમેસીને તેમને એક ગ્લોબલ નેતા બનાવ્યા. દુનિયાના ટોપ CEOs પણ ભારતના માર્કેટ સુધી ખેંચાયા અને જે દેશો સાથે અત્યાર સુધી ભારતથી દૂર હતાં તેમની સાથે પણ નવા સંબંધનો પ્રારંભ થયો.
- ઇન્સ્યોરન્સ, ડિફેન્સ જેવા સેક્ટર્સમાં FDIની મંજૂરીથી ઉદ્યોગોમાં રોકાણ વધ્યું. આ નિર્ણયથી ભારતની સ્થિતિ દુનિયાભરના માર્કેટમાં વધુ મજબૂત બની.
- મોદી સરકારે સબસિડી સીધી ગરીબોના બેંક ખાતામાં પહોંચાડી. તેનાથી ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટ્યું.
જોકે નિષ્ણાતો તો માને છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં તેમની સ્ટાઈલ તથા ફેશન સ્ટેટમેન્ટ પણ મહત્વનો રોલ ભાવે છે.
સ્વાભાવિક છે કે મોદી સરકાર જ્યારે શાસનના 2 વર્ષ પૂરા કરી રહી છે ત્યારે મોદી સરકારની સિદ્ધિઓ, સફળતા વિષે ઘણું લખાશે. આ 24 મહિનામાં સરકારના ઘણાં નિર્ણયોએ ભારત દેશની છબી દુનિયાભરમાં વધુ મજબૂત કરી છે. પણ આજના યુવાનો માટે નરેન્દ્ર મોદીનું એક અભિયાન આજે તેમને એક સફળ અને લોકપ્રિય નેતા બનાવી રહી છે. અને તે પહેલ, તે શરૂઆત, તે અભિયાન એટલે 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા'. એક એવી પહેલ જેનાથી દેશના યુવાનોને પોતાના આઈડીયાઝ, પોતાના વિચારોને એક વાસ્તવિક સ્વરૂપ આપવાનું શક્ય થતું દેખાયું. અને આજે દેશના કોઈ પણ નાના શહેર કે નગરથી લઈને મેટ્રો સિટીઝ સુધી યુવાનો 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા'ને સમર્થન આપી રહ્યાં છે.
ખાસ કરીને, ઉદ્યોગસાહસિકો ટેકનોલોજીના જાણકાર અને આજના સમયને પારખીને આગળ વધી રહેલા નેતાથી ઘણાં પ્રભાવિત છે અને તેમની પાસેથી ઘણું બધું શીખી રહ્યાં છે. ત્યારે અમે દેશના વિવિધ શહેરોમાં ઉદ્યોગ કે નાણાંકીય નિષ્ણાતો તેમજ ઉદ્યોગસાહસિકોને પૂછ્યું કે,
ઉદ્યોગસાહસિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શું શીખી શકે તેમ છે?
ત્યારે અમને આ સવાલના વિવિધ જવાબો મળ્યા. જોઈએ કે આખરે વડાપ્રધાન મોદીના એવા કયા ગુણો, ખાસિયતો છે જે ઉદ્યોગસાહસિકોને પ્રભાવિત કરી રહ્યાં છે.
- જયદેવસિંહ ચુડાસમા, નાણાંકીય નિષ્ણાંત
"હરણફાળ ભરો. નાનું નહીં, હંમેશા મોટું વિચારો અને રિસ્ક લો. ધીરજ રાખો પણ આત્મવિશ્વાસ પણ હંમેશા રાખો. કોઈ પણ કાર્યમાં તમે આગળ વધો છો એ પહેલાં તમારી સ્ટ્રેન્થ, તમારી નબળાઈ, તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને એક બેકઅપ પ્લાન સાથે જ આગળ વધો. અડચણો આવશે. તેનાથી ગભરાશો નહીં, તમારા ધ્યેય સુધી તમારે પહોંચવાનું જ છે અને તે દિશામાં કામ કર્યે રાખો. તમારી ટીમ સાથે નિયમિતરૂપે વાત કરો. તમારા લોકોને પ્રોત્સાહિત કરતા રહો અને તમારી સફળતાને માણતા રહો."
- જગદીશ ઠક્કર, CA-નાણાંકીય સલાહકાર
"મન હોય તો માળવે જવાય. તમારા નસીબને દોષ ના આપ્યા કરશો. પડકારોને સ્વીકારો. યાદ રાખજો સફળતાના મૂળમાં 99% તમારો પરસેવો અને 1% પ્રેરણા હોય છે."
- જે રાજમોહન પિલ્લાઇ, ઉદ્યોગપતિ
"નરેન્દ્ર મોદી ખુદ દેશમાં ઉદ્યોગસાહસિકતાનું સૌથી મોટું ઉદાહરણ છે. 'રાજકારણ' તેમની ઉદ્યોગસાહસિકતા છે."
- તૌફીક એહમદ, ઉદ્યોગસાહસિક
"'સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા. 'સ્ટાર્ટઅપ મોદી, સ્ટેન્ડઅપ મોદી'. આજે સ્ટાર્ટઅપ્સ દેશની સફળતામાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યાં છે. અત્યાર સુધીના સ્ટાર્ટઅપ્સ અને યુવાનોને સમજનારા ફ્રેન્ડલી વડાપ્રધાન."
- સી.કે.રેંગનાથન, ફાઉન્ડર અને ચેરમેન, CavinKare
"જો તમે કોઈ પણ કામ અદમ્ય જુસ્સા અને લગન સાથે કરશો તો તમે જાદુઈ અસર ઉભી કરી શકશો."
- સરથબાબુ, ફાઉન્ડર અને ઉદ્યોગસાહસિક, FoodKing
"તેઓ સ્વપ્નદ્રષ્ટા છે. ખૂબ જ સરળ અને દૂરદર્શિતા ધરાવે છે. ટાર્ગેટ સેટ કરવા અને તમારી ટીમને, તમારા સભ્યોને એ ટાર્ગેટ સિદ્ધ કરવા પૂરતી સ્વતંત્રતા આપવી. ટીમના સભ્યો માટે એક સારા લીડર બનવું. ગ્લોબલ ટ્રેન્ડસને તમારા સુધી લાવો અને ભારત દેશમાં જ વૈશ્વિક કુશળતા જેવું કૌશલ વિકસાવો. કોઈ પણ છેવાડાના, કોઈ પણ કામ કરતી વ્યક્તિ સાથે વાતચીત કરો. વિચારોનું આદાનપ્રદાન કરો. ક્ષમતાઓને ઓળખો. એક લીડર તરીકેની તમારી શાખ તમારા દેશનું મૂલ્ય બની જશે."
- પ્રશાંત સાગર, ઉદ્યોગસાહસિક
"સ્ટાર્ટઅપ અને યંગ ઇન્ડિયાનો વિચાર, તેની કલ્પના, તેના અસ્તિત્વને કારણે ઘણાં નવા ફંડિંગ અને રોકાણો દેશમાં આવશે. નજીકના ભવિષ્યમાં જ ભારત એક 'બિઝનેસ નેશન' તરીકે ઓળખાશે. આજે યુવાનો કે કોઈ પણ વ્યક્તિ માટે કોઈ નવું કામ, બિઝનેસ શરૂ કરવું ઘણું સરળ બન્યું છે કારણ કે તેમની સાથે સરકાર ઉભી છે. પ્રધાનમંત્રીએ અમારા જેવા બિઝનેસમેન માટે વિચારીને દેશમાં એક અલગ જ માહોલ ઉભો કર્યો છે."
- જયપ્રકાશ, બિઝનેસમેન, CEO, Agrico
"જો પ્રધાનમંત્રીના આ આયોજનને યોગ્ય રીતે અમલમાં મૂકાશે તો ભારત દેશ વેસ્ટર્ન US તેમજ રશિયાની જેમ આગળ વધશે. લોકો દેશને અલગ દ્રષ્ટિથી જ જોશે. નવા બિઝનેસ પ્લાન્સ તેમજ પ્રોત્સાહનના કારણે દેશમાં ઘણાં બદલાવ આવશે અને એ દિવસ હવે દૂર નથી."
'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' વિશેની વધુ માહિતી અને સ્ટોરીઝ જાણવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો
આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:
'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' દેશમાં ઉદ્યોગસાહસિકતા, રોજગારીને પ્રોત્સાહન આપશે: નારાયણ મૂર્તિ
૧૦મું પાસ મિકેનિકના સ્વપ્નોને ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’એ વેગ આપ્યો, સૌથી ઓછા ખર્ચે ચાલતી ઈ-બાઇક તૈયાર કરી
ધોરણ 10 પાસ મિકેનિકે બનાવી પાણીથી ચાલતી કાર, 'મેક ઈન ઈન્ડિયા' માટે વિદેશી ઓફર પણ ઠુકરાવી