પોતાના નામને સાર્થક કરતી: અમદાવાદની ‘રચના’
‘રચના’ એમના નામને સાર્થક કરવા અવનવી રચનાઓ કરી રહ્યાં છે. રચનાની આ રચનાઓ એટલે સ્કલ્પચર્સ.
અમદાવાદમાં રહેતા રચના દવેની સ્કલ્પચર આર્ટિસ્ટ તરીકેની એક આગવી ઓળખ છે અને તેઓએ પોતાના શોખને પૂર્ણ સમયનો વ્યવસાય બનાવી દીધો છે. ઉદ્યોગસાહસિકની હોવા છતાં ઘરપરિવારની સંભાળ પણ કુનેહપૂર્વક રાખી રહ્યાં છે. આ ઉદ્યોગસાહસિક મહિલા માત્ર 33 વર્ષના છે તથા તેમણે 26 વર્ષેની વયે જ પોતાની કંપની રજિસ્ટર કરાવી હતી.
ચાલો જોઈએ રચનાએ ક્યાંથી અને કેવી રીતે શરૂઆત કરી?
પસંદગીનો અવકાશ
લગભગ દોઢ દાયકા પહેલાં જ્યારે રચના એ તેમનું 10મું ધોરણ પાસ કર્યું ત્યારે કોઈને અણસાર પણ ન હતો કે તેઓ પોતાનો સ્વતંત્ર્ય વ્યવસાય કરશે. તેની બંને મોટી બહેનો સાયન્સ વિષયો સાથે અભ્યાસ કરી રહી હતી. પરંતુ તેને અભ્યાસમાં લેશ માત્રનો રસ હતો નહીં. તેમના મમ્મી મિનાક્ષીબહેન અને પિતા અશ્વિનભાઈએ પોતાની મોટી દીકરીઓની જેમ જ તેને આગળના અભ્યાસ માટે સ્વપસંદગીનો અવકાશ આપ્યો. રચનાના ડ્રોઈંગ કરવાના શોખને કારણે તેમની ઈચ્છા ફાઈન આર્ટ્સ લેવાની હતી. તેમની પસંદગીને માન આપી તેમના મમ્મી-પપ્પાએ ફાઈન આર્ટ્સમાં જવાની સહમતિ આપી. પરંતુ રચનાએ 10મા ધોરણમાં ચિત્રકામ લીધુ ન હોવાથી તેમને ફાઈન આર્ટ્સમાં એડમિશન મળે તેમ ન હતું. પણ જો 10 ધોરણને સમકક્ષ ચિત્રકામની પરીક્ષા આપે તો બીજા વર્ષે એડમિશન મળી શકે. પરિવારના બધા મૂંઝવણમાં પડ્યાં. એમ તો તેમનું એક વર્ષ બગડી જાય. વચેટ માર્ગ તરીકે હોમ સાયન્સમાં એડમિશન લીધું અને 10માં ધોરણને સમકક્ષ ચિત્રકામની પરીક્ષાની તૈયાર ચાલુ કરી. રચના અને તેમના પરિવારને લાગ્યું કે હવે બધુ પાર ઉતરશે. રચનાએ જ્યારે ચિત્રકામની પરીક્ષા પાસ કરી ત્યારે ઘરમાં જાણે આનંદ આનંદ છવાઈ ગયો. હવે તેમને જે ભણવુ હશે તે કરી શકાશે.
શિક્ષણનો પ્રારંભ
સમય જાણે તેમની કસોટી કરી રહ્યો હતો. એડમિશન ફોર્મ ભર્યું તો ખરું. પરંતુ દસમા ધોરણની ઓછી ટકાવારીને લીધી માત્ર સ્કલ્પચર ફેકલ્ટીમાં જ તેમને એડમિશન મળે તેમ હતું. જ્યારે રચનાને કોમર્શિયલ આર્ટ્સમાં શિક્ષણ લેવું હતું. કોઈ વિકલ્પ બાકી ન રહેતાં તેમના પપ્પા અશ્વિનભાઈએ અમદાવાદ સી.એન ફાઈન આર્ટ્સની ફેકલ્ટીઓ સાથે ચર્ચા કરી. સ્કલ્પચરના અભ્યાસ વિશેની માહિતી એકત્રિત કરી. તેમને એવું લાગ્યું કે જો ફાઈન આર્ટ્સ કરવું જ હશે તો સ્કલ્પચરમાં એડમિશન લેવું પડે અને કોલેજ ફેકલ્ટીઓના મત પ્રમાણે સ્કલ્પચર પણ ડ્રોઈંગ સાથે સંકળાયેલી કલા જ છે તથા તેનું ભવિષ્ય પણ ઉજ્જવળ છે.
અંતે રચનાએ સ્કલ્પચરના અભ્યાસક્રમમાં એડમિશન લઈ લીધું. પાંચ વર્ષના આ અભ્યાસક્રમમાં તબક્કાવાર પસાર થતાં સ્કલ્પચરની કલા સાથે રચનાનો પરિચય જેમ વધતો ગયો તેમ તેનામાં સર્જનાત્મકતા વિકસતી ચાલી. નીતનવીન વિચારો આવતાં ગયાં. તે વિચારોને વાસ્તવિકતાનું રૂપ આપવા તેમના પપ્પા પણ ખૂબ મદદ કરતા. એક-એક પ્રોજેક્ટ મહિનાઓ સુધી ચાલ્યા કરતો અને અનેક અડચણો પાર કરી સુંદર સ્કલ્પચર તૈયાર થતું. સ્કલ્પચર બનાવવું તે માનસિક ઉપરાંત શારીરિક મહેનત માગી લે તેવી કલા છે. તેથી ક્યારેક હથોડી સાથે કામ કરવું પડતું તો ક્યારેક આરી સાથે કામ કરવું પડતું. ક્યારે કપડાં પર માટી લાગતી તો ક્યારેક લાલ-લીલો-પીળો રંગ. પાંચ વર્ષના અંતે રચનાએ નાના મોટા અનેક સ્કલ્પચર્સ બનાવ્યા. તેમનો શૈક્ષણિક અભ્યાસક્રમ પૂર્ણ થયો. 12મું ધોરણ પાસ કર્યા વગર ફાઈન આર્ટ્સની સાથે તેણે હોમસાયન્સમાં ડિપ્લોમા અને મનોવિજ્ઞાન સાથે બી.એ.નું શિક્ષણ પણ પૂર્ણ કર્યું.
નવો વિચાર, નવી શરૂઆત
સમય પસાર થતો ગયો. રચનામાં ડ્રોઈંગના શોખની સાથે સ્કલ્પચર્સ બનાવવાનો શોખ વિકાસ પામ્યો હતો. નાના મોટા ઘણાં સ્કલ્પચર્સ બનાવ્યા. આમ જોઈએ તો શોખથી બનાવેલા સ્કલ્પચર પાછળ તેમના પપ્પાનું ખિસ્સું ઘણું હલકું થતું. તેના પપ્પા તેની ત્રણેય દીકરીઓને ખુશ જોવા ઈચ્છા હોવાથી તેમના શોખ અનુસાર બનતી તમામ મદદ કરતાં. તેમના પપ્પાની આ જ વિચારસરણીને કારણે રચનાનો આ ખર્ચાળ એવો શોખ જળવાઈ રહ્યો હતો. ઘરના દરેક ખૂણે તેમના ડ્રોઈંગ અને સ્કલ્પચર જ દેખાતાં. એ અરસામાં તેમના લગ્ન થયા. તેમને લાગતું કે કળાની સાચી ઓળખ તેનો કદરદાન જ કરી શકે. પરિવારના તમામ સભ્યોની શાબાશી તો તેઓ કાયમ મેળવતાં જ. પરંતુ જો આ કળાને વ્યવસાય સાથે સાંકળીએ તો કેમ? એ પ્રશ્ન તેમના મનમાં ઊભો થયો. તેમણે પોતાના પપ્પાને ફરીથી કન્સલ્ટ કર્યાં.
વેપાર કુનેહ ધરાવતા તેમના પપ્પા અશ્વિનભાઈએ હંમેશની જેમ જ તેમના આ વિચારને પણ આવકાર્યો. સંભવિત ગ્રાહકો, ગુણવત્તા, માર્કેટિંગ વગેરે પાસાઓની ચર્ચાઓ થઈ. તૈયાર થયેલા સ્કલ્પચર્સના ફોટા લઈ માર્કેટિંગ શરૂ કર્યું. એમના પ્રથમ ઓર્ડરમાં 10,000 રૂપિયામાં ત્રણ સ્કલ્પચર્સ આપીને વ્યવસાયની શરૂઆત કરી. પ્રથમ વખત તેને લાગ્યું કે સ્કલ્પચરના શોખને વ્યવસાયમાં પલોટી શકાય એમ છે. મક્કમ નિર્ધારણ સાથે તેઓ ગળા ડૂબ કામમાં જોડાયા.
પારિવારિક જવાબદારીઓ અને પુત્ર આર્યનના ઉછેર સાથે રચનાએ પોતાના સ્વતંત્ર્ય વ્યવસાયમાં ઝંપલાવ્યું. માત્ર 26 વર્ષની ઉંમરે એ પપ્પા અશ્વિનભાઈ અને પતિ અભિષેકના માર્ગદર્શન હેઠળ 2008માં ફિનેશ આર્ટ (Finesse Art) કંપની શરૂ કરી. માર્કેટિંગના અભ્યાસ વિના આપબળે માર્કેટિંગ કરી કસ્ટમાઈઝ ઓર્ડર લેવાની શરૂઆત કરી. શરૂઆતમાં મોટા ભાગે ફાઈબરના મટીરિયલમાં ઓછી ઊંચાઈના સ્કલ્પચર્સના ઓર્ડર લેવાતા. ધીમે ધીમે તેમના કામમાં વૈવિધ્યતા આવી.
“ગ્રાહકનો સંતોષ એ જ વ્યવસાયની સાતત્યતા સૂચવે છે.”
એવું હંમેશા માનતા રચના દવે એ ફાઈબર કરતાં વધુ ટકાઉ એવા એમએસ, એસએસ તથા બ્રાસ મટીરિયલનો ઉપયોગ કરી સ્કલ્પચર્સ બનાવવાના શરૂ કર્યા. ગુણવત્તા સાથે કામ આપવું એ એમનો કાર્યમંત્ર રહ્યો છે. આધુનિકતા અને કમર્શિયલ પહેલુંને સાકાર કરતાં તેમના સ્કલ્પચર્સ બે ફૂટથી લઈ 50 ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યા છે. માંડ બે કારીગરો અને પોતે એમ ત્રણ વ્યક્તિઓની ટીમથી કામની શરૂઆત કરી હતી. હવે તેમની પાસે 20 સ્કિલફુલ કારીગરો અને અલગ માર્કેટિંગ સ્ટાફ છે. જ્યારે એકાઉન્ટની આંટીઘૂંટી ઉકેલવામાં તેમનો ભાઈ કુંજન, પોતાના વ્યવસાય સાથે ફિનેશ આર્ટમાં સમય આપે છે. સૌથી મજાની વાત તો એ છે કે તેમના પતિ અભિષેક દવેએ પોતાની પત્નીના વ્યવસાયમાં મદદરૂપ થવા નામાંકિત બેંકની નોકરી છોડી દીધી છે. છેલ્લા 6 મહિનાથી તેમના પતિ અભિષેક દવે પૂર્ણ સમય માટે ફિનેશ આર્ટ કંપનીમાં જોડાયા છે. શરૂઆતમાં પરિવારની વ્યક્તિઓ કે મિત્રોને જાણ થતાં સૌને આશ્ચર્ય થતું. અભિષેક દવે જણાવે છે,
"જ્યારે મારી આસપાસના લોકોને જાણ થવાની શરૂ થઈ કે મેં બેંકની નોકરી છોડી દીધી ત્યારે તેમને આશ્ચર્ય થતું. જ્યારે હું ફિનેશ આર્ટ સાથે જોડાયો કે રચનાના બિઝનેસમાં કામ કરું છું. ત્યારે તેમના ચહેરા પર એથી વધુ આશ્ચર્ય જોવા મળતું.”
હાલમાં અભિષેક દવે ફિનેશ આર્ટમાં પ્રોડક્શન અને માર્કેટિંગની કામગીરી સંભાળી રહ્યાં છે. વ્યવસાયિક સ્તરે ફિનેશ આર્ટને વધુ સજ્જ બનાવવા મહેનત કસી રહ્યાં છે. માર્કેટિંગના ટુલ જેવાં કે બ્રોશર, વેબસાઈટ (finesseart.co.in), વગેરેને પણ નવા રૂપરંગ આપ્યાં છે. રચના દવે કહે છે,
“અભિષેકની માર્કેટિંગની ઊંડી સૂઝને કારણે ફિનેશ આર્ટ હજુ ઊંચા લક્ષ્યાંકો સિદ્ધ કરી શકશે.”
ફિનેશ આર્ટની પ્રગતિ દિન ગુની રાત ચોગની જેટલી છે. ચાલુ વર્ષમાં ફિનેશ આર્ટનું ટર્નઓવર 50 લાખથી પણ વધુ થયું છે. કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ હંમેશા એક સ્ત્રીનો હાથ હોય છે. જ્યારે અહીં એક સફળ સ્ત્રીની પાછળ એના પિતા, પતિ અને ભાઈ એમ ત્રણ પુરુષોનો હાથ છે, એવું કહેવામાં સહેજ પણ અતિરેક નહીં ગણાય.